બલરામ : કૃષ્ણના મોટાભાઈ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
બલરામ યદુવંશના કુશળ સંગઠક અને પરાક્રમી યોદ્ધા હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ અને શેષનાગના અવતાર હતા. યદુવંશના કુલગુરુ ગર્ગાચાર્યે નંદબાબાને ઘરે ગુપ્ત રીતે બંને ભાઈઓની નામકરણ વિધિ કરી હતી તેનું કારણ એટલું જ હતું કે કંસને જો ખબર પડે તો ત્યારે અનર્થ થઈ શકે તેમ હતો. અસીમ બળ અને ગુણોને લઈ મોટાભાઈનું નામ બલરામ પાડવામાં આવ્યું, જેનું બીજું નામ રોહિણૈય પણ રાખ્યું કારણ કે તે રોહિણીનો પુત્ર હતો. કૃષ્ણ તેને હંમેશા દાઉ કહીને બોલાવતા.
 
એકવાર બલરામ અને શ્રીકૃષ્ણ વનમાં ગાયો ચરાવતા હતા ત્યારે પ્રલંબ નામનો એક અસુર ગોવાળનો વેશ ધારણ કરીને કૃષ્ણ-બલરામને ઉપાડી જવા માટે તેમની ટોળીમાં સામેલ થઈ ગયો. કૃષ્ણ તેને ઓળખી ગયા. તેઓ વિચારી રહ્યા હતા કે કોઈપણ રીતે તેનો વધ કરવો ત્યાં તો પ્રલંબાસુર બલરામને પીઠ પર બેસાડીને દોડવા લાગ્યો. ત્યારે બલરામે યોગબળથી પોતાનું વજન વધારી દીધું. તેના માથા પર જોરથી પ્રહાર મારવા લાગ્યા. પ્રલંબાસુર પોતાના મૂળ રાક્ષસરૂપમાં આવી ગયો. બલરામે તેને મુષ્ટિકાના પ્રહારથી મારી નાખ્યો.
 
કૃષ્ણ-બલરામ થોડા મોટા થતાં મામા કંસે બંનેને મારી નાખવા માટે મથુરા નગરમાં ચાણુર અને મુષ્ટિક નામના બે મલ્લોનું યુદ્ધ ગોઠવ્યું. કૃષ્ણ-બલરામે નગરમાં પ્રવેશ કર્યો. ત્યારે જ એક હજાર હાથીઓ જેવું બળ ધરાવતા કુવલયાપીડ નામના મદમસ્ત હાથીને મદિરા પાઈને તેને બંનેની સામે ખુલ્લો છોડી દીધો. કૃષ્ણ-બલરામે તેને પકડીને ફંગોળી દીધો. તેના બે મોટા દાંત લઈને તેઓ મલ્લયુદ્ધના મેદાનમાં પ્રવેશ્યા. કૃષ્ણે ચાણુર અને બલરામે મુષ્ટિક સાથે યુદ્ધ લડવાનું નક્કી થતું ત્યારે નગરના લોકોને આ બંને નાના બાળકોની દયા આવી. તેમણે આ યુદ્ધ રોકવા કંસને વિનંતી કરી. પરંતુ કંસ માન્યો નહીં. થોડી જ વારમાં કૃષ્ણે ચાણુરને અને બલરામે મુષ્ટિકને યમલોક પહોંચાડી દીધા.
 
બંને ભાઈઓ મોટા થયા એટલે પરંપરા પ્રમાણે ઉજ્જયની ખાતે સાંદીપનિ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા. અહીં તેમણે વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્રો, મીમાંસાઓ સહિત રાજનીતિશાસ્ત્ર ચોસઠકળાઓ અને યુદ્ધશાસ્ત્રમાં નિપુણ બન્યા. અભ્યાસ પૂરો થતાં ગુરુદક્ષિણામાં સાંદીપનિનો પુત્ર જે પ્રભાસક્ષેત્રમાં સમુદ્રમાં ડૂબી ગયો હતો તેને શોધી લાવવા જણાવ્યું. બંને ભાઈઓ સમુદ્રના જળમાં જઈ શંખાસુરને મારીને બાળકને પાછો લાવી ગુરુને સોંપ્યો.
 
મથુરાની પ્રજાને મામા કંસના ત્રાસમાંથી મુક્ત કરાવવા તેનો વધ કર્યો ત્યારે મગધરાજ જરાસંધ પોતાની બે પુત્રીઓના પતિના મૃત્યુથી ગુસ્સે ભરાયો અને પૃથ્વીને યદુવંશથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લઈ યુદ્ધની તૈયારી કરી. જરાસંધે અક્ષૌહિણી સેના સાથે મથુરા પર આક્રમણ કર્યું. બંને ભાઈઓ રથમાં બેસી યુદ્ધ કરવા નીકળ્યા. બલરામે જરાસંધને યુદ્ધ માટે લલકાર કર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. જરાસંધનું સૈન્ય નાશ પામ્યું ત્યારે બલરામજીએ જરાસંધને પકડી લીધો. કૃષ્ણે બલરામને રોકી અને જરાસંધને જીવતો છોડી દીધો. તેનું કારણ એટલું જ હતું કે જરાસંધ ફરીથી બીજા સૈનિકો લઈને આવે અને યુદ્ધ કરે અને તેમ કરતાં તેનું વધુ સૈન્ય નાશ પામે. સતત સત્તર વખત જરાસંધે યુદ્ધ કર્યું અને તેનો કારમો પરાજય થયો. ત્યાં જ તેની સહાયમાં કાળયવન આવ્યો અને કૃષ્ણ બલરામે મથુરામાંથી વિદાય લઈને દરિયાકિનારે સોનાની દ્વારકા નગરી વસાવી. અહીં આનર્તદેશના રાજા રૈવતજીની પુત્રી રેવતીના લગ્ન બલરામ સાથે થયા. ભગવાન શ્રીકૃષ્ણે પણ રુક્મિણીનું હરણ કરી તેની સાથે લગ્ન કર્યા. ભોજકટ નિવાસી રુક્મિની પુત્રી રુક્મવતી સાથે પણ કૃષ્મના લગ્ન થયા. આ રુક્મીનો ભારે તિરસ્કાર અને અપમાન થવાથી તે કૃષ્ણ - બલરામને મારવા માંગતો હતો. રુક્મિ બલરામ સાથે જુગાર રમવા બેઠો પણ દરેક વખતે તે હારી જવા છતાં હાર સ્વીકારતો નહીં અને બલરામનું સતત અપમાન કરતો. બલરામે ગુસ્સે થઈને તેને મારી નાખ્યો. આ સમયે કૃષ્ણે પોતાના સાળા રુક્મિનું મોત થવા છતાં મૌન ધારણ કરી લીધું.
 
થોડા સમય પછી જાંબુવતીનો પુત્ર સામ્બ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું સ્વયંવરમાંથી હરણ કરી લાવ્યો. કૌરવો કૃષ્ણ અને બલરામની સામે થઈ ગયા. કૌરવોને સમજાવવા બલરામ હસ્તિનાપુર ગયા, પરંતુ ભરીસભામાં તેમનું અપમાન કરવામાં આવ્યું. બલરામ ઘણા ગુસ્સે થઈ ગયા અને પોતાનું હળ લઈને ઊભા થઈ ગયા. તેમણે પૃથ્વીને કૌરવોવિહીન કરવા હળની અણીથી હસ્તિનાપુરને જમીનમાંથી ઉખેડીને ગંગાજીના પ્રવાહમાં ડુબાડી દેવા માટે ખેંચવા લાગ્યા. આખું હસ્તિનાપુર કાંપવા લાગ્યું. વિનાશને નજીક જોઈ કૌરવો સહિત સૌ નગરજનો એ બલરામને ખૂબ વિનંતી કરી અને શાંત થવા કરગર્યા. છેવટે બલરામે તેમને માફ કર્યા.
 
દુર્યોધને તેની પુત્રી લક્ષ્મણાને અઢળક ધનસંપત્તિ દહેજમાં આપી યાદવોને ખુશ કરવા પ્રયત્ન કર્યો. કૃષ્ણે બલરામને સમજાવતાં કહ્યું, ‘યુધિષ્ઠિર કૌરવો સાથે જુગાર રમ્યા અને હારી જતાં તેર વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે. જો તેઓ બળથી પોતાનું રાજ્ય મેળવવા માંગતા હોત તો તેમનામાં શક્તિનો કોઈ અભાવ નહોતો. વનવાસમાં પણ દુર્યોધને પાંડવોને મારવા અનેક પેંતરા રચ્યા હતા પણ તેમની શક્તિ આગળ બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે.’
 
કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રનું યુદ્ધ શ‚ થાય છે. બલરામને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ સ્વયં યુદ્ધના મેદાનમાં જઈ દુર્યોધન અને ભીમને યુદ્ધ ન કરવા સમજાવે છે, પરંતુ બંને વચ્ચે વેરભાવ એટલો તો તીવ્ર હતો કે કોઈએ તેમની વાત સાંભળી નહીં. છેવટે તેઓ દ્વારકા પાછા આવી ગયા.
 
એક વખત યાદવો રમતાં રમતાં દુર્વાસા જેવા મુનિઓનો વાસ હતો ત્યાં આવી ચઢ્યા. તેઓ અભિમાનથી ઉદ્દંડ બની ગયા હતા. જાંબુવતીના પુત્ર સામ્બને સ્ત્રીનો વેશ પહેરાવીને તેમણે મુનિને પૂછ્યું આ સ્ત્રીને શું અવતરશે ? પુત્ર કે પુત્રી ?
 
દુર્વાસા તથા અન્ય મુનિઓને આ કપટથી હળાહળ અપમાન લાગ્યું ત્યારે તેમણે શ્રાપ આપતાં કહ્યું, ‘આ સ્ત્રીની કૂખમાંથી મુશળનો જન્મ થશે જે તમારા કુળનો નાશ કરશે. આ મુશળનું ઉગ્રસેને ચૂર્ણ કરી સમુદ્રમાં પધરાવ્યું. તેના એક ટુકડાને માછલી ગળી ગઈ જે એક પારધી પાસે આવ્યો. પારધીએ તેને બાણના અગ્રભાગે લગાવ્યો. જે ટુકડો પાછળથી અજાણતાં જ કૃષ્ણના નિર્વાણનું કારણ બન્યો. યાદવો અંદરો અંદર મદિરાપાન કરીને લડવા લાગ્યા અને છેવટે સમગ્ર યદુકુળનો નાશ થયો. બલરામે સમુદ્રકિનારે જઈ પરમાત્માનું ચિંતન કરતાં પોતાના આત્માનો ત્યાગ કર્યો. ત્યારે શ્રીકૃષ્ણને આ વાતની ખબર પડતાં ભાલકા ક્ષેત્ર ખાતે પીપળાના ઝાડ નીચે મૌન ધારણ કરીને બેસી ગયા. અહીં તેમણે ચતુર્ભુજ‚પ ધારણ કરી પોતાની લીલા સંકેલી લેવાનો વિચાર કર્યો. જ્યાં જરા નામના પારધીએ ભગવાનના પગના તળિયાને હરણની આંખો સમજી તીર માર્યું અને શ્રીકૃષ્ણ જીવનલીલા સંકેલી સ્વધામ સિધાવ્યા. ત્યારબાદ સમગ્ર યદુવંશનો નાશ થયો અને સમુદ્રે દ્વારકાને પોતાનામાં સમાવી લીધી.