તંત્રીસ્થાનેથી । શિક્ષણ; લોકનું.. લોકતંત્રનું

‘સ્વ’વાળા સત્યનું અમૃત જે પાત્રમાં છે, તેનું મોં સુવર્ણના પાત્રથી ઢંકાયેલું છે. ઈશોપનિષદ થકી આપણી પ્રાર્થના; એ ઢંકાયેલા સત્યનાં દર્શન કરવા માટેની છે.

    ૨૩-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

the-soul-of-education 
 
 
આચાર્ય ચાણક્યએ કહેલું, शिक्षक सामान्य नहीं होता, जिसकी गोद में निर्माण और प्रलय पलते हैं । એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. માતાની ગોદની શક્તિ સમજી શકીએ છીએ.
 
વ્યક્તિનિર્માણ થકી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રનિર્માણથી वसुधैव कुटुंबकम् માટેની પગથી પર ક્રમમાં જોઈએ તો.. સૌ પ્રથમ મા પછી પરિવાર, પરંપરાઓ, સંસ્કૃતિ, સમાજ અને છેલ્લે આવે છે- શાળા/કૉલેજ. માધ્યમો/ફિલ્મો/OTTએ ગોદ કે દગો? આવો વિચલિત કરનાર પ્રશ્નાર્થ એવો ખોડાઈ ગયો છે કે, સ્હેજે ચલિત થવાનું નામ જ લેતો નથી.
 
લોકશિક્ષણ.. (વ્યક્તિ-વ્યક્તિનું - જન-મનનું જાગરણ..) માટે સફળ હોવું અને તાકતવર હોવું, આવા સાવ ભિન્ન બે માપદંડ છે, જેની કસોટી પર એક બાજુ શાળા-કૉલેજો છે અને બીજી બાજુ સોશિયલ મીડિયા છે. બંને જગ્યાએ વામપંથી અને દક્ષિણપંથી છાવણીઓ છે. વચ્ચોવચ્ચ ધર્મ માટે મથતા કૃષ્ણ (વામ-દક્ષિણ વચ્ચે..) રાષ્ટ્રીય ભૂમિકા ભજવી રહ્યા છે. કૃષ્ણ હોય ત્યાં ૧૮ દિવસે કદાચ પરિણામ ન મળે તો ભલેને ૧૮ વર્ષે મળે, તેવું સનાતન ધૈર્ય; છાતી કાઢીને હિમગિરિવત્ ખોડાયેલું છે. દ્વંદ્વ હોય ત્યાં હકારાત્મકતા પણ નકારાત્મક લાગે!
 
હજુ ય ગુજરાતી માધ્યમની શાળાઓમાં ક્યાંક ક્યાંક सा विद्या या विमुक्तये વાંચવા મળી જાય. હજુ પણ ક્યાંક જ્ઞાનમંદિર-જ્ઞાનદા-જ્ઞાનવિહાર-જ્ઞાનગંગા, એવાં નામોવાળી અને નામ પ્રમાણેનાં કામોવાળી શાળાઓ અજ્ઞાનના મહાસાગરને લોટે લોટે ઉલેચી રહી છે. નીચે ઉલ્લેખિત સૂત્રો સાર્થક સાકાર થાય તેવા સગડ-વાવડ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરફથી જ્યારે પણ મળશે, ત્યારે રાષ્ટ્રના ધબકારાઓનો કાર્ડિયોગ્રામ પાકના મૉલથી લહેરાતાં ખેતરોની સ્પર્ધા કરતો હશે.
 
- શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાનગંગા જ્યાં વહે..
 
- રાષ્ટ્રના હિતમાં શિક્ષણ.. શિક્ષણના હિતમાં શિક્ષક.. શિક્ષકના હિતમાં સમાજ..
 
ક્યાંક વર્તમાન કામ બદલી દેવા જેવું છે. ક્યાંક કામ કરવાની તરેહમાં બદલાવ લાવવાનો છે. આ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મથી રહી છે. પણ લોકશિક્ષણ અંગે તો કુલ મળીને સમાજનું એક દાયિત્વ બને જ છે. આ દાયિત્વની દિશા ૧) આપણા ત્યાંની ઉજ્જવળ પરંપરાઓ (ઉદા. ગુરુ-શિષ્ય પરંપરા), ૨) અનુભવ થકી અનુભૂતિઓ, ૩) જેમ ભગવાન બિરસા મુંડાનો જીવનસંદેશ- ‘અબુઆ દિશુમ અબુઆ રાજ’,
 
પૂ. સ્વામી વિવેકાનંદજીનો જીવનસંદેશ- ‘Be and Make’ છે, તેવા અનેક રાષ્ટ્રીય નેતૃત્વના જીવનસંદેશાઓ, ૪) આપણા દિવ્ય ગ્રંથો અને ૫) શત્રુ-મિત્રબોધ, આ પાંચેયના લીધે સ્પષ્ટ બને છે.
 
આ શત્રુ-મિત્રબોધ શું છે? આ બોધ આપતી અનેક ઘટનાઓની એક યાદી બનાવવી જોઈએ. ૧૯૪૮ની ૧૧મી સપ્ટેમ્બરની રાત્રિના સમયે કરાંચીમાં જિન્નાહનું નિધન થયું. ૧૨મીએ સવારે સરદારને સમાચાર મળ્યા. બંગાળના મુખ્યપ્રધાન બિધાનચંદ્ર રોયે ફોન કરીને સરદારને પૂછ્યું કે, ધ્વજ અડધી કાઠીએ ઉતારવો કે નહીં? કેમ કે ગૃહમંત્રી તરીકે સરદારે એ નિર્ણય લેવાનો હતો. સરદારે બિધાનચંદ્રને સામો સવાલ કર્યો, ‘શા માટે? એ કંઈ તમારો સગો હતો?’. જે બંધુતા સ્વતંત્રતા અને સમાનતા માટે જોખમી બને એ કથિત બંધુતા; હરગીજ બંધુતા ન હોઈ શકે.
 
‘સ્વ’વાળા સત્યનું અમૃત જે પાત્રમાં છે, તેનું મોં સુવર્ણના પાત્રથી ઢંકાયેલું છે. ઈશોપનિષદ થકી આપણી પ્રાર્થના; એ ઢંકાયેલા સત્યનાં દર્શન કરવા માટેની છે. સુવર્ણની ચકાચૌંધના લીધે પાળેલા-પોષેલા અનેક ભ્રમ આપણને આપણાં ભાષા-ભૂષા, ભવન-ભ્રમણ, ભોજન-ભજન ભૂલાવી દે છે. સાવધાન કરે તે શિક્ષણ. આચાર્યને આચાર્ય એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેમનું આચરણ જોઈને જ વિદ્યાર્થીઓ સ્વત: કઠિન જીવનમૂલ્યો અપનાવી લે છે. લાલ-લીલી લાઈટોના ટ્રાફિક સિગ્નલવાળા ચાર રસ્તાઓ ઉપર પોલીસનું હોવું જરૂરી કે નહીં હોવું જરૂરી? જ્યાં જ્યાં લોકો અરાજક બની પોતાનાં કર્તવ્યો નકારે, અવગણે છે, ત્યાં સઘળો વાંક; તેમને શિક્ષણના નામે જે કંઈ આપ્યું હોય, તે આપનાર વ્યવસ્થાઓનો જ ગણાય ને! આવો વાંક; હોવાનું, નીકાળવાનું કે શોધવાનું સમાપ્ત થઈ જાય તે સાચું શિક્ષણ.
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...