જે. આર. ડી. તાતા : ભારતનાં પ્રથમ પાઇલોટ અને મહાન ઉદ્યોગપતિ

    ૨૯-જુલાઇ-૨૦૧૯   

 
 
 

૨૯ જુલાઈ જમશેદજી તાતાની જન્મજયંતિ નિમિત્તે વિશેષ

કરાંચીના એરપોર્ટ પર બે સીટવાળા એક વિમાને ઉત્તરાણ કર્યું. હવામાન એકદમ ખુશનુમા હતું. મુંબઈથી એ વિમાનને હંકારનાર પાયલોટ પણ ખુશખુશાલ હતો, પણ એ કોઈ પગારદાર વ્યક્તિ ન હતો. અનેક લોકોને એ નોકરીએ રાખતો હતો, પણ એ ધૂની માણસ હતો. જાતે વિમાન ઉડાડવાનો એને શોખ હતો. ભારતમાં વિમાન ઉડાડવાનું એનું સ્વપ્ન એ દિવસે સાકાર બન્યું હતું.
 
ભારતની પોતાની એરલાઇન હોય, એવું સ્વપ્ન એના મનમાં એ સવારે જાગી ઊઠ્યું અને એ સ્વપ્ન પણ એ સાકાર કરીને જ જંપ્યો. ‘ઇન્ડિયન એરલાઇન્સ’ના વિચારનો એ જન્મદિવસ હતો.
 

 
 

કોણ હતો એ જવાંમર્દ પાયલોટ, જેને ધનવાન હોવા છતાં પણ આકાશ ઉડવાનુ સપનું હતું ?

 
૨૯મી જુલાઈ, ૧૯૦૪ના રોજ ફ્રાન્સના પેરિસ શહેરમાં એક પારસી પિતા અને ફ્રેન્ચ માતાને ત્યાં એક બાળકનો જન્મ થયો હતો. પિતાનું નામ રતનજી દાદાભાઈ તાતા અને માતાનું નામ સુન્ની (એમનું મૂળ નામ સુઝેન બિયરે) હતું. મા-બાપે બાળકનું નામ જહાંગીર રાખ્યું એને ટૂંકા નામ જેહથી બોલાવતાં. આ બાળક તે બીજું કોઈ નહીં, પણ ભારતના મહાન ઉદ્યોગપતિ જે. આર. ડી.ના લાડકા નામે જાણીતા રહ્યા. સુઝેન બ્રિરે ભારતમાં સૌથી પહેલી મોટરકાર ચલાવનારાં મહિલા હતાં.
નોંધપાત્ર વાત એ છે કે તાતા એરલાઇન્સની શરૂઆત થઈ ત્યારે એટલે કે ૧૯૩૨માં એરપોર્ટ પર વિમાનમાં ભરવાનું બળતણ બળદગાડામાં લાવવું પડતું હતું.
 
રતનજી તાતા તે તાતા જૂથનો ભારતમાં પાયો નાંખનાર જમશેદજી તાતાના પિત્રાઈ ભાઈ હતા. તેમને એક મોટી બહેન હતી સિલા. જે. આર. ડી. તાતાનાં માતા ફ્રેન્ચ હોઈ તેમનું બચપણ ફ્રાન્સમાં વીત્યું હતું. આ કારણથી તેમની ફર્સ્ટ લેંગ્વેજ ફ્રેન્ચ હતી. તેઓ પેરિસમાં જ ભણ્યાં અને સ્કૂલમાં તેમને ઘણા લા - ઇજિપ્શીયન કહેતા. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન તેમણે સ્પેનીશ રેજિમેન્ટમાં પણ સેવાઓ આપી હતી.
 

 
 
એ પછી તેઓ મુંબઈની કેથેડ્રલ એન્ડ જોહન કોનોન સ્કૂલમાં પણ ભણ્યાં. જે. આર. ડી. લંડન, જાપાન, ફ્રાન્સ અને ભારતમાં ભણ્યા. તેમના પિતા તાતા કંપનીમાં જોડાયા તે પછી તેઓ લંડન રહેવા ગયા. ૪૩ વર્ષની વયે તેમની માતાનું અવસાન થયું. પિતા ભારતમાં હતા, પરંતુ તેમનો પરિવાર ફ્રાન્સમાં રહેતો હતો. માતાના મૃત્યુ પછી જેઆરડીને લંડનની ગ્રામર સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. ફ્રાન્સના નાગરિક તરીકે તેઓ એક વર્ષ માટે ફ્રેન્ચ આર્મીમાં જોડાયા હતા. પાછળથી તેમના પિતા તેમને મુંબઈ લઈ આવ્યા હતા.
 
૧૯૨૯માં જે.આર.ડી.એ ફ્રેન્ચ નાગરિકતાનો ત્યાગ કરી ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું અને તાતા કંપની માટે કામ શરૂ કર્યું. ૧૯૩૦માં તેઓ થેલ્યા વિકાજી નામની મહિલા સાથે પરણી ગયા. થેલ્યા જેક પ્રિન્સ વિલજીનાં પુત્રી હતાં. જે.આર.ડી.ને પહેલાંથી જ વિમાન ઉડાડવાનો શોખ હતો. તેઓ વિમાનમાં ઉડ્ડયનને જ કારકિર્દી બનાવવા માંગતા હતા. ભારતમાં વિમાન ઉડ્ડયનનું લાઇસન્સ મેળવનાર જે.આર.ડી. તાતા સૌપ્રથમ હતા. તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ તેમને ભારતમાં પહેલાં પાઈલટ બનવાનું લાઇસન્સ મળ્યું. ૧૯૩૨માં તેમણે ભારતમાં પહેલી વાણિજ્ય એરલાઈન્સ તાતા એરલાઈન્સની સ્થાપના કરી. જે પાછળથી એટલે કે ૧૯૪૬માં ભારતની રાષ્ટ્રીય એરલાઈન્સ - એરઇન્ડિયા બની. તે પછી તેઓ ભારતમાં નાગરિક વિમાન ઉડ્ડયનના પિતામહ તરીકે જાણીતા બન્યા.
 
શ‚આતમાં તેઓ વગર વેતને એપ્રેન્ટિસ તરીકે તાતા એન્ડ સન્સમાં જોડાયા. ૧૯૩૮માં તેઓ એ વખતના ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહ તાતા એન્ડ સન્સના ચેરમેન બની ગયા. તે પછી દાયકાઓ સુધી તેઓ સ્ટીલ, એન્જિનિયરિંગ, રસાયણ અને હોટેલ્સના ક્ષેત્રમાં કાર્યરત થયા. તાતા જૂથની કંપનીઓનું નિર્દેશન કરતાં નોંધપાત્ર વાત એ છે કે બિઝનેસમાં તેમણે ઊંચાં મૂલ્યોનું જતન કર્યું. તેમણે રાજકારણીઓને રુશવત આપવા અને બ્લેક માર્કેટીંગ કરવા હંમેશા ઇનકાર કર્યો.
જે.આર.ડી. તાતાની અધ્યક્ષતામાં તાતા જૂથની સંપત્તિ વધીને ૧૦૦૦ લાખ ડોલરથી વધીને પાંચ અબજ અમેરિકન ડૉલર થઈ ગઈ. તેમના નેતૃત્વની શ‚આત તેમણે ૧૪ કંપનીઓથી શરૂ કરી હતી, પરંતુ તા. ૨૬ જુલાઈ, ૧૯૮૮ના રોજ તેમણે ચેરમેનનું પદ છોડ્યું ત્યારે તાતા જૂથ ૯૫ કંપનીઓ ધરાવતું હતું. તેમણે ૧૯૬૮માં તાતા કમ્પ્યુટર સેન્ટર (હવે તાતા કન્સલ્ટન્સી) અને ૧૯૭૯માં તાતા સ્ટીલ કંપનીની સ્થાપના કરી.
 
તેઓ ૫૦ કરતાં વધુ વર્ષ સુધી ૧૯૩૨માં સ્થાપવામાં આવેલા સર દોરાબજી ટ્રસ્ટના ટ્રસ્ટી રહ્યા. તેમના માર્ગદર્શનમાં કેટલીયે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓની સ્થાપના કરી, જેમાં ૧૯૪૧માં મુંબઈમાં તાતા મેમોરિયલ સેન્ટર ફોર કેન્સર રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે, જે એશિયાની પ્રથમ કેન્સર હોસ્પિટલ હતી. એ સિવાય તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીઝ, તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના કરી.
જે.આર.ડી. તાતાને અનેક પુરસ્કાર મળ્યા. ભારતીય વાયુ સેનાએ તેમને ગ્રુપ કેપ્ટનની પદવી માનદ પદવી એનાયત કરી. તે પછી તેમને ઓનરરી એર કમાન્ડર ઓફ ઇન્ડિયાની માનદ પદવી આપવામાં આવી. તા. ૧લી એપ્રિલ, ૧૯૭૪ના રોજ તેમને એરવાઈસ માર્શલ પદ આપવામાં આવ્યું. ૧૯૯૨માં તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માવવામાં આવ્યા. તા. ૨૯ નવેમ્બર, ૧૯૯૩ના રોજ કિડનીની બીમારીના કારણે ૮૯ વર્ષની વયે જિનીવામાં તેમનું અવસાન થયું. તેમના અવસાનના કારણે ભારતની સંસદ તેમની સ્મૃતિમાં સ્થગિત કરી દેવામાં આવી. તેમને પેરિસના પેરે લેચસે નામના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.