રા.સ્વ.સંઘ (RSS) અંગે ભ્રમ ફેલાવવા માટેની રાજકીય ચાલબાજી

રા.સ્વ. સંઘે તેનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું જોઈએ, તેવી ખડગેની માંગ પાયાવિહોણી છે. રા.સ્વ. સંઘ આ દેશમાં છેલ્લાં ૧૦૦ વર્ષથી સક્રિય છે, જેમાંથી ૭૫ વર્ષનો સમયગાળો બંધારણ હેઠળ પસાર થયો છે.

    ૦૨-જુલાઇ-૨૦૨૬
કુલ દૃશ્યો |

rashtriya swayamsevak sangh registration
 
 
કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતને લખેલો પત્ર હાલ ચર્ચામાં છે. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ. સંઘ) કયા ભારતીય કાયદા હેઠળ કાર્યરત છે?’ એવી ફરિયાદ કરતાં ખડગેએ માંગણી કરી કે, રા.સ્વ. સંઘે તેની ‘કાનૂની સ્થિતિ, નોંધણી, પદાધિકારીઓ, ભંડોળ, ખર્ચ, કરવેરા અને જાહેર પ્રવૃત્તિઓ માટેની પરવાનગીઓ’ સ્પષ્ટ કરવી જોઈએ. ભાગવતજીએ ખડગેના પત્રને રાજકારણ ગણાવીને નકારી દીધો અને તેનો જવાબ આપવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે, તેમને તેવી આદત છે.
 
એક ટીવી ઇન્ટરવ્યુમાં, ખડગેએ કહ્યું કે, તેઓ રા.સ્વ. સંઘને માત્ર દેશના કાયદાઓનું પાલન કરવાનું કહી રહ્યા હતા. જ્યારે ઇન્ટરવ્યુ લેનારે તેમને પૂછ્યું કે રા.સ્વ. સંઘે કયા કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારે તેમની પાસે કોઈ જવાબ નહોતો. તેમણે બબડાટ કરતાં કહ્યું કે, તેમને ખબર નથી કે રા.સ્વ. સંઘ કયા કાયદા હેઠળ કાર્યરત છે. બંધારણની કલમ 19 (1) (c) સ્પષ્ટપણે જણાવે છે કે, ‘તમામ નાગરિકોને સંગઠનો અથવા યુનિયનો અથવા સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર રહેશે’. આ જ બંધારણીય જોગવાઈ રા.સ્વ. સંઘને દેશમાં મુક્તપણે તેની પ્રવૃત્તિઓ ચલાવવાનો અધિકાર આપે છે. આવા કોઈ પણ સંગઠન માટે નોંધણી કરાવવાનું બંધારણ દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું નથી. તે ફક્ત એવા સંગઠનો માટે જ ફરજિયાત છે જે સરકાર પાસેથી ભંડોળ માંગે છે અથવા વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. આ બંને બાબતો રા.સ્વ. સંઘને લાગુ પડતી નથી.
 
રા.સ્વ. સંઘે તેનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું જોઈએ, તેવી ખડગેની માંગ પાયાવિહોણી છે. રા.સ્વ. સંઘ આ દેશમાં છેલ્લાં ૧૦૦ વર્ષથી સક્રિય છે, જેમાંથી ૭૫ વર્ષનો સમયગાળો બંધારણ હેઠળ પસાર થયો છે. ગાંધીજીની હત્યામાં રા.સ્વ. સંઘની સંડોવણીના ખોટા આક્ષેપ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના પગલે, જવાહરલાલ નેહરુની સરકારે માંગ કરી હતી કે, સંઘ પોતાનું બંધારણ રજૂ કરે. સંગઠને ૧૯૪૯માં તે માંગનું યોગ્ય રીતે પાલન કર્યું હતું. રા.સ્વ. સંઘનું બંધારણ, જેને સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવા માટેના આધાર તરીકે સ્વીકારવામાં આવ્યું હતું, તેમાં ભંડોળ એકત્ર કરવાની પદ્ધતિ સહિત સંસ્થાના અસ્તિત્વના મૂળ હેતુને સ્પષ્ટપણે સમજાવવામાં આવેલ હતો.
 
ત્યારબાદ દેશમાં રા.સ્વ. સંઘની પ્રવૃત્તિઓ, તેણે સરકારને આપેલ બંધારણ મુજબ ચાલી રહી છે. નેહરુના કાર્યકાળ દરમિયાન સંઘના સ્વયંસેવકોએ ૧૯૬૩માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન રા.સ્વ. સંઘના દ્વિતીય પૂ. સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરજીને ચર્ચા-વિચારણા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે ૧૯૭૩માં ગોલવલકરજીનું અવસાન થયું, ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા સંસદમાં શોક સંદેશ પાઠવતાં કહેવામાં આવ્યું હતું કે, ‘આપણે ગુરુ ગોલવલકરજીના રૂપે એક એવી જાણીતી હસ્તીને ગુમાવી છે, જેઓ આ ગૃહના સભ્ય ન હતા. તેમણે પોતાના વ્યક્તિત્વના પ્રભાવ અને પોતાના વિચારોની ગહનતાથી રાષ્ટ્રમાં એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.’ તેમાંથી કોઈએ ક્યારેય પૂછ્યું ન હતું કે, રા.સ્વ. સંઘનું રજીસ્ટ્રેશન કેમ થયું નથી.
 
આવકવેરા અધિનિયમ ૧૯૬૧ હેઠળ, રા.સ્વ. સંઘને કાયદેસર રીતે ‘વ્યક્તિઓના સમૂહ’ (Body of Individuals) તરીકે માન્યતા આપવામાં આવી હતી, જે નાગરિકોનું એક અનૌપચારિક જૂથ છે, જે કોઈ કંપની, પબ્લિક ટ્રસ્ટ અથવા રજીસ્ટર્ડ સોસાયટી તરીકે સ્થાપિત થયા વિના એક સંસ્થા તરીકે કામ કરે છે. તેના બંધારણમાં, રા. સ્વ. સંઘે ભંડોળ એકત્ર કરવાની પદ્ધતિ સમજાવતાં કહ્યું છે કે, ‘દર વર્ષે ‘વ્યાસ પૂર્ણિમા’ના કાર્યક્રમ પર અથવા આ હેતુ માટે નક્કી કરેલા અન્ય કોઈ પવિત્ર દિવસે, દરેક શાખા ‘દક્ષિણા દિવસ’ની ઉજવણી કરશે અને સ્વૈચ્છિક ભેટ સ્વીકારશે’. તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આવા ભંડોળનું વાર્ષિક ઓડિટ કરવામાં આવશે. આ સ્વૈચ્છિક ભંડોળ, જેને ગુરુદક્ષિણા કહેવામાં આવે છે, તે આવકવેરા કાયદાની પરસ્પરતા (mutuality)ની કલમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. જો લોકોનું જૂથ કોઈ વ્યાપારી નફા માટે નહીં, પરંતુ કોઈ સામાન્ય હેતુસર ભંડોળ એકઠું કરે, તો પરસ્પરતાના સિદ્ધાંત અનુસાર આવી આવકને કરમુક્ત ગણવામાં આવે છે. પરસ્પરતાના આ સિદ્ધાંતના આધારે, CBDT-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે એક આદેશમાં જણાવ્યું હતું કે, ‘પરસ્પરતાના આધારે સ્વયંસેવકો પાસેથી મળતી ગુરુદક્ષિણાને કરદાતાના હાથમાં ટેક્સને પાત્ર ગણી શકાય નહીં.’ પટના હાઈકોર્ટે ૧૯૯૪ના એક કેસમાં સીબીડીટીના આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ‘શું સભ્યો પાસેથી મળેલી રકમને ગુરુદક્ષિણા માની શકાય અને તેને કરમુક્ત ગણી શકાય? અમે કરદાતાની તરફેણમાં હકારમાં જવાબ આપીએ છીએ’.
 
ઘણી ધાર્મિક અને અન્ય સંસ્થાઓ રજીસ્ટર ન હોવા છતાં દેશમાં મુક્તપણે કાર્ય કરે છે. જ્યાં સુધી રા.સ્વ. સંઘનો સવાલ છે, મુખ્યતઃ ‘વ્યક્તિઓના સમૂહ’ (Body of Individuals) ને બાદ કરતાં, અન્ય તમામ પ્રવૃત્તિઓ, તેની મિલકતો, શાળાઓ, એનજીઓ અને સહયોગી સંસ્થાઓ, યોગ્ય રીતે રજીસ્ટર્ડ ટ્રસ્ટ અને સોસાયટીઓ દ્વારા ચલાવવામાં આવે છે. વર્ષ ૧૯૨૫માં રા.સ્વ. સંઘની સ્થાપના બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી, તેથી તે વિદેશી સરકાર હેઠળ નોંધણી કરાવવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. સ્વતંત્રતા પછી, તેણે ભારતીય કાયદાઓ હેઠળ રજીસ્ટ્રર વિનાની સંસ્થા તરીકે રહેવાનું પસંદ કર્યું, જેનું ત્યાર પછીની તમામ સરકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જો આજે કોઈ તેના વિશે પ્રશ્નો ઊભા કરી રહ્યું છે, તો તે ચોક્કસપણે અજ્ઞાનતા અને રાજકીય સ્વાર્થને કારણે જ હોઈ શકે.
 
***
 
- રામ માધવ 
 
(લેખક ‘થિંક ટેંક ઈન્ડિયા ફાઉન્ડેશન’ના અધ્યક્ષ છે)