‘સર તન સે જુદા’ નારો કાયદા અને વ્યવસ્થા સામે ગંભીર પડકાર: અલ્હાબાદ હાઈકોર્ટ

ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે આ કોઈ ધાર્મિક નારો નથી, પરંતુ સમાજમાં હિંસા, સશસ્ત્ર વિદ્રોહ અને હત્યા પ્રેરિત કરતું ભયજનક ષડયંત્ર છે.

    ૧૭-સપ્ટેમ્બર-૨૦૨૬   
કુલ દૃશ્યો |

prayagraj-high-court-on-sar-tan-se-juda

પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે પણ માન્યું ‘સર તન સે જુદા’ નારો કાયદા અને વ્યવસ્થા સામે ગંભીર પડકાર

‘સર તન સે જુદા’ સૂત્ર ભારતમાં કાયદો અને વ્યવસ્થા, ન્યાયતંત્ર અને દેશની અખંડિતતા સામે એક ગંભીર પડકાર બનીને ઉભરી આવ્યો છે. પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે તાજેતરમાં આપેલા એક ઐતિહાસિક ચુકાદામાં આ નારાના હિંસક સ્વરૂપને ખુલ્લું પાડ્યું છે. કોઈ પણ લોકશાહી દેશમાં મઝહબી આસ્થાના નામે કાયદો હાથમાં લેવાની કે કોઈના શિરચ્છેદની ખુલ્લી ધમકી આપવાની અનુમતિ આપી શકાય નહીં.
 
‘સર તન સે જુદા’ નારો કાયદા અને વ્યવસ્થા સામે ગંભીર પડકાર
 
પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬એ આપેલા એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, “ગુસ્તાખ-એ-નબી કી એક હી સઝા, સર તન સે જુદા, સર તન સે જુદા” (પયગંબરનું અપમાન કરનારની એક જ સજા, ધડથી માથું અલગ કરવું) એ માત્ર એક સામાન્ય સૂત્ર નથી, પરંતુ તે ભારતના કાયદાકીય માળખા અને સાર્વભૌમત્વને સીધો પડકાર છે. ન્યાયમૂર્તિ આશુતોષ શ્રીવાસ્તવની એકલ પીઠે આ મામલે કડક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, આ નારો લોકોને હિંસા અને સશસ્ત્ર વિદ્રોહ તરફ ઉશ્કેરે છે, જે કાયદા અનુસાર ગુનો છે. ન્યાયાલયે વધુમાં નોંધ્યું કે આ નારાને અન્ય ધાર્મિક નારાઓ જેવા કે ‘જય શ્રી રામ’, ‘હર હર મહાદેવ’ કે ‘અલ્લાહુ-અકબર’ સાથે સરખાવી શકાય નહીં. આ પરંપરાગત નારાઓ ભગવાન કે ગુરુ પ્રત્યે આદર અને શ્રદ્ધા પ્રગટ કરે છે, જ્યારે ‘સર તન સે જુદા’ એ સીધેસીધી હિંસા અને હત્યા કરવાની ધમકી આપે છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે, ઇસ્લામના ગ્રંથ કુરાન કે અન્ય કોઈ અધિકૃત મઝહબી પુસ્તકોમાં આ પ્રકારના સૂત્રનો કોઈ ઉલ્લેખ નથી, છતાં કેટલાક કટ્ટરપંથીઓ તેનો ઉપયોગ સમાજમાં ભય ફેલાવવા માટે કરી રહ્યા છે.
 
ઉચ્ચ ન્યાયાલયે કયા કેસમાં ચુકાદો આપ્યો?
 
ઉચ્ચ ન્યાયાલયની આ કડક ટિપ્પણી ઉત્તર પ્રદેશના બરેલીમાં સપ્ટેમ્બર-૨૦૨૫માં થયેલી હિંસાના સંદર્ભમાં આવી હતી. ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (આઈએમસી)ના વડા અને કટ્ટરપંથી મૌલાના તૌકીર રઝા ખાને ‘આઈ લવ મોહમ્મદ’ અભિયાન હેઠળ એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ ૧૬૩ (ભારતીય ન્યાય સંહિતા) લાગુ કરીને પ્રદર્શનની અનુમતિ આપી ન હતી. વહીવટી પ્રતિબંધો છતાં, મૌલાનાનાં ઉશ્કેરણીજનક ભાષણોથી પ્રભાવિત થઈને હજારો લોકોની ભીડ રસ્તા પર ઊતરી આવી હતી. જ્યારે સુરક્ષા દળોએ આ ગેરકાયદેસર ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભીડ હિંસક બની ગઈ હતી. ટોળાએ ‘સર તન સે જુદા’નાં સૂત્રો પોકારતાં પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો, પેટ્રોલ બૉમ્બ ફેંક્યા અને જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસાના મુખ્ય ભેજાબાજ તરીકે મૌલાના તૌકીર રઝા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. મૌલાનાએ ન્યાયાલયમાં જામીન માટે અરજી કરી હતી, જેને ઉચ્ચ ન્યાયાલયે દેશની સુરક્ષા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને સદંતર ફગાવી દીધી હતી.
 
આ ભયજનક સૂત્રનો ઉદ્‌ભવ ક્યારે થયો?
 
આ સૂત્રની શરૂઆત વર્ષ ૨૦૧૧માં પાકિસ્તાનમાં થઈ હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તત્કાલીન રાજ્યપાલ સલમાન તાસીર પાકિસ્તાનના ક્રૂર ઈશનિંદા (બ્લાસ્ફેમી) કાયદાની વિરુદ્ધમાં હતા અને તેમણે ઈશનિંદાના આરોપમાં ફસાયેલી એક ખ્રિસ્તી મહિલા આસિયા બીબીનો પક્ષ લીધો હતો. રાજ્યપાલ સલમાન તાસીરના આ વલણથી નારાજ થઈને તેમના જ સરકારી અંગરક્ષક મુમતાઝ કાદરીએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
 
પાકિસ્તાનના એક કટ્ટરપંથી મૌલાના ખાદીમ હુસૈન રિઝવી (જેણે પાછળથી તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન - TLP નામનું કટ્ટરપંથી સંગઠન બનાવ્યું)એ આ ખૂની મુમતાઝ કાદરીને ‘ગાઝી’ (મઝહબી યોદ્ધા) જાહેર કર્યો અને તેની હત્યાને યોગ્ય ઠેરવી. કાદરીના સમર્થનમાં કાઢવામાં આવેલા સરઘસોમાં પહેલી વાર આ સૂત્ર ગૂંજ્યું હતું: “ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સઝા, સર તન સે જુદા, સર તન સે જુદા”. સમય જતાં પાકિસ્તાન સરહદ પારથી આ ઝેરી નારો ભારતનાં કટ્ટરપંથી મુસ્લિમો સુધી પહોંચ્યો. ભારતમાં વર્ષ ૨૦૧૫માં લખનઉના કમલેશ તિવારીના એક વિવાદાસ્પદ નિવેદન બાદ આ સૂત્ર સૉશિયલ મીડિયા અને શેરીઓમાં વ્યાપકપણે ફેલાવવાનું શરૂ થયું હતું.
 
આશ્ચર્યની વાત એ છે કે, પ્રયાગરાજ ઉચ્ચ ન્યાલાલયે બરાબર ચુકાદો આપ્યો છે, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયનું ૨૦૨૨નું વલણ પણ ધ્યાને લેવા જેવું છે...
 
સર્વોચ્ચ ન્યાયાલયનું ‘સર તન સે જુદા’ સૂત્ર પ્રત્યે ઉપેક્ષાનું વલણ
 
વર્ષ ૨૦૨૨માં ભાજપનાં તત્કાલીન પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન તસ્લીમ રહેમાની દ્વારા જ્ઞાનવાપીમાં મળી આવેલા શિવલિંગ અંગે મજાક કરતાં તેના ઉત્તરમાં, હદીશ મુજબ ટિપ્પણી કરી હતી. તેને મોહમ્મદ ઝુબૈર નામના કથિત ફૅક્ટ ચેકર જિહાદી દ્વારા ખોટી રીતે રજૂ કરાયા પછી દેશભરમાં તણાવ ફેલાઈ ગયો અને મુસ્લિમ સંગઠનો દ્વારા રસ્તાઓ પર ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા, જેમાં લાખોની ભીડે ‘સર તન સે જુદા’નાં સૂત્રો પોકાર્યાં હતાં. જ્યારે નૂપુર શર્મા પોતાના જીવના જોખમને કારણે તમામ એફઆઈઆર એક જ જગ્યાએ સ્થાનાંતરિત કરાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલયમાં ગયાં, ત્યારે ન્યાયમૂર્તિ (વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ) સૂર્યકાંત અને કૉંગ્રેસી પૂર્વ ધારાસભ્ય બી. સી. પારડીવાલાના પુત્ર જે.બી. પારડીવાલાની બેન્ચે મૌખિક સુનાવણી દરમિયાન અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ બેન્ચે નૂપુર શર્માની અરજી પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, “દેશમાં જે પણ અશાંતિ અને હિંસા થઈ રહી છે, તેના માટે આ મહિલા એકલી જ જવાબદાર છે.”
 
આશ્ચર્યની વાત એ હતી કે, દેશભરમાં ખુલ્લેઆમ ગળા કાપવાનું જે હિંસક સૂત્ર ‘સર તન સે જુદા’ લાગી રહ્યું હતું, અને અનેક હિન્દુઓની હત્યા આ સૂત્ર સાથે થઈ હતી, તેના પર સર્વોચ્ચની આ પીઠે કોઈ કડક કાનૂની આકરા પ્રહારો ન કર્યા કે તેને ગંભીર ગુનો ન ગણ્યો. પીઠે આડકતરી રીતે બધી ભૂલ નૂપુર શર્માના નિવેદનની જ કાઢી. સર્વોચ્ચની આ મૌખિક ટિપ્પણીઓની દેશભરના પૂર્વ ન્યાયાધીશો, નિવૃત્ત અમલદારો અને કાનૂની નિષ્ણાતો દ્વારા સખત આલોચના કરવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું હતું કે, ન્યાયાલયના આ વલણથી કટ્ટરપંથી તત્વોને જાણે પ્રોત્સાહન મળ્યું અને તેઓ વધુ હિંસક બન્યા. જો ત્યારે સર્વોચ્ચે નૂપુર શર્માના બદલે આ સૂત્ર અને તેના ઉદ્ભવ કરનારાઓને ઉત્તરદાયી ગણ્યા હોત તો ૨૦૨૫માં બરેલી હિંસા સહિત હિંસાઓની અનેક ઘટનાઓ ન થઈ હોત.
 
સર તન સે જુદા’ સૂત્ર અને 2022ની કેટલીક હિંસક હત્યાઓનો સંદર્ભ
 
આ સૂત્ર માત્ર હવામાં બોલાતો શબ્દ નથી, પરંતુ તે ધરાતલ પર રક્ત વહાવવા માટે ઉત્તરદાયી છે. નૂપુર શર્માના સમર્થનમાં સૉશિયલ મીડિયા પર નાની પોસ્ટ મૂકવા બદલ ભારતના અલગ-અલગ રાજ્યોમાં નિર્દોષ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યાઓ કરવામાં આવી હતી:
 
૧. કન્હૈયાલાલ દરજી (ઉદયપુર, રાજસ્થાન):
 
૨૮ જૂન, ૨૦૨૨ના રોજ ઉદયપુરમાં દરજીનું કામ કરતા કન્હૈયાલાલની તેમની જ દુકાનમાં ઘૂસીને બે મુસ્લિમ કટ્ટરપંથીઓ (રીયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ) દ્વારા ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ આ જઘન્ય અપરાધનો વિડિયો પણ બનાવ્યો અને વિડિયોમાં ‘સર તન સે જુદા’ સૂત્ર પોકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી.
 
૨. ઉમેશ કોલ્હે (અમરાવતી, મહારાષ્ટ્ર):
 
કન્હૈયાલાલની હત્યાના થોડા દિવસો પહેલાં જ, ૨૧ જૂન, ૨૦૨૨ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક કેમિસ્ટ ઉમેશ કોલ્હેની રાત્રે ઘરે પરત ફરતી વખતે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશે પણ નૂપુર શર્માના સમર્થનમાં એક વૉટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ શેર કરી હતી, જેના કારણે તેના જ જૂના મિત્રોએ કટ્ટરપંથી બનીને તેની હત્યા કરી નાખી.
 
૩. પ્રવીણ નેત્તારુ (દક્ષિણ કન્નડ, કર્ણાટક):
 
જુલાઈ ૨૦૨૨માં કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા પ્રવીણ નેત્તારુની પૉપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ)ના કટ્ટરપંથીઓ દ્વારા કુહાડી અને તલવારથી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પ્રવીણ નેત્તારુએ કનૈયાલાલના સમર્થનમાં ફેસબુક પૉસ્ટ કરી હતી. આ પૉસ્ટ જ આ હત્યા માટે ઉત્તરદાયી હોવાનું મનાય છે.
 
આ સિવાય બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના ધંધુકામાં પણ (કિશન ભરવાડની હત્યા) આ જ પ્રકારની માનસિકતા હેઠળ લોકો પર જીવલેણ હુમલાઓ અને હત્યાઓ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે, આ સૂત્ર સીધું લોહી વહાવવાની પ્રેરણા આપે છે.
 
 
આ સૂત્ર સમાજ અને દેશ માટે કેમ અત્યંત ભયજનક છે?
 
‘સર તન સે જુદા’નો નારો કોઈ સામાન્ય અપરાધિક માનસિકતા નથી, પરંતુ તે એક એવી ભયજનક વિચારધારા છે જે ન્યાયતંત્ર અને લોકશાહી વ્યવસ્થાને ફગાવી દે છે. આ સૂત્રની સૌથી મોટી ભયજનક બાબત એ છે કે, તે મુસ્લિમ ભીડને કાયદો પોતાના હાથમાં લેવા માટે ઉશ્કેરે છે. લોકશાહીમાં જો કોઈ વ્યક્તિ કોઈ ભૂલ કે ગુનો કરે, તો તેને સજા આપવાનું કામ ન્યાયાલય અને કાયદાનું છે. પરંતુ આ નારો ભીડને જ ન્યાયાધીશ, નિર્ણાયક અને જલ્લાદ (સજાનું ક્રિયાન્વયન) કરનાર બનાવી દે છે. ભારતમાં મૃત્યુદંડ બહુ ઓછા કિસ્સામાં અપાય છે. પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરનાર મુસ્લિમોને પણ મૃત્યુદંડ નથી અપાતો. હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ અનેક લોકો ગમે તેમ બોલે છે. અરે ! શિવલિંગ તોડી તેના પર પગ મૂકવાનો કિસ્સો પણ બન્યો છે. તો પણ મૃત્યુદંડ નથી અપાયો. હત્યારાને પણ મૃત્યુદંડ નથી અપાતો. જ્યારે આ સૂત્ર તો બીજી કોઈ સજા નહીં, સીધો મૃત્યુદંડ આપવાનું જ ઠેરવે છે. અને બીજું કે ‘નબીની ગુસ્તાખી’ થઈ છે કે નહીં તે કોણ નક્કી કરે છે? ઝુબૈર જેવા અલ્લેલ ટપ્પુઓ?
 
આ સૂત્રને મુસ્લિમ સમાજે જ નકારી દેવું જોઈએ. જો ખરેખર ઇસ્લામને શાંતિનો મઝહબ કહેતા હોય તો મૌલાના-મૌલવીઓ-ઈમામ ઇત્યાદિએ આ સૂત્ર પોકારવા સામે જ ફતવો બહાર પાડવો જોઈએ, પરંતુ તેમનું મૌન બતાવે છે કે, તેઓ જ્યારે સીએએ કાયદો કે પૂર્ણ વંદે માતરમ્ ગાવાની વાત આવે છે ત્યારે તો ‘દેશ બંધારણ મુજબ ચાલશે’ તેમ કહે છે, પરંતુ જ્યારે તેમને લાગે છે કે, નબીની સામે ગુસ્તાખી થઈ છે, તેમનું અપમાન થયું છે ત્યારે બંધારણ એક બાજુએ મુકાઈ જાય છે અને તેઓ પોતાના અભણ ટોળાને આગળ કરીને આવું કરનારને મારી નખાવવા માગે છે તેવું સ્પષ્ટ થાય છે.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…