પ્રકરણ - ૬ । અંગ્રેજોએ શિવાજીને માત કરવા સિદ્દી જૌહરને તોપો આપી

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

Baji Prabhu Deshpande_1&n
 
નેતાજી પાલકર સિદ્દી જૌહરનો ઘેરો તોડવામાં અસફળ રહ્યા હતા. શિવાજી મહારાજ માટે એક માત્ર આશાનું કિરણ પ્રગટ્યું હતું એ પણ વિલીન થઈ ગયું. આખાયે પન્હાલગઢમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હવે એક માત્ર ધરપત એ હતી કે જે રીતે સિદ્દી જૌહરનો ઘેરો તોડવો મરાઠા સૈનિકો માટે મુશ્કેલ હતો એવી જ રીતે શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવેલી મોર્ચાબંદી તોડીને પન્હાલગઢમાં ઘૂસવું એ બીજાપુરની ફોજ માટે અસંભવ હતું. સિદ્દીના સૈનિકો જરાક જ આગળ વધતા કે તરત જ માવળા વીરો ગઢ પરથી પથ્થરો ગબડાવવાના શરૂ કરી દેતા. ગડ... ગડ... ગડ... કરતા પથ્થરો સાથે સિદ્દીના સૈનિકોનો ચિત્કાર પણ સહ્યાદ્રિની પર્વતમાળામાં ગુંજી ઊઠતો. પન્હાલગઢની ટોચે તોપો પણ લગાવવામાં આવી હતી. ગઢની તળેટીમાં કોઈ દુશ્મન આગળ વધતો કે તરત જ ગોલંદાજો ગોળા દાગી દેતા. તરત જ આગના શોલા ભડકી ઊઠતા અને સિદ્દી સૈનિકોનું ભડથું બની જતું.
 
પન્હાલગઢ કિલ્લો ખરેખર ખૂબ જ દુર્ગમ હતો. કિલ્લા પર પહોંચવા માટે જેટલા પણ રસ્તા હતા ત્યાં બધે શિવાજીના માવળા સૈનિકો દિવસ-રાત પહેરો દેતા હતા. ગઢની તળેટી પર પણ શિવાજીનો જ કબજો હતો. બંને તરફથી માનો એક લક્ષ્મણરેખા ખેંચાઈ ગઈ હતી. સિદ્દી જૌહરની સંખ્યા ભલે ખૂબ જ વધારે માત્રામાં હતી પણ શિવાજી મહારાજ અને તેમના સૈનિકો પર કાબૂ કરવો એ અસંભવ હતું.
 
સિદ્દીની ફોજ શિવાજી મહારાજને પકડીને બાદશાહની વાહવાહી પ્રાપ્ત કરવા અને પછી એશોઆરામની જિંદગી પસાર કરવા માંગતી હતી. પણ સિદ્દીની ફોજ અને શિવાજી મહારાજની ફોજમાં ખૂબ મોટો ફર્ક હતો. સિદ્દીની ફૌજ પગારદાર હતી, એ પાપી પેટ માટે લડતી હતી. આરામની જિંદગી અને બાદશાહની વાહવાહી માટે કંઈ મોત વહાલું ના કરે, જ્યારે શિવાજી મહારાજની ફોજ ધર્મ સંસ્થાપના અને પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે લડી રહી હતી. એ માથે કફન બાંધીને જ નીકળ્યા હતા. એમને મોતનો કોઈ ખૌફ નહોતો. પોતાના મહારાજ માટે જાન આપવી પડે તોય હસતે મુખે આપી દે તેમ હતા. શિવાજી તેમના માટે નેતા, ભાઈ, ગુરુ, માતા બધું જ હતા. એ અભણ, ગ્રામીણ, ભલાભોળા, પહાડી માવળા સૈનિકો શિવાજીના સ્વરાજ્ય સંસ્થાપનાના કાર્ય પર ન્યોછાવર હતા. પોતાના દેશભક્ત મહારાજ શિવાજી પર સંકટ આવેલું જોઈને માવળા સૈનિકો કંઈ પણ કરવા તૈયાર થઈ ગયા હતા. સાક્ષાત્‌ યમદેવતા સાથે પણ લડી લેવાનો હુંકાર તેઓ કરતા હતા. પન્હાલગઢની હરએક ચટ્ટાન આ વાતના જ પડઘા પાડી રહી હતી કે જ્યાં સુધી એક પણ માવળા સૈનિક જીવિત છે ત્યાં સુધી શિવાજી મહારાજનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. બાજીપ્રભુ દેશપાંડે પોતાના પ્રત્યેક માવળા વીરને કહેતા હતા કે, `પન્હાલગઢ પર પરાક્રમ, બલિદાન અને સ્વદેશભક્તિનો સુવર્ણ ઇતિહાસ લખાઈ રહ્યો છે.'
 
***
 
સિદ્દી જૌહર પણ હવે કંટાળ્યો હતો. એણે જ્યારે જોયું કે તેના સૈનિકો પન્હાલગઢની તળેટી સુધી પણ નથી પહોંચી શકતા કે ન તો તેની તોપના ગોળાઓ કિલ્લાની દીવાલ સુધી પહોંચતા. ત્યારે એને એક યુક્તિ સૂજી. એને વિચાર આવ્યો કે પશ્ચિમી સમુદ્રકિનારો ખૂબ નજીકમાં જ છે. ત્યાં અંગ્રેજોની છાવણી છે, અને અંગ્રેજો પાસે દૂર સુધી ગોળા ફેંકી શકનારી મોટી મોટી તોપો છે. જો એ તોપ આપણને મળી જાય તો શિવાજીનો કિલ્લો તહસ-નહસ કરી શકાય.
 
આવું વિચારીને એણે પોતાના એક દૂતને અંગ્રેજો પાસે મોકલ્યો. એ વખતે હેનરી રોહિંગ્ટન રાજાપુરમાં અંગ્રેજોનું કામકાજ જોતો હતો. સિદ્દી જૌહરની વાત સાંભળી એ થોડો ગભરાયો. એને થયું નાહકની શા માટે શિવાજી મહારાજ સાથે દુશ્મની કરવી જોઈએ ? એ એ પણ જાણતો હતો કે શિવાજી મહારાજ સાથે દુશ્મનીનો અંજામ કેવો હોય છે. પણ હેનરીના એક સાથીએ એને કહ્યું, `સર, સિદ્દીની વાત પર થોડો ગંભીરતાથી વિચાર કરો. શિવાજી ચારે તરફથી ઘેરાઈ ચૂક્યો છે. એ બહાર નીકળી શકે તેમ જ નથી. તો પછી એની દુશ્મનીનો વિચાર ના કરવો જોઈએ. આ એક મોટી તક છે. આદિલશાહીની દોસ્તી થઈ જાય તો ભવિષ્યમાં એમનો અન્ય લાભ પણ લઈ શકાય. વિચાર ના કરો. ગભરાવ નહીં. શિવાજી હવે બચશે જ નહીં. આપણું કામ થઈ જશે.'
 
હેનરી રોહિંગ્ટનને સાથીની વાત સાચી લાગી. આથી એણે સીદ્દીને માત્ર તોપ જ નહીં પણ ગોલંદાજ પણ આપ્યા. ભારેભરખમ તોપ ભારે મુશ્કેલીથી ૧૦મી એપ્રિલ, ૧૬૬૦ના રોજ પન્હાલગઢ સુધી લાવવામાં આવી. એ જોઈને સિદ્દી ખુશ થઈ ગયો.
અંગ્રેજોએ શિવાજી મહારાજને માત કરવા સિદ્દીને તોપો આપી. યુરોપિયન તાકાત પણ હવે આ મોરચે શિવાજી મહારાજની વિરુદ્ધ આવી ગઈ હતી. તેથી શિવાજી મહારાજ પર ઘેરાયેલા સંકટની રહીસહી કસર પણ પૂરી થઈ ગઈ. બીજા જ દિવસે આ તોપનો પ્રયોગ કરવામાં આવ્યો. તોપમાંથી ભારેભરખમ ગોળાઓ પન્હાલગઢ પર ફેંકવામાં આવ્યા. ભયંકર અવાજથી આખુંયે આકાશ ગુંજી ઊઠ્યું. ચારે તરફ હાહાકાર થઈ ગયો. શિવાજી મહારાજ અને તેમના સાથીઓના કાન ખડા થઈ ગયા. પણ વાહ રે પન્હાલગઢ... તોપનો ગોળો એની દીવાલની કાંકરી ય ના ખેરવી શક્યો. એ કિલ્લો એમ ને એમ જ શત્રુની છાતી સામે ઊભો રહ્યો. પોતાના રાજા શિવાજી મહારાજની જેમ અભેદ્ય, અજેય, અપરાજિત.
 
***
 
શત્રુઓને માત કરવા માટે શિવાજી મહારાજ યોગ્ય સ્થાન, ઉચિત અવસર અને પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કરવામાં કુશળ હતા. તેમની દિશા, ષ્ટિ અને ચાલને ઓળખવી શત્રુ માટે અત્યંત મુશ્કેલ કાર્ય હતું. ચારે તરફથી ઘેરાયેલા પન્હાલગઢમાં તેમને ચાર મહિના વીતી ગયા હતા. ત્યાંથી મુક્ત થવાની નાની મોટી બધી જ સંભાવનાઓ નિષ્ફળ થઈ ચૂકી હતી. અવસરની તાકમાં બેઠેલા તેમના સાથીઓની ઉત્સુકતા હવે ચિંતામાં બદલાવાનો વખત આવી ગયો હતો. અષાઢ મહિનાનાં વાદળો ઘેરાઈ ચૂક્યાં હતાં. વીજળી કડાકા મારી રહી હતી. શિવાજી મહારાજ જાણતા હતા કે આ ઘનઘોર, ધોધમાર વરસાદમાં પણ જો કોઈ રસ્તો નહીં નીકળે તો ચોમાસા પછી તો સિદ્દી જૌહરની સેના પોતાનો ઘેરો વધારે મજબૂત કરી શકશે. એ જોઈ રહ્યા હતા કે આટલા ધોધમાર વરસાદ, વાદળોના ગડગડાટ અને ભયાનક વાતાવરણ વચ્ચે પણ સિદ્દી જૌહરની સેના કે એનું મનોબળ જરાય ડગ્યાં નહોતાં, કે ન તો બહારથી તેમને ડગાવવાનો એક પણ પ્રયોગ સફળ થયો હતો. માટે હવે તો કિલ્લાની અંદરથી જ કોઈક પ્રયત્ન કરવો પડશે.
 
આ તરફ સિદ્દી અનુમાન લગાવી રહૃાો હતો કે હવે કિલ્લાનું રાશન સમાપ્ત થઈ ગયું હશે. અંદર હાહાકાર મચી ગયો હશે. રાશન કે અન્ય કોઈ વસ્તુ લેવા બહાર નીકળવાની કોઈ શક્યતા જ નહોતી. સિદ્દીના સૈનિકો પણ હંસી મજાક કરી રહ્યા હતા. કોઈએ કહ્યું, `હવે શિવાજીની અકલ ઠેકાણે આવી ગઈ હશે. ભૂખે મરતાં પરિવારજનો, સૈનિકો અને સાથીઓ પણ હવે સાથ છોડવા ઉતાવળા થયા હશે. પહાડી ચૂહો જંગલનો રાજા બનવા નીકળ્યો હતો. પણ હવે એને ખબર પડી હશે કે લોટ અને ચોખાનો ભાવ શું છે? બિચારાને હવે ભોજન પણ નહીં નસીબ થતું હોય.'
 
બીજો બોલ્યો, `એને થોડીવાર હજુ ભૂખ્યો જ રહેવા દેવો જોઈએ, અને પછી ધરપકડ કરીને એને બાદશાહ સલામત પાસે લઈ જવો જોઈએ.'
 
ત્રીજો કહેતો, `ના, ભાઈ, એ પકડાશે નહીં, પણ અંદર ને અંદર ભૂખે તડપી તડપીને મરી જશે.'
 
ચોથો કહેતો, `હવે એ હાંફળોફાંફળો થઈને લડવા આવશે અને મોતને ભેટશે. ખેલ ખતમ.'
 
આવી તરહ તરહની વાતો થતી હતી. સિદ્દી જૌહરની ફોજ નિશ્ચિંત થઈ ગઈ હતી કે હવે શિવાજી મહારાજ સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયા હતા. આ તરફ મહારાજા છત્રપતિ શિવાજીએ શત્રુની આ મન:સ્થિતિનો લાભ લેવાનો નિશ્ચય કરી લીધો હતો. સમસ્ત સંસાર જે પરિસ્થિતિઓને શિવાજી મહારાજ માટે સૌથી વધારે ભયંકર, અપરિવર્તનીય અને અલંઘ્ય સમજતો હતો એ જ પરિસ્થિતિને શિવાજી પોતાના માટે સૌથી વધારે અનુકૂળ સમજતા હતા. આ શીખ તેમણે પોતાની માતા જીજાબાઈ પાસેથી પ્રાપ્ત કરી હતી. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને રામાયણમાં પ્રભુ શ્રીરામની ગાથાઓ તેમણે માના ખોળામાં સાંભળી હતી. મથુરાના કારાવાસમાં જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે આવી જ ભયંકર રાત હતી. આવો જ ઘેરો હતો, આવી જ રીતે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા વચ્ચે બાળ કૃષ્ણ વાસુદેવના ખભે સવાર થઈને ચૂપચાપ શત્રુને માત આપીને આખેઆખી યમુના નદી પાર કરી ગયા હતા. દુરાચારી કંસ હાથ મસળતો રહી ગયો હતો અને વાસુદેવ કૃષ્ણ વૃંદાવન પહોંચીને નંદલાલ બની બેઠા હતા.
 
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલા જીજામાતાના હાલરડામાં વીરરસના સિંચનની વાત અદભુત રીતે કાવ્યબદ્ધ થઈ છે. મેઘાણી લખે છે કે -
 
`આભમાં ઊગેલ ચાંદલો ને
જીજાબાઈને આવ્યાં બાળ રે...
જીજાબાઈને આવ્યાં બાળ ...!
બાળુડાને માત હિંચોળે,
ધણણણ ડુંગરા બોલે.
આજ માતા ચોડે ચૂમીયું રે,
બાળા ઝીલજો બેવડ ગાલ,
તે દી તારા મોઢડા માથે,
ધુંવાધાર તોપ મંડાશે...
આજ માતાજીની ગોદમાં રે,
તુને હૂંફ આવે આઠે પોર,
તે દી કાળી મેઘલી રાતે,
વાયુ ટાઢા મોતના વાશે.
બાળુડાને માત હિંચોળે,
ધણણણ ડુંગરા બોલે.....
 
ભયાનક પરિસ્થિતિમાં શિવાજી મહારાજને માતાએ કહેલી વીરતાની વાર્તાઓ યાદ આવી જતી. માતાના શબ્દો યાદ આવતાં જ શિવાજીની નસેનસમાં લોહી ઉછાળા મારવા માંડ્યું. તેમણે વિચાર્યું હિન્દવી સ્વરાજ્ય પોતાની રાહ જોઈ રહ્યું છે. હવે કોઈ ખેલ નાંખવો જ પડશે. જીજામાતા અને ધરતી માતાનું ઋણ ચૂકવવું પડશે. અને અંધારામાં વિચાર કરતાં કરતાં અચાનક શિવાજી મહારાજનાં દિમાગમાં એક ભયંકર સાહસિક યોજનાએ આકાર લીધો. આ મેઘલી રાત, ધોધમાર વરસાદ, કડકડતી વીજળી, ઊભરાઈ રહેલાં નદી-નાળાં, કીચડ, પહાડ અને આ ઘનઘોર જંગલ બધાં જ જાણે એમનાં સહાયક બની ગયાં અને એ યોજનાને સાર્થક કરવા માટે શિવાજી મહારાજના મનમાં એક અને માત્ર એક જ બહાદુર યોદ્ધાનું નામ ઝળક્યું, વીર બાજીપ્રભુ દેશપાંડે !
 
***
 
(ક્રમશ:)