આજની ટૂંકી વાર્તા । ધૂળનાં પોટલાં | એક સરસ બોધપ્રદ ટૂંકી વાર્તા

    ૨૪-જુલાઇ-૨૦૧૯   

 
 
એક પરિવાર હતો. એક શેઠને બે દીકરાઓ હતા. બેમાંથી મોટી પુત્રવધૂ સ્વછંદી અને ઉડાઉ હતી. તેથી થોડા જ સમયમાં તેમનો પરિવાર રોડ પર આવી ગયો. ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. પરંતુ સૌથી નાની પુત્રવધૂ ખૂબ જ હોંશિયાર. એક દિવસ એ નાની વહુએ સસરા, જેઠ અને પોતાના પતિને કહ્યું, ‘તમે મૂંઝાશો નહીં. હું ચોક્કસ કંઈક રસ્તો કરીશ. તમને કામ નથી મળતું તો હું કરીશ. પણ એટલેથી પાર નહીં આવે. તમે ત્રણેય એક કામ કરો. શહેરની દાણાપીઠમાં, સોનીબજારમાં અને હીરા બજારમાં જાઓ અને ત્યાંથી ધૂળના પોટલા ભરી લાવો.
 
ત્રણેત્રણ બાપ દીકરો જુદી જુદી જગાએ રાત્રે પહોંચી જવા લાગ્યા. દાણાપીઠમાંથી લાવેલાં ધૂળનાં પોટલાં ચાળી ચાળીને સ્ત્રીએ અનાજ ભેગું કર્યુ. એક દિવસ એક એક રોટલો મળી રહે એટલું અનાજ મળ્યું અને બધાંએ ખાધું. સોનાના દાગીના ઘડાતા હતા ત્યાંથી લાવેલી ધૂળ ચાળીને એમાંથી સોનાની ઝીણી ઝીણી કરચ કાઢી એ વેચી એમાંથી સારા એવા પૈસા ઊપજ્યા. એવી જ રીતે હીરા બજારની ધૂળ ચાળી ચાળીને એમાંથી પણ હીરાના કણ કાઢવાનો પ્રયાસ કર્યો. પણ કંઈ ના મળ્યું.
 
આખરે આ પ્રયોગ રોજ ચાલુ રહૃાો. થોડા જ સમયમાં સોનાની સારી એવી કરચ જમા થઈ ગઈ અને એક દિવસ નાનકડો, પણ કીમતી હીરો પણ ધૂળમાંથી નીકળ્યો. એ બંને વેચીને બાપ-દીકરાઓએ નવો ધંધો શ‚ કર્યો. મૂળ વાણિયા હતા. નાનકડા ધંધામાંથી થોડા જ સમયમાં મોટો ધંધો શ‚ થઈ ગયો. બે જ વર્ષમાં એ પરિવાર સેટલ થઈ ગયો. સારું એવું કમાતો અને શાંતિથી ખાતો હતો. આ પરિવાર બરબાદ થયો હતો સ્ત્રીઓમાં ચતુરાઈ નહોતી અને આબાદ પણ થયો હતો એક સ્ત્રીની ચતુરાઈને કારણે.
 
આ લોકકથા પરથી જ આપણે ત્યાં કહેવત પડી છે કે, ‘ચતુર સ્ત્રી ધૂળમાંથી ધાન પેદા કરે છે, જ્યારે ફુવડ સ્ત્રી ધાનને ધૂળ કરીને ખાય છે. સાર એ છે કે સ્ત્રીની ચતુરાઈને કારણે ઘરમાં સુખનાં સરોવર છલકાઈ શકે છે અને જો ચતુરાઈ ના હોય તો ઘરમાં દુ:ખના દરિયા પણ છલકાઈ શકે છે.