મહાશિવરાત્રીએ જાણો શિવલિંગની ઉત્પત્તિની કથા

    ૦૨-માર્ચ-૨૦૧૯   
 
 

તા. ૪-૩-૨૦૧૯ સોમવાર, મહાશિવરાત્રી નિમિત્તે કલ્યાણકારી શિવનું પ્રાગટ્ય - માહાત્મ્ય

 
હિન્દુ પંચાંગ અને વિક્રમ સંવતની કાલગણના પ્રમાણે પ્રત્યેક માસની કૃષ્ણ (વદ) તેરસની રાત્રિ શિવરાત્રી હોય છે. પણ મહા વદ તેરસની શિવરાત્રી મહાશિવરાત્રી છે. કારણ કે આ રાત્રીએ શિવપુરાણ પ્રમાણે શિવલિંગની ઉત્પત્તિની કથા છે.
એક વાર શ્રી બ્રહ્મા અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચેની શ્રેષ્ઠતા અંગે ભારે વિવાદ થયો હતો. આ યુદ્ધને અટકાવવા શિવજી (કલ્યાણકારી પરમાત્મશક્તિ) મહાઅગ્નિનો સ્તંભ - મહાશિવલિંગ તરીકે પ્રગટ થયા. તેનું મૂળ પાતાળથી પણ નીચે અને ઉપરનો છેડો સકળ બ્રહ્માંડથી ઉપર તરફ જતો હતો. આ મહા અગ્નિ સ્તંભ મહાશિવલિંગ સ્વરૂપ શિવ પરમાત્માના પ્રાગટ્યમય આરંભ અને અંતનો તાગ મેળવવો અશક્ય લાગ્યો. તેથી આ એવી અદ્ભુત શક્તિ પ્રગટ થઈ છે જેના પરિણામસ્વરૂપ તેનો સૌ પ્રથમ તાગ મેળવે તે શ્રેષ્ઠ ગણાશે તેવું નક્કી થયું. ભગવાન શ્રી વિષ્ણુએ આ શક્તિનું મૂળ શોધવા પાતાળ તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે ભગવાન શ્રી બ્રહ્માજીએ બ્રહ્માંડમાં તેનો છેડો શોધવા ઊર્ધ્વ બ્રહ્માંડમાં પ્રયાણ કર્યું. ભગવાન શ્રી વિષ્ણુને આ પરમશક્તિનું મૂળ મળ્યું નહિ તેથી તે રાત્રીએ પરત આવ્યા. પણ શ્રી બ્રહ્માજી ખોટું બોલ્યા કે તેમને આ પરમશક્તિનો છેડો બ્રહ્માંડમાં મળી ગયો છે. શ્રી બ્રહ્માજીને પાઠ ભણાવવા આ પરમશક્તિ અગ્નિ-શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈ અને શ્રી બ્રહ્માજીના પાંચ મુખ હતા તેમાંથી જે મુખે આ અસત્ય કહ્યું હતું તેને કાપી નાંખ્યું. સર્વત્ર હાહાકાર મચી ગયો. ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી બ્રહ્માજીને આ વિશ્ર્વમાં રહેલ ત્રીજી શક્તિના શિવલિંગ સ્વરૂપમાં દર્શન થયાં. ત્યારથી ત્રણે લોકમાં શિવજી - શિવલિંગ તરીકે પૂજાવા લાગ્યા. કલ્યાણકારી શિવનું પ્રાગટ્ય થયું ત્યારથી પૃથ્વીલોકમાં જે રાત્રિએ શિવ પ્રગટ થયા તે રાત્રિ મહા વદ તેરસથી મહાશિવરાત્રી તરીકે વ્રત-પર્વ અને તહેવાર સ્વરૂપે મનાવાય છે.
 
બ્રહ્માંડની ઉત્પત્તિની શક્તિ ભગવાન શ્રી બ્રહ્માજી સ્વરૂપે તથા બ્રહ્માંડના પાલન (સ્થિતિ) સ્વરૂપા શક્તિ ભગવાન શ્રી વિષ્ણુ સ્વરૂપે પૂજાય છે. પણ મહાશિવરાત્રીએ પ્રગટ થયેલ આ શક્તિ બ્રહ્માંડની ઉત્પત્તિ તથા પાલન ઉપરાંત લય સ્વરૂપે પ્રગટી છે. શિવની ઉપાસના ત્રિગુણાત્મક શક્તિ સ્વરૂપે પ્રગટી છે. અગ્નિમાં પાલન તથા સંહાર બંનેનું સામર્થ્ય છે. તેમ જ આ અગ્નિ શિવલિંગ સ્વરૂપ ભગવાન શિવ ત્રણે લોકમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવી-દેવતાઓ, ગાંધર્વો, નાગો, દાનવો, ક્ધિનરો તથા રાજામહારાજાઓમાં આરાધ્યદેવ તરીકે પૂજાવા લાગ્યા. મૃત્યુલોક - પૃથ્વીલોક - મનુષ્યલોકમાં સર્વે વર્ણો પાર્ષદોમાં મહાશિવરાત્રીના દિવસે શિવપૂજા થવા માંડી.
 
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીના ચંદ્રમૌલેશ્ર્વરના સ્વરૂપનું પ્રાગટ્ય થયું હોવાનો ઉલ્લેખ પુરાણોમાં છે. મહાશિવરાત્રીએ પ્રગટેલ ભારતનાં બાર જ્યોતિર્લિંગમાં પણ મહાપૂજા થાય છે. ભગવાન શિવનો આ પ્રાગટ્ય દિવસ નેપાળમાં પશુપતિનાથ સ્વરૂપે પૂજાય છે. વિશ્ર્વના અનેક દેશોમાં શિવમંદિરો હોવાનાં પ્રમાણ છે. મહાશિવરાત્રિએ ચાર પ્રહરની પૂજાનું મહત્ત્વ છે. બિલીપત્ર, ગંધ, પુષ્પ, આકડાનાં ફૂલો, અક્ષત, ગોળ, ઘી, ધૂપ-દીપ તથા નાના પ્રકારની પૂજાસામગ્રીથી શિવલિંગની પૂજા થાય છે. પંચદ્રવ્ય, દૂધ તથા શુદ્ધ જળથી અભિષેક થાય છે. ‘ૐ નમ: શિવાય’ના મંત્રજાપથી શિવાલયો ગુંજી ઊઠે છે.
 
ભગવાન ભોળાનાથ તેમના ભક્તોને મનવાંચ્છિત ફળ આપે છે અને તેમનાં દુ:ખોનું નિવારણ કરે છે. આ ભોળાનાથની અજાણતાં પણ પૂજા થાય તો પણ ભક્તને તેનું ફળ મળે છે અને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. ભગવાન ભોળાનાથ શિવજી માત્ર પંડિતો કે કર્મકાંડીઓને જ ફળ આપે છે તેવું નથી. તેઓ તો સામાન્ય માણસથી પણ જાણે-અજાણે પૂજા થાય તો પણ ફળ આપે છે. તેથી મહાશિવરાત્રી એક વ્રત તરીકે ઉજવાય છે. સમય જતાં આ વ્રત પર્વ તરીકે ઉજવાવા માંડ્યું. હાલ કલિયુગમાં તો વિદ્વાનો, પંડિતો, શાસ્ત્રીઓ, કર્મકાંડીઓની સાથે સામાન્યજન પણ સાથે મળીને શિવની આરાધના કરે છે, જેથી માનવ મહેરામણને કારણે શિવાલયોમાં એક તહેવાર તથા લોકમેળા તરીકે મહાશિવરાત્રીનું માહાત્મ્ય વધવા લાગ્યું છે. ગિરનાર જેવા પર્વતો પર બિરાજમાન શિવજીનાં શિવાલયોમાં પાંચ દિવસ સુધી કે તેથી વધુ દિવસો સુધી લોકમેળા સ્વરૂપે મહાશિવરાત્રીએ શિવજીની આરાધના થાય છે.


મહાશિવરાત્રીએ અજાણતાં શિવની પૂજા થવાથી ઉપાસના (અપરિગ્રહ) અને
અહિંસાના માર્ગે શિકારીના મોક્ષની વ્રતકથા

 
પૂર્વે કોઈ વનમાં ‘ગુરુદ્રહ’ નામે શિકારી રહેતો હતો. તે બળવાન તથા ક્રૂર હતો. વનમાં મૃગલાંઓનો શિકાર કરી પરિવારનું નિર્વાહ કરતો હતો. પોતાની પત્ની ગર્ભવતી હોવાથી શિકાર અવશ્ય લાવવાની જ‚રિયાતો ઊભી થઈ. ગુરૂદ્રહ થાકેલ હતો છતાં તેના બાળકો તથા પત્નીએ હઠ કરી કે તમે શિકાર લાવ્યા વિના પાછા વળતા નહિ. ન છૂટકે આ શિકારી ગાઢ જંગલમાં નદીકિનારે એક શિવાલયની આસપાસ આવેલ તળાવ તરફ શિકાર માટેનાં બાણ તથા ધનુષ્ય લઈ નીકળી પડ્યો. સાંજ પડી ગઈ. કોઈ શિકાર આવ્યો નહિ. શિકાર વિના ઘેર જવાય તેમ નહોતું. તેથી પીવાનું પાણી લઈ શિવાલય બિલીના ઝાડ પર ચઢી ગયો. ભૂખ્યો-તરસ્યો તે ઝાડ પર શિકારની રાહ જોતો બેસી રહ્યો. એવામાં રાત્રિના પહેલા પ્રહરમાં તેને એક મૃગલી જોવા મળી. આ દરમિયાન આ ગુરુદ્રહ શિકારીના પાણીના પાત્રમાંથી અજાણ્યે શિવલિંગ પર પાણીનો અભિષેક થવા માંડ્યો અને નિશાન તાકવાની સ્થિતિએ ગોઠવાતાં બીલીપત્રો શિવજી પર ચઢવા લાગ્યા. આથી મૃગલી પર અને શિકારી પર શિવજીની કૃપા-આશીર્વાદ ઊતર્યા. મૃગલીને વાચા આવી. તેણે શિકારીને કહ્યું. ‘હે શિકારી ! હું બાળકોને ઘરે મૂકીને આવી છું. તેમનાં છેલ્લાં દર્શન કરી પરત આવીશ. મારી પર કૃપા કરો અને મારો શિકાર કરશો નહિ. આ બાજુ શિવજીની કૃપાથી શિકારીનું મન પણ બદલાઈ ગયું. અજાણતાં પણ આ શિકારીથી ઉપવાસ થયો અને અપરિગ્રહની વૃત્તિ પ્રગટ થઈ હતી. તેથી તેની હિંસકવૃતિમાં પરિવર્તન આવ્યું. તેણે મૃગલી પર વિશ્ર્વાસ મૂકી તેના પરિવાર પાસે જવા મુક્ત કરી. બીજા પ્રહરે આ પ્રમાણે મૃગનર આવ્યો. તેને પણ શિકારીએ વચનબદ્ધ કરી મુક્ત કર્યો. રાત્રિના ત્રણ પ્રહર પૂરા થયા. દરમિયાન ગુરુદ્રહ દ્વારા શિવજીની આરાધના-અભિષેક અજાણતાથી થવા માંડ્યા. રાત્રિના ચોથા પ્રહરે મૃગ-મૃગલી તથા તેમના બાળકો શિકારી સમક્ષ હાજર થયાં. શિકારીનું હૃદય પરિવર્તન થયું. તુરંત આ બે પગવાળા શિકારીમાં ચાર પગવાળા પ્રાણીઓમાં પોતાના આત્માનાં દર્શન થયા તથા તેમના બાળકોમાં પણ પોતાના બાળકોનાં દર્શન થયાં. તેનામાં ભોળાનાથ શિવજીની કૃપાથી અહિંસાનો ભાવ પ્રગટ થયો. તેણે મૃગ-મૃગલી તથા તેમના પરિવારની માફી માગી - પ્રણામ કરી તેનાં બાણ તથા ધનુષ્ય હેઠાં મૂકી દીધાં. આ દૃશ્યથી શિવજી પ્રગટ થયા અને સર્વેને વિમાનમાર્ગે સ્વર્ગમાં સ્થાન આપી મોક્ષ કરાવ્યો. આજે પણ આ મોક્ષને પામેલ મૃગ પરિવાર આકાશમાં તારાઓ સ્વ‚પે, મૃગશીર્ષ નક્ષત્ર સ્વરૂપે સૌને દર્શન આપે છે.
 
આ મહાશિવરાત્રીએ શિવભક્તો ચાર પ્રહરની પૂજા અર્ચના કરી અપરિગ્રહ અને અહિંસાના માર્ગે મોક્ષગતિ માટે શિવાલયોમાં ઊમટે છે. જીવનમાં ઉપવાસ (અપરિગ્રહ)થી અન્નનો બચાવ થાય છે અને શરીરના રોગો દૂર થાય છે અને અહિંસાથી સર્વે પ્રાણીમાત્રમાં એકાત્માના તથા જીવન જીવવાના માનવાધિકાર જેવી ભાવના પ્રગટે છે. આ મહાશિવરાત્રી વ્રત કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે.

મહાશિવરાત્રીએ પુષ્પદંત નામના ગંધર્વે શિવપૂજાથી શિવમહિમ્ન સ્તોત્રની રચના કરી

 
પુષ્પદંત નામનો ગંધર્વ કવિતાઓની રચના કરતો હતો. તેનામાં અદૃશ્ય થવાની શક્તિ હતી. તે ફૂલોની ચોરી કરતો હતો. અર્થાત્ અદૃશ્ય થઈ શિવપૂજા માટે ફૂલ મેળવતો હતો. અજાણતાથી શિવનિર્માલ્ય અશ્ર્વોને શિવને ચઢાવેલ ફૂલોને તે ઓળંગી ગયો. તેથી તેની અદૃશ્ય થવાની શક્તિ નાશ પામી. તેનાથી અજાણ્યે થયેલ અપરાધનું પ્રાયશ્ર્ચિત્ત થયું. શક્તિહીન બનેલ તે ગંધર્વ પુષ્પદંતે ભગવાન શિવની સ્તુતિ-ગાન કરતા જે સ્રોત રચ્યું તે જ શિવમહિમ્ન સ્તોત્ર છે.
 
શ્રી શિવ મહિમ્ન: સ્તોત્ર
શ્રી ગણેશાય નમ:
ગજાનનં ભૂતગણાદિસેવિતમ્, કપિત્થજબ્બફલચારુભક્ષણમમ્
ઉમાસુતં શોકવિનાશકારમં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ્ ॥
શ્રીપુષ્પદન્તઉવાચ
મહિમ્ન: પારંતે પરમવિદુષો યદેસદૃશી
સ્તુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્તવયિગર:
અથાવાચ્ય: સર્વ: સ્વમતિપરિણામાવધિગૃણન
મમાપ્યેય સ્તોત્રે હા નિરપવાદ: પરિકર: ॥
 
આ પ્રમાણે આ સ્તોત્રના ૪૪ શ્ર્લોકોમાં ભગવાન ભોળાનાથ શિવની આરાધના છે. આ મહાશિવરાત્રીના પાવન દિવસે શિવભક્તો મહામૃત્યુંજયના જપ કરે છે. સંક્ષિપ્ત રૂદ્રાભિષેક કરે છે. શ્રી શિવતાંડવ સ્તોત્રનો પાઠ પણ કરે છે. સમુદ્રમંથનમાંથી નીકળેલ, આશુતોષ, ચંદ્રમૌલી વગેરે સ્વ‚પે પૂજાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગનું આરાધના સ્તોત્ર - સૌરાષ્ટ્રે સોમનાથચં શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ નો પાઠ પણ મોક્ષ પ્રદાન કરે છે. મહાશિવરાત્રીએ કસ્તૂરબા ગાંધીનો નિર્વાણ દિવસ છે તેથી આ પર્વ રાષ્ટ્રીય પર્વ તરીકે પણ ઉજવાય છે.