આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વિશેષ… તો ચાલો પાણી બચાવીએ.... જીવન બચાવીએ..

    ૨૨-માર્ચ-૨૦૧૯   

 
ત્રીજું વિશ્ર્વયુદ્ધ પેટ્રોલ, તેલ માટે નહિ પણ પાણી માટે ખેલાશે અને ચોથું વિશ્ર્વયુદ્ધ પથ્થરોથી લડાશે.
 
કુદરત માગ કરતાં અનેકગણું પાણી આપે છે છતાં ગુજરાતમાં અનેક વિસ્તારમાં પાણીની તંગી ઉદ્ભવે છે !
 
એવું કહેવાય છે કે ધરતી પાસેથી જેટલું આપણે લીધું હોય તે પાછું આપવું જોઈએ પણ આવું કંઈ થતું હોય તેમ લાગતું નથી !
 
જર્મનીમાં મેજ ઉપર પડેલો એક પ્યાલો પાણી નવ વ્યક્તિઓના પેટમાંથી પસાર થયેલો મનાય છે.
  
1960માં આપણા દેશમાં 10 લાખ કૂવાઓ હતા, પરંતુ આજે તેની સંખ્યા 2 કરોડ 60 લાખથી 3 કરોડની વચ્ચે થઈ ગઈ છે
 

એક અંદાજ પ્રમાણે દર વર્ષે 1 મીટર ભૂગર્ભજળ નીચાં જઈ રહ્યાં છે.

 
પાણીનું ગણિત પણ સમજવા જેવું છે. પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી હોવા છતા જગતના મનુષ્યોને પીવાના પાણી માટે તડપવું પડે છે. પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી હોવા છતાં તેમાંથી પીવા લાયક પાણી તો માત્ર 3 ટકા જેટલું જ છે. એમાં પણ મોટા ભાગનું પાણી ઘન સ્વરૂપમાં ગ્લેશિયરોમાં બંધાયેલું છે. પૃથ્વી પર માત્ર 0.5 ટકા જેટલું પીવાલાયક પાણી મનુષ્યોના ભાગે આવે છે. એમાં પણ આ પીવાલાયક પાણી 40 ટકા વસ્તીને જ મળે છે બાકીની 60 ટકા વસ્તી તો ગંદું પાણી જ પીવે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘનો આંકડો જોઈએ તો વર્ષ 1990માં વિશ્ર્વને માથાદીઠ 9,225 ક્યુબિક મીટર પાણી મળતું હતું જે હવે 2025 સુધીમાં ઘટીને 5825 ક્યુબિક મીટર થઈ જવાનું છે. ભારતની વાત કરીએ તો 1990માં માથાદીઠ 2151 ક્યુબિક મીટર પાણી મળતું હતું જે ઘટીને 2025 સુધીમાં 1448 ક્યુબિક મીટર થઈ જવાનું છે. સમગ્ર ભારતમાં 1980થી 1999 સુધી ભૂગર્ભજળ સપાટીમાં ચાર મીટરનો ઘટાડો થયો હોય એવા દેશના 137 જિલ્લાઓમાં ગુજરાતના પણ 7 જિલ્લાઓ છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે 1 મીટર ભૂગર્ભજળ નીચાં જઈ રહ્યાં છે.
 

ત્રીજું વિશ્ર્વયુદ્ધ પેટ્રોલ, તેલ માટે નહિ પણ પાણી માટે ખેલાશે 

 
હવે આવા સમયે તમે જ કહો કે જો આમ ને આમ પાણીનો બગાડ અને વરસાદનું પાણી દરિયામાં વહેતું રહેશે તો કેવી સ્થિતિ પેદા થશે ? ઉત્તરાખંડનું પૂર, નાનકડા વરસાદી ઝૂંપડામાં ભરાઈ ગયેલાં પાણી, આપણાં ઘરોમાં થતો પાણીનો પુષ્કળ બગાડ અને પેટ્રોલ, ઓઈલની વધતી કિંમત... શું આના પરથી તમને લાગે છે કે ત્રીજું વિશ્ર્વયુદ્ધ પેટ્રોલ, તેલ માટે નહિ પણ પાણી માટે થવાનું છે ? જો આવું જ હોય અને પાણી આટલું કિંમતી હોય તો પછી પાણીનો આપણે સંગ્રહ શા માટે ન કરી લઈએ...? પણ ‘પાણીના કારણે ત્રીજું વિશ્ર્વયુદ્ધ’ આ બાબતે આપણે વિચારવું જ પડશે. કેમ કે દુનિયાના તમામ બૌદ્ધિકો અને વિશેષજ્ઞોનું સ્પષ્ટ માનવું છે કે ત્રીજું વિશ્ર્વયુદ્ધ પેટ્રોલ, તેલ માટે નહિ પણ પાણી માટે ખેલાશે અને ચોથું વિશ્ર્વયુદ્ધ પથ્થરોથી લડાશે. એટલે કે ત્રીજા વિશ્ર્વયુદ્ધના કારણે પૃથ્વી ખતમ થઈ જશે અને પૃથ્વી પર માત્ર પથ્થરો જ રહેશે ! અને આ માટે જવાબદાર હશે પાણી !
 

કુદરત દર વર્ષે આપણને પીવાલાયક પુષ્કળ પાણી આપે છે પણ આપણું પાણી ભરવાનું પાત્ર ટૂંકું પડે છે. 

ત્રીજું વિશ્ર્વયુદ્ધ અટકાવવું હોય તો વરસાદના એકેએક ટીપાંને ઝીલી લેવું પડશે. તેમાંથી જોઈએ એટલું પાણી વાપરી, શક્ય હોય તેટલું પાણી આપણે ધરતીના તળિયે ઉતારવું પડશે. આજે આપણા દેશમાં વરસાદનું પાણી ગટરમાં વહી જાય છે. જમીનના પેટાળમાં તેને ઉતારવાની જગ્યાએ દરિયામાં વહી જાય છે. કુદરત દર વર્ષે આપણને પીવાલાયક પુષ્કળ પાણી આપે છે પણ આપણું પાણી ભરવાનું પાત્ર ટૂંકું પડે છે. પરિણામે ક્યાંક પૂર જેવી તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થાય છે.
 

એક જાગ્રત નાગરિક તરીકે આપણે જ ઘરના આંગણે વરસાદી પાણીનો સંગ્રહ ન કરી શકીએ ? 

તમને ખબર છે ? એક અંદાજ પ્રમાણે ગુજરાતની ધરતી પર દર ચોમાસે સરેરાશ 1,30,000 મિલિયન ઘનમીટર વરસાદી પાણી પડે છે. ગુજરાત રાજ્યની પીવાના ઘરવપરાશના શુદ્ધ પાણીની વાર્ષિક જરૂરિયાત માત્ર 2000 મિલિયન ઘનમીટરની જ છે. આખા રાજ્યની કુલ શુદ્ધ-અશુદ્ધ પાણીની માગ પણ 30,000 મિલિયન ઘનમીટર છે. કુદરત માગ કરતાં અનેકગણું પાણી આપે છે છતાં ગુજરાતમાં અનેક વિસ્તારમાં પાણીની તંગી ઉદ્ભવે છે ! શું આ દિશામાં આપણે આગળ વિચારવું ન જોઈએ ? સરકાર તો આ દિશામાં યોગ્ય પગલાં ભરી જ રહી છે પણ એક જાગ્રત નાગરિક તરીકે આપણે જ ઘરના આંગણે વરસાદી પાણીનો સંગ્રહ ન કરી શકીએ ?
 

આપણે તો માત્ર ધરતીમાંથી પાણી બહાર જ કાઢ્યું છે.

 
પણ આપણે એવું કરતા નથી. ઊલટાનું પાણીનો મોજથી વપરાશ કરીએ છીએ અને પાણી ખૂટી જાય તો ધરતીમાં કાણું પાડી બોર દ્વારા ભૂગર્ભનું પાણી ચાલુ કરી રહ્યાં છીએ. એવું કહેવાય છે કે ધરતી પાસેથી જેટલું આપણે લીધું હોય તે પાછું આપવું જોઈએ પણ આવું કંઈ થતું હોય તેમ લાગતું નથી ! વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં થતા કુલ વરસાદનું 31 ટકા પાણી ભૂગર્ભમાં ઊતરવું જોઈએ, પરંતુ આવું થતું નથી. એક સંશોધન મુજબ માત્ર 13 ટકા જ વરસાદનું પાણી જમીનમાં ઊતરી રહ્યું છે અને એ પણ મનુષ્યોના પ્રયત્નોથી નહીં. આપણે તો માત્ર ધરતીમાંથી પાણી બહાર જ કાઢ્યું છે. વર્ષ 1960માં આપણા દેશમાં 10 લાખ કૂવાઓ હતા, પરંતુ આજે તેની સંખ્યા 2 કરોડ 60 લાખથી 3 કરોડની વચ્ચે થઈ ગઈ છે. આપણા દેશમાં 60 ટકા લોકોને પીવાનું પાણી ભૂગર્ભમાંથી મળે છે. હવે આવા સમયે આપણી ફરજ છે કે ધરતીને તેનું પાણી પાછું આપીએ.
પાણીનો પુષ્કળ બગાડ કરતી આપણી આજની લાઇફસ્ટાઇલ પણ બદલવા જેવી ખરી ! જ્યાં એક ડોલ પાણીથી કામ ચાલી શકે તેમ હોય ત્યાં આપણે 15 ડોલ પાણીનો વપરાશ સંકોચ વગર કરી નાખીએ છીએ.
 

અમેરિકા વરસાદી પાણીને જમીનમાં ઉતારે છે 

અમેરિકા જેવા વિકસિત દેશમાં ખાડા અને સાંકડા નાળાની પદ્ધતિ અપનાવી વરસાદી પાણીને માનવ સર્જિત કૃત્રિમ ટાંકાઓમાં એકત્ર કરાય છે અને પછી તેને ધીમે ધીમે અને ક્રમશ: ભૂગર્ભમાં ઝમવા દેવાય છે. જેથી ભૂગર્ભ જળસપાટી ઊંચી આવે છે. અનેક દેશોમાં હવે પાણીના પરંપરાગત ઉપયોગને બદલે આધુનિક પાણી બચાવતી પદ્ધતિઓ જેવી કે હવાના દબાણની મદદથી ચાલતા શાવર, ફલશ અને વોશિંગ મશીન તથા પાણીનો પ્રવાહ મર્યાદિત કરતાં નળ વગેરેનો ઉપયોગ કરાય છે.

જર્મનીમાં નવ વખત એકનું એક પાણી પુન:ઉપયોગમાં લેવાય છે

 
જર્મનીમાં મેજ ઉપર પડેલો એક પ્યાલો પાણી નવ વ્યક્તિઓના પેટમાંથી પસાર થયેલો મનાય છે. એટલે ત્યાં નવ વખત એકનું એક પાણી પુન:ઉપયોગમાં લેવાય છે. એટલે કે માત્ર વરસાદ દ્વારા મળતા પાણીનો સંગ્રહ કરવો જ પૂરતો નથી. પીવાલાયક પાણીના બચાવ માટે પણ પાણી કઈ રીતે વપરાશમાં લેવાય છે તે પણ બહુ અગત્યનું છે. આ માટે વપરાયેલા ગંદા પાણીનો પુન:ઉપયોગ કરી શકાય, જેમકે ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી નદીમાં પરત ઠલવાય તો ત્યાં ભૂગર્ભજળ રિચાર્જ થતાં નદીકિનારે વસતા લોકો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.
આવી કૃત્રિમ રીચાર્જ ટેકનિકનો ઉપયોગ કરી પાણી સંચયમાં જર્મની મોખરે છે. વિકસિત દેશોમાં તો રસ્તાઓ એવી રીતે બાંધવામાં આવે છે કે જેથી ચોમાસા દરમિયાન રસ્તાની બંને બાજુએ બાંધવામાં આવેલી ખાસ ગટરોમાં વરસાદી પાણીનો પ્રવાહ વહે અને ધસમસતું પાણી વેડફાઈ ન જાય, પરંતુ સંગ્રહિત થાય. આ પદ્ધતિના કારણે એક તો રસ્તા ઉપર પાણી જમા ન થાય. પાણી એકત્ર થતાં ભૂગર્ભ જળસપાટી ઊંચી આવે અને અંતે નજીકનાં સ્થળોએ આવેલા કૂવાઓમાં પાણીની સારી એવી આવક થાય.
ઇટાલી જેવા દેશમાં તો ન્હાવા માટે વપરાતું પાણી એક અલગ ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરવામાં આવે છે, જેમાં તેને શુદ્ધીકરણ પ્લાન્ટમાંથી શુદ્ધ કરી જાજરૂમાં સાફ કરવા માટે ફરી વાપરવામાં આવે છે. ઇઝરાયલમાં ભૂગર્ભજળ સ્તરને ઊંચું લાવવા માટે ટપક પદ્ધતિથી સિંચાઈ, અનુશ્રવણ તળાવો વગેરે જેવી પાણી બચાવતી આધુનિક વપરાશ પદ્ધતિઓ અપ્નાવવામાં આવે છે.

જળસંકટથી ડરી જઈને શું આપણે માથે હાથ મૂકીને બેસી રહેવાનું ?  

 
જળસંકટથી ડરી જઈને શું આપણે માથે હાથ મૂકીને બેસી રહેવાનું ? ના. આપણી આજ અને આવતીકાલ સલામત રહે એટલે તેનો ઉકેલ શોધવો જ જોઈએ. તેને માટે ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જેમાં સૌથી વધુ અસરકારક છે વરસાદી પાણીનો સંગ્રહ. તેનાથી આપણને જ ફાયદો છે, કારણ કે જમીનની અંદર જે પાણી જશે તેનો ઉપયોગ અંતે તો આપણે અને આપણા પરિવારે જ કરવાનો છે.
 

 
 

પાણી બચાવવા ભારતમાં તેને શા માટે પ્રોત્સાહિત કે પ્રેરિત કરી શકાય નહીં ?

 
ઇઝરાયલ, સિંગાપોર, ચીન, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ઘણું કામ ચાલી રહ્યું છે. સવાલ એ છે કે ભારતમાં તેને શા માટે પ્રોત્સાહિત કે પ્રેરિત કરી શકાય નહીં ? આપણે ત્યાં પણ આવા જ પ્રોત્સાહનની જરૂર છે, જેવી વિદેશોમાં છે. બસ માત્ર શરૂઆત કરવાની જરૂર છે. અનેક વિકસિત દેશોમાંતો બાળકોને પ્રાથમિક ધોરણથી જ ‘પાણી બચાવો’ના પાઠ ભણાવવામાં આવે છે. શું ભારતમાં આવું ના થઈ શકે ? શું દાઢી કરતી વખતે આપણે નળ બંધ ન રાખી શકીએ ? શું મોઢું ધોતી વખતે આપણે નળ બંધ ન રાખી શકીએ ? જ્યાં એક ડોલનો ઉપયોગ થતો હોય ત્યાં એક કરતાં વધારે ડોલ પાણીનો વપરાશ કરવો શું યોગ્ય છે ? આપણા જવાનો આ સંદર્ભે આપણને ઘણું શીખવે છે. તમે જોયું હશે કે તેઓ માત્ર એક ટબમાં સેવિંગ્સનું કામ પતાવી દે છે. આજે જરૂર છે જાગ્રત નાગરિક અને ઇચ્છા શક્તિ ધરાવતી સરકારની જે પાણી બચાવી શકે. આ ઈચ્છા આપણે નાગરિક તરીકે તો દેખાડવાની જ છે, બોલો દેખાડશો ને ! પાણીની તંગી નિવારવા નાગરિક તરીકે આપણે આવા અનેક કાર્યો કરવા પડશે. તો ચાલો પાણી બચાવીએ.... જીવન બચાવીએ..
 

ચાલો જળ વપરાશની ભાવિ માંગ વિશે જાણીએ

 
1997 : 575 ઉપલબ્ધતા 625 માંગ
2020 : 550 ઉપલબ્ધતા 700 માંગ
2025 : 375 ઉપલબ્ધતા 725 માંગ
2050 : 40 ઉપલબ્ધતા 1225 માંગ
2010 : 80 ટકા પાણી ભૂગર્ભ જળ ભંડારમાંથી ખેંચવામાં આવે છે.
2035 : 60 ટકા ભૂગર્ભ જળ ભંડાર ખલાસ થઈ જશે.
આંકડા ક્યુબિક કિલો લિટરમાં ભારતના છે. (1 ક્યુ. કિ.લિ. = 100 અબજ લિટર)
(સ્ત્રોત : જળસંપત્તિ વિભાગ, ગુજરાત સરકાર)
 

જળસંકટ મહાસંકટ

દુનિયામાં 1.20 અબજ લોકોએ દરરોજ પાણી માટે સંઘર્ષ કરવો પડે છે.
2030 સુધી દુનિયાના 47 ટકા લોકો જળસંકટવાળા વિસ્તારોમાં રહેતા હશે.
2030 સુધી કૃષિ માટે આજની સરખામણીએ વધુ 13 ટકા પાણીની જરૂર પડશે.
2020 સુધી વરસાદ પર આધારિત કૃષિ ઉત્પાદન 50 ટકા વધી જશે.
2025 સુધી ભારતમાં પાણીની માંગમાં 7900 કરોડ લિટરનો વધારો થઈ જશે.
2030 સુધી હિમાલયથી મળતા પાણીના પ્રમાણમાં 20 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.