જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વાજપેયીજીને રાજકારણના ભીષ્મ પિતામહ ગણાવ્યા

    ૨૫-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

atal bihari bajpai birthd 
 
આજે ભારતરત્ન અટલજીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસે આવો તેમના જીવન સાથે સાંકળાયેલા ત્રણ કિસ્સાઓ વિશે વાત કરીએ...
 

નવાઝ શરીફને ફોન પર વાજપેયીએ ઝાટક્યા

 
 
પાકિસ્તાની લશ્કરે આતંકવાદીઓ સાથે મળી કારગિલ પર હુમલો કરતાં વાજપેયીએ પોતાની સાથે વિશ્ર્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવી હતી. પાકિસ્તાની સૈન્યના તત્કાલીન વડા જનરલ પરવેઝ મુશર્રફે પાક.ના વડાપ્રધાન નવાઝ શરીફને સંપૂર્ણપણે અંધારામાં રાખી કારગિલ યુદ્ધ છેડ્યું હતું. પાકિસ્તાનની પત્રકાર નસીમ જેહરાએ પોતાના પુસ્તક ‘ફ્રોમ કારગિલ ટુ ધ કોપ : ઇવેન્ટ્સ ધેટ શૉક પાકિસ્તાન’માં કારગિલ યુદ્ધ સાથે જોડાયેલી ઘણી મહત્ત્વની વાતો વણી લેવાઈ છે. તે સમયે નવાઝ શરીફે ભારત મુલાકાતની તમામ તૈયારીઓ કરી લીધી હતી. રાતે લગભગ ૧૦ વાગ્યે વાજપેયીએ શરીફને તોપગોળા જેવો મેસેજ મોકલ્યો. એમણે એમાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે હું તમને ભારત નથી બોલાવી રહ્યો, પણ કારગિલમાંથી પાકિસ્તાની સૈન્યને હટાવવા જણાવી રહ્યો છું.
 

atal bihari bajpai birthd 

મનમોહનસિંહે તો વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા

 
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહનસિંહે એક વખતે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન વાજપેયીને ભારતીય રાજકારણના ભીષ્મ પિતામહ તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ભીષ્મ પિતામહ મહાભારતના કાળ દરમિયાન એ હસ્તી હતા, જેમની પાસે કૌરવ અને પાંડવ બંનેના લોકો પહોંચતા હતા અને તેમની તમામ તકલીફો અને પીડાઓ રજૂ કરતા હતા. આવી જ રીતે વાજપેયી પણ ભારતીય રાજકારણના ભીષ્મ પિતામહ હતા. તેમની પાસે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પહોંચતા હતા અને તેમની તમામ ફરિયાદો રજૂ કરતા હતા અને વાજપેયી ખૂબ જ કુશળતાથી સમસ્યાઓનું નિરીક્ષણ કરતા હતા. વાજપેયી દ્વારા જે સમસ્યાઓને હલ કરવામાં આવી અને જે સમસ્યાઓને ઉકેલીને સિદ્ધિઓ હાંસલ કરી તે ઇતિહાસમાં અમર છે. વાજપેયીને માત્ર હિન્દુ લોકો જ નહીં બલ્કે મુસ્લિમ લોકો પણ પોતાના તરીકે ગણતા હતા. વાજપેયીને વિરોધ પક્ષો પણ ખૂબ સન્માન સાથે જોતા હતા. સોમનાથ ચેટર્જી અને ચંદ્રશેખર જેવા તેમના હરીફ લોકો પણ હંમેશા વાજપેયીની નોંધ લેતા હતા.
 

atal bihari bajpai birthd 

વિદેશમાં હિન્દીમાં ભાષણના જનક વાજપેયી

 
યાદ રહે કે ૧૯૭૭માં સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં અપાયેલું અટલબિહારી વાજપેયી ભાષણનું તેમનાં વક્તવ્યોમાં ખૂબ જ લોકપ્રિય અને દમદાર છે. ૧૯૭૭માં અટલબિહારી વાજપેયી, પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી હતા અને બે વર્ષ સુધી મંત્રી રહ્યા હતા. એ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું, જે તેમનાં યાદગાર ભાષણોમાંનું એક છે. પહેલી વખત સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની રાષ્ટ્રીય ભાષા ગૂંજી ઊઠી હતી. કહેવાય છે કે પહેલી વખત એવું બન્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની હાક સાંભળવા મળી હતી. અટલબિહારી વાજપેયીનું એ ભાષણ યુએનમાં આવેલા તમામ પ્રતિનિધિઓને એટલું પસંદ આવ્યું હતું કે તેમણે ઊભા થઈને અટલજી માટે તાળીઓ પાડી હતી. એ દરમિયાન તેમણે વસુધૈવ કુટુમ્બકમ્નો સંદેશ આપતાં પોતાના ભાષણમાં તેમણે મૂળભૂત માનવઅધિકારોની સાથેસાથે રંગભેદ જેવા ગંભીર મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ બાદ તેમણે વિદેશી મંચો પર કેટલાંય ભાષણ આપ્યાં જે ઘણાં લોકપ્રિય થયાં હતાં.