CABના અમલની પૂર્વે પણ રા. સ્વ. સંઘે મુસ્લિમ રાષ્ટોમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિશે ભારતની સરકારોને ચેતવી હતી

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

RSS AND CAB_1  
 
ભારતીય સંસદીય ઇતિહાસમાં ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૯નો દિવસ સુવર્ણાક્ષરે અંકિત થયો છે. આ દિવસે રાજ્યસભાએ લોકસભામાં પારિત થયેલા CAB સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલને બમતીથી પસાર કરીને લાખો હિન્દુ શરણાર્થીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. હિન્દુ દ્વેષી પક્ષોના વાંધાવચકાઓને ફગાવી દેવાયા હતા. આ વિધેયક સામે વિપક્ષોના વાંધાઓ તથા ટીકાઓના ગૃહમંત્રી શ્રી અમિત શાહે સચોટ ઉત્તર આપ્યા હતા તેથી તેમનું વક્તવ્ય પણ ઐતિહાસિક બન્યું છે.
ભારતીય પ્રજાને પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી તથા યદી સમાજો ઉપર થઈ રહેલા અત્યાચારો વિશે વ્યાપક જાણકારી CAB દ્વારા મળી હતી તેવું કહેવામાં અતિશયોક્તિ નથી. પરંતુ વિશેષ ઉલ્લેખનીય વાત એ છે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે કાર્યરત રાષ્ટીય સ્વયંસેવક સંઘે, હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગે ભારત સરકારનું ધ્યાન તો દાયકાઓ પૂર્વે દોર્યું હતું. પ્રસ્તુત છે શરણાર્થીઓના સંબંધમાં રા. સ્વ. સંઘ દ્વારા થયેલા ઠરાવોના અંશો ઉપર દૃષ્ટિપાત...
 
વર્ષ ૧૯૬૪ - અ.ભા. પ્રતિનિધિ સભા પાકિસ્તાનમાંથી આવતા શરણાર્થીઓ માટેના ઠરાવના અંશો
 
 `ભારતના ભાગલા થકી પાકિસ્તાનની રચના થઈ ત્યારે એવી ધારણા હતી કે બંને દેશોમાં વસતા વિવિધ પંથોને અનુસરતા લોકોને સમાનતા પ્રાપ્ત થશે, પરંતુ પાકિસ્તાનમાં હિન્દુ સહિત સર્વ મુસ્લિમેતર સમાજ સન્માન અને સુરક્ષા સાથે જીવી શકતો નથી. ત્યાં મુસ્લિમેતર સમાજોને બંધારણીય અધિકારો પ્રાપ્ત થયા નથી તથા તેમની સાથે સર્વ સ્તરે પક્ષપાતપૂર્ણ વ્યવહાર થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સુનિયોજિતપણે હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, તેમને લૂંટવામાં આવી રહ્યા છે. માતા-બહેનો ઉપર જાહેરમાં બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે. પાક. સરકાર તરફથી હિન્દુઓને કોઈ સુરક્ષા આપવામાં આવતી ન હોવાથી પીડિત હિન્દુઓ મોટી સંખ્યામાં ભારતમાં આવી રહ્યા છે. હજારો હિન્દુઓ માત્ર પશ્ચિમ પાકિસ્તાન (આજનું પાકિસ્તાન) તથા પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ) મુસ્લિમોના અત્યાચારથી બચવા ભારતમાં આવી રહ્યા છે. ત્યારે ભારતે આ પીડિત હિન્દુ સમાજનું માનવતાના ધોરણે પુનર્વસન કરવું જ જોઈએ, સાથોસાથ (પોતપોતાના દેશમાં લઘુમતીઓને સમાનતા અને સુરક્ષા આપવા અંગે થયેલી સંધિનું સ્મરણ પણ પાકિસ્તાનને કરાવવું જોઈએ.'
 

RSS AND CAB_1   
 
૧૯૭૮ - અ.ભા. કાર્યકારિણી મંડળ દ્વારા પારિત બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેતા અત્યાચારો અંગેના ઠરાવના અંશો
 
`બાંગ્લાદેશની સરકારે ધાર્મિક લઘુમતીઓને સુરક્ષા આપવાની વારંવાર બાંહેધરી આપી હોવા છતાં મોટી સંખ્યામાં હિન્દુઓ જીવ બચાવવા બાંગ્લાદેશમાંથી ભાગી રહ્યા છે તે સાબિત કરે છે કે ત્યાં હિન્દુઓ સુરક્ષિત નથી. સંઘનું અ.ભા.કા. મંડળ હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો એ નહેરુ-લિયાકત સંધિનો સરેઆમ ભંગ છે. અ.ભા.કા. મંડળ આ સંધિના અસરકારક અમલ માટે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવવા ભારત સરકારને વિનંતી કરે છે. બાંગ્લાદેશના પીડિત હિન્દુઓ પ્રત્યે ભારત સરકારનું એક નૈતિક દાયિત્વ છે કેમ કે ત્યાંના હિન્દુઓ ઉપર તેમના કોઈ પણ દોષ વિના દમન કરવામાં આવી રહ્યું છે, જેના મૂળમાં કોમવાદના આધારે થયેલું ભારતનું વિભાજન છે.'
 
૧૯૯૩ - અ.ભા.કા. મંડળે પારિત કરેલા બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ ઉપરના અત્યાચારો અંગેના ઠરાવના અંશો
 
અત્યંત દુઃખની લાગણી સાથે અ.ભા.કા. મંડળ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અમાનવીય અત્યાચારો પ્રત્યે સમગ્ર દેશનું ધ્યાન ખેંચવા માંગે છે. ઇસ્લામને રાજ્ય ધર્મ ઘોષિત કર્યો તે પહેલાંથી જ બાંગ્લાદેશને સંપૂર્ણ મુસ્લિમ રાષ્ટ બનાવવાના ઉદ્દેશ્યથી હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે. અયોધ્યાની ઘટના પછી માત્ર બાંગ્લાદેશમાં જ નહીં. પાકિસ્તાન અને બ્રિટનમાં પણ હિન્દુ મંદિરો ઉપર આક્રમણ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો એટલા બધા ભયાવહ છે કે બાંગ્લાદેશનું મીડિયા પણ એવું કહી રહ્યું છે કે આ અત્યાચારો સામે ૧૯૭૧માં પાકિસ્તાની રઝાકારોએ કરેલા પાશવી અત્યાચારો પણ નગણ્ય બની જાય છે. આ અત્યાચારોમાં હિન્દુ મહિલાઓ ઉપર સૌથી વધુ દમન થયું છે. ભોલા જિલ્લામાં તો પ્રત્યેક હિંદુ નારી અત્યાચારનો ભોગ બની છે. હિન્દુઓને મુસ્લિમ બની જવાની નહીં તો ભારતમાં ચાલ્યા જવાની ધમકીઓ અપાઈ છે. દેશભરમાં નાના-મોટા, પ્રાચીન -નવા મળીને કુલ ૪૬૦૦ મંદિરોને લૂંટી લેવામાં આવ્યાં છે કે તોડી પાડવામાં આવ્યાં છે. હિન્દુઓના પચાસ હજારથી વધુ ઘરો અને દસ હજારથી વધુ વેપારી સ્થાનોનો નાશ કરવામાં આવ્યો છે. દુર્ભાગ્યે, હિન્દુઓ ઉપરના આ અત્યાચારોમાં માત્ર જમાતે ઇસ્લામ જ નહીં, પરંતુ બાંગ્લાદેશનો શાસક પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પણ સક્રિય છે. વધુ દુર્ભાગ્યની વાત તો એ છે ભારત સરકાર પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા આ અત્યાચારો સામે સંવેદનાહીન બનીને જોઈ રહી છે.
 
વર્ષ ૧૯૯૪માં અખિલ ભારતીય કાર્યકારિણી મંડળે પારિત કરેલો બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિતની લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગેના ઠરાવના અંશો
 
બાંગ્લાદેશ સરકારની સંપૂર્ણ ઇસ્લામીકરણની આક્રમકની ઝુંબેશને કારણે ત્યાં લઘુમતીઓનો સંપૂર્ણ સફાયો કરવા માટે પાશવી અત્યાચારો થઈ રહ્યા છે. હિન્દુઓ સહિતની અન્ય લઘુમતીઓને ઇસ્લામ સ્વીકારવા અથવા તો બાંગ્લાદેશછોડી જવાની ધમકી એ સરકાર અને ઇસ્લામિક આતંકી સંગઠનો આપી રહી છે. અન્ય લઘુમતીઓની તુલનામાં હિન્દુઓ ઉપર જ મોટા પાયે અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. તેમની જમીન, માલમત્તા અને સંપત્તિ લૂંટી લેવામાં આવી છે. તેમને સરકાર દ્વારા સુરક્ષા પણ આપવામાં આવી નથી. હિન્દુ માતા-બહેનોનાં અપહરણ તેમની છેડતી તથા તેમની ઉપર થતા શારીરિક અત્યાચારોને કારણે હિન્દુ સમાજ ભયાવહ સ્થિતિમાં જીવી રહ્યો છે તથા સ્વરક્ષા માટે હિન્દુઓ પોતાનું સર્વસ્વ બાંગ્લાદેશમાં છોડીને ભારતના શરણે આવી રહ્યા છે. હિન્દુઓની આવી ભયાવહ સ્થિતિ અંગે અ.ભા.કા. મંડળ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે.
 
વર્ષ ૨૦૦૨ : અ.ભા. પ્રતિનિધિ સભામાં બાંગ્લાદેશી હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગેનો ઠરાવ
 
અ.ભા. પ્ર. સભા બાંગ્લાદેશમાં હિન્દુઓની દારુણ પરિસ્થિતિ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સુનિયોજિતપણે આક્રમણ કરવામાં આવી રહ્યાં છે. તેમની સંપત્તિ બાળવામાં આવે છે. સપ્ટે. ૨૦૦૧માં યોજાયેલ સંસાદીય ચૂંટણીઓમાં પણ હિન્દુઓને ભાગ લેવા દેવામાં આવ્યો ન હતો. આ ચૂંટણીઓ પછી સત્તાસ્થાને આવેલા બેગમ ખાલીદા ઝીયા અને તેના સહયોગી પક્ષોએ હિન્દુઓનું જીવન ભયાવહ બનાવી દીધું છે. હિન્દુઓની દારુણ પરિસ્થિતિના સંદર્ભમાં અ.ભા.પ્ર. સભા (૧) પીડિત હિન્દુઓને ભારતમાં શરણાર્થી તરીકેનો દરજ્જો આપવાની, (૨) બાંગ્લાદેશની સરકારને ત્યાંના હિન્દુઓની સુરક્ષા કરવા માટે સખત શબ્દોમાં કહેવા તથા (૩) બાંગ્લાદેશમાં ભારતે ચોખા તથા શાકભાજી વગેરેની નિકાસ બંધ કરવાનું તથા ફરાક્કા બંધમાં ભારતમાંથી જતા પાણીના પ્રવાહને થોડા સમય માટે રોકી રાખવાનું ભારત સરકારને આહ્વાન કરે છે.
 

RSS AND CAB_1   
 
વર્ષ ૨૦૧૩ : અ.ભા.પ્રતિનિધિ સભામાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગેના ઠરાવના અંશ
 
બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અવિરતક્ષણે થઈ રહેલા અત્યાચારો તથા તેનાં પરિણામે હિન્દુઓને ભારતમાં શરણાર્થી તરીકે આવવું પડે છે તે અત્યંત નીંદનીય છે. અ.ભા.પ્ર. સભા હિન્દુઓ તેમજ બૌદ્ધ સમાજ ઉપર જમાતે ઇસ્લામ જેવા હિન્દુ વિરોધી કટ્ટરવાદી જૂથો દ્વારા થતા અત્યાચારોને વખોડી કાઢે છે. અ.ભા.પ્ર. સભા બાંગ્લાદેશની જેમ પાકિસ્તાનમાં પણ થઈ રહેલા હિન્દુઓ ઉપરના અત્યાચારો પ્રત્યે પણ સમગ્ર રાષ્ટનું ધ્યાન ખેંચે છે. ત્યાં હિન્દુ અને શીખ સમાજ ઉપર પાશવી અત્યાચારો થઈ રહ્યા છે. તેમને બળજબરી મુસ્લિમ બનાવવામાં આપી રહ્યા છે. હિન્દુ-શીખ યુવતીઓને બળજબરીથી મુસ્લિમો સાથે પરણાવી દેવામાં આવે છે તથા તેમની ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે. આવા પાશવી અત્યાચારોને કારણે પાકિસ્તાનમાંથી હિન્દુઓને ભારતમાં શરણાર્થી બનીને આવવું પડે છે. અ.ભા.પ્ર. સભા ભારત સરકારનું ધ્યાન દોરવા માંગે છે કે પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમના કોઈ અપરાધ વિના જ ઇસ્લામિક આતંકનો ભોગ બની રહ્યા છે. તેથી ભારત સરકાર આ બન્ને મુસ્લિમ દેશો સાથે હિન્દુઓ ઉપર થતા અત્યાચારોનો પ્રશ્ન ગંભીરતાથી ઉઠાવે તેવું આહ્વાન કરે છે.