વિશ્વના સર્વાધિક દેશોનો સ્નેહ સંપાદિત કરીને ભારતે રચ્યો છે- અખંડ વિશ્વાસનો એક અતૂટ સેતુ. ભારતે એવા સમયે આ સફળતા મેળવી છે, જ્યારે આપણા સૌરાષ્ટ્રની મીઠી લઢણમાં કહીએ તો વાયડાઈ અને આડોડાઈ કરીને ટ્રમ્પે વિશ્વના વિશ્વાસને છેહ દઈને વૈશ્વિક અર્થવ્યવસ્થાનો કચ્ચરઘાણ વાળી દીધો છે.
દુર્યોધન ધર્મ જાણતો હતો છતાં અંત સુધી નર્યો અધર્મ જ આચરતો રહ્યો. દુર્યોધનથી એક કદમ આગળ વધીને ટ્રમ્પે G-7માં કહ્યું, વડાપ્રધાન મોદી શાંત, સંયમિત અને પ્રભાવશાળી છે, તેનાથી વિપરીત હું છું. જો રાવણ અંગ્રેજી જાણતો હોત તો તે પણ કહેતો, I’m the boss. આ સાંભળીને શ્રીરામની પ્રતિક્રિયા શું હોત? મંદ મંદ હાસ્ય! G-7ની બેઠકમાં મોડા પડ્યા બદલ ભલે ટ્રમ્પે ‘Sorry’ ન કહ્યું, પરંતુ ઉલટું કહ્યું કે, I’m the boss. આવા ઉદ્દંડ ટ્રમ્પ પાસેથી કશા જ રાજદ્વારી વિવેકની અપેક્ષા રાખનારને ઈશ્વર બચાવે.
ગલીમાં રમતાં નાદાન છોકરાં કેવી ચેષ્ટા કરે? એના કરતાં પણ ઉતરતી કક્ષાની, સાવ વાહિયાત, બેહુદી ટિપ્પણી કરતાં તોર-તુમાખી સાથે ટ્રમ્પે કહ્યું કે, ઇટાલીનાં મેલોની G-7 શિખર સંમેલન દરમિયાન ફોટો પડાવવા મને કરગરી રહ્યાં હતાં. તેની સામે મેલોનીએ ટ્રમ્પને સાવ જૂઠા ગણાવ્યા. શું ઈજ્જત રહી?
ઓપરેશન સિંદૂર વખતે હળાહળ જૂઠ્ઠાણું હાંકનાર ટ્રમ્પ, આજે અમેરિકા સહિત વિશ્વનું સૌથી અવિશ્વસનીય પાત્ર બની ગયા છે. અનેક દેશોના વડાઓનું અસહ્ય અપમાન, યુદ્ધો રોક્યાં હોવાનાં બણગાં, મનફાવે તેવી ‘अभी बोला अभी फोक’વાળી બફાટભરી નિવેદનબાજી (ઉદા. મનગમતો ચૂકાદો ન આપનાર અમેરિકન ન્યાયાધીશનું પણ અપમાન), ટેરિફ અને ૭૫૦૦ લોકોનો જીવ લેનાર અને ૧૬૨ લાખ કરોડ રૂપિયાને ફૂંકી દેનાર ઈરાન સામે યુદ્ધમાં નિર્ણયોના નામે નર્યા ‘જોકર’વેડા (૧૧૦ દિવસ પછી હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવડાવી તેવી ડીંગ હાંકી, વાસ્તવમાં યુદ્ધ પહેલાં હોર્મુઝ ખાડી ખુલ્લી જ હતી!), અમેરિકાની કરેલી બદહાલત, બેજવાબદાર ટ્રમ્પના આવા બધા ઉપદ્રવોથી વિશ્વ ત્રસ્ત છે. ટ્રમ્પગ્રસ્ત વિશ્વની સહજ દૃષ્ટિ હવે ભારત પર સ્થિર થઈ છે. ભારત તો G-7નું સભ્ય પણ નથી, પણ વિશેષપણે ભારતને ત્યાં આવવા નિમંત્રણ આવેલું. ત્યાં ભારતનો દબદબો સભ્યથી રતિભર પણ ઉતરતો નહોતો. ખાડીમાં ભારતીય ખલાસીઓના મોતના મુદ્દે આ શિખર સંમેલનમાં ભારત જાણે અધિકૃત સદસ્ય જ હોય, તેવી દૃઢતા સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ટ્રમ્પને દ્વિપક્ષી બેઠક વખતે મોંઢા-મોંઢ નગ્ન સત્ય સંભળાવી દેતાં, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના સામર્થ્યનાં દર્શન વિશ્વને થઈ ચૂક્યાં છે. G-7 શિખર સંમેલનમાં અમેરિકા એકલું પડી ગયેલું, કારણ કે ત્યાં યુરોપે હવે પોતે અમેરિકા સામે ક્યારેય નહીં ઝુકે, તેવું મન બનાવી દીધેલું. ત્યાં ભારતે વિશ્વને ભરોસો જતાવતાં કહ્યું કે, વિશ્વમાં સંસાધનો નહીં, માત્ર ભરોસાનો અભાવ છે. અહીં ભારત; સ્થિર નેતૃત્વ અને નિર્ણાયક શક્તિ ધરાવતા અડગ, ભરોસાપાત્ર વૈશ્વિક રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે.
અમેરિકાના ગુપ્તચર પ્રમુખ તુલસી ગબાર્ડે પોતાના ODNIના કાર્યકાળના છેલ્લા દિવસે ખાનગી દસ્તાવેજો સાથે જાહેર કર્યું કે, અમેરિકાએ ચીનની વુહાન લેબને લાખો ડોલરનું સરકારી ફંડિંગ કર્યું હતું, જે કોવિડ માટે કારણભૂત હતું. આવા જોખમી પ્રયોગો કરતી ૧૨૦ લેબોરેટરીઓ; વિશ્વના ૩૦ (+) દેશોમાં અમેરિકાના ફંડથી ધમધમી રહી છે. હવે તો અમેરિકાના ખેલ સાવ ખૂલ્લા પડી ગયા છે.
નવા ભારતમાં જન-જનમાં રાષ્ટ્રબોધ પ્રખર થઈ રહ્યો છે. બંગાળનો બદલાવ બાંગ્લાદેશને બદલી રહ્યો છે. અખંડ રાષ્ટ્ર તરીકે ભારતથી અભિન્ન છે બાંગ્લાદેશ. ત્યાં રંગપુરના પલાશવાડી નામના સ્થાન પર શ્રીરામજીની ભવ્ય પ્રતિમાના નિર્માણકાર્ય પર રોક લગાવવામાં આવી, જેના વિરોધમાં આક્રોશિત જન-જન દ્વારા થઈ રહેલા શ્રીરામના ગગનભેદી જયધોષોથી બાંગ્લાદેશના માર્ગો ગર્જી રહ્યા છે.
પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (PSE) સાથે જોડાયેલ સંશોધનો કરતી સંસ્થા ‘વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબ’ દ્વારા પોતાના તાજેતરના ‘ગ્લોબલ જસ્ટિસ રિપોર્ટ..’ થકી ભારતનું વિરાટ ભવિષ્ય ઉજાગર કરતાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૬૦ પહેલાં GDPના મુદ્દે ભારત ચીનથી આગળ નીકળી જશે, જો વિદેશી
(૧) ખરીદદારી સતત ઘટાડતા રહીશું અને
(૨) આપણી આત્મનિર્ભરતાની યાત્રાને આ જ ગતિથી સતત આગળ ધપાવતા રહીશું તો!