યુગ, યોગ, યાગ, આ ત્રણ અને આવા તો હજારો શબ્દ, જેના સમાનાર્થી શબ્દો અંગ્રેજીમાં ન જડે. બ્રહ્મ, સત્, આત્મા, ઋત, પૂર્ણ, ઘી, હૃદય, શુભ, સનાતન, યુગ, યોગ, યાગ, આવા માત્ર ૧૦-૧૨ દિવ્ય શબ્દોની પણ મૂળભૂત મોટી મોટી વિભાવના વિશ્વને જે દિવસે સમજાશે ત્યારે प्राणीओं में सद्भावना हो.. विश्व का कल्याण हो.. આવા સામૂહિકપણે ઉચ્ચારાતા શતાબ્દીઓના શુભ સંકલ્પો સાકાર થયા હશે. આ એટલા માટે મહત્ત્વપૂર્ણ હશે, કારણ કે એક જન (એક પ્રજા) (એક સમાજ) તરીકેના આવા સંકલ્પોના મૂળમાં છે- સર્વકલ્યાણ. કસોટી એટલી જ છે કે, વર્તમાન ભારત આ બધી વિભાવનાઓને જીવે, જીવંત રાખે..
યુગ:- સનાતન કાળગણના અનુસાર ‘કળિ’ એ કાળને માપવાનું એક મોટું બ્રહ્માંડીય એકમ છે. તે સૂચવતો શબ્દ છે- કળિયુગ. બે કળિ એટલે દ્વાપર, ત્રણ કળિ એટલે ત્રેતા, ચાર કળિ એટલે સતયુગ. આપણે ત્યાં સહસ્ત્રાબ્દીઓથી આ ખગોળીય વિજ્ઞાન ભર્યું પડ્યું છે. આ ૧+૨+૩+૪ = ૧૦, આ ૧૦ કળિ એટલે એક મહાયુગ. ગણિતની દશાંશ પદ્ધતિનું રહસ્યોદઘાટન! ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસના જન્મદિને ૧૭૫ વર્ષનો યુગ સંધિકાળ શરૂ થયો. આ યુગ સંધિકાળનું મધ્યનું વર્ષ એટલે ૧૯૨૫, જે વર્ષે રા.સ્વ. સંઘની સ્થાપના થઈ. યુગ સંધિકાળ ૨૦૧૧માં સમાપ્ત થયો. નવો યુગ પ્રારંભાયો. ‘સ્વ’નું જાગરણ થયું. ૨૦૧૪માં ચૂંટાયેલી ભાજપની નરેન્દ્રભાઈવાળી સરકારના વિક્રમી સતત ૪૪૦૪ (+) ગૌરવવંતા દિવસો આપણી સામે છે.
કન્વર્ઝન (ધર્મપરિવર્તન)નો એજન્ડા લઈને વિશ્વમાં ભટકતી મઝહબ-રીલીજિયનના આધારે વૈમનસ્ય ફેલાવતી, માંડ ૧૫૦૦ કે ૨૦૦૦ વર્ષ ઉંમરની કટ્ટર સંકુચિત તાકાતો ભારતમાંથી બોધપાઠ લઈ શકે તો ઢંકાયેલું वसुधैव कुटुंबकम् અરે! ઢૂકડું નહીં, સાવ હાથવગુ છે.
યાગ:- યાગ એટલે યજ્ઞ. આપણી યજ્ઞસંસ્કૃતિ - ઋષિસંસ્કૃતિએ ‘मैं नहीं, तु हीं’ના સંસ્કાર આપ્યા. આ સંસ્કાર એટલે યજ્ઞમય (સમર્પણમય) જીવન. ‘સમર્પણ’ એક મહામૂલું જીવનમૂલ્ય (Value) બન્યું. ભિષ્મ પિતામહ મહાભારત પૂર્વેના સમયની સ્થિતિ વર્ણવતાં યુધિષ્ઠિરને કહે છે કે, તે સમય એવો હતો, જ્યારે દંડ દેનાર ન્યાયાધીશની કે રાજ્ય ચલાવનાર રાજાની પણ જરૂર જ ન હતી, કારણ કે ધર્મથી યુક્ત સંપૂર્ણ પ્રજા જ પરસ્પર સમર્પિત થઈ પરસ્પર રક્ષણ કરતી હતી. धर्मेणैव प्रजा: सर्वा रक्षन्ति स्म परस्परम् । આ હતી આપણી યજ્ઞસંસ્કૃતિની મૂળ ઓળખ, જેનો મૂળ મંત્ર હતો- ईदम् न मम । આ ભાવનાથી ઓતપ્રોત થઈ રાષ્ટ્રયજ્ઞની બલિવેદી પર ચઢી જનાર મહાન નાયક-નાયિકાઓથી યજ્ઞસંસ્કૃતિ આજે પણ વૈચારિક ધરાતલ પર જીવંત છે.
યોગ:- સૌથી લાંબો દિવસ- ૨૧ જૂન. ૨૧ જૂન, ૧૯૪૦ના રોજ વિરાટ હિન્દુસંગઠન કાજે લોહીનું પાણી કરી દેનાર રા. સ્વ. સંઘના પ.પૂ. આદ્ય સરસંઘચાલકજી ડૉ. હેડગેવારજીએ; માત્ર ૫૧ વર્ષની ઉંમરે કર્મયોગનો પથ કંડારતાં-કંડારતાં સ્વયંનું; રાષ્ટ્રયજ્ઞની બલિવેદી પર બલિદાન આપી દીધું. તેઓના સંઘમય જીવનમાં ન કોઈ પ્રચાર.. ન કોઈ અહંકાર.. ન કોઈ કોલાહલ.. માત્ર રાષ્ટ્ર, રાષ્ટ્ર ને અખંડ રાષ્ટ્ર! રાષ્ટ્રના ‘परं वैभव’નો પરિપૂર્ણ-પ્રગલ્ભ-પરિપક્વ વિચાર જ માત્ર કેન્દ્રમાં રહ્યો. અદ્ભુત રાષ્ટ્રયોગ! સૌને નિસ્વાર્થપણે જોડનાર આવા મહાયોગીનું જીવન સામે રાખીને યોગ દિન ઉજવીએ તો!
નારા-ભાષણોમાં, સન્માન-શુભકામનાઓમાં, આતશબાજી-રોશનીમાં, પ્રાણાયામ-યોગાસનોમાં વગેરે વગેરેમાં માત્ર યોગ દિનની સાર્થકતા નથી. યોગ દિનની સાર્થકતા છે.. ‘યોગબોધ’માં. બોધ એટલે જ્ઞાન. જ્ઞાન જાણનાર- ‘જ્ઞાતા’ અને એ જ્ઞાન થકી જે જાણવાયોગ્ય તે- ‘જ્ઞેય’. ભગવાન પતંજલિએ બતાવેલા અષ્ટાંગ યોગમાં અંતિમ (આઠમા) ક્રમે છે- ‘સમાધિ’. ‘સમાધિ’ એટલે જ્યાં જ્ઞાતા અને જ્ઞેય એકરૂપ હોય છે. આવો યોગબોધ આપણને લાધે કે? અઘરૂં છે. અઘરાં કામોને સરળ બનાવી શકે તે સંત. શ્રીરંગ અવધૂતજીને એક સાધકે પૂછયું કે, મૃત્યુ અને મોક્ષમાં શું ફરક છે? તેઓશ્રીએ ઉત્તર આપતાં કહ્યું કે, શ્વાસ ભલે પૂરા થઈ જાય, પણ સંકલ્પો બાકી રહી જાય તે મૃત્યુ! હા, અને શ્વાસ બાકી રહે, પણ સંકલ્પો સાકાર થઈ જાય તે મોક્ષ!
આપણાં કાર્યોમાં નવા યુગને અનુરૂપ યજ્ઞભાવ પ્રગટે.. આવા ‘યજ્ઞયુગ’ માટે આ યોગ દિને આપણે શું યોગદાન કરી શકીએ?
સાંભળો આ લેખ...