સ્વામી ચિદાનંદનું જીવન આપણને આપણી નિષ્ઠાને વાણી અને કૃતિમાં અભિવ્યક્ત કરવાનું શીખવે છે - ઓ.પી.કોહલી

    ૧૦-મે-૨૦૧૯   

 
 
સ્વામી અધ્યાત્માનંદજીના ૭૫મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અમૃત મહોત્સવ
 
૩ મેના રોજ અમદાવાદના સેટેલાઈટ વિસ્તાર સ્થિત સ્વામી ચિદાનંદ આશ્રમના સ્વામીશ્રી અધ્યાત્મનંદજીના ૭૫મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં શ્રી સ્વામી ચિદાનંદ મેમોરિયલ લેક્ચર અંતર્ગત મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજી દ્વારા ‘માનવતા સે’ વિષય પર પ્રભાવી પ્રવચન થયું હતું. આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી. કોહલીજી દ્વારા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સેક્રેટરી પી. કે. લહેરીજીને માનવભૂષણ અને સંસ્કૃત વિદ્વાન અને શિક્ષક ડૉ. મિહિર ઉપાધ્યાયને સંસ્કૃતભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત છે... આ અંગે વિશેષ અહેવાલ...
 
સ્વામી ચિદાનંદનું જીવન આપણને આપણી નિષ્ઠાને વાણી અને કૃતિમાં અભિવ્યક્ત કરવાનું શીખવે છે
 
આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીજીએ જણાવ્યું હતું કે, જે મહાપુરુષની સ્મૃતિમાં આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે સ્વામી ચિદાનંદજીની જીવનયાત્રા કરુણા અને માનવતા સભર રહી છે. સ્વામીજીનું જીવન આપણને માનવતા કોને કહેવાય તેનું દર્શન કરાવે છે. તેઓએ બાળપણથી જ પોતાના જીવનને સમભાવ અને માનવસેવા તરફ વાળ્યું હતું અને આગળ જતાં માનવસેવાને પોતાનું જીવનકર્મ બનાવ્યું. ગાંધી જયંતીના દિવસે તેઓ હરિજન વસ્તીમાં જતા અને જાતે જ સફાઈ કરતા. હરિજનોને પોતાના આશ્રમમાં લઈ આવી ભોજન કરતા અને તેમનું એઠું ભોજન પ્રસાદ ‚પે આરોગતા. તેઓએ આજીવન કુષ્ઠ રોગીઓની સેવા કરી અને મૂંગા-અબાલ જીવસેવાની અલખ જગાવી હતી.
 
તેઓશ્રીએ જણાવ્યું હતું કે, હું જ આ તમામ સંપત્તિના ઉપભોગનો અધિકારી છું તે વિચારથી મુક્ત થવાની જરૂર છે. કોઈની પણ લાગણી દુભાય કે ઠેસ પહોંચે એવું બોલવાથી બચો. યુવાવર્ગને પ્રોત્સાહિત કરો અને ખુદની નિષ્ઠાને વ્યક્ત કરવાથી ક્યારેય ખચકાશો નહીં. ખુદની નિષ્ઠાને વાણી સાથે કૃતિમાં પણ અભિવ્યક્ત કરો. સ્વામી ચિદાનંદનું જીવન આપણને આપણી નિષ્ઠાને વાણી સાથે કૃતિમાં પણ અભિવ્યક્ત કરો. સ્વામી ચિદાનંદનું જીવન આપણને આપણી નિષ્ઠાને વાણી અને કૃતિમા અભિવ્યક્ત કરવાનું શીખવે છે. પ્રતિજ્ઞા પાલન શીખવે છે. તુલસીદાસજીએ પ્રતિજ્ઞાને પ્રાણથી પણ ઊંચું સ્થાન આપતાં કહ્યું છે કે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાઈ. પૂ. સ્વામી ચિદાનંદજી પણ આપણને આ જ સંદેશ આપે છે. આપણે આપણી ઉપર ત્યાગીનું આવરણ બનાવી રાખ્યું છે. પરંતુ આપણી અંદર અસૂયા એટલે કે ઈર્ષ્યા હોય છે જ. આપણે એ ઈર્ષ્યા - અસૂયા ત્યાગી બનવું પડશે. સ્વામીજીનું જીવન આપમને આ જ આવરણ હટાવવાનો સંદેશ આપે છે.
 
માનવતા આપણને શીખવે છે કે શત્રુને પણ ક્ષમા આપો. આપણાથી જે અલગ છે, ભિન્ન છે. તેને પોતાના માનો. જૈન ધર્મમાં પણ ક્ષમાનો મોટો મહિમા છે. પોતાના કરતાં અન્યના માટે વિચારવું તે જ સાચી માનવતા છે. આપણે અન્ય સાથે પણ એવું જ વર્તન કરવું જેવા વર્તનની આશા આપણે તેની પાસેથી રાખીએ છીએ. અન્યના ગુણોનું મૂલ્યાંકન કરી તે ગુણો ખુદમાં પણ ધારણ કરવાની નીતિને અનુસરો.
 
તેઓએ જણાવ્યું હતું કે, સત્ય વિના તમામ વસ્તુ નકામી છે. મહાત્મા ગાંધીએ સત્યને જ ઈશ્ર્વર કહ્યું છે અને સત્યને ઈશ્ર્વર માની તેનું આચરણ કરવાનો સંદેશ આપ્યો છે. ભારત એક ધાર્મિક મૂલ્યોવાળો દેશ છે. આપણે ત્યાં ધર્મ અંગે અનેક વ્યાખ્યાઓ થઈ છે. માટે આપણે આપણું આચરણ ધર્માનુકૂળ છે તે અંગે વિચારવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૬મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દેવી અને આસુરી સંપદા અંગે ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. આપણે એ સંપદાની આપણા આચરણ સાથે સરખામણી કરી નક્કી કરવું જોઈએ કે દિવસ દરમિયાન આપણે કયા દેવી ગુણો અનુસાર વર્ત્યા અને કઈ આસુરી સંપદા અનુસાર આચરણ કર્યું. હાલ દેશભરમાં નૈતિક શિક્ષાની જ‚રિયાત અંગે ચર્ચાઓ ચાલી છે. ત્યારે આપણા શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં એ દેવી-આસુરી સંપદાના શિક્ષણનો સમાવેશ કરવો જોઈએ. ત્યારે આપણું શિક્ષણ સાચા અર્થમાં મૂલ્ય આધારિત શિક્ષણ બનશે.
 
આપણે આપણા જીવનને આનંદમય બનાવવું હશે તો અન્યના જીવનને પણ આનંદમય બનાવવું પડશે. આપણો દેશ ગૌતમ બુદ્ધ, ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીનો દેશ છે, માટે અહિંસા અપનાવો એ જ ધર્મનો શુદ્ધ ભાવાર્થ છે. આપણો દેશ સંતોનો દેશ છે અને સંતની પરિભાષા શું ? સંત ખુદના બદલે અન્ય લોકોના ભલા - હિત અંગે પહેલાં વિચારે છે. સંત એ છે કે જે પરમાર્થ કાજે પોતાનું જીવન અર્પિત કરી દે છે. સંતો પરમાર્થને માટે જ દેહ ધરતા હોય છે. ‘તરુવર, સરવર, સંતજન ચોથે બરસે મેહ, પરમાર્થ કે કારણ સંતન ધરે દેહ’. આ પરમાર્થ ભાવ જ ધર્મ છે. સાચી ઈશ્ર્વરભક્તિ છે. ધર્મ થોડો ગૂઢ શબ્દ છે. તેની પાંડિત્યપૂર્ણ વ્યાખ્યા થઈ શકે છે, પરંતુ પરમાર્થ એ ધર્મનો પર્યાયવાચી શબ્દ છે. માટે જ સંત તુલસીદાસજી કહે છે કે, પરહિત સમાન ધર્મ નહીં ઔર પરપીડા સમાન નહીં અધર્મ.
 
સ્વામી શ્રી અધ્યાત્મનંદજીને અમૃત મહોત્સવની શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સ્વામી અધ્યાત્મનંદજીનો આજે જન્મદિવસ છે. તેમનો ચહેરો અને સ્મિત હંમેશાં સૌને પ્રસન્નતા આપનારો છે. આપણે ઈશ્ર્વરને કામના કરીએ કે, તેઓ દીઘાર્યુ બને અને આધ્યાત્મિક ચેતનાની જાગૃતિના કાર્યમાં નિરંતર રત રહે.
આ પ્રસંગે માનવભૂષણ સન્માનથી સન્માનિત શ્રી પી. કે. લહેરી અંગે તેઓએ જણાવ્યું હતું કે પી. કે. લહેરીજી ઉત્તમ વિદ્વાન, કુશળ પ્રશાસક અને સેવાકાર્યમાં જેઓને આનંદ આવે તેવું વ્યક્તિત્વ છે. માનવ ભૂષણ ઉપાધિ તેઓને અલંકૃત કરે છે. તો સંસ્કૃત વિદ્વાન શ્રી ડૉ. મિહિર ઉપાધ્યાયને સંસ્કૃત ભૂષણ સન્માનનાં અભિનંદન પાઠવતાં તેઓએ જણાવ્યું હતું કે, મિહિરભાઈ રાષ્ટ્રની અભૂતપૂર્વ સેવા કરી રહ્યા છે. જો ઇઝરાયલમાં હિબ્રૂભાષા સામાન્ય વ્યવહારની ભાષા બની શકતી હોય તો પછી ભારતમાં સંસ્કૃત કેમ નહીં ? આ પ્રશ્ર્ન આપણે સૌએ ખુદને પૂછવાનો છે.

 
 
આજે માનવને સંવેદનાયુક્ત થવાની જરૂર : શ્રી પી. કે. લહેરી
 
આ પ્રસંગે માનવ ભૂષણ ઉપાધિથી સન્માનિત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી. કે. લહેરીજીએ જણાવ્યું હતું કે, ખરેખર તો મારા થકી એવું કોઈ મોટું કામ નથી થયું કે મને આટલું મોટું સન્માન મળે. આ જે સન્માન મને મળ્યું છે એ એવું છે કે, કોઈ આત્મીય વ્યક્તિ કંઈક કરે તો તેને ન તો ન જ પાડી શકાય. છતાં આ સન્માનથી મારી જવાબદારી વધી છે. આજનો સમય સ્પર્ધાનો છે. સેલ્ફીનો છે. તેવા સમયે એક માનવી બીજા માનવી માટે વિચારી અને સંવેદનાયુક્ત બને તે ખૂબ જ જ‚રી છે.
 
સંસ્કૃત ભૂષણ સન્માન મેળવનાર સંસ્કૃત વિદ્વાન અને શિક્ષક ડૉ. મિહિરભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોમાં એવી ભ્રમણા છે કે સંસ્કૃત મૃતભાષા છે, પરંતુ એવું નથી. આપણને સંસ્કૃત સમજમાં તો આવે છે, માત્ર બોલી શકતા નથી. સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં ચોક્કસ રસ છે, પરંતુ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે સમાજનું પોષણ મળતું થાય તે પણ ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે સવારે સ્વામી અધ્યાત્માનંદજીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુરુપાદુકાપૂજન, આયુષ્ય હોમ, નારાયણ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યજીવન સંઘના ટ્રસ્ટી શ્રી અરુણભાઈ ઓઝા, જાણીતા કવિ વિદ્વાન ભાગ્યેશભાઈ જ્હા, પ્રવીણભાઈ પટેલ, શ્રેયાંસ પંડ્યા સહિતના મહાનુભાવો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.