જૂન’ ૨૦૨૬ના અંતમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) અંતર્ગત વિદેશમાંથી ભંડોળ એકત્ર કરી ભારતમાં લાવનારાં NGO-સંગઠનો માટે નોટિફિકેશનથી નવા નિયમો જાહેર કર્યા, તે વિશેષરૂપે ચર્ચામાં છે, કારણ કે તેમાં વિદેશી દાન, ધર્મપરિવર્તન માટે ન વાપરી શકાય તેવો સંકજો કસ્યો છે. સેવા-શિક્ષણ-સ્વાસ્થ્યના નામે નાણાં બટોરીને ધર્માંતરણ કરતાં, ક્રિશ્ર્ચિયન મિશનરી નેટવર્ક સાથે સંકળાયેલાં અનેક NGO-સંગઠનોના પેટમાં તેલ રેડાયું, કારણ કે વિદેશી નાણાંના જોરે ખાસ કરીને ST-SCની મજબૂરીનો લાભ ઉઠાવી તેમનું ધર્માંતરણ કરી દેશને નબળો પાડવાનો, વર્ગવિગ્રહો કરાવવાનો વર્ષો જૂનો ખેલ ખતમ થવા જઈ રહ્યો છે. ધર્માંતરણની આખી ઇકોસિસ્ટમ આ નવા નિયમોનો વિરોધ કરતાં ઉકળી ઉઠી, પણ કશું ઉકાળી શકી નહીં. અરે! કોંગ્રેસવાદી, સમાજવાદી અને સામ્યવાદી પક્ષોએ પસ્તાળ પાડી. સરવાળે દેશને લાભ એ થયો કે, આ જુદા જુદા વિદેશી વાદ પર ચઢેલી આખીને આખી ગેંગ ખુલ્લી પડી ગઈ.
ભારતીય સંવિધાનનો અનુચ્છેદ-૨૫ કોઈપણ વ્યક્તિને ધર્મને માનવાના, ધર્મનું આચરણ કરવાના અને તેનો પ્રચાર કરવાના અધિકારની ખાત્રી આપે છે, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે રેવ સ્ટૈનિસ્લૉસ વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્ય (૧૯૭૭)ના કેસમાં નિર્ણય આપતાં એ સ્પષ્ટતા પણ કરી દીધેલી છે કે, ધર્મનો પ્રચાર કરવાના અધિકારમાં; કોઈ અન્ય વ્યક્તિનું ધર્મપરિવર્તન કરવાનો મૌલિક અધિકાર સામેલ નથી જ. FCRA, એ ભલે એક નાણાકીય કાયદો હોય, પરંતુ હવે તેણે રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સંતુલન અને સંસ્થાગત ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરતા કાયદા તરીકેનું સ્વરૂપ ધારણ કર્યું છે.
આ નવા FCRA નિયમો હેઠળ NGO-સંગઠનોએ.. ૧) પોતાના ઉદ્દેશ્યો અને કાર્યક્ષેત્ર એક જ વર્ષમાં રજિસ્ટ્રર્ડ કરવાનાં રહેશે.. ૨) વેબસાઇટ, સોશિયલ મીડિયા એકાઉન્ટસ, બહાર પાડવામાં આવતું તમામ સાહિત્ય, આ જ બધું જાહેર કરવાનું રહેશે.. ૩) પૈસો ક્યાંથી લાવ્યો છે તેમજ તે ક્યાં ખર્ચ્યો, તે બધું જાહેર કરવાનું રહેશે.. ૪) જો તેનો કોઈપણ મુખ્ય પદાધિકારી; કોઈ વિદેશી વ્યક્તિ હશે તો રજિસ્ટ્રેશનના તબક્કેથી જ હટી જવાનું રહેશે.. ૫) રિન્યુઅલ થવા છેલ્લાં બે નાણાંકીય વર્ષમાં સ્વીકૃત ગતિવિધિ માટે લઘુતમ દસ લાખ રૂપિયાનું વિદેશી ભંડોળ ખર્ચ્યુ હોવું જોઈશે અને દાનનો વધુ હપ્તો મેળવતાં પહેલાં અગાઉનું ૭૫% ફંડ વાપરેલું હોવું જોઈશે. આવા અનેક નવા નિયમોથી પાકી ચાંપતી નજર રાખી શકાશે, કુલ મળીને પારદર્શિતા વધશે. વિદેશી યોગદાનનો દુરુપયોગ થતો અટકશે. હમણાં સુધી વિદેશી નાણાંનો દુરુપયોગ કરવાના ગુનાસર સામાન્ય વ્યક્તિઓને આગળ ધરી દેવામાં આવતી; મોટા મગરમચ્છો બચી જતા, પરંતુ હવે ટ્રસ્ટી સહિતના NGO-સંગઠનોનું સંચાલન કરવાવાળા સૌનાં નામ ‘પ્રમુખ વ્યક્તિ’ તરીકે પંજીકૃત થવાનાં હોઈ જો કોઈ ગોટાળા-ગફલાં-ગદ્દારી જેવા ગુના પકડાશે તો તેઓ જ સીધા જવાબદાર ઠરશે, જે આ વિરોધમાં છુપાવી રાખેલો મુદ્દો છે. નિયમ જાહેર કર્યાના ગણતરીના દિવસોમાં જ FCRA 2.0 પોર્ટલનો પ્રારંભ કરી દેવાતાં FCRAની પ્રક્રિયા એકદમ સરળ બની ગઈ છે, તેવો અભિપ્રાય દેશનાં અનેક NGO-સંગઠનોએ આપીને નવા નિયમોને વધાવી લીધા છે.
અમેરિકાના ધ ટિમોથી ઈનિશીએટીવ નામના મિશનરી ઓર્ગેનાઈઝેશન પર UAPA કેસ થયો, તેને કર્ણાટક મુખ્ય ન્યાયાલયમાં પડકારવામાં આવ્યો, પણ ન્યાયાલયે તો તેની જ ઉગ્રવાદી પ્રવૃત્તિઓ ખુલ્લી પાડી દીધી. બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી અમેરિકા ટ્રસ્ટ બેંકનાં ૨૪ ડેબિટ કાર્ડ, એક જ સંતોષકુમારના નામનાં પકડાયાં ત્યારે ખબર પડી કે, આવાં હજારો કાર્ડ્સ થકી દસ-દસ હજાર કરીને કુલ ૯૨ કરોડ રૂપિયાથી વધુ રકમ નક્સલગ્રસ્ત વિસ્તારોમાં આતંક-અરાજકતા-અસ્થિરતા વગેરે માટે વપરાયેલી. ૨૦૧૨માં પણ તમિલનાડુ ન્યુક્લિયર પ્લાન્ટનો વિરોધ કરતાં NGOની તપાસ કરતાં IBને ખબર પડેલી કે, રક્તપિત્તીયાંની અને દિવ્યાંગોની સેવાના નામે અમેરિકાથી આવેલાં નાણાંનો ઉપયોગ લોકોને ઉશ્કેરવા (Protest) માટે કરવામાં આવેલો. આ જ રીતે આજે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ તેમના નિશાના પર છે.
FCRAના નવા નિયમોની વિરુદ્ધ અમેરિકાના રિપબ્લિકનો (રિલિજિયસ ફ્રીડમના નામે) અને ડેમોક્રેટ્સ (હ્યુમન રાઈટ્સના નામે) મળીને એક સાથે જોરશોરથી દેકારા કરી રહ્યા છે. હા.. પણ તેની સાડાબારી રાખ્યા વિના નવા વર્તમાન ભારતે રોકડું પરખાવી દીધું છે કે, અમારી આંતરિક બાબતોમાં દખલ દેવી નહીં, કારણ કે આ નિયમો ભારતની સંપ્રભુતા અને અખંડિતતાની રક્ષા માટે ઘડી કાઢવામાં આવેલા છે.