જો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના હોત તો...

૬ જુલાઈ - ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે । કેસરની ક્યારીએથી કંડારાયેલું... કશ્યપ ઋ ષિનું કલ્યાણકારી કર્મક્ષેત્ર... કાશ્મીર કાયમ આપણું રહ્યું... કારણ... કેસરીયું બલિદાન, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું

    ૦૬-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

 ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી
 
 
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી માત્ર એક રાજકીય નેતા નહોતા, પરંતુ એક એવા યુગપુરુષ અને તેજસ્વી બૌદ્ધિક હતા જેમણે સત્તાને ઠોકર મારીને રાષ્ટ્રની અખંડિતતા અને એકતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. તેઓ ભારતીય બૌદ્ધિકતાના એવા પ્રખર પ્રતીક હતા, જેમણે તુષ્ટિકરણના કાલરાત્રિના ઘોર અંધકારમાં રાષ્ટ્રીયતાનો મહાસૂર્ય પ્રગટાવ્યો હતો. માત્ર ૩૩ વર્ષની નાની વયે કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બનનાર ડૉ. મુખર્જી એક પ્રભાવશાળી શિક્ષણવિદ્, કુશળ વહીવટકર્તા અને આજીવન રાષ્ટ્રસેવક હતા. ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ એક અત્યંત પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મેલા ડૉ. મુખર્જીએ તેમના જીવનના દરેક પગલે રાષ્ટ્રહિતને જ સર્વોપરી (Nation First) ગણ્યું હતું. તેમની મહાનતા એ વાતમાં સમાયેલી છે કે, તેમણે અંગ્રેજો સામેની લડાઈ હોય કે સ્વતંત્રતા પછીના ભારતમાં પં. નહેરુ સરકારની રાષ્ટ્રવિરોધી નીતિઓનો વિરોધ, હંમેશા સાચા સિદ્ધાંતો માટે સમાધાન કર્યા વિના અડગ રહ્યા હતા. કેસરની ક્યારીથી કંડારાયેલું, કશ્યપ ઋષિનું કલ્યાણકારી કર્મક્ષેત્ર - કાશ્મીર કાયમ આપણું રહ્યું છે કારણ કે, તેના માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાનું બલિદાન આપ્યુ છે. આવા બલિદાની વીર ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતીના પવિત્ર અવસરે, તેમના જીવનના ચાર નિર્ણાયક પડાવોને આપણે આ મુખપૃષ્ઠ વાર્તાના સ્વરૂપમાં ક્રમશઃ જાણીશું. એક તો, જો શ્યામાપ્રસાદ મુખર્જી ના હોત તો શું થાત? બીજું તેમની સાથે કોંગ્રેસીઓએ કરેલા અન્યાયની વાત કરીશું, ત્રીજું સંઘના સહકાર અને શ્યામાપ્રસાદ મુખર્જીના પ્રયત્નો દ્વારા ભારતીય રાજનીતિમાં સાંસ્કૃતિક પક્ષ ‘ભારતીય જનસંઘ’ની સ્થાપના અને અંતિમ લેખમાં કાશ્મીરના મુદ્દે તેમણે કરેલી ગર્જના કે ‘એક દેશમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે’ અને તે માટેના ઐતિહાસિક સંઘર્ષ અને બલિદાનની વાતને આપણે જોઈશું. તો આવો, જેણે દેશના ટુકડા થતા રોકવા પોતાના પ્રાણ હોમી દીધા, તેવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની બલિદાન ગાથા જાણીએ...
 
જો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના હોત તો...
 
આજે જ્યારે આપણે એક અતૂટ, સુરક્ષિત અને સ્વાભિમાની ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, ત્યારે વિચારવા જેવો એક ગંભીર પ્રશ્ન એ છે કે, જો ડૉ. મુખર્જી ના હોત તો આ દેશનું શું થાત? જો સમયસર તેમણે ઐતિહાસિક દરમિયાનગીરી ના કરી હોત, તો આજે ભારતનો નકશો કંઈક અલગ જ હોત અને દેશની પરિસ્થિતિ અત્યંત ભયંકર હોત.
 
૧૯૪૬-૪૭ના સમયગાળામાં જ્યારે બ્રિટિશ સરકારે ભારત છોડવાનો અને દેશના વિભાજનનો નિર્ણય લીધો, ત્યારે આખા બંગાળ અને પંજાબને પાકિસ્તાનમાં ભેળવી દેવાનું એક ભયંકર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તે સમયે કોંગ્રેસના નેતાઓ પણ સત્તાની લાલચમાં આ વિભાજન સ્વીકારવા લગભગ તૈયાર થઈ ગયા હતા. મુસ્લિમ લીગના નેતા સુહરાવર્દી અને કેટલાક ભટકી ગયેલા નેતાઓએ એક ‘સ્વતંત્ર બંગાળ’ની માંગ પણ મૂકી હતી, જેનો અંતિમ ઉદ્દેશ્ય તેને પાકિસ્તાનમાં જ ભેળવી દેવાનો હતો. જો તે સમયે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના હોત તો આ ખતરનાક ષડયંત્ર આકાર પામી ગયું હોત. એ શ્યામાપ્રસાદ મુખર્જી જ હતા જેમણે એ ષડયંત્ર પારખીને બંગાળના વિભાજનની પ્રખર માંગ કરી હતી. તેમણે માત્ર માંગ જ નહોતી કરી, પરંતુ દેશભક્ત બંગાળીઓના જનમતને એકત્ર પણ કર્યો હતો, તેને બુલંદી આપી હતી.
 
એક વાર વિચાર કરો કે, જો તેમણે આ પ્રયત્નો ના કર્યા હોત તો આજે કલકત્તા (કોલકાતા) સહિતનું સમગ્ર પશ્ચિમ બંગાળ પાકિસ્તાનના કબજામાં હોત. પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ) અને પશ્ચિમ પાકિસ્તાનમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થયા, તેમનું નિકંદન કાઢવામાં આવ્યું, તેવી જ ભયાનક દશા પશ્ચિમ બંગાળના હિન્દુઓની પણ થઈ હોત. ડૉ.મુખર્જીએ પોતાની દીર્ઘદૃષ્ટિથી બંગાળના હિન્દુ-બહુલ વિસ્તારોને ભારતમાં રાખવાની જે ચળવળ ચલાવી હતી તેના કારણે જ આજે પ. બંગાળ ભારતનો હિસ્સો છે. જો તેઓ ના હોત, તો આજે લાખો બંગાળી હિન્દુઓ પોતાની માતૃભૂમિ વિનાના શરણાર્થી બનીને બાંગ્લાદેશમાં ભટકી રહ્યા હોત અથવા તો જેહાદી માનસિકતાનો શિકાર બનીને મોતને ભેટ્યા હોત. આ તેમની જ દૂરદર્શિતા હતી કે તેમણે ભારતની અંદર પણ પાકિસ્તાનના વિભાજનની નૈતિક અને વ્યવહારિક ભૂમિકા તૈયાર કરી હતી.
 
તો ભારત દેશમાં બે ઝંડા અને બે પ્રધાન હોત...!
 
ભારતની સ્વતંત્રતા પછી પંડિત જવાહરલાલ નહેરુની ટૂંકી દૃષ્ટિની (અદૂરદર્શી) નીતિઓના કારણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અત્યંત જટિલ બની ગઈ હતી. કલમ ૩૭૦ લાગુ કરીને કાશ્મીરને ભારતથી માનસિક, કાનૂની અને વહીવટી રીતે અલગ રાખવાનું એક મોટું ષડયંત્ર રચાયું હતું. જો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના હોત તો આજની ભારતભૂમિ પર આપણા જ દેશમાં, આપણી જ માતૃભૂમિ પર બે અલગ-અલગ ઝંડા ફરકતા હોત અને બે વડાપ્રધાનો શાસન કરતા હોત. તે સમયે નહેરુજીની તુષ્ટિકરણની નીતિઓને કારણે કાશ્મીરની સ્થિતિ એવી હતી કે ત્યાંનો પોતાનો અલગ ઝંડો હતો, પોતાનું અલગ બંધારણ હતું અને શેખ અબ્દુલ્લાને વડાપ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
 
સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે ભારતના જ નાગરિકોએ પોતાના દેશના એક હિસ્સા એવા જમ્મુ-કાશ્મીરમાં જવા માટે ભારત સરકાર પાસેથી પરમિટ (પરવાનગી) લેવી પડતી હતી. જો ડૉ. મુખર્જીએ આ અન્યાયી પ્રથા સામે બળવો પોકારીને ‘એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન, નહીં ચલેંગે, નહીં ચલેંગે!’નો સિંહનાદ ના ગજવ્યો હોત, તો આજે કાશ્મીર સંપૂર્ણપણે પાકિસ્તાનના હાથમાં જતું રહ્યું હોત અથવા તો ભારતની અંદર જ એક સ્વતંત્ર ઇસ્લામિક રાષ્ટ્ર બની ગયું હોત. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો આ નારો માત્ર શબ્દો નહોતા, પણ રાષ્ટ્રની એકતા માટેનું એક વૈચારિક રણશિંગું હતું. તેમનું માનવું હતું કે, બંધારણ એ રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે અને તે આખા દેશમાં સમાન હોવું જોઈએ. જો દેશ એક છે, તો કાયદો પણ એક જ હોવો જોઈએ. એક દેશમાં બે વડાપ્રધાન હોવા એ રાષ્ટ્રના ભાગલાની માનસિકતાનું જ એક પ્રતીક છે. ડૉ. મુખર્જીએ ભારતભરમાં એ સત્ય સૌની સમક્ષ મૂક્યું હતું કે, ભારતના વડાપ્રધાન સમગ્ર દેશના નેતા છે, તો પછી કોઈ રાજ્યના મુખ્ય વડાને ‘વડાપ્રધાન’ કહેવું એ દેશની એકતા ને પડકારવા સમાન છે. આ નારા દ્વારા તેમણે કાશ્મીરની વહીવટી સ્વાયત્તતાના નામે ચાલતી અલગતાવાદી વૃત્તિઓ પર સીધો ઘા કર્યો હતો. આજે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ ચૂકી છે અને ત્યાં પણ ભારતનો તિરંગો ગૌરવથી લહેરાય છે, તે આ મહાપુરુષના બલિદાનનું જ પરિણામ છે. જો તેમણે પોતાના પ્રાણની આહૂતિ ના આપી હોત, તો કાશ્મીર ક્યારેય ભારતનું અભિન્ન અંગ બની શક્યું ના હોત.
 
તો ભારત પર અલગાવવાદીઓ રાજ કરતા હોત...
 
જો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના હોત, લઘુમતીઓના તુષ્ટિકરણની રાજનીતિ કરતી એક પરિવારની પેઢી જ આ દેશ પર કાયમી શાસન કરતી હોત. તેમનો કોઈ જ વૈચારિક વિરોધ કરવાવાળું ના હોત અને દેશ પશ્ચિમી માનસિકતાનો કાયમી ગુલામ બની ગયો હોત. આજે જે રીતે કેટલાંક દેશવિરોધી તત્ત્વો અને અલગતાવાદીઓ દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તે પરિસ્થિતિ જો ડૉ. મુખર્જી ના હોત તો ક્યારનીય બેકાબૂ બની ગઈ હોત. અને ડૉ. શ્યામાપ્રસાદ તેમની સામે એક એવી મજબૂત દીવાલ બનીને ઊભા રહ્યા હતા, જેણે રાષ્ટ્રવિરોધીઓને ભારતને અંદરથી ખોખલું કરતા અટકાવ્યા. તેઓ એક એવા નેતા હતા જેમણે ક્યારેય સત્તા કે પદની લાલસા નહોતી રાખી, બલ્કે રાષ્ટ્રહિત માટે તેમણે મંત્રીપદને પણ ઠોકર મારી દીધી હતી. આ પ્રકારનું નિર્ભીક વ્યક્તિત્વ જ કોંગ્રેસ અને પં. નહેરુ માટે સૌથી મોટો પડકાર હતું. તેમણે સાબિત કરી દીધું હતું કે, જ્યારે વાત દેશની અખંડિતતાની હોય ત્યારે એક વ્યક્તિ પોતાની સંપૂર્ણ વિચારધારાને પણ દાવ પર લગાવી શકે છે. આજે પણ, જ્યારે દેશ એક આત્મનિર્ભર અને શક્તિશાળી ભારત બનવા તરફ અગ્રેસર છે, ત્યારે ડૉ. મુખર્જીના વિચારો આપણને રાષ્ટ્રનિષ્ઠાની પ્રેરણા આપે છે.
 
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના આ વિરાટ વ્યક્તિત્વ, બૌદ્ધિક ક્ષમતા અને અપ્રતિમ રાષ્ટ્રભક્તિએ જ, તેઓ કોંગ્રેસની વિચારધારાના વિરોધી હોવા છતાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને; ડૉ. શ્યામાપ્રસાદને પોતાના મંત્રીમંડળમાં લેવા મજબૂર કર્યા હતા. ‘બંદે મેં થા દમ...’ એ ઉક્તિ મુખર્જી માટે જ બની હતી. પરંતુ, દેશહિત માટે સરકારમાં જોડાયેલા આ વિચક્ષણ રાજપુરુષને કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ અને નહેરુના અન્યાયે કેવી રીતે બળવો કરવા મજબૂર કર્યા, અને કેવી રીતે નહેરુએ તેમની સાથે રાજકીય ખેલ ખેલ્યા, તે ઇતિહાસ જાણવો રોમાંચક અને આઘાતજનક બંને છે. હવે પછીના લેખમાં જોઈશું કે પં. નહેરુ અને કોંગ્રેસ સાથેનો તેમનો એ સંઘર્ષ કેવો હતો...
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.