તંત્રીસ્થાનેથી । પરિવારનિર્માણ થકી રાષ્ટ્રનિર્માણ - નારી તુ નિર્માત્રી

રાષ્ટ્રનું નાનામાં નાનું એકમ છે- પરિવાર. એકમ એને કહેવાય જ્યાં સામૂહિકતા શક્ય હોય છે. પરિવાર થકી સામૂહિકતાના સંસ્કારનો પ્રારંભ થાય છે. હિન્દુ પરિવારના કેન્દ્રમાં સ્ત્રી છે.

    ૦૯-સપ્ટેમ્બર-૨૦૨૬   
કુલ દૃશ્યો |

edit matrushakti
 
 
યુગાબ્દ ૫૧૨૮ના પ્રારંભને છ માસ પૂર્ણ થયા છે, પરંતુ વચ્ચે અધિક જેઠ માસ આવવાના કારણે ભાદરવો ઠેલાયો. ભાદરવાની પૂર્ણતા સાથે પ્રથમ સત્ર પૂર્ણ થશે. આપણા પંચાંગે; સૂર્ય-ચંદ્ર સહિત સૌ ગ્રહ-નક્ષત્રોને સાથે લઈને ચાલવાનું હોવાથી સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્રો વચ્ચે પરસ્પર વૈજ્ઞાનિક તાલમેલ સાધતી અદ્ભુત કાલગણના શોધી કાઢી છે. યુગાબ્દના પ્રથમ સત્રનો પ્રારંભ ચૈત્રી નવરાત્રીથી.. અને બીજા સત્રનો પ્રારંભ શારદીય નવરાત્રીથી! નવરાત્રી એટલે ૯ રાત્રિના ૧૦૮ કલાક, જાણે માળાના ૧૦૮ મણકા. ૨૩ ઋષિ માતાઓ દ્વારા રચાયેલ સંખ્યાબંધ ઋચાઓ આપણા ઋગ્વેેદનો હિસ્સો છે. કાશ! ‘બિગ બિંદી બ્રિગેડ’ના મોંએ આવાં સત્ય સાંભળવા મળે! ૨૦૦૦ વર્ષોમાં બનેલા ૨૬૬ પોપમાં એકપણ મહિલા નથી, આવું સત્ય; જાણીબુઝીને પેટ્રીઆર્કિની ચર્ચા વખતે છૂપાવી દેવાનો પ્રયત્ન કરવાથી આ બ્રિગેડને શું મળતું હશે?
 
આપણી માતૃસંસ્કૃતિમાં પવિત્રતા કેન્દ્રમાં છે, જેનો એકમેવ માપદંડ છે- ‘શીલ (ચારિત્ર્ય)’. પોતાના ચારિત્ર્યની રક્ષા માટે કોઈ અન્ય ઉપાય ન રહેતાં રાણી પદ્માવતી સહિત ૧૬,૦૦૦ સન્નારીઓએ જૌહર (અગ્નિસ્નાન) કર્યું, આમાં સામર્થ્ય-પાવિત્ર્ય-દેવત્વનાં દર્શન કરવાને બદલે કાયરતા જોનારું, આપણા ખાનદાનમાં ન પાકે તેવું સંસ્કારી વાતાવરણ પ્રત્યેક પરિવારે પેદા કરવું રહ્યું.
 
વર્તમાનમાં ‘भारत माता की जय’, જગદંબાના આ જયઘોષથી સઘળાં સત્વશીલ કાર્યો-કાર્યક્રમોમાં સર્વત્ર દૈવી ચેતના સંચારિત થઈ રહી છે. આ માતૃશક્તિ મહાસરસ્વતી-મહાલક્ષ્મી-મહાકાલી, એવાં ત્રિવિધ સ્વરૂપે પ્રસન્ન રહી વરદાન આપતી, જન્મદાત્રી સ્વરૂપે જન્મ આપતી, સંપૂર્ણ નારીશક્તિ સ્વરૂપે ચૈતન્ય પ્રગટાવતી, માતૃભૂમિ સ્વરૂપે અસ્તિત્વનો આધાર બનતી અને મહામાયા (જોગમાયા-યોગમાયા) સ્વરૂપે સંપૂર્ણ જગતને પરિસંચાલિત કરતી રહી છે. જ્યાં માતૃશક્તિનાં આવાં વંદનીય સ્વરૂપોની શ્રદ્ધેય શ્રૃંખલા છે, એવી આપણી હિન્દુ સંસ્કૃતિને પિતૃસત્તાત્મકતા સાથે શું લેવાદેવા? આપણો સમાજ સંસ્કારસત્તાત્મક સમાજ છે.
 
ધરતી માતાનું સત્ત્વ આપણને ધાન્ય થકી પ્રાપ્ત થાય છે. ધાન્યને તેના બાહ્ય સ્વરૂપથી એક નામ મળે, એક ઓળખ મળે અને એક મૂલ્ય-મહત્તા મળે, પણ આ બધું શાના કારણે મળેલું હોય છે? કારણ છે- તેની આંતરિક પ્રાણશક્તિ, તેનો સ્વાદ, તેની સુગંધ.. આ કશું જ જોઈ શકાતું નથી કે માપી શકાતું નથી, માત્ર અનુભૂતિમાં આવે છે. બસ આ જ રીતે સમાજની કારણભૂત-આધારભૂત-મૂળભૂત શક્તિ છે- ‘માતૃશક્તિ’, જે પૂર્ણતઃ આંતરિક છે, પરિવાર તેનું પ્રગટ સ્વરૂપ છે. આ આંતરિક શક્તિનું સામર્થ્ય, જીવનને જીવી જવાની જિજીવિષાનું અને જરૂર પડે ત્યારે સ્વયંને દાવ પર લગાવી દેવાની જીદનું સૂત્રધાર હોય છે.
બાહ્ય સ્વરૂપમાં શ્રીરામ-કૃષ્ણથી લઈ રામકૃષ્ણ પરમહંસ, આવાં સૌ જીવનચરિત્રો આપણી સામે છે, પણ તેની આંતરિક પ્રાણશક્તિ (અંત:ચેતના)માં માતૃશક્તિ રહેલી છે. સીતાહરણ પછી બેચેન શ્રીરામની મન:સ્થિતિના વર્ણનમાં બાહ્યરૂપ; રામજીનું દેખાય છે, પણ આંતરિક ચૈતન્યમાં સીતાજીનાં દર્શન થાય છે. યશોદા, રાધા, કુંતા, દ્રૌપદી, રુકમણી-સત્યભામા, સુભદ્રા, ગાંધારી, આ સૌની આંતરિક ચેતનાને Silent Mode પર મૂકીને કૃષ્ણની કલ્પના કરી શકીએ કે.!?
 
ભગવદ્ ગીતાના અંતિમ શ્લોકમાં સંજય કહે છે કે, જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ અને ધનુર્ધારી અર્જુન છે ત્યાં હોય છે- લક્ષ્મી, વિજયશ્રી, વિભૂતિ અને અચલ ધર્મનીતિ, तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम આમ શ્રીકૃષ્ણ અને અર્જુન તો નિમિત્ત છે, પણ લક્ષ્મી, વિજયશ્રી, વિભૂતિ અને અચલ ધર્મનીતિની પ્રાપ્તિ અગત્યની છે, તેમાં જ જીવનની સાર્થકતા છે. આ બધા જ નારીવાચક શબ્દોનું ઉત્પત્તિસ્થાન નારીત્વ છે‌. ‘મૂર્તિ’ નારીવાચક, તે મૂર્તિ પરની ‘શ્રદ્ધા’ નારીવાચક અને તે શ્રદ્ધા થકી જાગૃતિ પણ નારીવાચક, આ આખી શબ્દાવલી નારીવાચક! મૂર્તિનો આકાર દૃશ્ય છે, પરંતુ શ્રદ્ધા અને જાગૃતિ અદૃશ્ય છે. પરિવારનો બાહ્ય પરિચય પિતૃશક્તિ આપે છે, અને આંતરિક પરિચય માતૃશક્તિ આપે છે. ભારતની આ અંતર્નિહિત આંતરિકતા પ્રત્યેની અનદેખી કરનારાં તત્ત્વો શું પિતૃસત્તાત્મક્તાનાં નામે ભ્રમ ફેલાવવામાં સફળ થઈ શકશે?
 
રાષ્ટ્રનું નાનામાં નાનું એકમ છે- પરિવાર. એકમ એને કહેવાય જ્યાં સામૂહિકતા શક્ય હોય છે. પરિવાર થકી સામૂહિકતાના સંસ્કારનો પ્રારંભ થાય છે. હિન્દુ પરિવારના કેન્દ્રમાં સ્ત્રી છે. આ કેન્દ્રની પવિત્રતાથી પાવનતા પ્રાપ્ત કરતું પરિવાર સશક્ત, વિશ્વાસ સંપન્ન બને છે. આવા વિશ્વાસથી નિરંતર વિકાસ થાય છે ત્યારે ભારતની આધ્યાત્મિકતાનું વ્યાવહારિકતામાં શક્તિરૂપાંતરણ (Transformation) થાય છે. પરિવારની નિર્માત્રી છે- નારી. તેના દ્વારા થતા મનુષ્યનિર્માણનું વિરાટ પરિમાણ છે- રાષ્ટ્રનિર્માણ.

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...