ગુજરાતથી દિલ્હી સુધી 1400 કિ.મી લાંબી બનશે લીલી દિવાલ । સમજો સરળ ભાષામાં

    ૧૦-ઓક્ટોબર-૨૦૧૯   

 
 
 
આપણા દેશમાં પ્રદૂષણની સમસ્યાને નિવારવા માટે અને બીજા અનેક કારણોસર કેન્દ્ર સરકારે એક ખૂબ અગત્યનો કહી શકાય તેવો નિર્ણય લીધો છે. ગુજરાતથી દિલ્લી સુધી અરવલ્લીની પર્વતમાળાની આજુ બાજુ ૧૪૦૦ કિલોમીટર લાંબી અને પાંચ કિલોમીટર પહોંળી એક ગ્રીન વોલનું નિર્માણ કરવામાં આવશે.
 

આ ગ્રીન વોલ એટલે શું?

 
આ નામ સાંભળી એવું લાગે કે લીલા રંગની દિવાલ બનાવવામાં આવશે પણ એવું નથી. ગ્રીન વોટ એટલે એવો વિસ્તાર જ્યાં ઘટાદાર, મજબૂત અને લાંબા વૃક્ષો વાવવામાં આવે છે. અને એ વૃક્ષોની વચ્ચે બીજા બધા છોડ વાવવામાં આવશે. એટલે આને સરળ ભાષામાં સમજવું હોય તો ગુજરાતથી દિલ્લી સુધીનું ૧૪૦૦ કિલોમીટર લાંબુ અને ૫ કિલોમીટર પહોળું લીલુછમ જંગલ તૈયાર થવા જઈ રહ્યું છે.
 

કેમ જરૂર પડી આ ગ્રીન વોલની?

 
અનેક રીપોર્ટ કહે છે કે દેશની ફળદ્રુપ જમીનો રણમાં રૂપાતર થઈ રહી છે. જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. દુકાળથી, વન વિનાશથી અને માનવની ખરાબ ટેવોના કારણે રણ વિસ્તાર વધી રહ્યો છે. તેને અટકાવો જરૂરી છે અને આ માટેનો આ એક પ્રયાસ છે. આ ગ્રીન વોલ ગુજરાતથી દિલ્લી સુધી એટલા માટે બનાવામાં આવશે કારણ કે ભારતના વેસ્ટમાં એટલે કે રાજસ્થાનમાં થારનું રણ આવેલું છે. આ રણ આગળ ન વધે તે માટે અહીં કુદરતે અરવલ્લીની પર્વતમાળા બનાવી છે. છેલ્લા ૩૫ કરોડ વર્ષથી આ પર્વતમાળા આ રણને આગળ વધાવા દેતી નથી. પણ હવે માનવ આ પર્વતમાળાને નષ્ટ કરી રહ્યો છે.
હમણાં જ ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો જેમાં તેણે રાજસ્થાની સરકારને કહ્યું કે ડૂંગરો ખોદવાનું કામ હવે કન્ટ્રોલમાં કરો એટેલે કે માઇનિંગનું કામ બંધ કરો. સુપ્રીમ કોર્ટે આવું એટલા માટે કહેવું પડ્યું કારણ કે નોંધાયેલા આકંડા મુજબ અહીં ૧૨૮ ડૂંગરો હોવા જોઇએ પણ જ્યારે તેના સેમ્પલ લેવાયા તો ૩૧ ડૂંગર ગાયબ હતા. એટલે કે આ ૩૧ ડૂંગરો હોવા જોઇએ પણ ત્યાં હતા જ નહી. હવે જો આજ રીતે ડૂંગરો ખોદાતા રહેશે તો થારનું રણ આગળ વધશે.
 
આ બધાના કારણે જમીનની ફળદ્રુપતા પણ નષ્ટ થઈ રહી છે. આપણી ઇકો સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. ઇસરોએ એક પુસ્તક બહાર પાડી છે જેમાં તેણે લખ્યું છે કે ભારતની ૯.૦૬ કરોડ હેક્ટર જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે. આ ભારતની કુલ જમીનના લગભગ ૨૯ ટકા જેટલી જમીન થાય છે.
 

શું થશે ફાયદો?

 
હવે આ ગ્રીન વોલ બનશે તો પહેલા તો આ વેસ્ટમાંથી એટલે થારના રણમાંથી માટી ઉડીને આવે છે તે બંધ થઈ જશે. આ ગ્રીન વોલમાં ૨.૬ કરોડ હેક્ટર જમીનનો ઉપયોગ થશે. આ જમીન ફળદ્રુપ બનશે. જેના કારણે આજુ બાજુની જમીન પણ ફળદ્રુપ બનશે. આ ગ્રીન વોલ પર ઊંચા અને ઘટાદાર વૃક્ષ ઉગાડાશે જે રણને આગળ વધતું રોકશે. ઊંચા વૃક્ષના મૂળ પણ જમીનમાં પાણી રોકશે. વળી તેના પાન જમીન પર પડ્યા પડ્યા સડસે જે ખાતર જેવું કામ કરશે. ટૂંકમાં આ ગ્રીન વોલની અને આજુબાજુની જમીન ફળદ્રુપ બનશે અને રણ આગળ નહી વધે.
 

 
 

આફ્રિકામાં કામ ચાલુ થઇ ગયું છે

 
જોકે આ હજી વિચાર છે. મહત્વની વાત એ છે કે આફ્રિકામાં આવી ગ્રીન વોલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. અહીં સહારાનું રણ છે. જેને આગળ વધતું રોકવા આ વોલ બનાવવામાં આવી રહી છે. આ વોલનું નામ “ધી ગ્રેટ વોલ ઓફ આફ્રિકા” એવું નામ આપવામાં આવ્યું છે. આફ્રિકા ખંડના અનેક દેશો સાથે મળીને આ ગ્રીન વોલ બનાવી રહ્યા છે. આ ગ્રીન વોલ ૮ કિલોમીટર લાંબી અને ૧૫ કિલોમીટર પહોંળી બનશે. મહત્વની વાત એ છે કે આફ્રિકાની આ ગ્રીન વોલનું ૧૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી ૨૦૩૦ સુધીમાં ભારતની અને આફ્રિકાની આ ગ્રીન વોલ તૈયાર થઈ જશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ ગ્રીન વોલથી આફ્રિકાને ફાયદો થતો દેખાઇ રહ્યો છે. અહીંના આજુબાજુના વિસ્તારના ભૂ-સ્તર ખૂબ સુધર્યા છે. આફ્રિકના જે વિસ્તારો પહેલા સૂકા હતા તે હવે લીલાછમ થયા છે.