ગુજરાતની દીકરીની સ્પેસમાં મોટી સિદ્ધિ: ૬ નવી આકાશગંગા શોધી, હવે બ્રહ્માંડમાં ગુંજશે ભારતીય નામ!

દેશના Gen-Z માટે પ્રેરણાસ્રોત। ગુજરાતનાં યુવા ખગોળ વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહની સિદ્ધિની વાત । બ્રહ્માંડમાં છ ગેલેક્સી સમૂહો અંકિત થયા છે... આપણા સાંસ્કૃતિક નામોથી - ડૉ. એકતા શાહ (યુવા ખગોળ વૈજ્ઞાનિક)

    ૧૩-જૂન-૨૦૨૬
કુલ દૃશ્યો |

anands-ekta-shah-discovers-6-new-galaxies-for-nasa
 
 
Titleઆજે કેટલાંક એક્ટિવિસ્ટ Gen-Zના નામે જંતર મંતર પર ધરણા કરી દેશની સ્થિતિ ડામાડોળ કરી રહ્યાં છે અને પોતાને ભારતના સમગ્ર Gen-Zના પ્રતિનિધિ તરીકે ખપાવી રહ્યાં છે. આવું જ અગાઉ પણ ઘણી વખત થયું છે કે, ખોટા મુદ્દાઓને સમગ્ર ભારતના Gen-Zના નામે ચડાવીને દેશની છબીને નુકસાન પહોંચાડવામાં આવે છે. વાસ્તવમાં ભારત દેશની Gen-Z આ વાહિયાત અને વલ્ગર, નખરા અને માંગ કરતું Gen-Z નથી. ભારતનું Gen-Z તો રાષ્ટ્રની પ્રગતિ માટે ભારતમાંથી જ પ્રેરણા લઈને પોતાનું પ્રદાન કરે છે. આવો જ એક પ્રેરણાસ્રોત એટલે ગુજરાતનાં એક યુવા વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહ. તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા ડેવિસમાં પોસ્ટ ડૉક્ટરલ રિસર્ચ દરમિયાન બ્રહ્માંડના પ્રારંભિક સમયમાં અસ્તિત્વ ધરાવતા ૬ નવા ગેલેક્સી સમૂહો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, તે ગેલેક્સી સમૂહોને તેઓએ ૬ ઇન્દ્રિયોનાં નામ આપી બ્રહ્માંડમાં ભારતનો સાંસ્કૃતિક ધ્વજ હંમેશા માટે લહેરાવી દીધો છે. અત્યારે વેકેશન પૂર્ણ થયું છે અને અભ્યાસકાર્ય શરૂ થયું છે, ત્યારે વિશ્વફલક પર ભારત સાથે સાથે ગુજરાતનું નામ પણ ગાજતું કરનાર બ્રહ્માંડની અનુભૂતિ પામેલાં અને અનોખી સિદ્ધિ મેળવનાર યુવા ખગોળશાસ્ત્રી ડૉ. એકતા શાહે જે અથાક પરિશ્રમ કર્યો છે, તેમાંથી સૌ વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવે. તેઓની સાથે થયેલી વિશેષ મુલાકાતના અંશો અહીં પ્રસ્તુત છે...
 
 
આપનું સૌથી મોટું સ્વપ્ન શું હતું? બ્રહ્માંડ અંગે જાણવાની જિજ્ઞાસા આપને ક્યારે થઈ?
 
મારું સૌથી મોટું સ્વપ્ન વિશ્વનું શ્રેષ્ઠ સ્થાન બ્રહ્માંડ અંગે જાણવા-સમજવા-શીખવાનું હતું. બાળપણથી જ મને બ્રહ્માંડ અંગે ખૂબ જ જિજ્ઞાસા થતી. દિવસ દરમિયાન પ્રકૃતિમાં રત રહેતી અને રાત પડે ને તારાઓમાં ખોવાઈ જતી હતી. અને હું ભાગ્યશાળી છું કે, આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે આટલા પ્રમાણમાં પ્રદૂષણ ન હતું. અને તારામંડળ સ્પષ્ટ દેખાતું હતું. તારાઓની દુનિયા જ એવી છે કે, તમે શાંતિથી જોતા હો ત્યારે જિજ્ઞાસા થાય ને થાય જ કે, આખરે આ બધું છે શું? અને સદ્‌ભાગ્યે મારા ઘરમાં પણ મને એવું વાતાવરણ મળ્યું કે, હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી. ટીવીમાં આવતી ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફી જેવી ચેનલ અને સફારીની બુક્સ જેવા સ્રોતોથી હું બ્રહ્માંડ અંગે વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કરતી હતી. હું જ્યારે શાળામાં હતી ત્યારે જ મેં મારા કપબોર્ડ પર ‘નાસા’ (NASA) લખી દીધું હતું. જે હજી પણ લખેલું જ છે. મારા માટે ત્યાં પહોંચવું સહેલું ન હતું. અમે એક જ રૂમના ઘરમાં રહેતાં હતાં. અમારા આખા પરિવારમાં ખગોળશાસ્ત્રમાં વિષયમાં તો શું સાયન્સમાં પણ કોઈ ન હતું. ઘરની આર્થિક સ્થિતિ ઠીક ન હતી. આમ આર્થિકથી લઈ માર્ગદર્શન સુધી મારા માટે અનેક પડકારો તો હતા જ. છતાં બસ મારું લક્ષ્ય હતું કે, ગમે તેમ કરી અહીં પહોંચવું જ છે.
 
એક યુવતી તરીકે આપ આ ક્ષેત્રે આટલાં બધાં આગળ છો? તેમાં આપના પરિવારની ભૂમિકા અંગે જણાવશો?
 
બિલકુલ! પરિવારના સહકાર બાબતે તો હું ખૂબ જ ભાગ્યશાળી છું. કહેવાય છે ને કે, ક્યારેક ક્યારેક કોઈ માણસો માત્ર તમારા માટે જ બનાવાયા હોય, મારાં માતા-પિતા બાબતે પણ આવું જ છે. આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં દીકરીઓના શિક્ષણને લઈ વાતાવરણ અને માનસિકતા આજના જેવી સાનુકૂળ ન હતી. એમાં પણ અમે મૂળ રાજસ્થાનનાં છીએ, ત્યાં તો સમાજ વધારે સંકુચિત હોય, અને એમાં હું પણ પરિવારની એક માત્ર દીકરી હતી. છતાં પણ એક દીકરી પર જે મર્યાદાઓનાં બંધનો હોય તે બંધનોમાં મને ક્યારેય બાંધી નથી. મારાં માતા-પિતાએ મારી વાતોને સમજી અને મારા સ્વપ્નને હંમેશા મહત્ત્વ આપ્યું છે. તેમનું એ જ વર્તન મારા અંતરઆત્માનો અવાજ અને આત્મબળ બન્યું હતું. તેઓએ મને હંમેશાં સંવાદ કરતાં, પ્રશ્નો કરતાં, જિજ્ઞાસા કરતાં શીખવ્યું, પ્રોત્સાહિત કરી.
 
આપણી ભગવદ્‌ગીતા પણ એક સંવાદ જ છે ને! ભગવદ્‌ગીતાની એ જ વસ્તુ મને વિજ્ઞાન સમજવામાં ખૂબ જ મદદરૂપ થઈ, કારણ કે પ્રશ્ન એ સાયન્સ (વિજ્ઞાન)નું ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાસું છે. કોઈ વૈજ્ઞાનિકે કહ્યું તેટલા માત્રથી તે માની લેવું એવું વિજ્ઞાન નથી શીખવતું. વિજ્ઞાન તો પ્રશ્ન કરવાનું શીખવે છે.
 
મારા સ્નાતક અને સ્નાતકોત્તર દરમિયાન ભારતમાં એસ્ટ્રોનોમી ક્ષેત્રે આજના જેટલી જાગૃતિ ન હતી ત્યારે સમર-વિન્ટર કાર્યક્રમોમાં દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં મારે જવાનું થતું અને હું કોઈપણ પ્રકારના રીઝર્વેશન વગર ૩૫-૪૦ કલાક ટ્રેનની મુસાફરી કરી ત્યાં પહોંચતી હતી. આ બધું કરતાં મારામાં ગજબનો આત્મવિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ તો હું ઈટાલી, નેધરલેન્ડ અને આઈસલેન્ડ જેવા દેશોમાં પણ ગઈ હતી.
 
એસ્ટ્રોફિઝિસિસ્ટ બનવા માંગતા યુવાઓને આપ શું માર્ગદર્શન આપશો?
 
જુઓ માત્ર અંગ્રેજી માધ્યમવાળા જ આ ક્ષેત્રમાં જઈ શકે એવું બિલકુલ નથી. હું પોતે ૧૨મા સુધી ગુજરાતી માધ્યમમાં જ ભણી છું. ત્યારબાદ બીએસ.સી. ફિઝિક્સ એમ. એસ. યુનિવર્સિટીમાંથી કર્યું છે. M.Sc. ફિઝિક્સ IIT, બોમ્બેથી કર્યું છે અને એસ્ટ્રોફિઝિક્સમાં Ph.D. અમેરિકાની રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું છે. ત્યાં ૬ વર્ષ સંશોધન કર્યું ત્યારબાદ બીજાં ત્રણ વર્ષ અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં મેં રિસર્ચ કર્યું છે. એટલે કે આ પદ સુધી પહોંચવાનો રસ્તો B.Sc. ફિઝિક્સ, M.Sc. ફિઝિક્સ અને ત્યારબાદ Ph.D. છે. જોકે તમે આ ક્ષેત્રે કોમ્પ્યુટર સાયન્સ થકી પણ આવી શકો. ગણિતથી પણ આવી શકો. પરંતુ સામાન્ય રીતે મોટાભાગના લોકો મેં જે રસ્તો પસંદ કર્યો તે જ કરતા હોય છે. એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રમાં જે ફિઝિક્સ-ભૌતિક વિજ્ઞાન છે એનો ઉપયોગ તમે એસ્ટ્રોનોમિકલ સિસ્ટમને સમજવામાં વધુ સારી રીતે કરી શકો છો.
 
આપ આ ક્ષેત્રમાં જેટલાં આગળ વધ્યાં તેમાં કુલ ખર્ચ કેટલો થયો?
 
મેં પીએચ.ડી. એસ્ટ્રોફિઝિક્સની વાત કરી. તેમાં એક વર્ષની ફી લગભગ ૪૨ લાખ રૂપિયા હતી. એવાં છ વર્ષ કરવાનાં હોય છે. અમેરિકામાં મહિનાનો રહેવા-ખાવાનો ખર્ચ દોઢ-બે લાખ થઈ જાય. આ બધા માટે મને શિષ્યવૃત્તિ મળી હતી. મારી ફીસથી લઈ રહેવા-ખાવાનો ખર્ચ નાસાના ફંડમાંથી મને શિષ્યવૃત્તિ રૂપે મળ્યો હતો. જોકે એ શિષ્યવૃત્તિ મળવી એટલી સહેલી નથી, કારણ કે સમગ્ર દુનિયામાંથી માત્ર ૩ જ લોકો તેના માટે અમારી યુનિવર્સિટીમાંથી પસંદ થયા હતા. એમાં યુએસ બહારનું શિક્ષણ બેકગ્રાઉન્ડ રહ્યું હોય તેવી હું એકલી જ હતી.
 
થોડુંક નાસા વિશે પણ સમજાવશો?
 
આપણે ત્યાં જેવી રીતે ઈસરો છે તેવું અમેરિકામાં નાસા છે. મારા મનમાં નાસા વિશે ધારણા હતી કે, ત્યાં એસ્ટ્રોફિઝિક્સ માટે મોટાભાગનાં રિસર્ચ ત્યાં થતાં હશે. પરંતુ નાસા પોતે સંશોધનનાં સાધનો બનાવવાનું કામ વધારે કરે છે. નાસામાં ટેલિસ્કોપ સહિતનાં સાધનો બને છે. સમગ્ર વિશ્વમાંથી એસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રનાં સંશોધનોની પ્રપોઝલો ત્યાં આવતી હોય છે. તેમંથી શ્રેષ્ઠ પ્રપોઝલની પસંદગી થાય છે અને તેમાં નાસા ફંડ કરે છે. એટલે કે નાસામાં વધારે બનાવવાનું કામ થાય છે, એટલા માટે જ મારી પીએચ.ડી. નાસામાંથી નથી થઈ. રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી થઈ છે. મારું પીએચ.ડી. હતું તેના માટે મેંજે ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો, તે સાત-આઠ માળની બિલ્ડિંગ જેટલું વિશાળ કદનું હતું, તેનો એક રાતનો ઉપયોગ કરવાનો ખર્ચ ૧ કરોડ રૂપિયા થાય. અને એક કરોડ રૂપિયા આપી દેવાથી તે કાંઈ ઉપયોગ કરવા દે એવું ન હોય, પણ સમગ્ર વિશ્વમાંથી આવેલા પ્રોજેક્ટોના પ્રસ્તાવોમાંથી જે પ્રસ્તાવની પસંદગી થાય તેને જ તેનો ઉપયોગ કરવા દેવામાં આવે. તેમાં અમારા પ્રોજેક્ટ પસંદ થયા હતા, તેનો ખર્ચ પણ નાસા તરફથી મળ્યો હતો. નાસાની બીજી એક રસપ્રદ વસ્તુ એ છે કે, ૨૦૪૦-૪૫માં કયા કયા ટેલિસ્કોપ બનશે તે માટેનો સર્વે એ લોકોએ અત્યારથી કર્યો છે. આપણને તો કોઈ ટેલિસ્કોપ લોન્ચ થાય ત્યારે ખબર પડે છે, પરંતુ તેના માટે કામ છેક ૨૦-૨૫ વર્ષ પહેલાંથી શરૂ થઈ જતું હોય છે.
 
આપના પ્રોજેક્ટ્સ વિશે જણાવશો?
 
મેં જે પીએચ.ડી. વખતે જે રિસર્ચ કર્યું હતું.તેમાં મુખ્યત્વે બે ગેલેક્સી એટલે કે કરોડો તારાઓની જે એક રચના બને તેને ગેલેક્સી કહેવાય; આપણે તેને આકાશગંગા કહીએ છીએ. અને આવી ગેલેક્સી કાંઈ એકદમથી નથી બની જતી, બ્રહ્માંડમાં બધું બનતું હોય છે ત્યારે તેની સાથે સાથે બધું અહીંથી ત્યાં મૂવ પણ થતું હોય, બધાને એકબીજાનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોવાથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જતા હોય, ત્યારે મારું પીએચ.ડી. એના પર હતું કે, ‘બે ગેલેક્સી એકબીજા સાથે અથડાય તો શું થાય?’ આપણે વિચારીએ છીએ કે, બે ગેલેક્સી અથડાય એટલે વિનાશ જ થાય, પરંતુ મેં જોયું તે ઘણું રસપ્રદ હતું. ગેલેક્સીના અથડાવાથી તેમાં નવા નવા તારાઓ બને છે, હાઈડ્રોજન હિલિયમ જેવા વાયુઓ જ્યારે ભેગા થાય ત્યારે તેમાંથી તારાઓનું સર્જન થાય છે. ત્યારે બે ગેલેક્સી જ્યારે અથડાય છે તેમાં પણ વાયુઓ એવી રીતે ભેગા (કમ્પ્રેસ) થાય છે, જેનાથી નવા તારાઓનું સર્જન થાય છે. આમ બે ગેલેક્સીઓ અથડાય ત્યારે આપણને એ વિનાશનું દૃશ્ય લાગે, પરંતુ હકીકતમાં તે સર્જનની પ્રક્રિયા છે. અને બંને ભેગી થઈને મોટી ગેલેક્સીનું નિર્માણ કરે છે. આની અસરો બ્રહ્માંડ નાનું હતું ત્યારે અલગ હતી અને અત્યારે પણ અલગ છે. એમાં પણ આપણે ઓબ્ઝર્વેશનલી શું જોઈએ છીએ, અને સ્પેશિયલ ટેલિસ્કોપ લઈને જોઈએ છીએ, તેમાં શું દેખાય છે, આપણે કોમ્પ્યુટરમાં સિમ્યુલેશન કરીએ તેમાં આપણને શું જાણવા મળે છે? સતત ૬ વર્ષ સુધી એ અંગે સંશોધન ચાલ્યું. ત્યારબાદ મારું પોસ્ટ ડોક્ટર રિસર્ચ હતું. તેમાં હજારો ગેલેક્સી એટલે કે બે ગેલેક્સીને બદલે હજારો ગેલેક્સી જેને વિજ્ઞાનની ભાષામાં ક્લસ્ટર્સ કહેવાય છે, તે કેવી રીતે બન્યાં? ગેલેક્સી એકલી હતી ત્યારે અને ભેગી છે ત્યારે તેમાં થતી પ્રક્રિયામાં ઘણો તફાવત હોય છે. ઉદા. તરીકે મેગા સીટી બનતું હોય ત્યારે તેમાં ઘણી બધી શક્યતાઓ હોય, બની ગયા બાદ તેમાં શક્યતાઓ ઓછી થઈ જાય છે. તેવી જ રીતે ક્લસ્ટર્સમાં પણ જોઈ શકાય છે. જ્યારે તે બનતું હોય છે ત્યારે તેમાં જે ગેલેક્સીઓ હતી તેમાં ઘણા બધા તારા બને છે, બની ગયા બાદ તેમાં ઓછા તારા બને છે. આમ પહેલું બ્રહ્માંડમાં ગેલેક્સીઓના ક્લસ્ટર્સ એટલે કે મેગા સીટી કેવી રીતે બની, કેવી રીતે તેમાં પરિવર્તન આવ્યું. એ પરિવર્તનની ગેલેક્સી પર શી અસરો થઈ તે અંગે મારું સંશોધન હતું. અને આ સંશોધન દરમિયાન આવા ૬ ગેલેક્સી સમૂહો, મેગાસિટી બ્રહ્માંડ નાનું હતું ત્યારે જે બનતા હતા તેની મેં શોધ કરી. આવી શોધથી આપણને ખૂબ બધું જાણવા મળે, જેમ લોથલ હડપ્પા સંસ્કૃતિઓ ખૂબ ઓછી જાણીતી છે, પણ એ એક-એક સંસ્કૃતિથી આપણને કેટલું બધું જાણવા મળ્યું? તેવી જ રીતે એક-એક ઓછા જાણીતા ગેલેક્સી સમૂહો થકી આપણને ઘણું બધું જાણવા મળે, એટલે કે આવા ગેલેક્સી સમૂહો એસ્ટ્રોનોમિકલ લેબ્સ છે. આવા ૬ ગેલેક્સી સમૂહો મેં શોધ્યા અને તેનાં નામ આપવાની તક મળી. મજાની વાત એ છે કે, નામ સમૂહો આપવાના કોઈ નિયમ નથી હોતા. ગમે તે આપી શકાય.
 
આપે તે ગેલેક્સી ક્લસ્ટર (સમૂહ)નાં નામ શું આપ્યાં હતાં?
 
નામ આપવાનું મારા માટે મુશ્કેલ હતું કારણ કે, મારે એવું નામ આપવું હોય જેની સાથે બધા પોતાને સાંકળી શકે. અને બધાને એવું લાગે કે, આ ગેલેક્સી મારો જ ભાગ છે, તેથી મેં આપણી જે ૬ ઇન્દ્રિય છે તેના સંબંધિત નામ આપ્યાં. દૃષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ (ટેસ્ટ), સ્પર્શ અને સ્મૃતિ. આ ૬ નામ આપવાનું બીજું કારણ એ હતું કે, આપણે પણ બ્રહ્માંડનો જ ભાગ છીએ, અને આ નામો દ્વારા આપણાપણાનો એક ભાગ બ્રહ્માંડ હોય એવો અનુભવ આપણને થાય. આમ જોઈએ તો, માણસ ખૂબ નાનો લાગે, માણસ કરતાં મોટી પૃથ્વી, પૃથ્વી કરતાં ૧૩ લાખ ગણો મોટો સૂર્ય અને એવા કરોડો સૂર્યની એક ગેલેક્સી. આવી લાખો ગેલેક્સી બ્રહ્માંડમાં છે. તેની સામે આપણે તો રેતીના કણ જેવડા પણ નથી, પણ આ રેતીના કણ જેવડો માણસ પોતાની ઇન્દ્રિયોનો, પોતાની ચેતના, જ્ઞાનનો ઉપયોગ કરે છે, અનુભવનો ઉપયોગ કરે છે, તો આટલા વિશાળ બ્રહ્માંડને આટલી ગહનતાથી સમજી શકે છે. માનવીની આ શક્તિને મહત્ત્વ આપવા માટે મેં આ નામ આપ્યાં છે.
 
આ જે નામ આપ્યાં તે ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલાં છે, તે અંગે આપનું શું મંતવ્ય છે?
 
આનો જવાબ આપતા પહેલાં હું કહીશ કે, મારા માટે ગૌરવની વાત એ છે કે, અમારાં આ નામો સાથે રિસર્ચ પેપર ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પ્રકાશિત થયાં. આના માટે મને ઇટલી, નેધરલેન્ડ, આઈલેન્ડમાં પણ આમંત્રણ હતું. ત્યાંના સંશોધકો, અમેરિકાના સંશોધકો પણ આના પર સંશોધન કરી રહ્યા છે. અને એ પણ આપણા ભારતીય નામોથી જ આ ગેલેક્સીઓને બોલાવી રહ્યા છે. એ જ્યારે ભારતીય નામોથી ગેલેક્સીઓને સંબોધતા હોય ત્યારે ખરેખર ખૂબ જ ગર્વ અનુભવાતો કારણ કે, આવાં સ્થાનોએ એટલા બધા ભારતીય નામો નથી જોવા મળતાં. મેં ભારતીય નામો કેમ આપ્યાં એ અંગે વાત કરું તો, જે સંપૂર્ણ વંદે માતરમ્ છે. તેમાં એક લાઇન આવે છે, કે તુમ્હી વિદ્યા… એટલે કે મને એસ્ટ્રોફિઝિક્સનું ઘણું બધું જ્ઞાન વિદેશથી મળ્યું, પરંતુ તેની શરૂઆત ભારતમાંથી થઈ હતી. આ ક્ષેત્રે મારી જે દૃષ્ટિ વિકસી તે ભારતમાં વિકસી છે, એ જ્ઞાન (નોલેજ)ની ભૂખ ભારતમાં જાગી છે. તેથી સ્વાભાવિક રીતે જ મેં આપણી સંસ્કૃતિના સન્માનમાં ભારતીય નામો આપવાનું વિચાર્યું હતું.
 
બ્રહ્માંડમાં શોધાયેલી ગેલેક્સીને કેવી રીતે ઓળખી શકાય?
 
સામાન્ય રીતે લોકેશન નિશ્ચિત કરેલાં છે. મેં જે ગેલેક્સીઓ શોધી તેનાં સ્થાન મારા ઇન્ટરનેશનલ રીસર્ચ પેપરમાં આપેલાં છે. આમ પણ એને જોવું ખૂબ અઘરું એટલા માટે છે કે, તે બ્રહ્માંડમાંથી ખૂબ-ખૂબ જ દૂર હોય છે. તેને જોવા માટે સાત-આઠ માળની બિલ્ડિંગ જેવડા ટેલિસ્કોપની જરૂર પડે છે.
 
હવે આપની આ જર્ની (પ્રવાસ)માં આપને શી મુશ્કેલી આવી તે અંગે વાત કરશો?
 
મુશ્કેલી તો હું નહિ કહું, હા.. પડકાર જરૂર હતા. રિસર્ચ એ આપણા પરંપરાગત શિક્ષણમાં આવતું જ નથી. આપણા શિક્ષણમાં જેટલું પુસ્તકમાં આપેલું છે તેટલું જ પરીક્ષામાં આવતું હોય છે, પરંતુ સંશોધનમાં પહેલાં કોઈએ જે નથી કર્યું તે કરવાનો તમારે પ્રયત્ન કરવાનો હોય છે. ત્યારે તમારે પૈસા કમાવવા માટે આ કરવું હોય તો તે ન થાય, સંપૂર્ણ આત્મપ્રેરણાથી જ આ કામ શક્ય છે. અન્ય એક પડકાર એ પણ આવ્યો કે, મારાં માતા-પિતા અહીં હતાં અને હું ત્યાં (અમેરિકા). કોવિડ વખતનો સમય હતો. પીએચ.ડી.ના પ્રોજેક્ટ પતાવવાની સાથે સાથે મારું પોતાનું સ્વાસ્થ્ય સાચવવાનું, સાથે સાથે અહીંના લોકોની પણ ચિંતા થાય. તેની વચ્ચે સંતુલન સાધવું, તે મારે માટે મોટો પડકાર હતો.
 
બ્રહ્માંડમાં માણસની ભૂમિકા આપના મતે?
 
માણસ શું છે? બ્રહ્માંડનો જ એક ભાગ છે. એટલે કે બ્રહ્માંડનો જ એક ભાગ (માણસ) બ્રહ્માંડને જ સમજવા મથે છે. અલ્ટિમેટ જ છે તે જ્ઞાનની જ શોધ જ છે અને ભારતનો અર્થ જ જ્ઞાનની શોધ છે. જ્ઞાનની શોધ તો આપણી સંસ્કૃતિમાં વણાયેલી જ છે. આપણી સંસ્કૃતિ જુઓ આપણે ત્યાં ગુરુને ભગવાનથી પણ મોટા ગણવામાં આવ્યાં છે. અને કહેવાયું છે કે, ગુરુ ગોવિંદ દોઉ ખડે, કા કો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી, ગોવિંદ દિયો બતાય.
 
એટલે કે તમારી સામે ગુરુ અને ઈશ્વર (ગોવિંદ) બંને એક સાથે ઊભા થઈ જાય તો તમે કોના ચરણસ્પર્શ કરશો? આવી સ્થિતિમાં કબીરદાસજી કહે છે કે, હું મારા ગુરુનાં ચરણમાં શીશ ઝુકાવીશ, કારણ કે ગુરુએ જ મને ઈશ્વર સુધી પહોંચવાનો સાચો માર્ગ અને જ્ઞાન પ્રદાન કર્યું છે. આમ આપણી સંસ્કૃતિમાં જ્ઞાનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય વાત જ્ઞાનના શોધની છે અને એ જ્ઞાન માત્ર બાહ્ય નથી, આંતરિક પણ છે. પોતાને જાણવું, ‘સ્વ’ને જાણવું અને ‘સ્વ’માં પણ માત્ર હું નહિ, હું છું તો મારો પરિવાર શું છે? સમાજ શું છે? જેમ કેમેરા ખૂબ ઝૂમ કરી દેવામાં આવે તો તસવીર નહિ દેખાય, એનું ચિંતન કરવું અને ખૂબ ઝૂમ આઉટ કરી દેવાથી માત્ર બ્લર દેખાશે. એક પર્ટિક્યુલર લેવલના ઝૂમમાં જ આપણને આપણી સ્ટોરી (ચિત્ર) દેખાય છે. એવું જ આપણી આઈડેન્ટિટી (ઓળખ)નું પણ છે. એક ગાય ઘાસ ખાય છે, પરંતુ એ ગાય પોતે ઘાસ ખાય છે તેનો અભ્યાસ કરી શકતી નથી. પણ આપણે ગાયનો અભ્યાસ કરી શકીએ છીએ. ઘાસને ખાવું એ ગાયમાં છે અને એ પ્રક્રિયાનો અભ્યાસ કરવો માનવમાં છે. આપણે આપણા પોતાના માટે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, મારામાં એવું શું છે કે હું ગાયનો પણ અભ્યાસ કરી શકું છું અને બ્રહ્માંડનો પણ અભ્યાસ કરી શકું છું. માટે પોતાને પણ જાણવાનો પ્રયત્ન કરો એવી તો કરોડો ગેલેક્સી છે, એક શોધશો તો અનેક મળશે તે પ્રક્રિયાનો અંત આવવાનો નથી.
 
પછી તમે કઈ સિસ્ટમની આસપાસ છો તેનો વિચાર કરો. હું મારા પરિવારની આસપાસ છું, મારો પરિવાર શું છે તેની સાથે મારા સંબંધો છે? તેનું મહત્ત્વ શું છે? તેમાં મારી શું ભૂમિકા છે? તેવું જ સમાજ અંગે પણ વિચારો. હકીકતમાં આપણે પોતાને ક્યારેક ક્રેડિટ આપતા નથી કે, આપણે કેટલા વિશાળ થઈ શકીએ છીએ. ક્યારેય વિચારતા જ નથી કે, આપણે એ વિશાળ વ્યવસ્થાના ભાગ છીએ અને કેટલી વિશાળ વ્યવસ્થામાં આપણી કેટલી ભૂમિકા છે. તમે ધારો તો ઘણું બધું કરી શકો છો. પ્રકૃતિની સમગ્ર વ્યવસ્થા ખૂબ રસપ્રદ સમતુલા (બેલેન્સિંગ)થી ચાલે છે. આપણે જે પાણી પીએ છે તેની જ વાત લો. સમુદ્રમાંથી તેનું બાષ્પીભવન થાય છે. આટલું બધું કરોડો-કરોડો ટન પાણી ઉપર જાય છે, ત્યાં સ્ટોર થાય છે, ફરી પાછું મીઠા પાણીરૂપે આપણી પાસે આવે છે, કેટલી અદ્‌ભુત આ સમગ્ર પ્રક્રિયા છે. જ્યારે તમે પાણી પીવા માટે ગ્લાસ ઉઠાવો છો ત્યારે તે પ્રક્રિયાનું તમને જ્ઞાન હોવું જોઈએ. અને એ જ્ઞાન માત્ર તમારા મગજ પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તમારા થકી સમગ્રના જીવવામાં પણ આવવું જોઈએ. કેટલાક જ્ઞાની લોકોમાં ‘બધું જ પોતે જ જાણે છે’નો અલગ પ્રકારનો ઘમંડ હોય છે. પોતાનાથી ઓછું જાણનારા લોકોની સરખામણીમાં કોઈ પોતાને જુએ છે, ત્યારે તેમનામાં આ પ્રકારનો ઘમંડ આવે છે. જો અસ્તિત્વ સાથે સરખામણી કરતા રહીએ તો એ ઘમંડ ન આવી શકે.
 
ગેલેક્સી વિશેના સંશોધનના ફાયદા શું?
 
આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક આર્યભટ્ટથી એસ્ટ્રોનોમીની સંસ્કૃતિ રહી છે. ન માત્ર ભારતીય સંસ્કૃતિમાં, તમામ સંસ્કૃતિમાં એસ્ટ્રોનોમીને સમજવાની ભૂખ પહેલાંથી ખૂબ રહી છે. તેનો પ્રેક્ટિકલ એસ્પેક્ટ જોઈએ તો પહેલાંનાં સમયમાં વહાણવટા દરમિયાન દિશાઓ તારાઓથી નક્કી થતી. સામાન્ય રીતે પણ આપણે દિશાઓ તારાઓની સ્થિતિથી જ નક્કી કરતા હતા. ખેતી-પાક વાવવાનો સમયગાળો પણ તારાઓને જોઈને જ નક્કી થતો. આમ એસ્ટ્રોનોમી હંમેશાથી આપણા જીવનમાં ખૂબ જ મજબૂતીથી વણાયેલી હતી. આજે જીપીએસ, સેટેલાઈટ પોતાને જે રીફર કરે છે તે તારાઓના ફોમમાં કરે છે. આ બધા તેનાં પ્રેક્ટિકલ એસ્પેક્ટ થયા. પરંતુ તેના ફાયદા તેનાથી પણ આગળ છે. દા.ત. એક સમય સુધી એવું જ લાગતું હતું કે, ગેલેક્સી એ જ આખું બ્રહ્માંડ છે. આજે આપણે જાણીએ છીએ કે, એવી તો કરોડો ગેલેક્સીઓ આ બ્રહ્માંડમાં છે. ખાવું-પીવું અને ઊંઘવું તો પ્રાણીઓ પણ કરે છે, પરંતુ માણસમાં એનાથી પણ વધારે ભૂખ હોય છે, એ ભૂખ તેને પોતાના અસ્તિત્વને સમજવાની છે. આ જ વસ્તુ માનવને અન્યથી વિશિષ્ટ (યુનિક) બનાવે છે. માનવની ખોરાક-પાણી-ઊંઘથી વધારે જે જ્ઞાનની ભૂખ છે તેને સંતોષવા માટે આપણે આ કરી રહ્યા છીએ.
 
પૃથ્વી જેવી જીવસૃષ્ટિ બ્રહ્માંડમાં અન્ય કોઈ ગ્રહ પર હોઈ શકે?
 
બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે ત્યારે પૃથ્વી જેવી જીવસૃષ્ટિ અન્ય ગ્રહો પર પણ હોઈ શકે છે. જોકે હજી સુધી આપણે તે શોધવામાં સફળ થયા નથી. જોકે હજી સુધી આપણે માત્ર માર્સ અને મૂન પર જ જઈ શક્યાં છીએ. અને બીજા જે ગ્રહો છે ત્યાં શોધવાના પ્રયત્નો ચાલુ છે. પાણીમાં જીવસૃષ્ટિની કેટલી બધી વિવિધતા છે. જીવન માટે પાણી પ્રાથમિક જરૂરિયાત છે. કોઈ પણ તારો પૃથ્વીની ખૂબ જ નજીક આવી જાય તો તેના પ્રકાશથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. તારો પૃથ્વીથી ખૂબ જ દૂર જશે તો તે જામી (ફ્રીજ થઈ) જશે. ત્યારે કોઈપણ તારાથી એવું અંતર (ડિસ્ટન્સ) છે જ્યાં પાણી તેના પ્રવાહીરૂપમાં રહી શકે? તેને શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે, આપણે ઘણી વખત એવા સમાચાર સાંભળીએ છીએ કે, પૃથ્વી જેવા ગ્રહ મળ્યા તે આ રીતના હોય છે.
 
હાલ આપ શું કરી રહ્યાં છો?
 
હું ૯ વર્ષ અમેરિકામાં હતી. આ ૯ વર્ષ દરમિયાન મને આપણી સંસ્કૃતિ વિશે ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ આવ્યો. આપણી ઘણી બધી વસ્તુઓ ભારતને ભારત બનાવે છે. ભારતીય સંસ્કૃતિની ઘણી બધી વસ્તુઓ માણસના આત્માના વિકાસ માટે જરૂરી છે, એવી ઘણી બધી વસ્તુઓ પૃથ્વી વિશે પણ જાણવા મળીય હું એલિયન્સ બનીને વિચારું છું ત્યારે પૃથ્વીનું જૈવવૈવિધ્ય મને વારંવાર તેના પ્રેમમાં પાડી દે છે. હું સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને ભારત આવી છું. આ દરમિયાન મને જે જ્ઞાન મળ્યું છે તેને લઈને ભારત આવી છું. હવે મારા મુખ્ય ત્રણ ધ્યેય છે : (૧) મારા એસ્ટ્રોફિઝિક્સના જ્ઞાનથી બાળકોને માર્ગદર્શન આપવું, કારણ કે ભારતમાં આટલા મોટા પ્રમાણમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે ત્યારે મારી ફરજ બને છે કે, મારા જ્ઞાનને તેમની સાથે વહેંચું. (૨) ઉદ્દેશ્ય, રીસર્ચ, ઇનોવેશન અને આઉટરીચ માટે ઓર્ગેનાઇઝેશન બનાવવાનો છે, જેમાં અલગ અલગ ક્ષેત્રો (જેમ કે, સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ)ના નિષ્ણાતોને ભેગા કરીને ભારતીયોના જીવનને વધુ સરળ બનાવવાના પ્રયત્નો કરવા માગું છું. તેમાં સહયોગ આપવા જોડાવા માટે મારી વેબસાઈટ છે– ektashah.in તેમાં કોઈપણ મને મેસેજ કરી શકે છે. (૩) શાળા સ્તરના શિક્ષણ પર કામ કરવા માગું છું. ૫ (પાંચ) વર્ષથી લઈ ૨૫ વર્ષ સુધી બાળક શાળા-મહાશાળામાં ગાળે છે. શરૂઆતમાં બાળકમાં ઘણી બધી જિજ્ઞાસા હોય છે, તેને ઘણું બધું જાણવું છે. તેનામાં આત્મવિશ્વાસ પણ ખૂબ જ છે, પરંતુ ૧૨મા સુધી આવતાં આવતાં તેનામાં જાણવાની ઇચ્છા, જિજ્ઞાસા, આત્મવિશ્વાસ અદૃશ્ય થઈ જાય છે ત્યારે પ્રશ્ન થાય કે, આપણે કરી શું રહ્યા છીએ? શિક્ષણ કેવું હોવું જોઈએ? તેમાં મુખ્યત્વે આપણે વિજ્ઞાનની વાત કરીએ તો પ્રશ્નો, જિજ્ઞાસા એ તો વિજ્ઞાનનું પ્રથમ પગથિયું છે. પરંતુ આપણે બાળકને પ્રશ્ન પૂછવા માટે જ પ્રોત્સાહિત નથી કરતા. કયા પ્રશ્નો પૂછવા જોઈએ તેના માટે કયાં ઓબ્ઝર્વેશન લેવાં જોઈએ, આ આખી સાયન્ટિફિક મેથડ બાળકને શીખવાડતા પણ નથી, તેને બાળકની અંદર લાવવાની તો વાત જ દૂર રહી.
 
તમે IIT – JEEની તૈયારી કરો છો તો તેમાં પણ મોંઘામાં મોંઘા ક્લાસીસ ‘બુક-બેઝ્ડ’ હોય છે. આપણે ત્યાં મહિનાઓ સુધી એક પણ ઇલેક્ટ્રોનિક્સ સાધનને સ્પર્શ કર્યા વગર તેને રિપેર કરતાં શીખવવામાં આવે છે તો એ જ્ઞાન બાળકમાં કેટલું અંદર ઊતરશે? બાળકને પ્રશ્ન પૂછતા કરવાના પ્રયાસો જ આપણે કરતાં નથી. આ બધું પરીક્ષામાં નથી આવવાનું તેને છોડ કહીને બેસાડી દેવામાં આવે છે. શિક્ષણનો અર્થ જ એ છે કે, વ્યક્તિની પોતાની વિચારશક્તિ બને તેટલી ખીલે. વૈજ્ઞાનિકનું કામ પ્રશ્નો કરેા રહેવાનું છે. ત્યારે પ્રશ્ન પૂછતા બાળકને પ્રોત્સાહન આપવાને બદલે ડિસ્કરેજ કરશો તો તે કેવી રીતે વૈજ્ઞાનિક બનવાનો? આ વ્યવસ્થામાં સુધાર કરવાનો મારો વિચાર છે. હું એક હોલિસ્ટિક એજ્યુકેશન સિસ્ટમ ઊભી કરવાનું વિચારું છું. એક એવી શિક્ષણ-વ્યવસ્થા હોવી જોઈએ કે, જેનાથી એક જવાબદાર નાગરિક તૈયાર થાય, કારણ કે વિજ્ઞાન એવું નથી કહેવાનું કે, મારા જ્ઞાનનો ઉપયોગ માત્ર માનવકલ્યાણ માટે જ કરો, વિનાશક શસ્ત્રો બનાવી તેનો સંહાર માટે ઉપયોગ ન કરો. એ જવાબદારી માણસની અંદર જન્માવવી પડશે.
 
એટલા માટે હું ભારત પાછી આવી છું. હાલ વિસનગરમાં ગ્લોબલ ગાર્ડિયન્સ (Global Guardians School) શાળા છે, ત્યાં એક એવું એજ્યુકેશનલ મૉડલ વિકસાવી રહ્યાં છીએ, જેને અમે હોલિસ્ટિક એજ્યુકેશન મૉડલ નામ આપ્યું છે. સમગ્ર વિશ્વ માટે આદર્શ નાગરિક બનાવવાનું કામ કરવું છે. આપણે શિક્ષણ થકી માણસને તેની વિશાળતા જ બતાવતા નથી. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને પોતાનું વિશાળ સ્વરૂપ બતાવી; માણસ ધારે તો શું થઈ શકે છે, તેનું જ્ઞાન આપ્યું, તેવું જ જ્ઞાન હાલના શિક્ષણમાં બતાવવાની જરૂર છે. વિદ્યાર્થીને જણાવવાની જરૂર છે કે, તારામાં કેટલી બધી અમાપ શક્તિઓ-ક્ષમતા રહેલી છે. વિદ્યાર્થીને એ પણ શીખવવાની જરૂર છે કે, તારે માત્ર તારી જ જવાબદારી લેવાની નથી, સમગ્ર વિશ્વની જવાબદારી તારા પર છે.
 
અમારા એજ્યુકેશનની મુખ્ય જે ફિલોસોફી છે તે ‘ધારક હી વાહક હો સકતા હૈ’ની છે. જે ગુણો બાળકમાં સંચારિત કરવા હોય તે ગુણો પહેલાં વાલી-શિક્ષકમાં હોવા જોઈએ. જે રીતનો માનવી આપણે બાળકને બનાવવા માંગીએ છીએ, પહેલાં આપણે પોતે જ તેવા માનવી બનવું પડશે, કારણ કે બાળક માત્ર હું જે કહીશ એ જ નહિ, આપણે જે કરીશું, એ પણ જોશે. માટે આના પર પણ અમે ખૂબ જ ધ્યાન (ફોકસ) કરીએ છીએ. એવી જ રીતે અમે બાળકનાં માતા-પિતાને પણ પ્રોત્સાહિત કરીએ છીએ. ભૌતિક વસ્તુની જરૂરિયાતથી નેક્સ્ટ લેવલ (ઉપરના સ્તરે) વિચારતું કરવાનું શિક્ષણ અહીં બાળકોને આપવામાં આવે છે. બાળક અહીં પ્રકૃતિમાં માત્ર જિજ્ઞાસાથી જ નહીં, એક જવાબદારીપૂર્વક જોતું-સમજતું થાય એવા અમારા પ્રયત્નો છે. હું આ પ્રકૃતિનો માલિક નથી, તેનો ભાગ છું અને મારા જ્ઞાન થકી હું તેને કેવી રીતે વધુ સારી બનાવી શકું તેવું વિચારતા કરવાનો અમારો પ્રયાસ છે. વસુધૈવ કુટુમ્બકમ્‌ની ભાવનાવાળો નાગરિક નિર્માણ કરવાનો અમારો પ્રયાસ છે.