ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી: નહેરુ સાથેનો રાજકીય સંઘર્ષ, કોંગ્રેસનો વિશ્વાસઘાત અને જનસંઘનો ઉદય
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ આ રાષ્ટ્ર માટે જે કર્યું છે એની કોઈ તુલના થાય તેમ નથી. તેઓ ના હોત તો પશ્ચિમ બંગાળ ભારતમાં ના હોત, ભારતમાં બે ઝંડા હોત અને બે વડાપ્રધાન હોત, એટલું જ નહીં ભારત પર અલગાવવાદીઓ રાજ કરતા હોત અને હિન્દુઓનું ઉત્પીડન થતું હોત. તેઓ ના હોત તો આ દેશમાં કેટલી ભયાનક રાજકીય સ્થિતિ હોત એ આપણે પહેલાં લેખમાં જોયું. પણ મહત્વની વાત એમ છે કે, તેઓ કોંગ્રેસની વિચારધારાના વિરોધી હોવા છતાં પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુએ તેમની અપ્રતિમ રાષ્ટ્રભક્તિ અને બૌદ્ધિક ક્ષમતા જોઈ તેમને મંત્રીમંડળમાં લેવા માટે મજબૂર થવું પડ્યું હતું. પરંતુ સમય જતાં એ જ નહેરુજીએ અને બીજા કોંગ્રેસીઓએ તેમને ખૂબ અન્યાય કર્યો અને તેમની સાથે રાજકીય ખેલ ખેલ્યો હતો. આવો કોંગ્રેસ અને ડૉ. મુખર્જી વચ્ચેના એ આઘાતજનક સંઘર્ષ વિશે જાણીએ...
૧૯૪૭માં ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશની સ્થિતિ અત્યંત નાજુક હતી. એક તરફ ભારતનું વિભાજન થયું હતું તો બીજી તરફ કરોડો શરણાર્થીઓની સમસ્યા અને રજવાડાંઓના વિલીનીકરણનું સંકટ હતું. આ સમયે પં. જવાહરલાલ નહેરુને એવો અનુભવ થયો કે માત્ર કોંગ્રેસના નેતાઓથી દેશ ચલાવવો મુશ્કેલ છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીનો સ્પષ્ટ મત હતો કે, સરકારમાં દેશના સર્વશ્રેષ્ઠ બૌદ્ધિકો હોવા જોઈએ. આથી, વૈચારિક વિરોધી હોવા છતાં પં. નહેરુએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને મંત્રીમંડળમાં સામેલ કરવા પડ્યા. આ નિર્ણય પાછળ નહેરુનો ઉદારવાદ નહોતો, પરંતુ તેમની વ્યાવહારિક મજબૂરી હતી. જોકે તેઓ અંગતપણે તો ડૉ. મુખર્જીની કુશળતાથી પ્રભાવિત હતા. ડૉ. મુખર્જીની વહીવટી કુશળતા, પ્રખર મેધાવી શક્તિ અને બંગાળ માટે તેમણે કરેલી અપ્રતિમ કામગીરીથી સરદાર પટેલ ખૂબ પ્રભાવિત હતા. સરદાર પટેલની મજબૂત ઇચ્છાશક્તિના કારણે જ નહેરુએ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. વીર સાવરકરે પણ ડૉ. મુખર્જીને સલાહ આપી હતી કે, સરકારમાં જોડાઈને જ દેશના નવનિર્માણમાં મોટું યોગદાન આપી શકાશે. આખરે, અપ્રતિમ રાષ્ટ્રપ્રેમ ખાતર ડૉ. મુખર્જીએ નહેરુ સરકારમાં ‘ઉદ્યોગ અને પુરવઠા મંત્રી’ તરીકેનો મહત્ત્વનો કાર્યભાર સંભાળ્યો હતો.
મુખર્જીનું વહીવટી કૌશલ્ય
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી મંત્રી બન્યા પછી તેમણે જે રીતે ભારતના ઔદ્યોગિક જગતના પાયા નાખ્યા તે ઇતિહાસમાં આજે પણ સુવર્ણઅક્ષરે નોંધાયેલું છે. તેમણે સ્વતંત્ર ભારતને આર્થિક રીતે પગભર કરવા માટે પાયાના ઉદ્યોગોની સ્થાપના કરી. ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ, સિંદરી ફર્ટિલાઈઝર કોર્પોરેશન, હિન્દુસ્તાન એરક્રાફ્ટ ફેક્ટરી અને દામોદર વેલી કોર્પોરેશન જેવા મહાકાય અને આધુનિક ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ તેમની જ દૂરદર્શિતાનું પરિણામ હતાં. તેમની કામ કરવાની પદ્ધતિ એકદમ વિકાસ કેન્દ્રિત, રાષ્ટ્ર કેન્દ્રિત અને પારદર્શી હતી. પણ એ સ્પષ્ટ અને પ્રામાણિક રીતો જ કેટલાક કોંગ્રેસીઓને પસંદ નહોતી. તેમની રાષ્ટ્રહિત રક્ષકની છબીથી જ કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયું હતું.
નહેરુજીની સરકારમાં મુખર્જીને સતત એકલા પાડી દેવાના પ્રયાસો થતા હતા. પં. નહેરુ લોકશાહીની વાતો ખૂબ કરતા હતા પણ તેમણે જ લોકશાહીનું ગળું ઘોંટ્યું હતું. તેમણે જ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને સાચું બોલતાં અને પોતાના વિચારો સ્પષ્ટ રીતે મૂક્તા અટકાવવા માટે અંદરખાને ખેલ ખેલવાનું કર્યું હતું. જ્યારે પણ ડૉ. મુખર્જી કાશ્મીર કે પૂર્વ બંગાળના હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો ઉઠાવતા ત્યારે નહેરુજી અત્યંત અકળાઈ જતા. તેમને એવું લાગતું કે ડૉ. મુખર્જી તેમની ‘ઇન્ટરનેશનલ છબી’ને નુક્સાન પહોંચાડી રહ્યા છે.
ગાંધીજીની હત્યા અને ત્યારબાદ સરદાર પટેલના અવસાન પછી, સ્વતંત્ર ભારતની રાજનીતિમાં એક એવો શૂન્યાવકાશ પેદા થયો હતો, જેણે નહેરુવાદને એકતરફી સત્તામાં બદલી નાખ્યો. બિનચૂંટાયેલ સરકારના વડાપ્રધાન - નહેરુજીએ, મળી ગયેલા તકનો ગેરલાભ ઉઠાવીને સંવિધાન સાથે ચેડા કરીને પોતાની ખુરશી પાકી કરી દીધી. ગાંધીહત્યાનો જુઠો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર લગાવ્યો. ડૉ. મુખર્જીની નજરમાં આ બધુ તરવરતું હતું. તેઓ ભયંકર રીતે દુભાયા હતા. તે સમયે કોંગ્રેસમાં
પં. નહેરુનો અવાજ જ કાયદો હતો. સરદાર પટેલના કહેવાથી ડૉ. મુખર્જી દેશના નવનિર્માણ માટે નહેરુ સરકારમાં જોડાયા તો હતા, પરંતુ દેશની એકતા અને સુરક્ષા સાથે થઈ રહેલી પીછેહઠે તેમને અકળાવી દીધા હતા.
પં. નહેરુ-લિયાક્ત કરાર : એક મહાન રાષ્ટ્રભક્ત સાથે વિશ્વાસઘાત
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને એના કરતાં પણ વિશેષ અકળાવનારી બાબત હતી દેશનું વિભાજન અને એ પછી હિન્દુઓની થઈ રહેલી દુર્દશા. દેશનું વિભાજન થયું, લાખો લોકો શરણાર્થી બન્યા અને પાકિસ્તાન એક જેહાદી માનસિકતા સાથે ઊભું હતું. આવામાં પંડિત નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે ૧૯૫૦માં થયેલો ‘નહેરુ-લિયાક્ત કરાર’ મુખર્જી માટે ભારતની છાતી પર થયેલો ઘા હતો. આ કરાર મુજબ બંને દેશોએ લઘુમતીઓને સુરક્ષા આપવાનું વચન આપ્યું હતું. મુખર્જી આ વાસ્તવિકતાથી પરિચિત હતા કે, ભારતનો બહુમતી હિન્દુ સમાજ તેના સંસ્કાર પ્રમાણે વચન પાળશે, પણ પાકિસ્તાન ક્યારેય આ વચન નહીં પાળે. પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માં હિન્દુઓની કત્લેઆમ થઈ રહી હતી અને નહેરુજી મેજ પર બેસીને શાંતિની વાતો કરી રહ્યા હતા. આ કરાર હિન્દુઓના લોહી પર થયેલો એક સોદો હતો. એ વખતે ડૉ. મુખર્જીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જે પાકિસ્તાન હિન્દુઓના લોહીનું પ્યાસું છે, તેની સાથે શાંતિ વાર્તા કરવી એ આત્મઘાતી છે. ડૉ. મુખર્જીએ આ કરારને હિન્દુઓ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો.
પરંતુ પં. નહેરુએ તેમના આ તર્કની અવગણના કરી અને ડૉ. મુખર્જીને અલગ-થલગ કરી દીધા. કોંગ્રેસના શાસકોએ મુખર્જીના અવાજને દબાવવા માટે તેમની સાથે છળકપટ કર્યું અને તેમને વહીવટી રીતે અસહાય કરવાનો પ્રયાસ કર્યો.
જ્યારે કોઈ નેતા દેશ માટે સાચું કામ કરી રહ્યો હોય અને તેની પોતાની જ સરકાર તેને ડગલે ને પગલે રોકતી હોય, ત્યારે એક સ્વાભિમાની વ્યક્તિ માટે રાજીનામા સિવાય અન્ય કોઈ માર્ગ બચતો નથી. આથી ૮ એપ્રિલ, ૧૯૫૦ના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું. આ રાજીનામું માત્ર એક મંત્રીનું રાજીનામું નહોતું, પરંતુ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રપ્રેમનો સૌથી મોટો પ્રહાર હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે સત્તા કરતાં દેશની રક્ષા તેમના માટે વધુ મહત્વની છે. હવે ડૉ. મુખર્જી મુક્ત હતા, નહેરુજીની રાષ્ટ્રવિરોધી નીતિઓ સામે સંઘર્ષ કરવા !
કોંગ્રેસીઓની ગંદી રમતો અને સત્ય પર પ્રતિબંધ
રાજીનામું આપ્યા પછી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશભરમાં જે રીતે કોંગ્રેસની નિષ્ફળતાઓનો પર્દાફાશ કર્યો, તેનાથી પં. નહેરુની સત્તા ડગમગી ગઈ. પં. નહેરુ મુખર્જીને સંસદમાં બોલતા રોકવા માટે પણ અવનવા હથકંડા અપનાવતા હતા. જ્યારે ડૉ. મુખર્જી પૂર્વ પાકિસ્તાનથી આવતા હિન્દુ શરણાર્થીઓની વ્યથા સંસદમાં રજૂ કરતા, ત્યારે પં. નહેરુ અને તેમના મંત્રીઓ તેમને ટોકતા, મજાક ઉડાવતા અને વારંવાર તેમની વાતને ‘સાંપ્રદાયિક’ કહીને નકારતા. પં. નહેરુએ ડૉ. મુખર્જીની વાતોને પ્રેસમાં આવતી રોકવા માટે સેન્સરશીપ જેવાં પગલાં લેવડાવ્યાં હતાં. બંગાળના મુખ્યમંત્રી બી.સી. રોય સાથે મળીને પણ પં. નહેરુએ ડૉ. મુખર્જીની છબી ખરાબ કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ ડૉ. મુખર્જી તો જનતાના હૃદયમાં વસી ગયા હતા, એ કોઈ રીતે જનતાના હૃદયમાંથી દૂર ના થયા.
ડૉ. મુખર્જીએ પં. નહેરુ માટે કહેલું કે, જેણે સ્વયં મુસ્લિમ સાંપ્રદાયિક્તાને પોષવા ભારતીય રાષ્ટ્રપ્રેમનું બલિદાન આપ્યું છે તેને બીજાને ‘સાંપ્રદાયિક’ કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. પરંતુ, અન્યાયની આ કાળી રાત લાંબી ન ચાલી. ખુરશી અને સત્તાના મોહને ઠોકર મારીને બહાર નીકળેલા આ પ્રખર રાષ્ટ્રભક્તને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે, દેશને એક મજબૂત અને નિષ્ઠાવાન વૈચારિક વિકલ્પની અનિવાર્ય જરૂર છે. એક દશકા પહેલાં તેઓ જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક ડૉ. હેડગેવારજીને મળ્યા ત્યારે તેમને સમજાયું હતું કે, રાષ્ટ્રીયતાની જ્યોતને જો કોઈ સંગઠન પ્રજ્વલિત રાખી શકે તેમ છે તો એ સંઘ જ છે. ટૂંકમાં તેમને સંઘમાં એક આશાનું કિરણ દેખાયું. અને બરાબર અહીંથી જ, ભારતની રાજનીતિમાં સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાના એક નવા પક્ષ ‘ભારતીય જનસંઘ’ની સ્થાપનાનો ભવ્ય અધ્યાય શરૂ થયો. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રપ્રેમની અવિસ્મરણીય યાત્રા વિશે જાણીશું હવે પછીના લેખ - સંઘ અને જનસંઘ સાથે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીમાં.
વામપંથીઓનો આક્રોશ અને મુખર્જી પ્રત્યેની નફરત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીથી જેટલો ડર કોંગ્રેસને હતો તેના કરતાં અનેક ગણો ડર વામપંથીઓને હતો. ડૉ. મુખર્જી કમ્યુનિષ્ટો-ડાબેરીઓની સત્તાલાલસાની રમતોને પાર નહોતા પડવા દેતા. જ્યારે આખો દેશ ભારતની સ્વતંત્રતા અને રાષ્ટ્રીયતા માટે લડી રહ્યો હતો ત્યારે ડાબેરીઓએ ક્યારેય રાષ્ટ્રીયતાને સ્વીકારી નહોતી. તેઓની સક્રિયાત રાષ્ટ્રીયતાને હડસેલીને સત્તા કબજે કરવાની હતી, કારણ કે, તેમના પક્ષનો દોરીસંચાર વિદેશમાંથી કરવામાં આવી રહ્યો હતો. ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન’ વખતે પણ ડાબેરીઓએ અંગ્રેજો તરફથી જાસૂસી કરી હતી અને ડૉ. મુખર્જી જેવા રાષ્ટ્રપ્રેમીઓને પકડાવ્યા હતા. મુસ્લિમ લીગની ભારત વિભાજનની અને પાકિસ્તાન બનાવવાની માંગમાં ડાબેરીઓ પોતાનો રાજકીય લાભ જોઈ રહ્યા હતા. તેઓ હંમેશા ડૉ. મુખર્જીને ‘સાંપ્રદાયિક’ ગણાવીને બદનામ કરતા રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે ડૉ. મુખર્જીનું રાષ્ટ્રહિત વામપંથીઓના ભારત-વિરોધી અને રશિયા-ચીન-પ્રેરિત એજન્ડાને ક્યારેય સફળ નહીં થવા દે.