નિર્જળા એકાદશી-ભીમ અગિયારશ | એકાદશી અને નિર્જળા એકાદશીનું માહાત્મ્ય

    ૧૩-જૂન-૨૦૧૯   

 
 
જેઠ સુદ-૧૧ નિર્જળા એકાદશી નિમિત્તે તા. ૧૩-૦૬-૨૦૧૯
પુણ્યનો ઉદય કરનાર, ભગવાન વિષ્ણુની આરાધનાનું વ્રત

એકાદશી અને નિર્જળા એકાસશીનું માહાત્મ્ય

 
મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો પુરુષ અને પ્રકૃતિને જોડનાર સેતુબંધ છે. પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ચૈત્રી પંચાંગ-કાલગણના પ્રમાણે વર્ષની ચોવીસ અગિયારસ-તિથિઓને વિષ્ણુની આરાધનાના દિવસો ગણાવ્યા છે. મનુષ્ય જિતેન્દ્રિય થઈ આ અગિયારશનું વ્રત લઈ ભગવાન વિષ્ણુ પદ્મનાભની પૂજા-અર્ચના કરે તો તેના પુણ્યનો ઉદય થાય છે તથા સંચિત પાપકર્મો નષ્ટ પામે છે તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પદ્મપુરાણ, નારદ મહાપુરાણ, ભવિષ્ય સ્કંધ વગેરે શાસ્ત્રોમાં અગિયારશ તથા તે દિવસના વ્રતનું માહાત્મ્ય સમજાવ્યું છે. ચૈત્ર માસથી ફાગણ માસ સુધીના ચૈત્રીવર્ષમાં જે ચોવીસ અગિયારસનો ઉલ્લેખ છે તેમાં વ્રતની વિધિ તથા ઋતુ પ્રમાણે ઉપાસના દર્શાવ્યાં છે. ચૈત્ર માસથી ફાગણ માસ સુધીના વર્ષની શુક્લ-સુદ પક્ષની અગિયારશો અનુક્રમે કામદા, મોહિની, નિર્જલા, શયની, પુત્રદા, પદ્મા, પાપાંકુશા, પ્રબોધિની, મોક્ષા, પુત્રદા, જયા, આમલકી છે. જ્યોર કૃષ્ણપક્ષ-વદની એકાદશીઓ અનુક્રમે પાપમોચની, વરૂથિની, અપરા, યોગિની, કામિકા, અજા, ઇન્દિરા, રમા, ઉત્પન્ના, સફલા, ષટ્તિલા, વિજયા છે.
 
પ્રકૃતિ અર્થાત્ ભગવાન વિષ્ણુના ધામને સહજભાવથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા એકાદશીથી ચઢિયાતું કોઈ વ્રત નથી, જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી. ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરતાં કોઈ મોટું તપ નથી. ક્ષમા સમાન કોઈ માતા નથી, કીર્તિ જેવું કોઈ ધન નથી. જ્ઞાન જેવો કોઈ લાભ નથી, ધર્મ સમાન પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી ચઢિયાતું કોઈ વ્રત નથી.
 
નારદ મહાપુરાણમાં એકાદશી વ્રતોનો ઉલ્લેખ છે, જેમાં આ વ્રતની વિધિ તથા માહાત્મ્ય વર્ણવેલ છે.
 

સનાતન ઉવાચ :

 
એકાદશ્યાં તુ દલયોર્નિરાહાર: સમાહિન
નાના પુર્ષૈમુને કૃત્વા વિચિત્ર મંડપ શુભમ્ ॥
 
સનાતન બોલ્યા : બંને પક્ષોની એકાદશીએ માણસે નિરાહાર રહેવું અને એકાગ્ર ચિત્ત થઈને નાના પ્રકારનાં પુષ્પોથી શુભ તેમજ અદ્ભુત મંડપ બનાવવો.
 
એકાદશીના વ્રતમાં એકાદશ ઇન્દ્રિયો પર મનનો કાબૂ અર્થાત્ સંયમ કેળવવા ઉપવાસનું માહાત્મ્ય છે. એકાદશીનો ઉપવાસ શારીરિક સ્વાસ્થ્ય તથા નિત્ય કર્મ-ફરજમાં બળ પૂરું પાડે છે. સાથે સાથે સાથે અજ્ઞાન અવસ્થામાં કરેલ પાપ જેને ‘શુષ્ક’ કહ્યું છે અને સમજપૂર્વક કરેલા પાપને ‘આર્ય’ કહ્યું છે તે સર્વેનો આ ઉપવાસ વ્રત કરવાથી નાશ થાય છે. આ એકાદશીનું વ્રત સ્વર્ગ, મોક્ષ તથા પુત્ર-સંતાનપ્રાપ્તિ માટે ઉત્તમ ગણાય છે. વર્ષની ઋતુ પ્રમાણે શાસ્ત્રોમાં આ એકાદશી વ્રતની વિધિ તથા ઉપવાસની પદ્ધતિ વર્ણવાઈ છે.
 
એકાદશીનાં વ્રતોમાં જેઠ સુદ-૧૧ના વ્રતને શ્રેષ્ઠ ગણાવ્યું છે. જેઠ માસમાં ભગવાન સૂર્યનારાયણનું રૂદ્ર સ્વરૂપ હોય છે. તેથી પૃથ્વી પરના જળસ્રોતો સુકાઈ જાય છે. પીવાનું પાણી પણ દુષ્કર બને છે. આ દિવસો દરમિયાન જળ એ જ જીવનનો અહેસાસ અનુભવ થાય છે. તેથી ગંગાસ્નાન માટે ગંગાદશહરાનો મહિમા પણ આ માસમાં હોય છે. તેથી આ માસની અગિયારશે પણ જળનો બચાવ કરવાનું તપ વર્ણવાયું છે, જેથી આ નિર્જલા એકાદશી છે. બાકીની અગિયારશમાં ફલાહાર તથા પાણીનું સેવન કરી શકાય છે પણ આ દિવસે પાણી પણ પીવાનું નથી. આ નિર્જલા એકાદશી જળ-બચાવ અભિયાન છે. વિષ્ણુ ભક્તો તથા જીવદયાપ્રેમીઓ આ વ્રત દરમિયાન જળનો ત્યાગ કરી જિતેન્દ્રિય બનવાનું તપ કરે છે. આ વ્રતનું માહાત્મ્ય સમગ્ર મનુષ્ય સમજે તથા તપ કરે તો પુરુષ અને પ્રકૃતિનું સંતુલન જળવાય અને પશુ-પક્ષી અને વૃક્ષોની સેવા થાય. જો વર્ષની બધી એકાદશી વ્રત ન થાય તો પણ આ નિર્જળા એકાદશી કરવાથી બધી જ એકાદશીઓનું ફળ મળે છે. આમ એકાદશીના પીપળાની પૂજાનું નિર્જળા એકાદશીનું વ્રત મહત્ત્વનું છે. આ નિર્જળા એકાદશીએ પીપળાની પૂજાનું મહત્ત્વ છે. તેમ કરવાથી કર્જ (દેવું)માંથી મુક્તિ મળે છે. તુલસીમાં ઘીનો દીવો કરવો. માટીના ઘડામાં પાણી ભરી ઉપર સફેદ વસ્ત્ર, કેરી, પંખો વગેરેનું દાન પણ કરે છે, જેથી જરૂરિયાતમંદનું તડકાથી રક્ષણ થાય. પક્ષીઓ માટે પાણીના કુંજ તથા ચણ પણ મૂકાય છે. આમ આ નિર્જળા એકાદશીનું વ્રત મનુષ્યના જીવનમાં તપ, ત્યાગ અને સેવાના ગુણોને સિંચન કરે છે. નિર્જળા એકાદશીના વ્રતીએ વિષ્ણુ સહસ્ર, ગજેન્દ્ર મોક્ષના પાઠ કરવા તથા બ્રાહ્મણ પાસે રૂદ્રી પણ કરાવવી અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી. આ વ્રતમાં ૐ નમો ભગવતે વાસુદેવાય તથા ‘શ્રીકૃષ્ણ શરણ મમ’ના મંત્રજાપ જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ લાવે છે. સનાતન ધર્મના બધા હિન્દુ સંપ્રદાયોમાં નિર્જળા એકદાશીનું વિશિષ્ટ મહત્ત્વ છે. ખાસ વિષ્ણુમંદિરો તથા વિષ્ણુસંપ્રદાયમાં આ એકાદશીનું વ્રત વિશેષ હોય છે.
 

નિર્જળા એકાદશી - ભીમ એકાદશી શાથી ?

 
મહાભારતમાં નિર્જળા એકાદશીના વ્રતની સાથે મહાબલી ભીમનું નામ જોડાયું છે. તેની રસપ્રદ ધર્મવાર્તા છે.
ભગવાન શ્રીકૃષ્ણે માતા કુંતા તથા દ્રૌપદીને વનવાસ દરમિયાન, મહાભારતના યુદ્ધમાં વિજય માટે તથા હસ્તિનાપુરમાં પ્રજા અને પાંડવો અને સમસ્ત પાંડુ અને ધૃતરાષ્ટ્ર પરિવારની સુખાકારી માટે એકાદશીનું વ્રત કરવા સૂચવ્યું હતું. તેથી દરેક એકાદશીએ પાંડવોને ઉપવાસ કરવાનું થતું. આ ઉપવાસ ભીમ માટે અસહ્ય હતા. ભીમમાં સો હાથીનું બળ હતું. મહાત્મા ભીમ જ્યારે બાલ્ય અવસ્થામાં હતા, ત્યારે માતાના ખોળામાંથી શિલા પર પછડાયા હતા ત્યારે શિલાના ભુક્કા બોલી ગયા હતા. ત્યારથી ભીમના બળનો પરચો પાંડુપત્રોમાં હતો.
 
પાંડવોના રસોડામાં એક બાજુ પરિવારના બધાનું ભોજન તથા તેટલું જ ભોજન એકમાત્ર ભીમ માટે રહેતું હતું. ભીમનું શરીર બળવાન હતું તેથી તેમનો જઠરાગ્નિ તેજ હતો. ભીમ વૃકોદર પણ કહેવાયા છે. મહાબલી ભીમસેનને બધી જ અગિયારશ ન કરવી પડે અને એકમાત્ર એવું વ્રત કરવું જેથી બધી અગિયારશનું ફળ મળે તેવા ઉપાય માટે તે પિતામહ વ્યાસજી પાસે ગયા. ભીમસેન બોલ્યા : ‘હે પિતામહ ! હું દિવસમાં એક સમયે પણ ભોજન વગર રહી શકતો નથી. એકાદશીના દિવસે માતા કુંતા અને દ્રૌપદી પરિવારના અન્યની જેમ મને પણ ઉપવાસ કરાવે છે. મારાથી આ સહન થતું નથી. હું પ્રયત્ન કરું તો એક વ્રત કરી શકું છું.’ શ્રી વ્યાસજી બોલ્યા, ‘હે વાયુપુત્ર ! કૃષ્ણ અને મિથુન સક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તેમાં નિર્જળા વ્રત છે. જો આ એકાદશીએ જળનો પણ ત્યાગ કરવામાં આવે તો વ્રતીને બધી જ એકાદશી કર્યાનું પુણ્યફળ મળે છે. તેથી આ એક જ વ્રત તમારી સમસ્યાનું સમાધાન છે. આ એકાદશીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે વ્યક્તિ જળપાન પણ ન કરે તો તેને બધી જ એકાદશીનું ફળ મળે છે.’ મહાબલી ભીમસેને વ્યાસજીના વચન પ્રમાણે આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યુ. ત્યારથી આ નિર્જળા એકાદશી ભીમ એકાદશીથી પણ ઓળખાય છે. ઘણાં તેને પાંડવ એકાદશી પણ કહે છે.
 

મહાબલી ભીમસેનને શિવ-પાર્વતીના આશીર્વાદ

 
નિર્જળા એકાદશીના દિવસે ભોજન તથા પાણી મળવાનાં નથી તેથી એમ કહેવાય છે કે ભીમસેન આ અગિયારશના દિવસે નદીમાં નિરાંતે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સ્નાન કરવા ગયા હતા. પાર્વતીજીને થયું કે આજે ભીમસેને નિર્જળા એકાદશી કરી છે તેથી તેનામાં બળ નહીં હોય. તે જરૂર નિર્બળ હશે. પાર્વતીજીએ મહાદેવજીને આ વાત કહી. શિવજી માન્યા નહીં. તેમણે કહ્યું, ‘ભીમ મારો પરમભક્ત છે. તે વાયુપુત્ર છે. પાંડુરાજાએ કુંતી પાસે એવા બળવાન પુત્રની ઇચ્છા વ્યક્ત કરી હતી જે હસ્તિનાપુર રાજ્ય તથા પાંડવોનું રક્ષણ કરે. તેનામાં સો હાથી જેટલું બળ હોય. તેથી કુંતીએ વાયુદેવનું આહ્વાન કર્યુ અને મંત્રશક્તિથી મહાબલી ભીમને જન્મ આપ્યો છે. તેથી હે દેવી ! ભીમના બળ માટે શંકા કરવી યોગ્ય નથી.’ છતાં પાર્વતીજી માન્યાં નહીં. તેમની હઠને વશ થઈ શિવજીએ યોજના બનાવી. પાર્વતીજીને ગાયનું રૂપ લેવા કહ્યું, પોતે સિંહ બન્યા. હવે, ભીમ જે નદીમાં સ્નાન કરતા હતા ત્યાં આ ગાય (પાર્વતીજી) પાછળ તેનો શિકાર કરવા સિંહ (મહાદેવજી) પાછળ પડ્યો. ભીમ આ દૃશ્ય નિહાળે છે. તુરત જ તે ગાયને બચાવવા સિંહ સામે યુદ્ધ કરે છે. સિંહનો પરાજય થાય છે. ગાય બચી જાય છે. અહીં પાર્વતીજીને ભીમના બળનો પરચો મળી ગયો. તુરત જ ગાય અને સિંહ પાર્વતી તથા મહાદેવજીના મૂળ રૂપે પ્રગટ થાય છે. ભીમસેન ઉમા પાર્વતીજી અને શિવનાં દર્શન કરી ધન્ય થાય છે. સિંહે (શિવજી) ભીમને ઘાયલ કર્યા હતા. લોહીલુહાણ થયા હતા. પાર્વતીજી ભીમના શરીર પર હાથ ફેરવે છે અને આશીર્વાદ આપે છે કે, ‘હે વાયુપુત્ર, બાહુબલી ભીમસેન ! આજથી તમારું શરીર વ્રજનું બનશે. તમને યુદ્ધમાં કોઈ હરાવી શકશે નહીં. તમે અજેય બનો !’ બાહુબલી ભીમસેને શારીરિક બળથી જે પરાક્રમો કર્યાં હતાં તેનું વર્ણન મહાભારતમાં ભગવાન વેદવ્યાસે વર્ણવ્યું છે. નિર્જળા એકાદશી કરવાથી વ્રતીમાં નબળાઈ આવતી નથી, પણ તપ અને ઉપવાસથી ઊલટાની નવી ઊર્જાનો સંચાર થાય છે.
 
જય એકાદશી માતા,
અહર્નિશ શક્તિ-મુક્તિદાતા
એકાદશ વ્રતી સુખ સમૃદ્ધિ પાતા,
વિષ્ણુપ્રિયા, તુજ શરણે સાધના.