યશની યુક્તિ

    ૨૨-મે-૨૦૧૯   
 
 
વીર વિઠ્ઠલ શાળામાં નટુભાઈ નામના એક શિક્ષક. તેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ રીતે ભણાવે. એક દિવસ તેમણે વર્ગમાં આવીને જણાવ્યું, ‘ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ માટે એક નાનકડા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને પ્રવાસમાં આવવાની ઇચ્છા હોય તેઓ મને રિસેસમાં નામ નોંધાવે. અને પ્રવાસ ફી પેટે રૂપિયા ૧૦૦ જમા કરાવે. બુધવારે આપણે નીકળીશું.’
 
પ્રવાસની વાત સાંભળતાં યશ ખુશ થઈ ગયો. તે આઠમા ધોરણમાં ભણે. ઘરે આવીને તેણે મમ્મી કમુબેનને પ્રવાસ અંગે જણાવ્યું. મમ્મીએ પૂછ્યું, ‘ક્યારે જવાનું છે?’ યશે જણાવ્યું, ‘બુધવારે’.
‘બેટા, નામ નોંધાવવાનું છે ? અને પ્રવાસ ફી કેટલી છે ?’ કમુબેને યશને પૂછ્યું. યશ કહેવા લાગ્યો. ‘મમ્મી, નામ તો હું આજે જ નોંધાવીશ.’
 
યશના ઘરમાં બે જણ રહે. યશ અને એનાં મમ્મી. થોડાં વર્ષો પૂર્વે, યશના પપ્પાનું માંદગીના કારણે મૃત્યુ થયું હતું. યશને કોઈ ભાઈ નહીં. તેને કોઈ બહેન પણ નહીં. એકનું એક સંતાન એટલે યશ. કમુબેનને સિલાઈકામ આવડે. તેમાંથી જે આવક મળે તેનાથી તેઓ ગુજરાન ચલાવે. જો કે કમુબેનને કરકસર કરવાની ટેવ. પૈસાની બચત કરે એટલે અણધાર્યો ખર્ચ આવે ત્યારે તેઓ પહોંચી વળતાં.
 
ખેર, કમુબેને યશને રૂપિયા ૧૦૦ આપ્યા અને પ્રવાસમાં જવાની રજા આપી. તે શાળામાં પહોંચ્યો. બાદ સાહેબને પૂછ્યું. ‘સાહેબ, પ્રવાસમાં આપણે ક્યાં જઈશું?’ નટુભાઈ સાહેબે કહ્યું : ‘કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, અમદાવાદ.’
યશને ઇતર વાંચનનો પણ શોખ. અભ્યાસનાં પુસ્તકો ઉપરાંત તે છાપાં, સામયિકો પણ વાંચતો. ઘરમાં ટી.વી. ખરું પણ જોવાનું શું તો કહે, ન્યૂઝ ચેનલ. હા, તેને અન્ય કાર્યક્રમ સાંભળવા - જોવા કરતાં સમાચાર સાંભળવા - જોવા વધુ ગમે. તે માનતો કે સમાચાર વાંચવાથી અને સાંભળવાથી સામાન્ય જ્ઞાનમાં વધારો થાય. યશે સાહેબને ૧૦૦ ‚પિયા આપી, પ્રવાસ માટે તેનું નામ નોંધાવી દીધું. નિયત તારીખે વિદ્યાર્થીઓ સમેત નટુભાઈ સાહેબ પ્રવાસ માટે નીકળ્યા. આ પ્રવાસમાં કુલ ૨૫ (પચ્ચીસ) જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. સાહેબે શાળામાં જ કડક સૂચના આપી હતી કે કોઈપણ વિદ્યાર્થીએ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીની વધારે નજીક જવું નહીં.
 
‘ચાલો, બધા લાઇનસર ઊભા રહો.’ નટુભાઈ સાહેબ સૂચના આપી રહ્યા હતા. સૌ પ્રથમ મોરનું પીંજરું જોવા મળ્યું. બધા મોરની કળા જોવામાં તલ્લીન થઈ ગયા. અહીં કેટલીક જગ્યાઓ ઉપર સૂચનાઓ દર્શાવતાં બોર્ડ મૂકવામાં આવ્યાં હતાં. એટલીવારમાં વાઘનું પીંજરું આવ્યું. બધા સ્તબ્ધ થઈ ગયા. વિદ્યાર્થિનીઓ તો નજીક જ નહોતી જતી. સૌ માટે નાસ્તાની વ્યવસ્થા કરવા માટે નટુભાઈ સાહેબે યશને વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન રાખવા જણાવ્યું અને પોતે પ્રાણી સંગ્રહાલયની કેન્ટિન તરફ જવા લાગ્યા.
 
વાઘના પીંજરામાં ત્રણ વાઘ હતા. આ પીંજરું મોટું હતું. એટલે કે જમીનના બહોળા વિસ્તારમાં ફેલાયેલું હતું અને વિદ્યાર્થીઓ જ્યાંથી જોઈ રહ્યા હતા એ જમીન સપાટીથી, નીચેની તરફ હતું. વિદ્યાર્થીઓના ગ્રુપમાંના એક વિદ્યાર્થીને વાઘને નજીકથી જોવાની ઇચ્છા થઈ. તે પીંજરાની નજીક ગયો. અને એટલામાં એનો પગ લપસતાં તે અંદરની તરફ પડ્યો. જોકે સદ્નસીબે તે ઝાડીમાં ઝીલાઈ રહ્યો. જમીનની સપાટી પર ન પડતાં ઝાડીઓ વચ્ચે ઝીલાઈ રહ્યો. આ દૃશ્ય જોઈ સૌ ગભરાઈ ગયાં. સૌને ચિંતા થવા લાગી કે હવે શું થશે ? ‘રોનીને બચાવો, રોનીને બચાવો’ની બૂમો પડવા લાગી. પીંજરાના ત્રણ વાઘમાંના એક વાઘની નજર રોની ઉપર પડી. રોનીનો શિકાર કરવા તે ગર્જના કરતો કરતો આવી પહોંચ્યો. જો કે ઝાડીમાં ઝીલાઈ રહેલા રોનીને જોઈને તે માત્ર ત્રાડ પાડતો રહ્યો. કંઈ કરી શક્યો નહીં. રોનીને કઈ રીતે બચાવવો એ અંગે સૌ મૂંઝવણમાં હતા. નટુસાહેબ તો કેન્ટિન તરફ નાસ્તો લેવા ગયા હતા. રોનીનો જીવ જોખમમાં હોવાની તો તેમને ખબર જ નહોતી. એ દરમિયાન યશને એક યુક્તિ સૂઝી. તે જલદી જલદી પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબની ઓફિસે પહોંચ્યો ને એક લાંબુ દોરડું લઈ આવ્યો. બાદ રોની તરફ ફેંકીને કહેવા લાગ્યો. ‘રોની, ગભરાઈશ નહીં. આ દોરડાનો છેડો પકડ.’ અન્ય વિદ્યાર્થીઓ રોનીને બચાવવા માટે યશને મદદ કરવા લાગ્યા. આમ રોનીનો આબાદ બચાવ થયો. થોડીવાર બાદ નટુસાહેબ નાસ્તો લઈને આવ્યા. તેમણે સઘળી હકીકત જાણી અને બધાને નાસ્તો આપતાં જણાવ્યું કે ક્યારેય હિંસક પ્રાણીનો વિશ્ર્વાસ કરવો નહીં. તેમણે યશની હિંમત અને યુક્તિને બિરદાવી. સૌ સાંજે ઘરે પરત ફર્યા. યશ તેના મમ્મીને પોતે કરેલા સાહસની વાત કરી. આ વાત જાણી તેનાં મમ્મીએ પણ તેને શાબાશી આપી.