ઇલેક્ટ્રોનિક કચરો દુનિયા સામે એક નવો પડકાર ફેંકી રહ્યો છે

    ૧૩-જુલાઇ-૨૦૧૯   

 
 

ઈ-વેસ્ટ નિકાલ ભારત માટે માથાનો દુખાવો

ઘરમાંથી રોજ ઘણો કચરો નીકળે. દરવાજા બહાર કે ઘરને ખૂણે રાખેલી કચરાપેટીમાં એ ભેગો થાય અને પછી મ્યુનિસિપાલિટીના વાહનમાં થઈને શહેર બહાર પહોંચે. કચરાના રોજિંદા નિકાલની આ રીત આખી દુનિયામાં પ્રચલિત છે. પરંતુ એક કચરો એવો છે, જે આપણને કચરા તરીકે દેખાતો નથી. ઈ-વેસ્ટ નામનો એ કચરો આપણા ખિસ્સામાં છે. જેમ જેમ ઇલેક્સ્ટ્રોનિક્સ ગેજેટ્સ વધતા જાય છે તેમ તેમ તેનો ભંગાર પણ વધતો જાય.
 

 

દુનિયામાં વર્ષે ૫ કરોડ ટન જેટલો ઈ-વેસ્ટ પેદા થાય છે

સંયુક્ત રાષ્ટ્રસંઘે ઇલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) તરીકે ઓળખાતા આ ભંગાર માટે રિપોર્ટ રજૂ કર્યો હતો. ‘ટાઈમ ટુ રોબોટ-થ્રી’ નામના આ રિપોર્ટમાં આખા જગતને ઈ-વેસ્ટ સામે યુદ્ધના ધોરણે કામ કરવા ચેતવણી અપાઈ છે. ઈ-વેસ્ટથી થતી આડઅસરો અંગે સામાન્ય લોકો વાકેફ હોતા નથી. માટે વિવિધ દેશોની સરકારે આ મુદ્દે તત્કાળ કામગીરી કરવી જોઈએ એવી ચેતવણી રિપોર્ટમાં અપાઈ છે. આખી દુનિયામાં વર્ષે ૫ કરોડ ટન જેટલો ઈ-વેસ્ટ પેદા થાય છે અને તેમાં ભારતનો ફાળો ૨૦ લાખ ટન જેટલો છે. લોકો મોબાઈલ, કમ્પ્યુટર, કી બોર્ડ, માઉસ, હાર્ડ ડિક્સ, ટેબલેટ, લેપટોપ અને અન્ય ચીપ ધરાવતાં ઉપકરણો બગડે ત્યારે ફેંકી દેતા હોય છે. આ બધાં સાધનોનો ભંગાર ઈ-વેસ્ટ કહેવાય છે.
 

 

ભારતમાં લગભગ ૧૦ લાખ લોકો ઈ-વેસ્ટ રિસાઈક્લિગંનું કામ કરે છે 

ઇલેક્ટ્રોનિક્સ ચીપમાં સોનુ, ચાંદી, કોબાલ્ટ, પ્લેટિનમ સહિતની ધાતુઓનો વપરાશ થયો હોય છે. એટલે કે દરેકનો ખિસ્સામાં રહેલા મોબાઈલમાં આ બધી ધાતુ હોય જ છે. પરંતુ તેનું પ્રમાણ બહુ નજીવું હોય છે. આ સાધનો ભંગારમાં ફેંકાયા પછી તેમાંથી બીજું કશું ઉપયોગમાં આવે ન આવે આ કિંમતી ધાતુ તો અચૂક ઉપયોગી સાબિત થાય છે. માટે ભારત સહિત આખા જગતમાં કરોડો કામદારો ઈ-વેસ્ટમાંથી ધાતુવાળો ભાગ અલગ કરવાનું કામ કરે છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ ૧૦ લાખ લોકો ઈ-વેસ્ટ રિસાઈક્લિગંનું કામ કરે છે. તેમના માટે કોઈ જ સાવધાનીની વ્યવસ્થા રાખવામાં આવતી નથી એટલે ઈ-વેસ્ટનું કામ કરતા લોકો ગંભીર બીમારીઓમાં સપડાઈ જાય છે. સાધારણ કચરો ઉપાડતા સફાઈ કાર્યકરોની તુલનાએ ઈ-વેસ્ટ રિસાઈકલ કરતા કામદારોના સ્વાસ્થ્ય ઉપર બે-ત્રણગણું વધુ જોખમ છે.
 

 

જાહેર સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ  

ઈ-વેસ્ટ રિસાઈકલનું કામ કરતા કામદારો ફેફસાંની, શ્ર્વસનળીની, જઠરની અને ચામડીના રોગોની સમસ્યામાં જકડાઈ જાય છે. ઈ-વેસ્ટ સાથે સંકળાયેલા લોકોને ખબર હોતી નથી કે તેમને આ કામની ભારે આડઅસર થશે. ઘણી વખત ખબર હોય તો પણ પૈસાની લાલચે લોકો કામ કરતાં અટકતા નથી. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ કચરાને રિસાઈકલ કરવાને બદલે ગરીબ મજૂરો પાસે ઈ-વેસ્ટ બાળી નાખવાનું કામ કરાવાય છે અથવા તો ડમ્પિંગ સાઈટ્સ ઉપર રઝળતા મૂકી દેવામાં આવે છે. એ કારણે બિચારા મજૂરોના સ્વાસ્થ્ય ઉપર તો ખતરો છે જ છે, પણ જાહેર સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ લટકી જ રહ્યું છે. વિકસિત દેશો ઈ-વેસ્ટથી દૂર રહે છે. જરા જેટલું સોનું મેળવવા તેઓ આ ભંગારને સાચવતા નથી. કેમ કે ઈ-વેસ્ટથી પર્યાવરણ પ્રદૂષણ ફેલાવા ઉપરાંત આરોગ્યની મોટી સમસ્યાઓ સર્જાય છે. જેમ કે ઈ-વેસ્ટમાં સીસું હોય છે. આ ઈ-વેસ્ટ જમીન પર ઢગલા સ્વ‚પે ખડકી દેવામાં આવે છે. તેના પર વરસાદ પડે ત્યારે સીસારહિત પાણી જમીનમાં ઊતરે છે. એ પાણી જમીનને પણ બગાડે છે. ઘરમાં ઘણા બાળકો જૂના સાધનોથી રમતાં હોય છે અને એ ગેજેટ્સ મોઢામાં નાખતા હોય છે. એમ કરીને આડકતરી રીતે અનેક રોગોને આમંત્રણ આપે છે. વળી આ કોઈ રોગ તુરંત આવતા નથી પરંતુ લાંબા ગાળે જ્ઞાનતંતુ નબળા પડવા સહિતની અનેક ગંભીર સમસ્યા થઈ શકે છે.

કુલ ઈ-વેસ્ટ પૈકી ૨૦ ટકાનું જ રિ-સાઈક્લિગં થાય છે

ઈ-વેસ્ટનું રિ-સાઈક્લિગં તેની ઉત્પાદક કંપની જ કરે એવા નિયમો ઘણા દેશોએ ઘડ્યા છે, પરંતુ તેનું વ્યાપકપણે પાલન નથી થતું. માટે આજે કુલ ઈ-વેસ્ટ પૈકી ૨૦ ટકાનું જ રિ-સાઈક્લિગં થાય છે. જો આ રીતે જ ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઉત્પાદન ચાલુ રહેશે. ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ઈ-વેસ્ટ રિસાઇક્લિગંની પ્રક્રિયા કરતા માત્ર ૪૦ નાનાં-મોટાં કારખાનાં નોંધાયાં હતાં. ભારતમાં છેલ્લાં બે વર્ષમાં ઈ-વેસ્ટ રિસાઇક્લિગંની ક્ષમતામાં માત્ર ૮૮ હજાર મેટ્રિક ટનનો વધારો થયો હતો. કંપનીઓ જ સર્જે એવું નથી. લોકો દ્વારા સર્જાતો ઈ-વેસ્ટ મોટી સમસ્યા છે. ભારતમાં જે કુલ ઈ-વેસ્ટ પેદા થાય છે, તેમાંથી ૧૫ ટકા હિસ્સો રહેઠાણ વિસ્તારોનો છે. એટલે કે દેશવાસીઓ કુલ ઈ-વેસ્ટનાં ૧૫ ટકા હિસ્સો આપે છે. સામે ૭૦ ટકા હિસ્સો કારખાનાંઓમાંથી આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની નોંધ પ્રમાણે સૌથી વધુ ઈ-વેસ્ટ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ પેદા કરે છે.
 
ઈ-વેસ્ટ દૂર કરવામાં અને તેનાથી ઊભી થતી આડ અસરોથી બચવા સરકાર સાથે સાથે નાગરિકો પણ સજાગ બની પ્રયત્ન કરે તે સમયની માંગ છે.