દેશ સંવિધાનથી ચાલે છે. સંવિધાનમાં ક્યાંય ‘આદિવાસી' શબ્દ નથી. સંવિધાન સૌ ભારતવાસીને મૂળનિવાસી માને છે. સંવિધાન બનાવનાર ભારત બહારના નહોતા, તે મૂળનિવાસી જ હતાં. આદિકાળથી વસતો સમાજ એટલે સનાતનકાળથી વસતો સમાજ, પરંતુ વિદેશની—ખાસ કરીને પશ્ચિમની તર્જ પર કેટલાક મૂળ લોકો છે અને કેટલાક પછીથી આવેલા લોકો છે, એવું ભારતમાં પણ બન્યું છે, તેવી હવા ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અર્થાત્ આજે પણ કેટલાક તત્વો દેશનું વિભાજન કરવા ઇચ્છે છે. દેશનું વધુ એક વિભાજન ઇચ્છનારા તત્વોથી સાવધાન થવું જરૂરી છે. વિભાજનની વિભીષિકાનું સ્મરણ કરતી વખતે મૂળનિવાસી દિવસ પાછળનું ષડયંત્ર ઉજાગર કરતો અને હવે ક્યારેય દેશનું વિભાજન નહીં થઈ શકે તેવો સંકલ્પ પ્રગટ કરતો લેખ પ્રસ્તુત છે.
`વિશ્વ મૂળનિવાસી દિન’ પાછળનું છૂપું સત્ય?
આ ‘વિશ્વ મૂળનિવાસી દિન’ પાછળ રહેલા છૂપા સત્યને પામવા કેટલાક પ્રશ્નો થવા સ્વાભાવિક છે. ૧, ‘વિશ્વ મૂળનિવાસી દિન’નો વિચાર કેવી રીતે આવ્યો? ૨, ૯મી ઓગસ્ટે કઈ વૈશ્વિક ઘટના ઘટેલી? ૩, આ દિવસ સાથે ભારતને કંઈ લેવાદેવા કેમ નથી? ૪, તો પણ ‘વિશ્વ મૂળનિવાસી દિન’ માટે કોણ, કેમ સક્રિય છે? પાયાના આ પ્રશ્નોના ઉત્તર મેળવવા આગળ વધીએ..
***
કેથોલિક મિશનની આર્થિક મદદથી કોલંબસ મોટો કાફલો લઈને સમુદ્રમાર્ગે ભારતને શોધવા માટે નીકળેલો. ૧૪૯૨માં તે અમેરિકાના પૂર્વીય તટ પર પહોંચી ગયો. તે વખતે અમેરિકામાં ચેરોકી, ચિકાસૌ, ચોક્તાવ, માસ્કોગી, અને સેમિનોલ એમ પાંચ મૂળ અમેરિકન (મૂળનિવાસી) સમાજો હતા. કોલંબસે માની લીધું કે, પોતે ભારત પહોંચી ગયો છે. ત્યાંના લોકોને ‘ઇન્ડિયન’ કહેવા લાગ્યો. જો કે મોડી મોડી કોલંબસને ખબર પડી કે, તે પહોંચ્યો તે ભારત નથી, તેથી ત્યાંના મૂળનિવાસીઓનું નામ ‘રેડ ઇન્ડિયન’ રાખ્યું. જેને આજે ‘અમેરિકન ઇન્ડિયન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ત્યાં પોતાની કોલોનીઓ બનાવીને અડ્ડો જમાવવાના ઉદ્દેશ્યને પાર પાડવા અંગ્રેજોએ અમેરિકાના મૂળનિવાસીઓ સામે સન ૧૬૦૦ સુધી યુદ્ધો કર્યાં, પરંતુ અપેક્ષા પ્રમાણેની સફળતા ન મળતાં ઈસાઈ મિશનરીઓને બોલાવીને તેમના દ્વારા શિક્ષણ-આરોગ્ય-સેવાના માધ્યમથી કન્વર્ઝન શરૂ કર્યું. સ્થાનિક લોકોની સૈન્યમાં ભરતી કરી અને ‘ભાગલા પાડો અને રાજ કરો’ કુનીતિ અંતર્ગત અંદરોઅંદર લડાવવાનું કામ હાથ ધર્યું. મૂળનિવાસીઓ પર અત્યાચારો, હત્યાઓ કરીને તેમની સભ્યતાનો નાશ કરવા શક્ય તમામ પ્રયાસ કર્યા. બ્રિટિશ સેનાપ્રમુખ જેફ્રી આમર્સ્ટે વિશ્વનું પહેલું રાસાયણિક યુદ્ધ છેડ્યું. ટીબી, કોલેરા, ટાઇફોઈડ, શીતળા, જેવી ઘાતક બીમારીઓનાં જંતુ-કીટાણું, ઓઢવાના ધાબળા, રૂમાલમાં વગેરે કપડાંમાં મેળવીને લગભગ ૮૦ ટકા લોકોને તડપાવી તડપાવીને મારી નાખ્યાં. પોતાનું સામ્રાજ્ય સ્થાપવા બ્રિટિશ સેનાએ આચરેલો આ એક મહાભયાનક અત્યંત બર્બર હત્યાકાંડ હતો. આમ કરતાં કરતાં ૧૭૭૫ સુધી અંગ્રેજોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું અને સંખ્યાબંધ કોલોનીઓ સ્થાપી. ‘ઇન્ડિયન રિમૂવલ એક્ટ, ૧૮૩૦’ (ઇન્ડિયા શબ્દ સાથે જોડાયેલું નામ સાંભળીને આશ્ચર્ય થયું ને?) હેઠળ તમામ મૂળનિવાસીઓને મિસિસિપી નદીને પેલે પાર ખદેડી દેવામાં આવ્યા. આ સંઘર્ષમાં ૩૦,૦૦૦ લોકો તો રસ્તામાં જ મરી ગયા. આ ઘટનાને ‘The trail of tears’થી ઓળખાય છે.
૧૪૯૨માં યુરોપિયનો પ્રથમ વખત કોલંબસ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે હેનરી એફ. ડોબીન્સના કહેવા મુજબ ત્યાંના મૂળનિવાસી (અમેરિકન ઇન્ડિયન)ની સંખ્યા ૧ કરોડ ૮૦ લાખ હતી. વસ્તીવધારાનું પ્રમાણ જોતાં તેમની સંખ્યા આજે આશરે ૧૫ કરોડ આસપાસની હોત, પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ વગેરે યુરોપિયનોએ કરેલા મૂળનિવાસીઓ ઉપરના એકધારા અત્યાચારોને કારણે આ મૂળનિવાસીઓની ૨૦૧૦માં ગણાયેલી સંખ્યા માત્ર ૫૫ લાખ જ હતી.
૧૪૯૨ની ૧૨મી ઓક્ટોબરે કોલંબસે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હતો. આ દિવસને ૫૦૦ વર્ષ થવા નિમિત્તે અમેરિકાના મૂળનિવાસીઓ પર કોલંબસે મેળવેલા વિજયની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીનો ત્યાંના મૂળનિવાસી સમાજે પ્રચંડ વિરોધ કર્યો. ‘કોલંબસ ચાલ્યા જાવ’ કેમ્પેઈન ચલાવ્યું. પોતાના પૂર્વજોનાં કાળાં કરતૂતો દુનિયા આખી સામે જાહેર થવાની બીકે અમેરિકાની અંગ્રેજ પ્રજા ડઘાઈ ગઈ. અમેરિકા આ ઉજવણી ન કરી શક્યું. અંતે વિરોધી કેમ્પેઈનને શાંત કરવા ત્યાંના વંચિત અને ઉપેક્ષિત મૂળનિવાસીઓનો કથિત ઉદ્ધાર કરવાના નામે અમેરિકાએ આ દિવસે અમેરિકાનો ‘ઇન્ડિજિનિયસ પીપલ ડે’ એટલે કે ‘અમેરિકન મૂળનિવાસી દિન’ ઉજવવાનું શરૂ કર્યું.
સંયુક્ત રાષ્ટ્ર(UN) પણ અમેરિકાના ટેકામાં ૧૨મી ઓક્ટોબરે જ ‘વિશ્વ મૂળનિવાસી દિન’ ઉજવવાનું હતું, પણ અમેરિકામાં થયેલો પ્રચંડ વિરોધ જોતાં અન્ય દિવસ વિચારણાએ લીધો. સન ૧૬૦૦ પછી અમેરિકાના મૂળનિવાસીઓ સામે અંગ્રેજોએ ત્રણ મોટાં યુદ્ધ છેડ્યાં હતાં, તે પૈકીનું પહેલું યુદ્ધ આજના વર્જિનિયા પ્રાંતના મૂળનિવાસીઓના પોવહાટન નામના કબીલા સામે કર્યું. આ યુદ્ધ સન ૧૬૧૦ના ૯મી ઓગસ્ટના દિવસે થયું, યુદ્ધમાં સંપૂર્ણ કબીલો પૂરેપૂરો ખત્મ થઈ ગયો. મૂળનિવાસીઓની આ હારે પોતાની ગુલામીનો માર્ગ ખોલી દીધો. સંયુક્ત રાષ્ટ્ર(UN) દ્વારા ષડયંત્રપૂર્વક અમેરિકાની મૂળનિવાસીઓ પરની આ જીત ધ્યાને રાખીને ૯મી ઓગસ્ટને ‘વિશ્વ મૂળનિવાસી દિન’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો.
જો કે જાહેરમાં તો એવું જૂઠ સતત દોહરાવવામાં આવી રહ્યું છે કે, UNનું ‘વર્કિંગ ગૃપ ઓન ઇન્ડિજીનીયસ પોપ્યુલેશન’ ૯મી ઓગસ્ટે બેઠક સ્વરૂપે મળ્યું હોઈ ૯મી ઓગસ્ટને ‘વિશ્વ મૂળનિવાસી દિન’ તરીકે ઘોષિત કરવામાં આવેલો છે.
આમ કોલંબસને બાજુએ રાખી ૧૨ ઓક્ટોબરના બદલે ૯ ઓગસ્ટે પોતે મૂળનિવાસીઓનું મોટું મસિહા છે તેવો આડંબર ઊભો કરીને UNનું નામ વટાવીને પોતાની આબરૂ બચાવવામાં અમેરિકા સફળ રહ્યું.
‘વિશ્વ મૂળનિવાસી દિન’ સાથે ભારતને કંઈ લેવાદેવા કેમ નથી?
ભારતમાં પણ ‘ભાગલા પાડો અને રાજ કરો’વાળી પોતાની નીતિ મુજબ અંગ્રેજોએ ગામ-નગરોના લોકો આર્યો છે; તેવું ચલાવ્યું. બહારથી આવેલા આ આર્યોએ મૂળનિવાસીઓને જંગલમાં ખદેડી દીધા તેવી તદ્દન વાહિયાત ભાગલાજન્ય થિયરી ઊભી કરી. પરંતુ વેદકાળથી લઈને આજના DNA-વિજ્ઞાને પ્રમાણભૂત રીતે સાબિત કરી દીધું કે, ભારતમાં સૌ એક જ પૂર્વજોનાં સંતાન છે. તેથી મુસ્લિમો અને અંગ્રેજો આવ્યા તે પહેલાંના સમયથી અહીં રહેતાં સૌ કોઈ મૂળનિવાસી જ છે, નથી કોઈ આક્રાંતા કે નથી કોઈ ઘૂસપેઠી. એકવાર જનજાતિ બહુલ રાજ્યોની ૧૮ જનજાતિઓના સંમેલનમાં પ્રશ્નો પૂછેલા કે, ૧, ઈશ્વર વિશે શું માનવું છે? ૨, ધરતી સાથે આપણો શું સંબંધ છે? ૩, ઈશ્વર પાસેથી શું માંગીએ છીએ? ૪, પાપ અને પુણ્ય શું છે? ૫, બીજાઓની પૂજાપદ્ધતિ વિશે આપણા મનમાં શું ભાવ જાગે છે? ૬, શું બીજાઓને તેમની પૂજા પદ્ધતિ છોડાવીને આપણી પૂજા પદ્ધતિવાળા બનાવવા માંગીએ છીએ કે?
ભાષા ભલે સૌની અલગ અલગ હતી, પરંતુ ઉત્તર સૌના સમાન હતા, એટલું જ નહીં ભારતના કોઈ પણ ખૂણે રહેતો હિન્દુ ઉત્તર આપે તેનાથી સ્હેજેય જુદા નહોતા. આ શું સૂચવે છે? ઈશ્વર, પ્રકૃતિ અને પાપ-પુણ્ય અંગેની આખા દેશની સમજણ પૂર્ણરૂપે સમાન છે. વળી જુદી જુદી ઉપાસના પદ્ધતિઓમાં પણ સૌ સમભાવ અનુભવે છે, જે સૂચવે છે કે ભારતમાં સૌ એક છે, કોઈ આગળ-પાછળ નથી, સૌ મૂળનિવાસી જ છે. આ પરમ સત્યને ઉદ્ઘોષિત કરતાં શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ કહેલું છે કે, સૌ પહેલી વાત તો એ છે કે, એ વાતનું કોઈ પ્રમાણ નથી મળતું કે, આર્યો ભારતમાં બહારથી આવ્યા હતા અને તેમણે અહીંના નિવાસીઓ પર આક્રમણ કર્યું હતું. એ વાતની પુષ્ટિ માટે પ્રચુર પ્રમાણો છે કે, આર્યો ભારતના મૂળનિવાસી હતા. ડૉ. બાબાસાહેબે આર્ય બહારથી આવેલાવાળી થિયરીને ધરમૂળથી અસ્વીકૃત કરેલી, જેનું સમગ્ર વિવેચન કોનરાલ્ડ એલ્સ્ટના ઇન્ડિજિનિયસ ઇન્ડિયન્સ ફ્રોમ અગત્સ્ય ટુ આંબેડકર’માં સુવિદિત છે.
આમ ઉપરોક્ત વાત દિવા જેવી એકદમ સ્પષ્ટ છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૩૬૬ (૨૫)માં પણ જનજાતિ સમાજને હિન્દુ સમાજનું અભિન્ન અંગ કહેવામાં આવ્યો છે, હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૨(બે)માં પણ આ જ પરિભાષા આપવામાં આવી છે...
...તો પણ ‘વિશ્વ મૂળનિવાસી દિન’ માટે કોણ, કેમ સક્રિય છે?
પશ્ચિમી જમાતનું ૧) ‘આર્યો બહારથી આવ્યા’વાળું જૂઠ અને ૨) ‘માત્ર જનજાતિ સમાજ જ મૂળનિવાસી’વાળું જૂઠ આ બંને નર્યાં જૂઠ છે, જેના ઉપર આજે પણ ૧૯૪૭ની પહેલાંના ભૂતકાળમાં જીવવા ટેવાયેલા ગુલામમાનસ ધરાવતા લોકોને ભારે ભરોસો છે, આ લોકોનો ગાડરિયો પ્રવાહ હવે ઉઘાડો પડી ગયો છે.
ભૂતકાળમાં પશ્ચિમી દેશોની જેમ આપણા દેશમાં કોઈ પણ સ્થાનિક રાજ્યસત્તા કે અન્ય સ્થાનિક સમાજે અહીંની જનજાતિઓને કોઈ પણ રીતે પ્રતાડિત કરી નથી, કારણ કે વાસ્તવમાં જનજાતિ સમાજ અને શેષ સમાજનાં જીવનમૂલ્યો સમાન છે. યુરોપિયન દેશોએ મૂળનિવાસીઓના રીતિરિવાજો અને સંપ્રદાયો (Religion)નો નાશ કર્યો, તેમના હાથમાં બાઇબલ પકડાવી દીધું અને તેમની ભૂમિ પડાવી લીધી. આ સામ્રાજ્યવાદી તાકાતોએ અત્યંત પાશવી, નિર્લજ્જ, ધૃણાસ્પદ કૃત્યોથી આખાને આખા જનજાતિ સમાજોનું નિકંદન કાઢી નાંખ્યું. હવે આ જ પશ્ચિમી દેશો એવું ઠસાવે છે કે, ભારતમાં પણ જનજાતિ સમાજ સાથે આવું જ થયું હતું. તેમનું આ કાવતરૂં ભારતને તોડવા માટેનું છે. અને તેથી પશ્ચિમી દેશો ઇચ્છે છે કે, ભારત પણ ૯ ઓગસ્ટની ઉજવણી કરતું થાય અને છેવટે તેનું વિભાજન થાય. પશ્ચિમના આ જ અંગ્રેજોએ ભારતનાં વનોનું સરકારીકરણ કરીને જનજાતિઓના અધિકારો સમાપ્ત કરી દીધા હતા. જનજાતિ સમાજની સામે માત્ર આજીવિકા જ નહીં, પરંતુ તેમની આસ્થાઓ ઉપર પણ ગંભીર કુઠારાઘાત થતો ગયો. અહીંની જનજાતિ પર જે અધમ અત્યાચારો કર્યા છે તે અંગ્રેજોએ કર્યા છે, નહીં કે અહીંના શેષ સમાજે.
અમેરિકાના મૂળનિવાસીઓએ પોતાના ઉપર અત્યાચારો ગુજારનારા અંગ્રેજોએ થોપી બેસાડેલ ૯મી ઓગસ્ટને પોતાના પૂર્વજોના દિવસ તરીકે માનવાનો ઇનકાર કરી દીધો છે. તેઓ આ દિવસને ‘અમેરિકા નરસંહારો (નરસંહાર નહીં) દિન’ તરીકે મનાવે છે. દર વર્ષે ૯મી ઓગસ્ટના દિવસે હજારો લોકો સંયુક્ત રાષ્ટ્રસંઘની ઓફિસની બહાર ૯મી ઓગસ્ટના રોજ વિરોધમાં દેખાવો યોજતા આવ્યા છે, કેટલીક જગ્યાએ તો સ્થાનિક મહાપુરુષને ધ્યાનમાં રાખીને મૂળનિવાસી દિન પોતાની રીતે (૯ ઓગસ્ટ સિવાયના દિવસે) નક્કી કરી દીધેલા છે.
અંગ્રેજોએ ભારતનું વિભાજન થાય અને પોતાના અત્યાચારો પર ઢાંકપિછોડો થાય તે માટે તેમના ત્યાંનો ૯ ઓગસ્ટનો દિવસ ભારત પર થોપ્યો છે, જેનો આપણા ગૌરવશાળી ઇતિહાસ સાથે કોઈ સ્નાન-સૂતકનોય સંબંધ નથી.
આપણા દેશમાં ૯ ઓગસ્ટે વિશ્વ મૂળનિવાસી દિન નિમિત્તે.. ઉજવણીમાં જે લોકો ફૂલ્યા સમાતા નથી. તેઓ પશ્ચિમના મૂળનિવાસીઓના હત્યારાઓની વિચારજાળમાં ફસાઈ રહ્યા છે. ખાસ કરીને યુવાનો આ ચાલનો ભોગ બનીને ૯ ઓગસ્ટને ધામધૂમથી મનાવે છે. જનજાતિ સમાજના મનમાં (૧) પોતે આ દેશના મૂળ માલિક છે અને (૨) શેષ સમાજે (આર્યોએ) એટલે કે વિદેશથી આવેલા લોકોએ પોતાને પરાસ્ત કરેલા છે, તેથી તે બધા દુશ્મન છે, આવા નર્યા ભ્રમ નિર્માણ કરવાનો ભારતદ્વેષી એજન્ડા વામપંથી લોકો આ ‘વિશ્વ મૂળનિવાસી દિન’ના માધ્યમથી સેટ કરી રહ્યા છે. આ દિવસને અપનાવી લેવો એ વામપંથી શિકારીઓની જાળમાં ફસાઈ જવા જેવું છે, આત્મઘાતી છે.
હવે, અભ્યાસુ જનજાતિ સમાજ દ્વારા વિદેશની તર્જ પર બનાવી દેવાયેલો ‘વિશ્વ મૂળનિવાસી દિવસ’ નહીં પણ ભગવાન બિરસા મુંડાનો જન્મદિન- જનજાતિ ગૌરવ દિવસ ઉજવાતો થયો છે, તે આનંદની વાત છે.
વિશ્વ મૂળનિવાસી દિવસ - વિશ્વ આદિવાસી દિવસ નહીં..
‘Indigenous’ શબ્દ લેટિન શબ્દ indigena પરથી આવ્યો છે, જેનો અર્થ છે – ‘જન્મથી અહીંનો રહેવાસી’. અથવા જે વ્યક્તિ કોઈ પ્રદેશની જમીન, સંસ્કૃતિ અને પરંપરાથી પ્રાકૃતિક રીતે જોડાયેલી હોય, તે ‘મૂળનિવાસી’ કહેવાય. યુનાઇટેડ નેશન્સની વ્યાખ્યા પ્રમાણે, ‘Indigenous Peoples’ એ એવા સમાજો છે - ‘Who have a historical continuity with pre-colonial societies and consider themselves distinct from the dominant societies of the countries in which they now live.’ (UN Working Group on Indigenous Populations, 1982) અર્થાત્, જે લોકો પોતાના દેશમાં વસાહતી આક્રમણ પહેલાં રહેતા હતા અને આજે મુખ્ય સમાજથી અલગ ઓળખ ધરાવે છે-તેઓ મૂળનિવાસી છે.
આપણે ‘આદિવાસી’ નથી લખવાનું, પણ ‘જનજાતિ’ લખવાનું છે....
અહીં ભારતમાં વાસ્તવમાં આપણાં સૌનાં મૂળ એક જ છે, સૌ એક જ સંસ્કૃતિમાંથી નીકળ્યાં છીએ, ત્યારે ધ્યાનમાં આવશે કે આપણે ત્યાં કોઈ બહારથી આવેલા નથી. દેશભરમાં ‘આર્યન ઈન્વેઝન થીયરી’ (Aryan Invasion Theory) સાવ ખોટી સાબિત થઈ ચૂકી છે, એનો કોઈ ઐતિહાસિક આધાર નથી. પરંતુ આ સત્ય બતાવવાવાળું કોણ છે? એટલા માટે જ ભ્રમ ફેલાઈ રહ્યો છે. ભ્રમ ત્યારે જ ફેલાય છે જ્યારે સત્ય પહોંચતું નથી. સત્ય પહોંચી જશે એટલે ભ્રમ આપોઆપ ખતમ થઈ જશે. અંધારું પોતે કોઈ વસ્તુ નથી, અજવાળાની ગેરહાજરી એ જ અંધારું છે. તો સત્યનું અજવાળું પથરાશે એટલે ભ્રમ દૂર થઈ જશે. સત્ય બતાવવું જોઈએ અને બાબતોને સાચી રીતે સમજવી જોઈએ. અને એટલા માટે જ ભારત સરકારે બહુ સારી પહેલ કરીને ભારતમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની જાહેરાત કરી.
કોઈ ગમે તેવા ગપ્પા ચલાવે અને આપણે માની લઈએ, એવું ન બની શકે. આવું કહેનારા સૌથી પહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. જેમણે આ સત્યને ઓળખ્યું, આ વિદેશી ષડયંત્રને ઓળખ્યું, એટલા માટે જ તેમણે આપણને આટલું અદ્ભુત બંધારણ બનાવીને જણાવ્યું કે, આપણે ‘આદિવાસી’ નથી લખવાનું, પણ ‘જનજાતિ’ લખવાનું છે.
- વૈભવ સુરંગે
(અખિલ ભારતીય યુવા આયામ પ્રમુખ, જનજાતિ કલ્યાણ આશ્રમ)
આ સ્પષ્ટતા યુનાઈટેડ નેશન સમક્ષ મુકવામાં આવેલી છે...
૨૦૦૭ની ૧૩મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રે મૂળનિવાસીઓના અધિકારોની ઘોષણા કરી ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત સરકારના પ્રતિનિધિ શ્રી અજય મલ્હોત્રાએ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરતી વખતે પણ એ જ મૂળ અધિકૃત સ્પષ્ટ વાત દોહરાવી કે, ભારતમાં રહેનારા બધા જ લોકો ભારતના મૂળનિવાસી છે, અમારે ત્યાં કોઈ બહારથી આવેલું નથી. આ વખતે આદરણીય શ્રી મનમોહનસિંહની સરકાર કેન્દ્રમાં શાસન સંભાળી રહી હતી. ૨૦૦૭માં ભારત સરકારનો અધિકૃત પક્ષ રાખવાના ભાગરૂપે આ સ્પષ્ટતા યુનાઈટેડ નેશન સમક્ષ મુકવામાં આવેલી છે.
- પ્રકાશ ઉઈકે
(રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, નવી દિલ્હીના વરિષ્ઠ સલાહકાર અને પૂર્વ ન્યાયાધીશ છે. તાજેતરમાં જ સાધના સાપ્તાહિકને આપેલ પોડકાસ્ટમાં તેમણે આ વાત જણાવી હતી.)