તંત્રીસ્થાનેથી । આ મનમાની કરનાર તાયફાબાજ લોકોએ.. દેશની પ્રજાને શું સમજી રાખી છે?

આપણી સંસદને નેપાળની જેમ ઉથલાવી પાડવાના કારસ્તાનમાંથી દેશ હેમખેમ બચી તો ગયો, સાથે સાથે વિદેશી ડીપ સ્ટેટની કઠપૂતળીઓ બનીને નાચનાર રાજકીય + જેહાદી + અરાજકવાદી + દિમાગી નક્સલ, આ બધાં તત્ત્વોના છુપા મનસૂબા પણ જાહેર થઈ ગયા.

    ૨૯-ઓગસ્ટ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

vande mataram 
 
 
સોશિયલ મીડિયા પર વિદેશી ફોલોઅર્સના નામે હવા ઊભી કરીને CJPએ વિદેશી સહાય થકી જંતર-મંતરથી અરાજકતાનો ખેલ શરૂ કર્યો, જેના પડઘા દેશ આખામાં પડ્યા છે. વર્તમાનમાં દેશ; અભિવ્યક્તિના અધિકારની આડમાં લોકશાહીનું વસ્ત્રાહરણ કરવાનાં જધન્ય કૃત્યોને જોઈ રહ્યો છે. વિશ્વના સર્વોચ્ચ લોકતંત્રના મંદિરનો વિધ્વંસ કરવા માટે આખા સંસદ પરિસરને બાનમાં લેવા માટે નીકળેલી ટુકડે ગેંગનો પર્દાફાશ થયો. ન્યાયતંત્ર, સૈન્ય અને વહીવટી તંત્રની બેઈજ્જતી, તેના પ્રત્યે સતત ધૃણા, તેની જાહેર અવહેલના થકી લોકોમાં અજંપો-અવિશ્વાસ-અંધાધૂંધી ઉભાં થાય તેવાં નકારાત્મક કરતૂત ચાલુ રાખવાં, એ આ દેશના સમગ્ર તંત્રને લૂણો લગાડવાની મોડસ ઓપરેન્ડી છે. સદ્ભાગ્યથી દેશના વીર જવાનો, પોલીસ તંત્રના બાહોશ અધિકારીઓએ અરાજક તત્ત્વોનો ખેલ ચોપટ કરી દીધો. આપણી સંસદને નેપાળની જેમ ઉથલાવી પાડવાના કારસ્તાનમાંથી દેશ હેમખેમ બચી તો ગયો, સાથે સાથે વિદેશી ડીપ સ્ટેટની કઠપૂતળીઓ બનીને નાચનાર રાજકીય + જેહાદી + અરાજકવાદી + દિમાગી નક્સલ, આ બધાં તત્ત્વોના છુપા મનસૂબા પણ જાહેર થઈ ગયા.
 
વિના પરવાનગીએ કાયદો હાથમાં લઈને કાઢવામાં આવેલી રેલી, જેમાં પોલીસકર્મીઓ પર જાનલેવા હુમલા કરવામાં આવ્યા, અતિ ગંભીર ઇજાઓ પહોંચી. આ આખા કાવતરાનો ખરો પર્દાફાશ કરવા માટે આપણા સર્વોચ્ચ ન્યાયાલયે એક ‘હાઈ પાવર કમિટી’ ગઠિત કરી દીધી છે, તેમાં પેલેટ ગન મામલે પણ તપાસ થવાની જ છે, તેમ છતાં રાહુલ ગાંધીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ હંગામો મચાવ્યો અને પેલેટ ગન મુદ્દે અલગથી FIR કરવાનું વાહિયાત દબાણ ઊભું કર્યું.
 
અંતે.. (શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ચાલતી હોય ત્યારે કોઈ અનિયંત્રિત જીદ્દી બાળક મોટેથી ભેંકડો તાણે ત્યારે કથામાં વિક્ષેપ ટાળવા માટે જે કંઈ કરવું પડે તેના ભાગરૂપે) આરોપી તરીકેના ખાનામાં કોઈનું પણ નામ મૂક્યા વિનાની FIR નોંધવામાં આવી. વાસ્તવમાં આ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચને પહેલાંથી તપાસ સોંપી દેવામાં આવેલ છે જ, તેથી FIR નોંધવાનું કોઈ કારણ જ બનતું નથી, છતાં રાહુલ ગાંધીએ આ નૌટંકી માથે લીધી, તેનું ખરું કારણ FIR નહોતું, જુદું હતું..
 
કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલયે સ્વાતંત્ર્ય દિને ‘वंदे मातरम्’ના મુદ્દે જે તમાશો વિલન-ત્રિપુટીએ કર્યો, તેનાથી દેશ આખો સમસમી ઉઠ્યો. ઘેરા પ્રત્યાઘાત પડ્યા. કોંગ્રેસ આખી પોતાના શિર્ષ નેતૃત્વનાં કરતૂતોથી બેકફૂટ પર આવી ગઈ. ગુનેગાર એક ભૂલને છાવરવા બીજી ભૂલ કરે તેમ કોંગ્રેસે પોતાના શિર્ષ નેતૃત્વને બચાવવા કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં બંકિમબાબુ-વર્ઝનના બદલે જિન્હા-વર્ઝનવાળું ‘वंदे मातरम्’ (માત્ર બે અંતરા)ગાવાનું ઠરાવ્યું. તેના કારણે તો વાતાવરણ શાંત થવાના બદલે વધુ ગરમાયું. કોંગ્રેસના જેહાદી તુષ્ટિ(વિકૃતિ)કરણથી લોકોનો ગુસ્સો અને જુસ્સો ઓર વધ્યો. આ હતો એક મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો એવો બન્યો છે કે, સ્વાતંત્ર્ય દિને મુસ્લિમ લીગ સાથે ગઠબંધન સાથેની કોંગ્રેસની સરકારે ‘वंदे मातरम्’નું ગાયન જ કર્યું નહિ, એનો પણ મુદ્દો જોર-શોરથી ચગ્યો છે. પ્રજામાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે અહીં તો કોંગ્રેસે ‘वंदे मातरम्’નું.. દેશના સંવિધાનનું.. દેશની સંસદનું.. આ ત્રણેયનું હડહડતું અપમાન કર્યું છે.
 
આ ભયંકર કૃત્ય જાણીબૂઝીને કર્યું, સરેઆમ કર્યુ છે, જેના માટે કોંગ્રેસે હજુ સુધી કોઇ પણ જાતનો અફસોસ પણ વ્યક્ત કર્યો નથી. આ મુદ્દે કેરલમ્‌માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વિરુદ્ધમાં જન-જનના જબરદસ્ત વિરોધવંટોળે રૌદ્ર સ્વરૂપ ત્યારે ધારણ કર્યું, જ્યારે ભાજપે કેરલમ્ બંધનું એલાન આપ્યું. આના દેશવ્યાપી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોવાના કારણે કોંગ્રેસ સાવ કફોડી હાલતમાં મૂકાઈ ગઈ. આ મુદ્દેથી દેશનું ધ્યાન ભટકાવવા માટે.. મુદ્દાને ડાયવર્ટ કરવાના ભાગરૂપે.. કેરલમ્ કોંગ્રેસ + મુસ્લિમ લીગના રાષ્ટ્રદ્રોહી ધૃણાસ્પદ કૃત્યને ‘કવર ફાયર’ આપવા માટે રાહુલ ગાંધીએ આ FIRનું નાટક રચ્યું હતું..
 
तुम कितने नाटक रचाओगे? सब किरदार खुले पड जाएंगे!
कितनी भी धमाल मचाओगे? खेल सभी खतम हो जाएंगे!
 
દેશ બધું જાણે છે.. સમયે સમયે હિસાબ ચૂકતે પણ કરી દે છે. ભારતે સતત જાગૃત રહેવું, એ સમયનો તકાજો છે. સૌને જગાડતા રહેવું એ શ્રેષ્ઠતમ પુણ્યકાર્ય છે.
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...