કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા આ ૮ વસ્તુઓનું સેવન કરતા રહો

    ૨૨-જૂન-૨૦૧૯   

 
હાર્ટ એટેક આવવા માટે સૌથી વધુ જવાબદાર જો કોઈ ચીજ હોય તો તે કોલેસ્ટ્રોલનું વધતું જતું પ્રમાણ છે. આજકાલ વૃદ્ધો તો ઠીક યુવાનોમાં પણ કોલેસ્ટ્રોલની સમસ્યા વધતી જાય છે. આ માટે તમારે કેટલીક ચીજવસ્તુઓનું નિયમિત સેવન કરવાની આદત પાડવી પડશે. રોજિંદા ખોરાકમાં રાખવામાં આવતી આ સામાન્ય સાવધાની તમને કોલેસ્ટ્રોલ વધવા જેવી જીવલેણ સમસ્યાઓમાંથી મુક્ત રાખી શકે છે. તો આવો, જોઈએ કઈ ચીજો ખાવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે...
 

 
 
૧. આમળાં : - આમળાં શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઉપયોગી ખોરાક છે. આમળામાં ફાઈબર, પ્રોટીન અને શુગર મળી આવે છે, જેમાં વધારે માત્રામાં ફાઈબર મળી આવે છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રિત કરે છે.
 
૨. રાજમા :- રાજમા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તેમાંથી વિપુલ માત્રામાં ફાઈબર મળી આવે છે, જે કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રિત કરે છે, જેથી ભોજનમાં રાજમાને સામેલ કરશો તો ચોક્કસ લાભ થશે.
 

 
 
૩. અડદની દાળ :- અડદની દાળનું સેવન કરવાથી શરીરને ચોક્કસ લાભ થાય છે. અડદની દાળમાંથી મળી આવતું ફાઇબર કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખી તમને હાર્ટએટેકથી બચાવે છે.
 
૪. માછલી :- માછલીમાંથી ફેટી એસિડ મળી આવે છે. આ ફેટી એસિડ એક ઉત્તમ રોગપ્રતિકારક તત્ત્વ હોવા ઉપરાંત લોહીમાં બીટા-એમિલોઈડ પ્રોટીનનું સ્તર પણ વધારે છે, જે તમને કોલેસ્ટ્રોલથી બચાવે છે.
 

 
 
૫. અખરોટ :- એક મુઠ્ઠી અખરોટ ખાવાથી માત્ર ચાર-પાંચ કલાકમાં જ તેના ફાયદા દેખાવા લાગે છે. અખરોટથી માત્ર કોલેસ્ટ્રોલ જ કંટ્રોલ નથી થતો, તે શરીરની નસોને પણ વધારે મુલાયમ બનાવે છે, જેથી લોહીનું પરિભ્રમણ સરળ બનાવી હાર્ટએટેકને અટકાવે છે.
 
૬. બદામ :- બદામનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બદામના સેવનથી લોહીનું પરિભ્રમણ સરળ બને છે, જેથી હૃદય પર વધારે બોજ પડતો નથી.
 

 
 
૭. બીટ :- કોલેસ્ટ્રોલથી લડવામાં સૌથી વધારે ઉપયોગી કોઈ ચીજ હોય તો તે બીટ છે. બીટ માત્ર કોલેસ્ટ્રોલને જ કાબૂમાં નથી રાખતું, તેનાથી શરીરને એક નવી ઊર્જા પણ મળે છે.
 
૮. લીલાં શાકભાજી :- ખોરાકમાં લીલાં શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા તમારાથી કાયમ માટે દૂર રહે છે. લીલાં શાકભાજીમાંથી વિટામિન અને ફાઈબર મળી આવે છે, જે શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળ બનાવે છે.