પ્રકરણ - ૫ । અજબ તેરી કરની, અજબ તેરા ખેલ, મકડી કે જાલે મેં, ફંસ ગયા શેર !

    ૨૦-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

baji prabhu deshpande_1&n
 
 
અલી આદિલશાહે શિવાજી પર ચઢાઈ કરવા માટે ઔરંગજેબને ફરમાન મોકલ્યું હતું. પરંતુ રાજકીય ખટપટને કારણે ઔરંગજેબ જઈ શકે તેમ નહોતો એટલે એણે એના મામુજાન શાહિસ્તાખાનને કહેણ મોકલ્યું. શાહિસ્તાખાન એટલે તદ્દન કટ્ટર મુસ્લિમ. હિન્દુઓ પ્રત્યે એને ભારોભાર ઝેર. શિવાજી બધાને હેરાન કરી રહ્યો છે અને મુગલ સલ્તનતની આડે આવી રહ્યો છે એવી એને ખબર હતી એટલે ભાણેજની ચિઠ્ઠી મળતાં જ એણે ૨૮ મી જાન્યુઆરી, ૧૬૬૦ના રોજ ઔરંગાબાદથી પન્હાલગઢ તરફ કૂચ કરી દીધી. એટલે કે સિદ્દી જૌહર પન્હાલગઢ પહોંચ્યો એના બે મહિના પૂર્વે જ શાહિસ્તાખાન નીકળી ચૂક્યો હતો.
 
શાહિસ્તાખાનની ફૌજ બહુ મોટી હતી. શિવાજીની સેના જેમ માત્ર ડુંગળી રોટલો ખાઈને ઘોડા પર જ એકાદ કલાક સૂઈને ચલાવી લેનારી આ ફૌજ નહોતી. એનું લાવ-લશ્કર તો મોટું હતું. ઇતિહાસકારો કહે છે કે શાહિસ્તાખાન પાસે ૭૭ હજાર ઘોડેસવારો, 30 હજાર પગપાળા સૈનિકો મળીને કુલ ૧ લાખ કરતાં પણ વધારેનું લાવ-લશ્કર હતું. કજાગી, પઠાણી, ઉજબેગી, ગોંડ, બખ્સાશી, અરબી, મોગલી બધા પ્રકારના યોદ્ધાઓ એણે ભેગા કર્યા હતા. જાણે એક મોટું ફોજીનગર એની સાથે ચાલી રહ્યું હતું. આટલી મોટી ફોજ માટે ભોજન, સેવા, ચાકરી, વસ્ત્રો, લડવાનાં સાધનો, તમ્બુ - ડેરા બધું જોઈએ અને દિલ બહેલાવવા માટે ઈરાની બુલબુલો પણ જોઈએ. શાહિસ્તાખાન આ બધી જ વ્યવસ્થા કરીને નીકળ્યો હતો.
 
એક સેનાપતિએ એને કહ્યું, `હુજૂર, શિવાજી તો પહાડી ચૂહા હૈ. ઉસકો મારને કે લિયે ઇતની બડી ફોજ કી ક્યા જરૂરત હૈ ?'
શાહિસ્તાખાન હસ્યો, `મુઝે માલૂમ હૈ, શિવાજી કોઈ બડી તોપ નહીં હૈ. લેકિન યે તો ક્યા ઉસકો ભી પતા ચલે કી હમ કૌન હૈ, ઇતની બડી ફૌજ કી ખબર સુનકર હી ઉસકે છક્કે છૂટ જાયેંગે ! ઔર સૈર કી સૈર ભી હો જાય ઇસલિયે ઇતની બડી ફૌજ લેકર નીકલે હૈં.'
 
`હંઅ.... તબ તો ઠીક હૈ. અબ તો શિવા કો મારકર હી લૌટેંગે !'
 
`હાં, વો પહાડી ચૂહા હૈ તો બહુત છોટા, લેકિન કહીં મિલ નહીં રહા. આજ યહાં તો કલ કહીં દૂસરી જગહ હોતા હૈ. ઇસબાર થોડા મૌકા હાથ લગા હૈ. બૂરા ઔર પૂરા ફસ ગયા હૈ ! કહીં ભી ભાગકર નહીં જા સકતા. દબોચ લેંગે કાફિર કો !'
 
૧૪ દિવસોમાં શાહિસ્તાખાન અહમદનગર આવી ગયો અને બીજા ૧૩ દિવસ સુધી એની ફૌજે અહમદનગરમાં જ આરામ ફરમાવ્યો, દિલ બહેલાવ્યું. ૧૪મા દિવસે, ૨૫મી ફેબ્રુઆરી, ૧૬૬૦ના રોજ શાહિસ્તાખાને અહમદનગરથી આગળ કૂચ કરી. જે દિવસે સિદ્દી જૌહરે પન્હાલગઢ પર ઘેરો નાંખ્યો એની આસપાસ એટલે કે ૩જી માર્ચ, ૧૬૬૦ના દિવસે શાહિસ્તાખાને સોનવડી નામના સ્થાન પર શિવાજીના વિસ્તારમાં ઘૂસણખોરી કરી. છેક દક્ષિણમાં જઈને સિદ્દી જૌહરની સેનાને મદદ કરવાની વાતને શાહિસ્તાખાન પોતાની શાનો-શૌકતની ખિલાફ સમજતો હતો. કારણ કે ઔરંગજેબે આદિલશાહની વિનંતી પર સેના જરૂર મોકલી આપી હતી, પણ એ એને અલી આદિલશાહ જ કહેતો હતો. એ સમજતો હતો કે શાહ કે બાદશાહ કહેવાનો હક માત્ર અને માત્ર પોતાને જ, એટલે કે ઔરંગજેબને જ છે. એટલે જ એ પોતે ના આવતાં એણે મામા શાહિસ્તાખાનને શિવાજી પર નવા મોર્ચા કસવાની સલાહ આપી હતી, જેથી શિવાજીની હાર થાય તો એ વિસ્તાર આદિલશાહીમાં ના જતાં મુગલશાહીમાં સામેલ થઈ જાય. રાજનીતિ બહુ ઊંચી હતી. શિવાજીના મનમાં ભારે અજંપો હતો. સંકટ ખરેખર ખૂબ મોટું અને ગંભીર હતું. જ્યાં શિવાજીનાં માતા જીજાબાઈ રહેતાં હતાં એ રાજગઢને ઘેરવા માટે શાહિસ્તાખાન આગળ વધી રહૃાો હતો. શિવાજી ધીમે ધીમે ચારે તરફથી ઘેરાઈ રહ્યા હતા. અને આ ઘેરો જ એક દિવસ તેમના માટે મોટી આફત ઊભી કરવાનો હતો અને ત્યારે બાજીપ્રભુની વીરતાની મશાલ પ્રગટવાની હતી. અને એ દિવસો હવે બહુ દૂર પણ નહોતા.
 
***
 
શિવાજી મહારાજ પન્હાલગઢ પહોંચે એ પહેલાં જ તેમને શાહિસ્તાખાનની ફોજ અને એની દિશાની ખબર મળી ગઈ હતી. અત્યારે શાહિસ્તાખાન અહમદનગરથી પૂના તરફ કૂચ કરી રહ્યો હતો અને પેલી તરફ સિદ્દી જૌહરની સેનાએ પણ ભારે ઘેરો ઘાલ્યો હતો. બંને પ્રબળ શસ્ત્રુઓની દોઢ લાખ જેટલી ફૌજે શિવાજીને ચારે તરફથી ઘેરી લીધા હતા. એમની સેના તો એની આગળ સાવ મામૂલી હતી. વિકરાળ સમસ્યા મોં ફાડીને ખિખિયાટા કરી રહી હતી. શિવાજી અત્યારે જો એમાં કૂદી પડે તો અગાધ સમુદ્રમાં કુદકો મારીને ડૂબીને આત્મહત્યા કરવા જેવું થાય.
 
શિવાજી પાસે અત્યારે માત્ર ૧૫ હજારની ફોજ હતી અને એ પણ અલગ-અલગ કિલ્લાઓ પર વહેંચાયેલી હતી. થોડી જ ઉતાવળ કે નાનકડી ભૂલમાં આ નાનકડી શક્તિ પણ નષ્ટ થઈ શકે તેમ હતું. શિવાજીએ બહુ જ મહેનત કરીને, કષ્ટોનો સામનો કરીને આ સેના ઊભી કરી હતી, અથાક પ્રયત્નોથી સાથીઓને જોડ્યા હતા. આ સેના જ એમના હાથ-પગ હતા અને શ્વાસ પણ. આ બધા વચ્ચે શિવાજી એક આત્મા તરીકે વાસ કરતા હતા. એટલે જ શિવાજીના સાથીઓ એમના એક ઇશારા પર બધું જ ન્યોછાવર કરવા માટે તૈયાર રહેતા હતા.
 
પન્હાલગઢ કિલ્લા પર ૬ હજાર માવળા સૈનિકો શિવાજીની સાથે હતા. આ સૈનિકોમાં એમના અનુભવી યોદ્ધા વીર બાજીપ્રભુ દેશપાંડે પણ હતા. બાજીપ્રભુ જાણતા હતા કે શિવાજી મહારાજના હૃદયમાં કેવું તોફાન મચ્યું છે. બહુ જ પરિશ્રમથી ઊભા કરેલા નાનકડા સ્વરાજ્ય પર સંકટનાં વાદળો ઘેરાઈ ચૂક્યાં હતાં. અને આ સંકટ સામે લડવા માટે શિવાજી પન્હાલગઢમાંથી બહાર પણ નીકળી નહોતા શકતા કે ન તો બહાર પોતાના સૈનિકોને કોઈ સૂચના આપી શકતા હતા. સિદ્દી જૌહરનો ઘેરો મજબૂત હતો, એનો પ્રબંધ એટલો તો જોરદાર હતો કે એક કીડી પણ પન્હાલગઢમાંથી બહાર નહોતી નીકળી શકતી.
 
શિવાજી મહારાજે જ્યારે પન્હાલગઢમાં પ્રવેશ કર્યો ત્યારે જ વિચાર્યું હતું કે હવે ચોમાસું આવવાનું છે. જોરદાર વરસાદ થશે એટલે શત્રુનો ઘેરો ઢીલો પડી જશે. ચોમાસાની અષાઢી હવા સાથે સાથે આકાશમાં કાળાં કાળાં વાદળો પણ છવાઈ જશે, નદી નાળાંઓ ઊભરાઈ જશે. કિચડ અને વરસાદથી બીજાપુરી સૈનિકો હેરાન-પરેશાન થઈ જશે. વર્ષાની ઝડી વરસશે એટલે આટલી મોટી સેનાનું રહેવાનું, ખાવા-પીવા, ઊંઘવાનું બધું જ ડામાડોળ થઈ જશે. એ સમયે પોતાના વીર માવળા સૈનિકો છુપાઈને નીકળશે અને વીજળીના કડાકા સાથે તલવાર ચમકાવતા ક્યારેક આ તરફ તો ક્યારેક પેલી તરફ છાપો મારશે. આ ખેલ શિવાજીના સૈનિકોને ખૂબ જ સારી રીતે ફાવતો હતો.
 
શિવાજીને એ પણ આશા હતી કે નેતાજી પાલકર નામના પોતાના યોદ્ધા જે અત્યારે બિજાપુરની સરહદ પર ઘૂમી રહ્યા હતા એ સમાચાર સાંભળીને જરૂર આ તરફ આવશે. આવીને જેવા એ સિદ્દી જૌહરની સેનાનો કમજોર ભાગ તપાસીને પાછળથી છાપો મારશે એવા જ પન્હાલગઢના વીર મરાઠાઓ હર... હર... મહાદેવની ગર્જના કરતાં બહાર નીકળશે અને આક્રમણ કરીને ઘેરો તોડી નાંખશે. પછી ફરી એ જ છાપામાર યુદ્ધ દ્વારા શત્રુની ફોજને બે હિસ્સામાં કાપી નાંખશે અને બધાનો હિસાબ બરાબર કરી નાંખશે.
 
પરંતુ આ બધા માત્ર વિચારો હતા. શત્રુના ઘેરામાંથી બહાર નીકળવા માટેનાં સપનાં હતાં. હજુ એવું કંઈ થયું નહોતું અને થવાની શક્યતાઓ પણ નહોતી. આ વખતે આ બંનેમાંથી કોઈ વસ્તુ બની નહોતી રહી. ન તો ઘેરો ઢીલો પડતો હતો, ન તો નેતાજી પાલકરની કોઈ ગર્જના સંભળાતી હતી. સિદ્દી જૌહરે સારા સેનાપતિ જેવી સાવધાની રાખી હતી. એ પણ જાણતો હતો કે હવે વરસાદ આવવાનો છે એટલે એણે પહેલાંથી જ એના માટેની પૂર્વતૈયારીઓ સારી રીતે કરી લીધી હતી. એણે પોતાની સેનાને વરસાદથી રક્ષણ આપવા માટે ઘાસનાં અને વાંસનાં છાપરાંઓ બનાવ્યાં હતાં. ચોકીઓ પર પણ વરસાદથી બચવા માટેથી સારામાં સારી વ્યવસ્થાઓ કરી હતી. ચારે તરફથી વરસાદનું પાણી વહી જાય અને પોતાને કોઈ મુશ્કેલી ના પડે તેવી વ્યવસ્થા કરી લીધી હતી. પોતાનો ઘેરો વરસાદને કારણે જરાય ઢીલો ના પડે તેવી તમામ બાબતોનું એણે ધ્યાન રાખ્યું હતું.
 
આવી સ્થિતિમાં સારામાં સારા યોદ્ધા માનસિક રીતે ભાંગી પડે અને શરણાગતિ સ્વીકારી લે. પણ છત્રપતિ શિવાજી અને તેમના સાથીઓને હજુ પણ આશા હતી. એ આશા હતી પોતાના બાહુઓ પર, પોતાના સૈનિકો પર અને પોતાની શક્તિ પર.
પન્હાલગઢના બૂર્જ પર ઊભા રહીને તેઓ દૂર દૂર સુધી જોતા. ચારે તરફ તંબુ, ડેરા, સામિયાણા, રાવટીનાં મોટાં મોટાં નગરો ઊભાં રહેલાં દેખાતાં. સિદ્દી જૌહરના સૈનિકો પહેરો ભરી રહ્યા હતા. નજર નાંખતાં નાંખતાં શિવાજીની આંખો તંબુઓ, સામિયાણાઓની પેલે પાર ફેલાયેલા ગાઢ, ભયાનક જંગલ અને ઊંચા ઊંચા પહાડો પર સ્થિર થઈ જતી. એ વિચારતા - ઈશ્વર કરે ને ક્યાંક કોઈ હલચલ થાય, નેતાજી પાલકર ક્યાંકથી પ્રકટ થાય. પરંતુ કંઈ જ ના થયું. રાહ જોતી વેરાન આંખો પહાડોને તાકતી રહી અને બે મહિના વીતી ગયા.
 
પણ...શિવાજીને વિશ્વાસ હતો કે કંઈક તો જરૂર થશે. આખરે એ વિશ્વાસ એક દિવસે જીત્યો. એક રાત્રે હર હર મહાદેવની ગર્જના સંભળાઈ. નેતાજી પાલકર આવ્યા. બન્યું હતું એવું કે એ બિજાપુરમાં જ્યાં હતા ત્યાંથી એમણે શિવાજી મહારાજ પાસે આવવાનો પ્રયત્ન કર્યો પણ એમને રસ્તામાં જ રોકી લેવામાં આવ્યા. આથી એ પ્રતાપગઢ જીજામાતાને મળવા પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો જીજામાતા સ્વયં પન્હાલગઢ પર સેના લઈને જવા માટેની તૈયારી કરી રહ્યાં હતાં. માતાજીને એમણે ત્યાં જ રોકી લીધાં અને થોડાક સૈનિકોને લઈને પન્હાલગઢ તરફ આવ્યા. એમનો ઇરાદો હતો કે સિદ્દી જૌહરનો ઘેરો તોડીને શિવાજીને બહાર કાઢી લેવા. શિવાજી અને તેમના સાથીઓએ કિલ્લાની ટોચેથી જોયુ કે નેતાજી પાલકરે ઘેરો તોડવાનો અથાક પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા. પન્હાલગઢમાં ફરીવાર શોકનું વાતાવરણ પ્રસરી ગયું. આશાનું એક માત્ર કિરણ હતું એ પણ નિષ્ફળ ગયું હતું. શિવાજી હવે ચારેય તરફથી ઘેરાઈ ગયા હતા. ઉપરવાળાની લીલા પણ ન્યારી હતી, આપણો સિંહ કરોળિયાના જાળામાં ફસાઈ ગયો હતો અને એક કવિ ગાઈ રહ્યા હતા,
 
`અજબ તેરી કરની, અજબ તેરા ખેલ !
મકડી કે જાલે મેં ફંસ ગયા શેર !'
 
(ક્રમશઃ)