૪ દાયકાથી કમ્યુનિસ્ટ (વામપંથી) શાસને અને સવાયા વામપંથી- ટીએમસીના શાસને ઉદ્યોગ-ધંધા-રોજગારને ચોપટ કર્યાં. વિકાસને ઊભો-આડો વેતરી દેવામાં આવ્યો. મમતા-અભિષેકની ધોળે દહાડે લૂંટ.. ૧૫ લિસ્ટેડ સહિત નાની-મોટી કુલ ૬૬૮૮ કંપનીઓનું મજબૂરીવશ બંગાળમાંથી પલાયન... ટીએમસીના ઉત્પાતથી ત્રાસીને ટાટા મોટર્સે સિંગુરમાંથી ગુજરાત (સાણંદ) ભણી ઉચાળા ભરવા.. ડનલોપ, હિન્દુસ્તાન મોટર્સ અને આઈએફબી એગ્રો જેવી અનેક કંપનીઓનું શટડાઉન... અંતે પ. બંગાળ ખંડણી-કટમનીની ત્રાસદીથી મુક્ત બનતાં ઉદ્યોગ ગૃહો, કોર્પોરેટ કંપનીઓ માટે સૂર્યોદય થયો.. નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગુંડા-નેટવર્કની કમર તોડી નાખી. બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણ બન્યું. શિપિંગ અને વોટર ટ્રાન્સપોર્ટ સહિત નવી બિઝનેસ પોલીસી બનવાનું શરૂ થયું. અરે! મદરેસાઓમાં પણ રાષ્ટ્રીય અભ્યાસક્રમો આવી રહ્યા છે. આ એક એવા મુખ્યમંત્રી છે, જેના રોલ-મૉડલ છે- ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી.
સરદારે કાશ્મીર સહિત રજવાડાંને વિલીન કર્યાં, તેનાથી વિરુદ્ધ; નેહરુએ કાશ્મીરને જુદું કર્યું. દેશને સરદારે એક કર્યો હતો, પણ પં. નેહરુની આડોડાઈ-ઉદ્ધતાઈ-આપખુદશાહીએ ‘એક અલગ કાશ્મીર’ વાવ્યું, એને ખાતર-પાણી આપ્યાં. સરદાર દેશના ગૃહમંત્રી ખરા, પણ કાશ્મીરના નહીં, આ હતી તુષ્ટિકરણની પરાકાષ્ઠા! કોઈ લોકતાંત્રિક પ્રક્રિયા નહીં, સંવિધાન કોરાણે મૂકીને કાશ્મીરને પીંખી દેવાયું. આવા બેહાલ કાશ્મીરમાં..
૧, ભારતનો કાયદો લાગુ ન થવા દીધો. (દેશ એક, કાયદા અલગ..)
૨, કાશ્મીરના મુખ્યમંત્રીને કાશ્મીરના વડાપ્રધાનનો દરજ્જો આપ્યો. (દેશ એક, વડાપ્રધાન અલગ..)
૩, ભારતના ત્રિરંગાની જેમ કાશ્મીરમાં અલગ ઝંડાને અપનાવ્યો. (દેશ એક, ઝંડા અલગ..)
પણ.. ‘એક ભારત’નો બુલંદ અવાજ ઉઠ્યો. સંકલ્પ બન્યો. ‘एक देश में.. दो विधान - दो प्रधान - दो निशान नहीं चलेंगे.. नहीं चलेंगे..’ના લલકાર સાથે ભારતીય જનસંઘના સ્થાપક, તત્કાલીન સાંસદ
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશને તોડવાવાળી શક્તિઓને ખુલ્લો પડકાર ફેંક્યો. શરૂ થયું સ્વતંત્ર ભારતનું પ્રથમ રાષ્ટ્રીય આંદોલન. તેઓએ કાશ્મીરમાં પ્રવેશ કર્યો. ધરપકડ કરવામાં આવી. પણ આ શું...??? કેદીની અવસ્થામાં જ ડૉ. શ્યામાપ્રસાદનું રહસ્યમય મૃત્યુ. શું થયું? સત્તાનો ખૂની ખેલ? હત્યા? ચિત્કાર-આક્રોશ સાથે વ્યગ્ર આખો દેશ સત્તાના ખોફ હેઠળ હતો, છતાં પ્રશ્નો પૂછી રહ્યો હતો. સત્તા મૌન હતી.
આ સમયે પં. નેહરુએ શું કર્યું? અરે! તેમનાં માતા દ્વારા વિનંતી કરવામાં આવી; છતાં આ રહસ્યમય મૃત્યુની તપાસ ન જ થવા દીધી. કઈ બીક સતાવતી હશે? ધરાર પડદો પાડી દેવામાં આવ્યો. એક ટીવી એન્કરે પં. નેહરુએ એ અરસામાં લખેલા પત્રોની વાત કરેલી, આજે જાણી. ‘સિલેક્ટેડ વર્કસ ઓફ જવાહરલાલ નેહરુ’માં સમાવિષ્ટ તે પત્રોનું વર્ણન સાંભળીને લાગ્યું કે, ભલે ને ગમે તેટલી સાવચેતી રાખવામાં આવે, છતાં શબ્દો આગળ છળ પાણી ભરવા લાગે છે. ખરેખર શું બન્યું હતું? આ સમજવા માટે પં. નેહરુના દિ. ૨૯-૬-૧૯૫૩ના એ પત્રો પર્યાપ્ત છે. એમણે એમના ભાઈજાન જેવા કાશ્મીરના મુખ્યમંત્રી (સદર-એ-રિયાસત) શેખ અબ્દુલ્લાને પત્ર લખીને, હવે શું સફાઈ આપવી જોઈએ, તે અંગે માર્ગદર્શન કરેલું.
પં. બંગાળના મુખ્યમંત્રી બિધાનચંદ્ર રૉયને લખેલો પત્ર કૃત્યની પૂરતી ચાડી ખાઈ રહ્યો છે. નિમ્નતા; પણ આ હદે?
ખેર! અંતે એ છ-સાત દાયકાનો અંધકાર હટ્યો. ડૉ. મુખર્જીનો એ સંકલ્પ- एक देश में.. दो विधान - दो प्रधान - दो निशान नहीं चलेंगे.. नहीं चलेंगे.. પૂર્ણરૂપે સાકાર થયો. કલમ ૩૭૦નો ઈલાજ અને એ માનસિકતાનો ઈલાજ પણ કરી દેવાયો. દેશ ‘એક’ બનતાં ‘ટૂકડે ગેંગ’ પરાસ્ત થઈ.
ભારતની પશ્ચિમે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને પૂર્વે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની સૂચિત વિરાટ પ્રતિમા, આ બંને થકી ભારતના એકત્વને એક નવી ઓળખ મળવા જઈ રહી છે. યોગાનુયોગ શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને આ ૬ જુલાઈએ ૧૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આવા સમયે તેઓના વીર-વિરલ-વિરાટ વ્યક્તિત્વને, તેઓના નૈતિક-નૈષ્ઠિક-નૈસર્ગિક નેતૃત્વને અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના કૃતસંકલ્પિત કર્તૃત્વને સદૈવ નજર સમક્ષ રાખીને.. આવો.. કૃતજ્ઞભાવે તેઓનાં પદચિન્હો પર પ્રશસ્ત થઈએ.