ગુરુપૂર્ણિમા નિમિત્તે...
ચીનના સાધુ તાઓ-બૂને એક નવા આવેલા શિષ્યએ કહ્યું કે ‘હું આપના આશ્રમમાં આવ્યો એને મહિનો થઇ ગયો, પણ હજુ મને ધર્મનો સાર શીખવા મળ્યો નથી.’ ત્યારે મલકાઈને સાધુએ કહ્યું કે ‘તું અહીં આવ્યો ત્યારથી હું તને ધર્મનો સાર તો શીખવી રહ્યો છું. જે તને દેખાતું નથી. તું બધાને પીણું આપે છે અને વાસણ ધુએ છે, એ ધર્મનો સાર જ છે. તું શહેરમાંથી અનાજ લાવે છે અને બધાનું ભોજન બનાવે છે, એ પણ ધર્મનો સાર જ છે. તું વૃદ્ધોને દવાખાને લઇ જા છો, એ પણ ધર્મનો સાર જ છે ને !’
રોજિંદા કાર્યોથી ધર્મને અલગ ન કરી શકાય. જેમ રમતવીરના લોહીમાં રમત ભળી ન જાય ત્યાં સુધી એ શ્રેષ્ઠતા સુધી પહોંચી નથી શકતો. ધર્મ રોજિંદી ઘટમાળમાં વણાઈ જાય તો તે માનવતા સુધી વિસ્તરે છે. ધર્મ અને માનવતા એક સિક્કાની બે બાજુ છે.
ભજન પરંપરામાં ગુરુનું ગાન પ્રથમ થાય છે. ગુરુ બિન જ્ઞાન નહીં અને ગાન પણ નહીં. ઉસ્તાદ વિના સારેગમના સાગરને પાર ન કરી શકાય. ગુરુના પારસમણિ સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે. બુદ્ધિની બોર્ડર આવે ત્યાંથી ગુરુની સરહદ શરૂ થાય છે. ગુરુનું જ્ઞાન કદી મઠ-મઢી પૂરતું મર્યાદિત ન હોય શકે. સૌથી શ્રેષ્ઠ પદ ગુરુપદ છે. શિષ્યમાં પણ પાત્રતા હોવી જોઈએ. રોહિત શર્મા જેમ સેલ્ફલેસ ક્રિકેટ રમે છે એમ ગુરુ પણ નિસ્વાર્થ નેહ વરસાવતા રહે છે. ગુરુ અનેક હોય શકે પણ સદ્ગુરુ તો એક જ હોય છે. ચાહતની ચાવી, હૈયામાં હરખ અને હોઠમાં હાસ્ય આપે એ જ ગુરુ. જેમના ચાહકો ફોલોઅર્સ નહીં પણ ફલાવર્સ છે. જેમણે ભાર વગરના ભણતર જેમ ભાર વગરનો ભગવાન આપ્યો છે.
બે ચાર અયોગ્ય અને બની બેઠેલા ગુરુઓને કારણે આખી પરંપરા પર ચોકડી ન મારી શકાય. પોતાના ચપટીક સ્વાર્થ માટે હોવાને હંફાવે એ ઠગગુરુ. આજકાલ આવા લોકોની સંખ્યા વધતી જાય છે. આખાબોલો અખો ધર્મની વિરુદ્ધમાં ન હતો પણ જે ધરમના નામે ઢોંગ કરતા હતા એમનો વિરોધી હતો. અખામાં તર્કના તણખા અને વિચારનો વંટોળ હતો. એમણે ખોટી રૂઢિઓ સામે બંડ પોકારવાથી લઇ અને સાચા રિવાજોને જાળવવા સુધી પરિશ્રમ કર્યો છે. અઘોર નગારાની આહટ સાંભળવા ઓલિયાના કાનની જરૂર પડે. આ કિનારા પર બેસી જે પેલા કિનારાની ખબર લાવે એણે ભગવાને પચાવ્યો છે. હિંદુઓના આત્માની આસપાસ ફરતું લોહી લાલ નહીં પણ ભગવા રંગનું હોય છે.
ભગવા ધ્વજના સંપૂર્ણ ઇતિહાસનું અધ્યયન કરવાથી સ્પષ્ટ થાય છે કે, ભગવા રંગને હિન્દુ સમાજથી અલગ કરવો શક્ય નથી. ભગવો રંગ આપણા હિન્દુ રાષ્ટ્રની, હિન્દુ સંસ્કૃતિની, આપણા ધર્મની અને આપણા પૂર્વજોની ઓળખ છે. રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, જીવનમૂલ્યો, સજ્જનોનાં રક્ષણ અને દુર્જનોના નિયમન માટે શ્રેષ્ઠતમ બલિદાનો આપનારા અને અપ્રતિમ માનવીય શૌર્ય પ્રગટ કરનારા આપણા વીરોએ; એટલે જ ભગવા ધ્વજને ગુરુસ્થાન આપ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મુખ્યત્વે પાંચ કારણોથી ભગવા ધ્વજને ગુરુ રૂપે સ્વીકાર્યો છે.
પ્રથમ : ભગવા ધ્વજ સાથે આપણો ઇતિહાસ જોડાયેલ છે, ભગવા વિનાના ભારતની કલ્પના જ કરવી અશક્ય છે. ભગવો પ્રત્યેક સાંસ્કૃતિક સંગઠનનો આધાર છે.
બીજું : ભગવા ધ્વજમાં સાર્વત્રિક સ્વીકૃત એવું પરમ પવિત્ર તત્વ છે, જેમાં આખાય સનાતનનું અસ્તિત્વ સમાયેલું છે.
ત્રીજું : આપણી ઝંડા સમિતિએ પણ ભગવા ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે સર્વાનુમતે સ્વીકારેલો.
ચોથું : ભગવો આમ પણ યજ્ઞની જ્વાળાઓ જેવો પવિત્રતાનો, દિવ્યતાનો, સાધુ-સંન્યાસીઓના વસ્ત્રો જેવો ત્યાગ-સમર્પણનો દ્યોતક છે.
પાંચમું : સનાતન રાષ્ટ્રપ્રવાહના પ્રત્યેક વળાંક પર ભગવામાં જ સમાજની શ્રદ્ધા-આસ્થા-વિશ્વાસ પ્રદર્શિત થાય છે. ઝવેરચંદ મેઘાણીના મનમાં આવો જ ભાવ પ્રગટ્યો અને તેમના મુખે સરી પડ્યું, `રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’. આ કસુંબલ રંગ એટલે જ ભગવો !
ભગવાથી ભાગીને ક્યાં જશો? ભગવો તો ભીતરમાં ભળી ગયેલો રંગ-ઉમંગ છે. આ ગુરુપૂર્ણિમાએ ભગવાની ભવ્યતાને પ્રમાણીએ-પખાળીએ....