વિંગ કમાન્ડર અભિનંદને જણાવ્યું પાકિસ્તાની સેનાએ કંઇ કંઇ રીત ટોર્ચર કર્યુ, શું શું પૂછ્યું?

    ૦૭-માર્ચ-૨૦૧૯   

 
 
૧૪ ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો જેમાં ૪૦ જવાનો શહીદ થયા. આ હુમલાની જવાબદારી જૈસ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠને લીધી. આ હુમલા બાદ દેશ આખામાં માંગ ઊઠી કે હવે આ શહીદ જવાનોનો બદલો લેવો જ જોઇએ અને ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી અને આતંકવાદીઓના ત્રણ સેન્ટરોને તોડી પાડ્યા. જેનો પડઘો પાકિસ્તાનમાં પડ્યો અને તેણે પણ પોતાની ખોવાયેલી આબરૂ મેળવાવા ૨૭ ફેબ્રુઆરીએ ભારતના કેટલાક વિસ્તારમાં ફાઈટર પ્લેનથી હુમલો કર્યો. જેના જવાબમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરે પોતાના મિગ-૨૧ થી પાકિસ્તાનનું એફ-૧૬ ફાઈટર પ્લેન તોડી પડ્યુ. દુર્ભાગ્ય વસ તેમનું મિગ ૨૧ પણ તૂટી પડ્યું અને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની આર્મીના હાથે ઝડપાય ગયા.
 

હિન્દુસ્તાન ટાઇમ્સનો એક અહેવાલ  

 
આ પછી શું થયું તે પણ એક ઇતિહાસ છે. માત્ર બે દિવસમાં જ વિંગ કમાન્ડર અભિનંદન પાછા ભારતમાં આવી ગયા છે. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે પણ આ બે દિવસ તેઓ પાકિસ્તાનના કેદમાં રહ્યા. તેમની સાથે કેવો વર્તાવ કરવામાં આવ્યો? તેમને શું શું પૂછવામાં આવ્યું? તેની પૂછ-પરછ ભારતીય આર્મીના અધિકારીઓએ કરી છે. આજ સંદર્ભે હિન્દુસ્તાન ટાઇમ્સનો એક અહેવાલ આવ્યો છે. જેમાં તેણે એક અધિકારીના સંપર્કથી અભિનંદન સાથે શું શું થયું તેની વાત મૂકી છે. આ અહેવાલમાં અભિનંદન સાથે પાકિસ્તાનમાં શું શું થયું તેના અનેક ખુલાસા કરવામાં આવ્યા છે…
 

પાકિસ્તાનમાં સૂવા દેવામાં આવ્યા નહોતા 

 
હિન્દુસ્તાન ટાઈમ્સના આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે અભિનંદનની ભારતમાં પણ પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન તેની સાથે રહેનાર અધિકારીએ આ છાપાને જણાવ્યું કે વિંગ કમાન્ડરને પાકિસ્તાનમાં સૂવા દેવામાં આવ્યા નહોતા. તેમને એક બંધ રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે મારતીટ પણ થઈ છે. માહિતી મેળવવા માટે તેમને કલાકો સુધી ઉભા રાખવામાં આવ્યા. તેમને હેરાન કરવા માટે તેમની સામે ખૂબ મોટા અવાજમાં ગીતો વગાડવામાં આવ્યા.
 

અનેક માનસિક તકલીફ આપવામાં આવી 

 
તેમના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ અભિનંદનને પૂછ્યું કે ભારતીય વાયુ સેના સંદેશો પહોંચાડવા માટે કે વાતચીત કરવા માટે કઈ ફ્રીકવન્સીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ભારતમાં ફાઈટર પ્લેન ક્યાં મૂકવામાં આવ્યા છે એવા અનેક સવાલો કર્યા હતા. જોકે ભારતીય પાયલોટને એ શીખવવામાં આવે છે કે જો તેઓ દુશ્મનના હાથે પકડાય જાય તો ૨૪ કલાક તો આવી ફ્રીકવન્સીની માહીતી ન આપવી કે જેથી આ સમય દરમિયાન સેના આ ફ્રિકવન્સી બદલી શકે. જેથી એનો ફાયદો દુશ્મન ઉઠાવી ન શકે. આ ઉપરાંત અભિનંદનને એક જ જગ્યાએ ન્હોતા રખાયા. તેમની જગ્યા બદલાતી રહેતી. જોકે વધારે સમય તેઓ પાકિસ્તાનની આર્મીની કસ્ટડીમાં જ રહ્યા હતા. આ ઉપરાંત પણ તેમને અનેક માનસિક તકલીફ આપવામાં આવી હતી.