પાછલા અંકોમાં આપણે હિન્દુ સમાજના ઘટના પ્રજનન દરના ગંભીર મુદ્દાઓ અંગે વાત કરી. ૨૦૨૪માં ભારતનો કુલ પ્રજનન દર (TFR-Total Fertility Rate) ઘટીને ઇતિહાસમાં પહેલી જ વાર ૧.૯ ટકા થઈ ગયો છે. (અને ગુજરાતમાં તો એનાથી પણ નીચે ૧.૭ ટકા થઈ ગયો છે.) એની પાછળના ઇતિહાસ અને ષડયંત્ર સુધી બધી જ વાતો આપણે કરી. આ ગંભીર વૈચારિક ભૂમિકા પછી, હવે આપણે એ સમજવાની જરૂર છે કે, આ બધા ષડયંત્રોની સાથે સાથે કઈ આંતરિક માનસિકતા આપણને અંદરથી નબળી બનાવી રહી છે.
આજના આધુનિક સમયમાં આપણા હિન્દુ સમાજમાં એક બહુ મોટું અને સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આપણી દીકરીઓ આજે ઉચ્ચ શિક્ષણ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં, નોકરી-વ્યવસાયમાં, આઈટી સેક્ટરમાં અને દેશના મોટા વહીવટી તંત્રોમાં પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી છે. સ્ત્રી સશક્તિકરણનું આ ચિત્ર ખરેખર અત્યંત ગૌરવપૂર્ણ અને આવકાર્ય છે. દીકરીઓ નોકરી કરે, પગભર થાય અને આર્થિક રીતે સ્વતંત્ર બને તે આજના સમયની માંગ છે અને આપણા સમાજની પ્રગતિનું લક્ષણ છે. પરંતુ, આ સુંદર ચિત્રની પાછળ એક અત્યંત ચિંતાજનક અને ઘાતક માનસિકતા પણ છુપાયેલી છે. નોકરી અને કારકિર્દીના બહાને આધુનિકતાની આંધળી દોડમાં આજના કેટલાંક યુવા દંપતીઓ માતૃત્વ અને પિતૃત્વની જવાબદારીઓથી ભાગી રહ્યાં છે. આ માનસિકતાને કારણે એક વરવું કલ્ચર ઊભું થયું છે અને એ કલ્ચરને ‘DINK’ કલ્ચર કરેવામાં આવે છે. છોકરીઓ નોકરી કરે તે ખૂબ સારું છે, પરંતુ માત્ર નોકરી કે ભૌતિક સુખો ખાતર બાળકો પેદા જ ન કરવાં અથવા માત્ર એક જ સંતાન સુધી સીમિત રહી જવું, તે સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ સંપૂર્ણપણે ખોટું છે. આજના ભણેલા-ગણેલા યુવા વર્ગમાં કારકિર્દીના ભોગે માતૃત્વનો જે સંપૂર્ણ ત્યાગ કરવાની વૃત્તિ પ્રબળ બની રહી છે, તેના કારણે આપણો પ્રજનન દર ઘટી રહ્યો છે. આ જે માનસિકતા એ અને આવનારા સમયમાં આ માનસિકતા આપણી કુટુંબ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખશે.
DINK કલ્ચર શું છે?
આ આધુનિક અને નકારાત્મક માનસિકતાનું સૌથી મોટું અને ભયાનક પ્રતિબિંબ એટલે DINK થિયરી. DINK એટલે કે ‘Double Income No Kids’. આવક બમણી અને બાળક એક પણ નહીં, એવી આ વાહિયાત થિયરી પશ્ચિમના દેશોમાંથી આયાત થયેલી છે. આ આત્મકેન્દ્રી વિચારધારા આજે આપણા શહેરી, ભણેલા-ગણેલા મધ્યમ અને ઉચ્ચ વર્ગના યુગલોમાં એક ફેશન, સ્ટેટસ સિમ્બોલ અને સ્વીકૃત માનસિકતા બની ગઈ છે. આ DINK થિયરી હેઠળ દંપતી પતિ અને પત્ની બંને કમાય છે. તેઓ પોતાની આવક અને આર્થિક સમૃદ્ધિને બમણી કરવા ઈચ્છે છે. બંને જણા કમાય છે અને બંને જણા એ આવક પોતાના મોજશોખ પાછળ ખર્ચે છે. તેઓને શાનદાર ફ્લેટ જોઈએ છે, મોટી ગાડીઓ જોઈએ છે, વીકએન્ડ પાર્ટીઓ કરવી છે અને વિદેશ પ્રવાસો કરવા છે, વૈભવી લાઇફસ્ટાઇલ ભોગવવી છે, પરંતુ બાળકોની જવાબદારી ઉઠાવવાથી તેઓ દૂર ભાગે છે.
આવા દંપતીઓને એવો કાલ્પનિક ડર સતાવે છે કે, જો બાળક આવશે તો તેમની અંગત સ્વતંત્રતા છીનવાઈ જશે, તેમની રાતોની ઊંઘ હરામ થઈ જશે અને તેમના ખર્ચાઓ વધી જશે. બાળક ઉછેરવા માટે જે સમય, શક્તિ અને સમર્પણ જોઈએ તે આપવા તેઓ તૈયાર નથી. તેઓને એ ડર સતાવતો નથી કે, ઘડપણમાં આપણું કહેવાય એવું કોઈ આપણી પાસે નહિ રહે! તેઓ પોતાની સ્વતંત્રતા અને ભૌતિક સુખોને જાળવી રાખવા માટે જાણીજોઈને સંતાન પેદા ન કરવાનો નિર્ણય લે છે. તેઓ બાળકો નથી ઇચ્છતાં અને તેમને માત્ર પોતાના માટે જ જીવવું છે, આ સ્વાર્થી માનસિકતાને કારણે જ આજે આપણા શહેરી હિન્દુ સમાજનો પ્રજનન દર ચિંતાજનક રીતે ઘટી ગયો છે. યુવા દંપતીઓ એ ભૂલી ગયા છે કે માતૃત્વ કે પિતૃત્વ એ કોઈ બોજ નથી, પરંતુ તે ઈશ્વરનું સર્વોચ્ચ વરદાન છે. પૈસાથી તમે ભૌતિક સુખ ખરીદી શકો છો, પણ ઘરના આંગણામાં રમતા બાળકની કિલકારીઓથી જે સાચો આનંદ મળે છે, તે દુનિયાની કોઈ પણ સંપત્તિ આપી શકતી નથી.
કારકિર્દીની દોડ અને સામાજિક એકલતાની શરૂઆત
શહેરી વિસ્તારોમાં આ માનસિકતા વધવા પાછળ કેટલાક સામાજિક કારણો પણ જવાબદાર છે. યુવાનો પહેલાં ભણવામાં અને પછી કરિયર સેટ કરવામાં એટલો સમય કાઢી નાખે છે કે તેમના લગ્નજીવનમાં અતિશય વિલંબ થાય છે. ત્રીસ કે બત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી તેઓ થોડાં વર્ષો એકબીજાને સમજવા અને લાઇફ એન્જોય કરવાના નામે સંતાનપ્રાપ્તિ ટાળે છે. જ્યારે તેઓ સંતાન માટે વિચારે છે ત્યારે ઉંમર વધી જવાને કારણે તબીબી સમસ્યાઓ ઊભી થાય છે. વળી શહેરોમાં રહેવાનો વધતો જતો ખર્ચ અને મોંઘું શિક્ષણ આગળ ધરીને યુવા દંપતીઓ નાના પરિવાર એટલે કે ‘માત્ર એક જ બાળક’ તરફ અથવા તો ‘એક પણ બાળક નહીં’ એવા નિર્ણય તરફ વળે છે.
આપણા વડીલો અને દાદા-દાદી પાસે ક્યાં કોઈ મોટાં બેન્ક બેલેન્સ હતાં? છતાં તેમણે સંયુક્ત કુટુંબમાં રહીને અનેક બાળકોને ઉત્તમ સંસ્કારો અને શિક્ષણ આપીને મોટાં કર્યાં જ છે ને! ત્યારે સવાલ એ થાય છે કે, આજે લાખો રૂપિયાનો પગાર હોવા છતાં આધુનિક દંપતીઓને બાળક મોંઘું કેમ લાગે છે? ખરેખર તો આર્થિક સધ્ધરતાનો અભાવ નથી, પણ જવાબદારી લેવાની માનસિકતાનો અભાવ છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણે આપણને સ્વકેન્દ્રી બનાવી દીધા છે. કાલ્પનિક ભયગ્રસ્ત બનાવી દીધા છે, પ્રકૃતિથી વિમુખ બનાવી દીધા છે. આનું પરિણામ એ આવશે કે ભવિષ્યમાં આવા લોકો પાસે અઢળક સંપત્તિ હશે, પણ વૃદ્ધાવસ્થામાં તેમનો હાથ પકડનાર કે તેમને સાચવનાર કોઈ પોતાનું નહીં હોય. જ્યારે પૈસાનું મૂલ્ય શૂન્ય થઈ જશે, ત્યારે આ DINK કપલ્સ સામાજિક એકલતાની ભયાનક ખાઈમાં ધકેલાઈ જશે.
માત્ર હું અને માત્ર હું, આવો વિચાર કેન્દ્રમાં રાખનાર સાથે સાચો સંબંધ, મિત્રતા કોઈ બાંધી શકે તે પણ શક્ય ન થાઈ એ તો ઠીક એ બંને જણાને જોડતી ઓળખો બધી જ કૃત્રિમ હોવાની. કુદરતી ઓળખ વિના તેમની એક દંપતિ તરીકેની ઓળખ શૂન્ય રહે છે.
મહાનગરોની વરવી વાસ્તવિક્તા
આ આત્મકેન્દ્રી વિચારધારાને કારણે ભૌગોલિક સ્તરે પણ વિલક્ષણ વસ્તી વિષયક ફેરફારો જોવા મળ્યા છે. જો તમે ભારતના કેટલાક હાઈ-ટેક આઈટી હબ અને મહાનગરોના ચોક્કસ વિસ્તારો પર નજર કરશો, તો આ DINK કલ્ચરની વરવી વાસ્તવિકતા છતી થશે. ઉદાહરણ તરીકે, દેશની રાજધાની દિલ્હીના કેટલાક ઉચ્ચ અને ભદ્ર વર્ગના વિસ્તારો (જેમ કે વસંત કુંજ કે સાઉથ દિલ્હીના પૉશ કલસ્ટર્સ)માં યુવા દંપતીઓમાં સંતાન ન હોવાનો અથવા વિલંબથી સંતાન લાવવાનો ટ્રેન્ડ એટલો બધો વ્યાપક બની ગયો છે કે, ત્યાંની સામાજિક ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે.
આ વિસ્તારોમાં ભૌતિક સુવિધાઓ લક્ઝરી કાર્સ અને મોંઘા મોલ્સની કોઈ કમી નથી, પરંતુ ત્યાં બાળકની કિલકારીઓ ગાયબ થઈ રહી છે. પરિસ્થિતિ એવી સર્જાઈ રહી છે કે, આ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓ અને પ્લે-હાઉસમાં બાળકોની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. નવાં એડ્મિશનો મળતાં નથી, કારણ કે, આસપાસના પરિવારોમાં બાળકો જ નથી. આ માત્ર એક ભૌગોલિક વિસ્તારનું ઉદાહરણ છે, પરંતુ દેશના દરેક મોટા મહાનગરમાં ઉચ્ચ વર્ગના હિન્દુ પરિવારોમાં આ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે સમાજ પાસે શિક્ષણ છે, સંપત્તિ છે અને બાળકોને ઉછેરવા માટેની તમામ અનુકૂળતાઓ છે, તે જ સમાજ બાળકો પેદા કરવાથી દૂર ભાગી રહ્યો છે. આ આપણા સામાજિક માળખા માટે લાલબત્તી સમાન છે.
આપણે એ સમજવું પડશે કે બાળકો એ કોઈ ભૌતિક બોજ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્ર અને સમાજના ભવિષ્યનું સર્વોચ્ચ મૂડીરોકાણ છે અને આપણું દાયિત્વ પણ છે. જો આપણે આ પશ્ચિમી DINK કલ્ચરના ભ્રમમાંથી બહાર નહીં આવીએ, તો માત્ર આપણી કુટુંબ-વ્યવસ્થા જ નહીં, પરંતુ એક બહુસંખ્યક સમાજ તરીકે આપણું રાષ્ટ્રીય અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જશે. મહિલાઓનું સશક્તિકરણ અને તેમની કારકિર્દી ચોક્કસપણે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તે માતૃત્વના ભોગે ક્યારેય ન હોઈ શકે. બંનેનું સુંદર સંતુલન જાળવવું એ જ ખરું મનુષ્યપણું છે.