ગ્વાદર હુમલો : પાકિસ્તાનમાં ચીની લોકો પર કેમ આતંકવાદીઓ હુમલો કરી રહ્યા છે?

    ૨૧-મે-૨૦૧૯   

 
 
ગયા શનિવારે પાકિસ્તાનના ગ્વાદરમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો, ઉલ્લેખનીય વાત એ છે કે આ હુમલો અહીં રોકાયેલા ચીની લોકોને મારવા થયો હતો. છેલ્લા નવ મહિનામાં અહીં ચીની લોકો પર થયેલો આ પાંચમો હુમલો હતો. પ્રશ્ન એ થાય કે અહીં આતંકવાદીઓ ચીનાઓ પર કેમ હુમલો કરી રહ્યા છે? શું ચીન માટે આ ખતરાની ઘંટી છે? શું પાકિસ્તાન અને ચીન માટે હવે આતંકવાદ વધુ ખતરારૂપ સાબિત થઈ રહ્યો છે? દેખાય તો કંઇક આવું જ રહ્યું છે!
 
ગ્વાદરમાં ફાઈવ સ્ટાર હોટલ પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના એક સૌનિક સહિત પાંચ લોકોના મૃત્યુ થયા છે.
 
પાકિસ્તાનના બલૂચિસ્તાનની સરહદે આવેલ ગ્વાદર શહેરની એક ફાઈવ સ્ટાર હોટલ પર ગયા શનિવારે કેટલાંક આતંકવાદીઓએ હુમલો કરી દીધો. એવું કહેવાય છે કે ભારે માત્રામાં વિસ્ફોટક લઈને ત્રણ આતંકવાદીઓ આ હોટલમાં ઘુસી ગયા હતા. કલાકો સુધીની સૈન્ય કાર્યવાહી બાદ આ તમામ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. આ હુમલામાં હોટલના ચાર કર્મચારીઓ તથા પાકિસ્તાની સેનાનો એક જવાનનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે આ હુમલો અહીં હોટલમાં રોકાયેલા ચીની નાગરિકોને મારવા કરવામાં આવ્યો હતો.
 

 
 

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી જવાબદારી

 
આ હુમલાની જવાબદારી અલગાવવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)એ લીધી છે. બીએલએ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમે આવેલ બલૂચિસ્તાનમાં સક્રિય એક અલગાવવાદી સંગઠન છે. જેની માંગ બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અગલ કરવાની છે. પાકિસ્તાને પણ આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠન ચીનને પણ પોતાનું દુશ્મન માને છે કેમ કે ચીન પાકિસ્તાનને મદદ કરે છે. માટે આ સંગઠનના નિશાના પર ચીની લોકો હોય છે. આ ચીની લોકો પર આ સંગઠન દ્વારા કરાયેલો પાંચમો હુમલો હતો.
 

ચીની લોકો પણ અગાઉ પણ હુમલા થયા છે

 
ઉલ્લેખનીય છે કે ચીનની જે પરિયોજનાઓ પાકિસ્તાનમાં ચાલે છે તેને ધ્યાનમાં રાખી આ અલગાવવાદી સંગઠન તેમના પર હુમલાઓ કરે છે. ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં બીએલએ બલૂચિસ્તાનના ડેરા બુગતી જિલ્લામાં ચીની નાગરિકો અને એન્જિનિયરોને લઈ જતી એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ચીની નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાર પછી નવેમ્બર મહિનામાં પાકિસ્તાનના કરાચીમાં આવેલ વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો અને તેમાં બે પોલીસ જવાનો અને વીઝા માટે આવેલા બે પાકિસ્તાની નાગરિકોને જીવ ગુમાવવો પડ્યો હતો.
 
 

 
 

બલુચિસ્તાનની આઝાદી માટે લડનારા ત્રણ સંગઠન

 
આ વર્ષે ૧૭ ફેબ્રુઆરીના રોજ બલૂચિસ્તાનમાં ચીન-પાકિસ્તાન સીપીઈસી માર્ગ કે જ્યાંથી આ બન્ને દેશો વચ્ચે વેપાર થાય છે , ત્યાં એક આત્મઘાતી હુમલો આ સંગઠન દ્વારા થયો જેમાં નવ લોકો માર્યા ગયા હતા. આ હુમલા બલુચિસ્તાનની આઝાદી માટે લડનારા ત્રણ સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી, બલૂચિસ્તાન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડએ સંયુક્તરૂપે કર્યો હતો. આ ત્રણેય સંગઠનોએ આ હુમલાની જવાબદારી લીધી હતી. ગઈ ૩૦ માર્ચે પણ ચીની ઇન્જિનિયર્સને લઈ જતા ૨૨ ગાડીઓના કાફલા પર કરાચીમાં હુમલો કરાયો જેમાં ચીની નાગરિકો ઘાયલ થયા હતા.
 

 
 

ચીની નાગરિક પર હુમલો કેમ?

 
પાકિસ્તાનના પત્રકારોના અહેવાલ પ્રમાણે ચીને પાકિસ્તાનમાં ૬૦ અરબ ડોલરનું રોકાણ કર્યું છે. તેની અનેક પરિયોજના અહીં ચાલુ છે. હવે આ રોકાણનો મોટો ભાગ બલૂચિસ્તાનમાં ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.
 
 
ગ્વાદર બંદરમાં ચીનનું ખૂબ મોટું રોકાણ છે જે બલૂચિસ્તાનની સરહદે આવેલું છે. જે વેપાર માટેનો મુખ્ય માર્ગ પણ છે. જેના કારણે ચીને અહીં આ ઉપરાંત બીજી અનેક યોજનાઓ પર પણ કામ કરી રહ્યું છે. ચીને બલૂચિસ્તાનના પરિવહન, ઉર્જા, ગેસ જેવી મહત્વની પરિયોજનાઓમાં પણ રોકાણ કરી રહ્યું છે. ગ્વાદર પોર્ટ પર તો એક વિશાળ આર્થિક ક્ષેત્રનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં પાંચ લાખ ચીની કર્મચારીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
 
વિશેષજ્ઞોનું માનિએ તો ચીની આ પરિયોજનાઓને પાકિસ્તાનની સરકાર દેશનું ભાગ્ય બદલનારી ગણે છે. પણ બલૂચિસ્તાન આ યોજનાનો મુખ્ય હિસ્સો છે અને ત્યાંના લોકોને આ યોજનાનો કોઇ લાભ મળી રહ્યો નથી. ચીનની આ પરિયોજનાઓથી બલૂચિસ્તાનના લોકોને પણ મોટા પાયે રોજગારી વધશે તેવી આશા હતી. પણ એવું થયુ નહીં. કેમ કે ચીનની પરિયોજના માટે માલસામાનથી લઈને મશીનરી સુધી અને માનવશ્રમ સુધી બધુ જ ચીનથી આવે છે. કોન્ટ્રાક્ટ પણ ચીની કંપનીઓને જ આપવામાં આવે છે. બલૂચિસ્તાની લોકોને આ પરિયોજનાઓનો ફાયદો મળતો દેખાતો નથી.
 

 
 
આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જે બધે જ હોય છે. અને એ છે જમીન અધિગ્રહણનો પ્રશ્ન. અહીં પણ વિવાદ છે. જમીન લઈ લેવામાં આવી છે પણ જોઇએ એટલા પૈસા બલૂચિસ્તાનીઓને મળ્યા નથી. ઉપરાંત આ યોજનામાં અનેક લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો છે. અહીં પારદર્શિતાનો અભાવ બધાને લાગે છે. પાકિસ્તાનના ડોન છાપાનાં વરિષ્ઠ પત્રકાર મુહમ્મદ અકબર લખે છે કે પાકિસ્તાનની સરકાર પણ બલૂચિસ્તાનના લોકો પ્રત્યે પક્ષપાતી રહી છે. અહીની પરિયોજનાના સંદર્ભમાં જે સરકારી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે તેમાં તેવું ક્યાંય સ્પષ્ટ પણે નથી લખાયું કે આ પરિયોજનાથી બલૂચિસ્તાનના લોકોને ફાયદો થશે કે ફાયદો કરાવવામાં આવશે. રીપોર્ટ એવા પણ છે કે બલૂચિસ્તાનની સરહદે ચીનની આ યોજના શરૂ થવાથી લોકો સસ્તા ભાવે ત્યાંના અંતરિયાળ વિસ્તારમાં જમીનો ખરીદવા લાગ્યા છે. પાકિસ્તાનના પત્રકારોની વાત માનિએ તો બલૂચિસ્તાનના અલગાવવાદી સંગઠનોની જોડે ત્યાંના લોકોને પણ એવું લાગે છે કે ચીનની સીપીઈસી પરિયોજનાના કારાણે બલૂચિસ્તાનમાં જે કઈ થઈ રહ્યું છે તે બલૂચ સમૂદાય માટે ખતરારૂપ સાબિત થવાનું છે. તેમનું માનવું છે કે તેઓ પ્રાકૃતિક સંપદાની સાથે જમીન પણ આ યોજનાના કારણે ખોઈ બેસશે અને પોતાની ઓળખ પણ ખોઈ બેશસે. આ કારણે જ બલૂચના અલગાવવાદી સંગઠનો ચીન અને તેની પરિયોજનાની વિરુધ્ધ થઈ ગયા છે.
 

અમારા યોદ્ધાઓ અમારી જમીનની રક્ષા કરવા માટે સક્ષમ છે

 
થોડા દિવસ પહેલા જ ચીનીઓના કાફલા પર હુમલો કર્યા પછી બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને ચીની સરકાર માટે એક સંદેશ આપ્યો હતો કે “ અમારા યોદ્ધાઓ અમારી જમીનની રક્ષા કરવા માટે સક્ષમ છે. બીએલએની નીતિ સ્પષ્ટ છે કે તે ચીન અથવા અન્ય કોઇ બહારની શક્તિને પોતાના ક્ષેત્રની ધન-સંપદા લૂંટવા નહીં દે. પાકિસ્તાન સરકાર અને ચીન બલૂચ લોકોની ઓળખ ખતમ કરવાના પ્રયાસો કરી રહી છે….માટે આ પ્રકારના હુમલા ત્યાં સુધી થતા રહેશે જ્યાં સુધી ચીન પાકિસ્તાન સાથે સંબંધ તોડી ન નાખે…”
 
અહેવાલો કહે છે કે બલૂચને આઝાદ ઇચ્છતા અલગાવવાદી સંગઠનોની શક્તિ પહેલા કરતા વધી છે. ચિંતા જનક વાત પાકિસ્તાન અને ચીન માટે એ છે કે તેમના પર હુમલાઓ વધી રહ્યા છે. જો આમને આમ ચાલશે તો આ હુમલાનું પ્રમાણ વધી શકે છે.