સાંપ્રત । નેપાળનો મોટો સપાટો: ચીની અને અમેરિકી ઘૂસણખોરોની હકાલપટ્ટી પાછળનું અસલી સત્ય શું છે?

તમે જુઓ કે નેપાળમાં આટલું બધું ઘટિત થતું હોવા છતાં ભારતના મીડિયામાં આવા સમાચાર આવતા નથી. આમ તો દુનિયાભરના ચિત્ર-વિચિત્ર સમાચારો આવતા હોય છે. તો પછી નેપાળમાં ચીની અને અમેરિકી નાગરિકોનાં પાપો પર કેમ પડદો નાખવામાં આવે છે?

    ૨૨-ઓગસ્ટ-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 

Nepal foreign illegal immigrants deportation 
 

નેપાળમાંથી ચીનાઓ અને અમેરિકનોની હકાલપટ્ટી

ભારતમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને કાઢી મૂકવાની વાત આવે છે ત્યારે ભારતના સેક્યુલર બુદ્ધિજીવીઓ, પીઆઈએલજીવીઓ અને કેટલાક માનનીય ‘સર્વોચ્ચો’ને પેટમાં દુઃખે છે. નિર્દોષ ભારતીય નાગરિકોને કાઢી મુકાતા હોવાનો તેઓ રાગ આલાપે છે. એમ્નેસ્ટી જેવી માનવાધિકાર સંસ્થા તો આવો રાગ આલાપે તે સમજ્યા, પરંતુ કેટલાક પત્રકારો પણ એ બિચારા રાતોરાત ઘરવિહોણા થઈ ગયાનું કહી, તેમની કથિત વેદના (એવી ઍક્ટિંગ તેમને શીખવાડાય છે, પેલેસ્ટાઇનના વિડિયો જોઈ લેજો) બતાવી લાઇક, વ્યૂ, સબસ્ક્રાઇબની ‘જમાવટ’ કરે છે.
 
પરંતુ કોઈ પણ દેશ પોતાના દેશમાં પરાણે પરોણા થઈને આવનાર અને તેમાંય અપરાધ કરીને અથવા તો કંઈ ન કરીને દેશની તિજોરીના માથે ભારરૂપ બનવા ન દે. અમેરિકાએ અનેક ઘૂસણખોરોને કાઢી મૂક્યા. તાજેતરમાં સ્પેનમાં ૫૦,૦૦૦ જેટલા મુસ્લિમોએ દરિયાઈ માર્ગે આવીને ઘૂસણખોરીના નામે એક પ્રકારે આક્રમણ કરી મૂક્યું હતું. સ્પેને તેમને કાઢી મૂક્યા. યુકે, ફ્રાન્સ બધે જ આવી ઝુંબેશ ચાલે છે. અરે! સાઉદી અરેબિયા, જેની સાથે તાજેતરમાં પાકિસ્તાન અને તુર્કિયેએ મળીને ‘નાટો’ જેવો સંરક્ષણ કરાર કર્યો, તેમાંથી પણ પાકિસ્તાની ભિખારીઓને કાઢી મુકાય છે. યુએઇ પણ વણમાગ્યા પાકિસ્તાની લોકો સાથે આવું જ કરે છે.
 
ઘૂસણખોરોને કાઢી મૂકવામાં નેપાળ પણ પાછળ નથી, પરંતુ બધા દેશો કરતાં નેપાળ ચડી જાય છે. તેનું કારણ નેપાળ કયા ઘૂસણખોરોને કાઢી રહ્યું છે તે સમજવા જેવું છે. અને એટલે જ ભારતે પણ વહેલામોડા નેપાળના મૉડલને અનુસરવું પડશે.
છેલ્લાં પાંચ વર્ષોમાં નેપાળે ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ અનેક વિદેશીઓને કાઢી મૂક્યા છે. વર્ષ ૨૦૨૧-૨૦૨૫ના ગાળા દરમિયાન આ હિમાલયી દેશમાંથી દેશનિકાલ કરાયેલા વિદેશી ઘૂસણખોરો અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગના આંકડા મુજબ, પાંચ વર્ષના ગાળામાં કુલ ૨,૨૬૭ વિદેશી ઘૂસણખોરોનો દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
 
દેશનિકાલ કરાયેલા વિદેશી ઘૂસણખોરોમાં ચીની નાગરિકોની સંખ્યા સૌથી વધુ છે! ચીની! વિચાર કરો. ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન નેપાળમાંથી ૬૯૫ ચીની લોકોને હાંકી કાઢવામાં આવ્યા હતા, જે દેશનિકાલ કરાયેલા ઘૂસણખોરોમાં સૌથી મોટી સંખ્યા છે.
 
દેશનિકાલ કરાયેલા કુલ ઘૂસણખોરોમાં ચીની નાગરિકોનું પ્રમાણ કુલ સંખ્યાના ૩૦.૬૫ ટકા હતું. આ પછી બીજો ક્રમાંક કોનો છે ખબર છે? રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી જાણકાર આપણા સાધનાના વાચકો કદાચ અનુમાન કરશે, બાંગ્લાદેશી? ના, બાંગ્લાદેશી નહીં. નેપાળમાંથી દેશનિકાલ કરાયેલા લોકોમાં ૧૯૧ ઘૂસણખોરો અમેરિકાના હતા. અર્થાત્ ચીન પછી બીજા ક્રમે અમેરિકી નાગરિકોને દેશનિકાલ કરાયા હતા. જ્યારે ૧૪૫ બાંગ્લાદેશી ઘૂસણખોરો ત્રીજા ક્રમે હતા. આ સમયગાળા દરમિયાન નેપાળમાંથી દેશનિકાલ કરાયેલા નાગરિકોની સંખ્યાની દૃષ્ટિએ યુકે અને પાકિસ્તાન અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. નેપાળનો ઇમિગ્રેશન વિભાગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અથવા ઇમિગ્રેશન કાયદા અને વિઝાની શરતોનું ઉલ્લંઘન કરતા વિદેશી ઘૂસણખોરોનો દેશનિકાલ કરે છે.
 
આમ જુઓ, તો ભારતીય ઉપખંડમાં બ્રિટિશરો સૌથી વધુ ભયાવહ માની શકાય, પરંતુ સ્વતંત્રતા પછીની સમય અવધિમાં ચીની અને અમેરિકી મહત્ત્વાકાંક્ષાએ તેના ગુપ્તચરોને બીજા દેશોમાં મોકલવાનું ચાલુ કર્યું. બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાની ઘૂસણખોરો તો અફઘાન, સીરિયા અને આફ્રિકાના મુસ્લિમ ઘૂસણખોરોની જેમ સ્વભાવે જ ઉપદ્રવી છે. તેમને સંઘરવા દુનિયાના જર્મની જેવા અપવાદ રૂપ દેશ સિવાય કોઈ સમજદાર દેશ તૈયાર નથી. અગાઉ બ્રિટન, ફ્રાન્સ સહિતના દેશો દયા ખાઈને શરણ આપતા હતા અને મફતિયા અધિકારો પણ આપતા હતા, પરંતુ યુરોપ પણ હવે જાગ્યું છે.
 
આ ઘૂસણખોરો પેટમાં ઘૂસીને શરીર ફેલાવનારા હોય છે. એક વાર દયા ખાઈને તેમને પ્રવેશ આપી દો પછી તેઓ તેમના માટે વિનંતી નહીં, અધિકાર માગવા લાગે છે, અને અધિકાર માટે તેઓ લડાઈ કરવા તૈયાર થઈ જાય છે. ૨૦૨૦ના વર્ષમાં જ્યારે કોરોના આવ્યો અને લૉકડાઉન કરવાનું થયું ત્યારે આવું જ થયું હતું. ચીની નાગરિકોએ પોતાના માટે ચીન જવા વિમાન ઉડાનો માગી હતી! નેપાળ અને ચીન તો પડોશી દેશો છે, અને નેપાળથી ચીન સડક માર્ગે પણ જઈ શકાય છે, તેમ છતાં વિમાન ઉડાનો માગી હતી! અને તે માટે તેમણે વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. તેઓ વડા પ્રધાન કાર્યાલય આગળ નિયંત્રિત વિસ્તાર એવા સિંહ દરબાર વિસ્તારમાં પ્રવેશવા ગયા હતા. તેના કારણે નેપાળની પોલીસ સાથે તેમને ઘર્ષણ થયું હતું.
 
તમને લાગશે કે આમાં નેપાળની પોલીસ ચીની નાગરિકો પર તૂટી પડી હશે. પરંતુ જંતરમંતર પર સીજેપીના ક્રોકરોચોએ જે રીતે ઉપદ્રવ મચાવ્યો, પોલીસ અને સીઆરપીએફ સહિતના જવાનોને ઈંટ અને પથ્થર વડે ઘાયલ કર્યા, તે જ રીતે નેપાળમાં ચીની કામદારોએ પોલીસ સામે હિંસા કરી હતી અને ચાર પોલીસ અધિકારી તેમજ બે ચીની કામદારો ઘવાયા હતા. વિચાર કરો. અને આ હિંસાનું કારણ એ હતું કે, આ ચીનાઓ પાસે પૈસા ખૂટી ગયા હતા. વાંક કોનો? એ પણ વિચાર કરો કે તેમની સંખ્યા વધુ હોત તો શું થાત? તેઓ જે દેશમાં પૈસા કમાવા આવ્યા છે તે દેશમાં આપત્તિના સમયે તેઓ રહેવા તૈયાર નથી. પોતાના દેશ ભાગી જવા તૈયાર થાય છે અને સરકાર તેના પૈસા ખર્ચે, તે પણ વિમાન જ, તેવી માગણી કરે! માટે જ આ પ્રકારના ઘૂસણખોરો કે વિઝા પર કામ કરવા આવેલા લોકો પ્રત્યે સાવધાન રહેવું ઘટે.
 
હવે વાત અમેરિકી નાગરિકોની. તો અમેરિકાના નાગરિકોને નેપાળમાં શું રસ પડે છે? તેનો ઉત્તર ગયા વર્ષના એક સમાચાર પરથી જાણવા મળી જશે. બે ઑક્ટોબર ૨૦૨૫ના દિને એક સમાચાર આવ્યા હતા કે નેપાળ પોલીસે બાર કરતાં વધુ અમેરિકી નાગરિકોને પકડ્યા છે અને એક ભારતીય નાગરિકને. તેઓ અગ્નિ (હવે આ દિશાઓનાં નામો શીખવાં પડશે. દક્ષિણ-પૂર્વને અગ્નિ, દક્ષિણ-પશ્ચિમને નૈઋત્ય, ઉત્તર-પશ્ચિમને વાયવ્ય અને ઉત્તર-પૂર્વને ઈશાન કહેવાય. અંગ્રેજીમાં આ નામો જ નથી. આ જ તો હિન્દુ વિજ્ઞાન છે.) નેપાળમાં ઇવાન્જેલિસ્ટિક એટલે કે ખ્રિસ્તી પંથાંતરણની પ્રવૃત્તિ કરતા હતા. એટલે કે અમેરિકી નાગરિક ઉપરાંત ભારતનો કોઈ ખ્રિસ્તી નાગરિક નેપાળ જઈને ત્યાંના હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાની પ્રવૃત્તિ કરતો હતો.
 
અમેરિકી ખ્રિસ્તીઓ ત્યાં પર્યટક વિઝા પર જતા. એટલે કે ફરવાના બહાને જતા અને પછી ત્યાં જઈ હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા માટે લોભ-લાલચ ઇત્યાદિ તેમની જાણીતી રીતે સમજાવતા. નેપાળમાં આ અંગેનો કાયદો ખૂબ જ મજબૂત છે. ૨૦૧૭ની રાષ્ટ્રીય દંડ સંહિતા કહે છે, ‘કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને એક પંથમાંથી બીજા પંથમાં પરિવર્તિત નહીં કરાવે અથવા પરિવર્તિત કરવા પ્રયાસ નહીં કરે.’
 
અને તમે જુઓ કે ખ્રિસ્તી સંસ્થાઓ આના વિરુદ્ધ કેવો ઊહાપોહ કરે છે! એક વેબસાઇટ છે- persecution.org તેના પર આ સમાચાર એ રીતે પ્રસ્તુત કરાયા છે જાણે, નેપાળમાં ખ્રિસ્તીઓની હેરાનગતિ કરાઈ રહી હોય! તેના પર લખાયું છે કે, આવી વિધિ (કાયદા માટે શુદ્ધ સંસ્કૃત શબ્દ વિધિ છે)ના લીધે નેપાળના સત્તાધીશોને ખ્રિસ્તીઓને હેરાન કરવા માટે છૂટ મળી જાય છે, વળી આ વેબસાઇટ પર આ માટેનું દોષારોપણ ભારત પર કરાયું છે. વેબસાઇટ પર લખાયું છે કે, ભારત નેપાળમાં પંથીય અંતિમવાદને પોષે છે. જોકે વેબસાઇટમાં એક વાત સાચી લખાઈ છે કે, ભારતમાં પણ આવા કડક કાયદા છે, પરંતુ તે રાજ્ય સ્તરે જ છે. એટલે કે નેપાળ આ બાબતે ભારત કરતાં આગળ છે.
 
ભારતની જનતાનો મોટો વર્ગ હજુ પણ ગોરી ચામડીથી પ્રભાવિત છે. પહેલાં બ્રિટિશરોથી હતો, હવે અમેરિકાથી છે. એટલે ભારતમાં અમેરિકાના પ્રમુખ આવે તો મીડિયાથી લઈને જનતા ગાંડી-ગાંડી થઈ જાય છે. અથવા તેનો કોઈ સામાન્ય ગાયક પણ આવે તો તેના કાર્યક્રમો સફળ જાય છે. બાળ યૌન શોષણખોર એટલે કે બાળકોનું શારીરિક શોષણ કરવાનો આરોપી અને જેનાં ગીતોમાં કોઈ એવા ખાસ ઢંગધડા નહોતા તેવા માઇકલ જેક્સનનું ભારતમાં કેટલું મહિમામંડન કરાયું હતું! ઘણા લોકો તેના નાચની નકલ કરતા. તે તો ઠીક, પરંતુ જેને આપણે હિન્દુ હૃદયસમ્રાટ ગણીએ છીએ તેવા બાળ ઠાકરે જીવિત હતા અને ત્યારે તેઓ હિન્દુત્વની વાતો બહુ કરતા, તેમના મધ્યાહ્ન સમયમાં શિવ સેનાએ ૧૯૯૬માં માઇકલ જેક્સનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમના આયોજક તરીકે આમ તો શિવ ઉદ્યોગ સેના હતી, જેના સ્થાપક બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે હતા. કોઈ નવાઈ નથી કે જે કથિત મૉડલ રિયા આહિર રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં એમ કહેતી હોય કે, હું ઑનલાઇન મારું શરીર રૂ. ૧૪૦માં વેચું છું તેણે મુંબઈમાં કથિત વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં બંધ પોલીસવાનને હાથ અડાડી ફોટો પડાવ્યો અને ડાબેરી ઇકૉ સિસ્ટમે તેનો એ રીતે પ્રચાર કર્યો કે એક જ હાથે રિયાએ પોલીસ વાનને અટકાવી દીધી, તે રિયા આહિરનું સન્માન રાજ ઠાકરે કરે છે, પરંતુ તેની સામે રાષ્ટ્રસમૂહ રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતા દિલીપ ગાવિત અને તેમના પ્રશિક્ષક નાશિકમાં રાજ ઠાકરેને મળવા ગયા તો તેમને રાજ ઠાકરેના માણસોએ અઢી કલાક બેસાડી રાખ્યા, પરંતુ રાજ ઠાકરેએ મુલાકાત જ નહોતી આપી.
 
કહેવાનો અર્થ એ છે કે, અમેરિકાના લોકોને જોઈને પ્રભાવિત થઈ જવાની આવશ્યકતા નથી. તેમાંના લોકો બાળ યૌન શોષણખોર હોઈ શકે છે. થોડા મહિનાઓ પહેલાં ઍપ્સ્ટિન ફાઇલ્સમાં બહાર આવ્યું હતું કે, જેફ્રી એપ્સ્ટિન તેણે ખરીદેલા ટાપુ પર શક્તિશાળી લોકોને બોલાવી આવી ગંદી શબ્દ પણ ઓછો પડે તેવી પ્રવૃત્તિ કરતો હતો. આ નામોમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઇક્રૉસૉફ્ટના બિલ ગેટ્સ, અમેરિકી નિર્દેશક વૂડી એલન, મૉડલ નાઓમી કેમ્પબેલ, ડચ રાજકુમારી સોફિયા, દિવ્યાંગ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનો સમાવેશ થાય છે.
 
નેપાળમાં અમેરિકી નાગરિકોને દેશનિકાલ કરવા પાછળ ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિ ઉપરાંત બાળ યૌનશોષણની પ્રવૃત્તિ પણ હોઈ શકે, કારણકે ત્યાં ૨૦૧૯માં નેપાળની સીબીઆઈએ અમેરિકાના નાગરિક જેસન લૉઇડ મૂડીની આવા આરોપસર ધરપકડ કરી હતી અને તેની ચુંગાલમાંથી ત્રણ અલ્પ વયસ્ક છોકરીઓને છોડાવી હતી.
 
તમે જુઓ કે નેપાળમાં આટલું બધું ઘટિત થતું હોવા છતાં ભારતના મીડિયામાં આવા સમાચાર આવતા નથી. આમ તો દુનિયાભરના ચિત્ર-વિચિત્ર સમાચારો આવતા હોય છે. તો પછી નેપાળમાં ચીની અને અમેરિકી નાગરિકોનાં પાપો પર કેમ પડદો નાખવામાં આવે છે?
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…