મહા વાવાઝોડું આવે કે ન આવે પણ આપણે આટલું તો ધ્યાન રાખવાનું જ છે!

    ૦૫-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
મહા” વાવાઝોડાના પ્રભાવની શક્યતાને પગલે વાવાઝોડા પૂર્વે, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ કેટલાક પગલાઓ ભરવા જરૂરી બને છે
 
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી તા.૬ અને તા.૭ નવેમ્બર-૨૦૧૯ દરમિયાન મધ્યરાત્રિ કે મોડી સવારના સમયે “મહા” વાવાઝોડા આવશે તેવા હવામાન ખાતાના અહેવાલ અને આગાહી છે. “મહા” વાવાઝોડાના પ્રભાવની શક્યતાને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક અને વધુ અસરકારક બન્યું છે. રાજયમાં સંભવિત આપત્તિ વખતે વડોદરા જિલ્લાના નાગરિકોને સહકાર આપવા જિલ્લા પ્રશાસને અનુરોધ કર્યો છે.
 
સંભવિત “મહા” વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સુરક્ષાના પગલે રાજય સરકાર દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે તે મુજબ નાગરિકોએ ગભરાયા વિના શાંત રહીને સહકાર આપવો જરૂરી છે. વાવાઝોડા પૂર્વે, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું-શું પગલાઓ ભરીને સમજદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી શકીએ....
 
#  વાવાઝોડા સામે પૂર્વ તૈયારના ભાગરૂપે રેડિયો, ટીવી અને સમાચારો તથા જાહેર ખબરોના સંપર્કમાં રહેવું,
#  ઘરના બારી-બારણા તથા છાપરાઓને મજબૂત કરવા,
#  તાત્કાલિક જરૂરિયાત હોય તે ખોરાક, ફાનસ, ટોર્ચ, પાણી અને કપડા સહિતની વસ્તુઓ તૈયાર રાખવી,
#  જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી માળિયે ખસેડી દેવો,
#  વાહનોને ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા,
#  જોખમી જણાય ત્યારે વાવાઝોડાની આગાહી થાય કે તુરંત સલામત સ્થળે ખસેડી લેવા,
#  અફવાઓથી દૂર રહેવું અફવાઓ ફેલાવવી નહિ,
#  ગભરાયા વિના શાંત રહેવું,
#  સ્થાનિક સ્તરે અધિકારીઓના સંપર્કમાં રહેવું,
#  પાલતુ પ્રાણીઓને છૂટાં કરી સલામત સ્થળે ખસેડવા,
#  માછીમારોએ દરિયામાં જવું નહિ અને હોડીઓને સલામત સ્થળે ખસેડવી જરૂરી છે.
#  વાવાઝોડા દરમિયાન પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું,
#  ઝાડ-થાંભલાઓ પાસે ઉભા ન રહેવું,
#  ઘરની બહાર ન નીકળવું,
#  વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા,
#  ઘરના તમામ બારી-બારણાઓ બંધ રાખવા,
#  ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલરૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
#  વાવાઝોડા બાદ સત્તાવાર સૂચનાઓ મળ્યા બાદ જ બહાર નીકળવું હિતાવહ છે.
#  અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર પૂરી પડવા દવાખાને ખસેડવા,
#  કાટમાળની સ્થિતિ સર્જાય તો કાટમાળમાંથી ફસાયેલાઓને તુરંત બચાવી લેવા બનતા પ્રયત્નો કરવા,
#  ખુલ્લા-છૂટાં પડેલા વાયરોને અડકવું જોખમી છે.