શ્રીલંકામાં રાજપક્ષેની સત્તા ભારત માટે ચિંતાનો વિષય

    ૩૦-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
 
શ્રીલંકામાં પ્રમુખની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને આ પરિણામ ભારતની ચિંતામાં વધારો કરનારાં છે કેમ કે ગોટબાયા રાજપક્ષેને વિજય મળતાં એ પ્રમુખ બન્યા છે. ગોટબાયા રાજપક્ષે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ચૂંટણી સમયે વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ છે. ગોટબાયાએ પ્રમુખ બનતાં જ પોતાના ભાઈ મહિન્દા રાજપક્ષેને શ્રીલંકાના વડાપ્રધાન બનાવી દીધા અને એ રીતે શ્રીલંકામાં શાસન પર ફરી રાજપક્ષે પરિવારનો કબજો થઈ ગયો છે. ભારત માટે આ બાબત ચિંતાનો વિષય બે કારણસર છે. પહેલું કારણ એ કે, રાજપક્ષે પરિવાર મૂળ ભારતીયો સામેની આક્રમક અને નફરતની હદ સુધીની નીતિઓ માટે જાણીતો છે. બીજું કારણ એ કે, રાજપક્ષે પરિવાર ચીનનો તરફદાર છે ને ભારત સાથે સારા સંબંધો રાખવાની તરફેણમાં નથી.
 
રાજપક્ષે સત્તામાં આવતાં શ્રીલંકામાં મૂળ ભારતીય એવા તમિલોની હાલત બગડશે એવી ધારણા છે. ગોટબાયા રાજપક્ષે પોતે એક નિવૃત્ત લશ્કરી અધિકારી છે. લશ્કર છોડયા બાદ ગોટબાયા અમેરિકા જતા રહ્યા હતા. તેમના મોટા ભાઈ મહિન્દા રાજપક્ષે ૨૦૦૫માં પ્રમુખ બન્યા ત્યારે તે શ્રીલંકા પાછા આવ્યા અને તેમને સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરીનો હોદ્દો આપવામાં આવ્યો. આ હોદ્દા પર નિમાયા ત્યારે તેમને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી હતી. તેમણે તેનો ઉપયોગ પોતાના વિરોધીઓને કચડી નાંખવા માટે કર્યો. તેમણે એવો વ્યવહાર શરૂ કર્યો કે જાણે શ્રીલંકાના ભાવિ રાષ્ટ્રપતિ પોતે જ હોય ને તમિલો પર તો રીતસર આફત જ ઊતરી હતી.
 

 
 

શ્રીલંકન લઘુમતીઓ માટે આકરો સમય

 
શ્રીલંકામાં બહુમતી બૌદ્ધધર્મી લોકોની છે. શ્રીલંકાની કુલ વસતીના ૭૦ ટકા વસતી બૌદ્ધધર્મીઓની છે. આ સિવાય ૧૨.૫ ટકા હિન્દુઓ અને લગભગ ૧૦ ટકા મુસ્લિમો છે. ખ્રિસ્તીઓની વસતી માંડ સાત ટકા જેટલી છે. શ્રીલંકામાં તમિલો જાફના તથા તેની આસપાસના વિસ્તારોમાં હતા. એ લોકો વરસોથી સ્વાયત્ત રાજ્ય માટે લડતા હતા. ગોટબાયા લશ્કરી અધિકારી તરીકે તમિલો સામે લડ્યા હતા. આ લડાઈ દરમિયાન તેમણે ગુજારેલા અત્યાચારોની વાતો થથરાવી નાંખે એવી છે. એ પછી તેમણે સંરક્ષણ મંત્રાલયના સેક્રટરી તરીકે તો બેફામ બનીને અત્યાચારો ગુજાર્યા. શ્રીલંકાની કુખ્યાત વ્હાઇટ વેન સ્કવોડ ગોટબાયાની દેખરેખ હેઠળ કામ કરે છે. ગોટબાયા પર પત્રકારો, કાર્યકરો અને તમિલ ટાઇગર્સ સાથે સંબંધની શંકા હોય એવા તમિલ નાગરિકો પર અમાનવીય અત્યાચારોના આક્ષેપ પણ મુકાયા હતા. આ પૈકી હજારો લોકો લાપતા થઈ ગયા હતા. રાજપક્ષે ભાઈઓ પર હત્યાઓ સામે આંખ આડા કાન કરવાના તથા યુદ્ધ દરમિયાન નાગરિકો અને હોસ્પિટલો પર જાણી જોઈને હુમલા કરવાના આરોપ પણ છે. ગોટબાયાએ પ્રમુખપદની ચૂંટણી લડવા માટે અમેરિકાનું નાગરિકત્વ પણ છોડી દીધું હતું.
 
શ્રીલંકામાં ઈસ્ટર દરમિયાન થયેલા આતંકવાદી હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. એ વખતે બાદ ગોટબાયાએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમનું કહેવું હતું કે ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સમન્વયની ખામીના કારણે ઈસ્ટર દરમિયાન હુમલા થયા હતા. ઓગસ્ટમાં ગોટબાયાને વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેમનું પહેલું કર્તવ્ય દેશની આંતરિક સુરક્ષા મજબૂત કરવાનું છે અને પોતે સત્તામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચના ઠરાવને પણ ફગાવી દેશે. યુ.એન.ના આ પ્રસ્તાવમાં તમિલો સાથેના આંતરિક યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચારોની તપાસ કરવાનો વાયદો શ્રીલંકાની સરકારે કર્યો હતો. ગોટબાયા આ મુદ્દાને દબાવી દેવા માગે છે તેથી ગોટબાયાને બહુમતી સિંહાલી બૌદ્ધધર્મીઓના મોટા ભાગના લોકોનું સમર્થન મળ્યું. હવે તેમને સત્તા મળી છે તેથી તમિલોનું આવી બનશે એવું મનાય છે.
 

 
 

ગોટબાયા ચીનના પીઠ્ઠુ...!

 
ગોટબાયા ચીનના પીઠ્ઠુ છે એ પણ ભારત માટે મોટી ચિંતાનો મુદ્દો છે. ગોટબાયાના ભાઈ મહિન્દા રાજપક્ષે સત્તામાં હતાં એ દસ વર્ષ દરમિયાન ચીને શ્રીલંકામાં જોરદાર પગપેસારો કર્યો હતો. ભારતના વિરોધ વચ્ચે પણ મહિન્દા રાજપક્ષેએ ચીન પાસેથી કરોડો ડોલર ઉધાર લીધા અને શ્રીલંકાના બંદરો ચીનની સબમરીનો માટે ખુલ્લા મૂકી દીધાં. તેમણે ચીન સાથે મળીને વિશાળ બંદરનું નિર્માણ પણ કર્યું જેના કારણે શ્રીલંકા ચીનના દેવાના ડુંગર તળે દબાઈ ગયું. ચીન ચેનો ફાયદો ઉઠાવીને પોતાના લશ્કરી થાણાં શ્રીલંકામાં નાખી ચૂક્યું છે તેથી ભારતની સુરક્ષા સામે ખતરો પેદા થયો છે. હવે ગોટબાયા સત્તામાં આવતાં ચીન સાથેના સંબંધો આગળ વધશે તેથી ભારતને ચિંતા છે. શ્રીલંકા ભારતનું નિકટનું પાડોશી છે એ સંજોગોમાં ત્યાં સર્જાતી નાનામાં નાની ઊથલપાથલ પણ ભારત માટે મહત્ત્વ ધરાવે છે ત્યારે ભારતથી ઈર્ષા કરતા દેશનું ત્યાં વર્ચસ્વ હોય એ બાબત ભારત માટે ચિંતાનો વિષય છે જ. હવે ગોટબાયાના શાસનમાં શ્રીલંકા ચીનનું સંપૂર્ણ તાબેદાર થશે તેથી ભારતનાં સુરક્ષાનાં હિતો તેમજ આર્થિક હિતોને પણ ભારે નુકસાન થશે જ. મહિન્દા રાજપક્ષે ચીનના હાથની કઠપૂતળી ગણાય છે તેથી ભારતે લીધેલું પગલું યોગ્ય જ હતું. શ્રીલંકાના રાજકારણમાં ચીનનો પરોક્ષ રીતે હસ્તક્ષેપ છે. ચીન એવું ઇચ્છે છે કે શ્રીલંકામાં તેની કઠપૂતળી સરકારનું શાસન જ હોય જેથી પોતાનાં મથકો સ્થાપી શકે. શ્રીલંકા આર્થિક રીતે ચીનનું ગુલામ બની ગયું છે ત્યારે તેના પર ચીનનો સંપૂર્ણ કબજો ભારત માટે ખતરાની નિશાની છે.
 
 
 ગયા વર્ષે શ્રીલંકામાં રાજકીય ઊથલપાથલ સર્જાઈ અને રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને બરખાસ્ત કરી દીધા હતા. તેમણે ભૂતપૂર્વ પ્રમુખ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડાપ્રધાન જાહેર કરી દીધા હતા. એ વખતે પણ ભારતની ચિંતા વધી હતી. કેમ કે વિક્રમાસિંઘે ભારત તરફી નીતિ ધરાવતા હતા. સદનસીબે બાદમાં શ્રીલંકાની સંસદે રાનિલ વિક્રમાસિંઘેને વડાપ્રધાન તરીકે ફરી સ્થાપ્યા હતા. આ કારણે ભારતની ચિંતા દૂર થઈ હતી પણ હવે તો બંને રાજપક્ષે ભાઈઓ સત્તામાં છે ત્યારે એ ખતરો પાછો આવીને ઊભો રહ્યો છે.
 
રાનિલ વિક્રમાસિંઘેની નીતિઓ ભારતતરફી હતી તેથી ભારતે તેમને બચાવવા ૨૦૧૫માં ભારતે શ્રીલંકાના રાજકીય વિવાદમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. એ વખતે પ્રમુખ સિરીસેના અને વિક્રમાસિંઘે વચ્ચે ભારતે સમાધાન કરાવ્યું હતું. તેના કારણે રાજપક્ષે સત્તાથી બહાર થઈ ગયા હતા. રાજપક્ષે તેનો પણ બદલો બરાબર લેશે તે જોતાં ભારતે હવે સતર્ક રહેવું પડશે.