ભગવદગીતાના ત્રીજા અધ્યાયના ૨૧મા શ્લોક મુજબ નેતૃત્વ કરનાર માટે ગીતાબોધ

    ૧૭-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

geeta_1  H x W: 
 
 
ભગવદગીતાના ત્રીજા અધ્યાયના ૨૧મા શ્લોક મુજબ નેતૃત્વ કરનાર માટે ગીતાબોધ
 
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જન: ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ ॥ ૩/૨૧ ॥
 

શબ્દાર્થ :

 
શ્રેષ્ઠ: - શ્રેષ્ઠ નેતા                                યત્, યત્‌ - જે જે
આચરતિ - આચરણ કરે છે.                 ઇતર: - અન્ય
જન: - માણસો (પણ)                          તત્, તત્‌ - તેવું-તેવું
એવ - જ (આચરણ કરે છે.)                 સ: - તે
યત્‌ - જે કંઈ                                       પ્રમાણમ્‌ - પ્રમાણ
કુરુતે - કરી આપે છે,                           લોક: - બીજા મનુષ્યો
તત્‌ - તે                                             અનુવર્તતે - પ્રમાણે આચરણ કરે છે.
                                                                            

ભાવાર્થ :

 
જે કોઈ પણ મનુષ્યો ઉચ્ચ હોદ્દા પર છે, કોઈ સમાજ કે સંગઠનનું નેતૃત્વ કરે છે તે મનુષ્યો જે પ્રકારનાં વાણી, વર્તન, વ્યવહાર અને આચરણ કરે છે તેવું જ આચરણ અન્ય લોકો, જનતા તેના અનુયાયીઓ પણ કરે છે. તે જેવાં પ્રમાણ આપે છે તેવાં જ પ્રમાણ સમાજ પણ આપે છે.
 

જે સંસારની સેવામાં લાગેલો રહે છે 

 
શ્રીમદ્ ભગવદ્ગીતાનો ઉપરોક્ત શ્લોક વર્તમાન સમયમાં નેતાઓ માટે માર્ગદર્શક અને દિશાદર્શક છે. નેતૃત્વ કરનારા નેતાના સંદર્ભમાં આ શ્લોકની છણાવટ કરીએ તો કહી શકાય કે `યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જન:' - એટલે કે શ્રેષ્ઠ નેતાનો સ્વાભાવિક અનુભવ હોય છે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ધન, કુટુંબ, જમીન વગેરે પદાર્થો સંસારના છે, પોતાના નહીં. એટલું જ નહીં, તે શ્રેષ્ઠ નેતા ત્યાગ, વૈરાગ્ય, પ્રેમ, જ્ઞાન, સદ્ગુણ વગેરેને પણ પોતાનાં નથી માનતો. શ્રેષ્ઠ નેતામાં `વ્યષ્ટિ અહંકાર' તો હોતો જ નથી, અને `સમષ્ટિ અહંકાર' વ્યવહારમાત્રને માટે હોય છે. જે સંસારની સેવામાં લાગેલો રહે છે, કેમ કે અહંકાર પણ સંસારનો જ છે (ગીતા અ. ૭/૪, અ. ૧૩/૫).
 

બીજાઓની સેવા  

 
ગીતા નેતાને સમજ આપે છે કે, સંસાર દ્વારા શરીર, ધન, પરિવાર, પદ, યોગ્યતા, અધિકાર વગેરે બધા પદાર્થો સદુપયોગ કરવા અર્થાત્‌ બીજાઓની સેવા કરવા માટે જ મળ્યા છે, ઉપભોગ કરવા અથવા પોતાનો અધિકાર જમાવવા માટે નહીં. જે તેમને પોતાના માનીને તેઓનો ઉપયોગ કરે છે તેને ભગવાન ચોર કહે છે - `યો ભુઙ્કતે સ્તેન એવ સ:' (ગીતા અ. ૩/૧૨). શ્રેષ્ઠ નેતા આપોઆપ સ્વાભાવિક રીતે સંસારની સેવામાં લાગે છે. સઘળાં પ્રાણીઓના હિતમાં તેની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે.
ગીતામાંથી નેતાઓએ સાર એ લેવાનો છે કે, જેવી રીતે એક જ શરીરનાં બધા અંગો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એક જ છે. તેવી જ રીતે સંસારનાં બધાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એક જ છે.
 

કર્તવ્યનું પાલન 

 
જેવી રીતે શરીરનું કોઈ પણ પીડિત (રોગી) અંગ ઠીક થઈ જતાં સમગ્ર શરીરનું હિત થાય છે, તેવી જ રીતે મર્યાદામાં રહીને પ્રાપ્ત વસ્તુ, સમય, પરિસ્થિતિ વગેરે અનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરવાવાળા નેતા દ્વારા સમગ્ર સંસારનું આપોઆપ હિત થાય છે.
 

geeta_1  H x W: 
 

તેનામાં કર્તવ્યાભિમાન નથી હોતું

 
જોકે શ્રેષ્ઠ નેતા પોતાને માટે કોઈ આચરણ નથી કરતો અને તેનામાં કર્તવ્યાભિમાન નથી હોતું, તો પણ લોકોની દૃષ્ટિમાં તે આચરણ કરતો હોવાનું દેખાવાને કારણે અહીં `આચરતિ' ક્રિયાનો પ્રયોગ થાય છે. તેના દ્વારા બધાના ઉપકારને માટે આપોઆપ-સ્વાભાવિક ક્રિયાઓ થાય છે. પોતાનો કોઈ સ્વાર્થ ન રહેવાને કારણે તેની નાની-મોટી પ્રત્યેક ક્રિયા લોકોનું આપોઆપ હિત કરવાવાળી હોય છે. જો કે તેને માટે કોઈ કર્તવ્ય નથી - `તસ્ય કાર્ય ન વિદ્યતે' (ગીતા અ. ૩/૧૭) અને તેનામાં કરવાનું અભિમાન પણ નથી - `નિર્મમો નિરહંકાર:' (ગીતા અ. ૨/૭૧), તો પણ તેના દ્વારા આપોઆપ-સ્વાભાવિક સુચારુ રૂપે કર્તવ્યનું પાલન થાય છે.
 
અંત:કરણમાં ધન અને પદનું મહત્ત્વ તેમ જ લોભ રહેવાને કારણે લોકો અધિક ધનવાળા (લખપતિ, કરોડપતિ) તથા ઊંચા પદવાળા નેતા, મંત્રી વગેરેને શ્રેષ્ઠ માની લે છે અને તેઓને ઘણા જ આદરની દૃષ્ટિએ જુએ છે.
 

શ્રેષ્ઠ નેતા પોતે આચરણ કરીને અને પ્રમાણ આપે છે

 
જો શ્રેષ્ઠ નેતા પોતે પોતાના વર્ણ, આશ્રમ વગેરે અનુસાર આચરણ ન કરીને કેવળ પ્રમાણ આપે, તો તેનો લોકો ઉપર વિશેષ પ્રભાવ નહીં પડે. તેમાં લોકોનો એવો ભાવ થઈ શકે છે કે એ વાતો તો કેવળ કહેવા-સાંભળવાની છે, કેમ કે કહેવાવાળો પોતે તો પોતાના કર્તવ્યકર્મનું પાલન નથી કરી રહ્યો. એવો ભાવ થતાં લોકોમાં પોતાના કર્તવ્ય પ્રત્યે અશ્રદ્ધા અને અરુચિ થવાની સંભાવના રહે છે. એટલા માટે શ્રેષ્ઠ નેતા પોતે આચરણ કરીને અને પ્રમાણ આપીને-બન્નેય પ્રકારે લોકોને પોતપોતાના કર્તવ્યપાલનમાં લગાડીને તેઓનું હિત કરે છે. શ્રેષ્ઠ નેતાઓના આચરણનું અનુવર્તન (અનુસરણ) તે જ લોકો કરે છે જે તેને શ્રેષ્ઠ માને છે. આથી દરેક નેતાએ ગીતાના આ અધ્યાયને અનુરૂપ આચરણ કરીને પોતાનું કર્મ કરવું.