ભારત-બાંગ્લાદેશની મેચ બાદ વિરાટ કોહલીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બુમરાહ વિશે મજાની વાત કરી છે

    ૦૩-જુલાઇ-૨૦૧૯   


ભારત-બાંગ્લાદેશની મેચ બાદ વિરાટ કોહલીએ જે જણાવ્યું તે ઘણું બધુ કહી જાય છે. વિરાટ કોહલીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, બુમરાહ અને બાંગ્લાદેશની આક્રમકતા વિશે ઘણી બધી વાત કરી. તો આવો જાણીએ…

ભારત-બાંગ્લાદેશ મેચ વિશે….

વિરાટે જણાવ્યું કે બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાં ખૂબ સારું ક્રિકેટ રમી. તેમની આક્રમકતાને ક્રેડિટ આપવી જોઇએ. આજની મેચમાં છેલ્લા બોલ સુધી તેમણે મેચ જીતવાની કોશિશ કરી. અને એ રીતે જ બેટિંગ કરી. અમને પણ જીતવા માટે મહેનત કરવી પડી.

સેમીફાઈનલમાં પહોંચવા પર…

હવે ભારત બીજા નંબરે છે. ઈન્ડિયાની આગળ Q (ક્વોલિફાઈ) લખેલું સારૂં દેખાય છે. ખુશ છું કે અમે એક મેચ પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આનાથી અમે એક સારી મનોસ્થિતિ સાથે સેમી ફાઈનલમાં રમીશું.
 

 

હાર્દિક પંડ્યા માટે…

અમે જોયું છે કે હાર્દિક દબાવમાં હોય છે ત્યારે ખૂબ સારું કમબેક કરે છે. પહેલી ત્રણ ચાર ઓવરમાં રન વધુ જાય છે તો તે એવો રસ્તો શોધી લે છે કે જેનાથી રન ઓછા જાય અને વિકેટ મણ મળે. તે ટીમ માટે કંઇક કરી બતાવવા પ્રતિબદ્ધ છે. આ તેના માટે પણ સારી વાત છે. જ્યારે તે બોલિંગ કરે છે ત્યારે તે એક બેટ્સમેનની જેમ વિચારે છે.

એક જુગાર હતો….

બાંગ્લાદેશ સામે ટીમ પાંચ બોલર સાથે મેદાને ઉતરી. આ એક જુગાર હતો. પરંતુ આ નિર્યણ મેદાનને ધ્યાનમાં રાખીને લેવાયો હતો. અમે નાની બાઉન્ડ્રી માટે એક પરફેક્ટ કોમ્બિનેશન ઇચ્છતા હતા. અમે દર વખતે એક જ કોમ્બિનેશન સાથે મેદાને ન ઉતરી શકીએ. અમારે બધા માટે તૈયાર રહેવું પડે. અમે બદલાવ કર્યો, ઇંગ્લેન્ડ સામે હાર મળી પણ અહીં અમને પરિણામ મળ્યું છે.
 

 

રોહિત શર્મા વિશે….

વર્ષોથી અમે સાથે રમીએ છીએ. હું હંમેશાં કહેતો આવ્યો છું કે મારા મતે રોહિત સૌથી સારો વન-ડે ખેલાડી છે. તેને આ રીતે રમતો જોવો એક આનંદની વાત છે. તેને તેના જીવનની સૌથી સુંદર ટૂર્નામેન્ટ મળી છે અને આ ટૂર્નામેન્ટમાં એ જેવી બેટિંગ તે કરી રહ્યો છે તેને જોઇને હું ખૂબ અભિભૂત છું. કેમ કે તે જ્યારે રમે છે ત્યારે અમને ખબર પડી જાય છે કે અમે એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છીએ. જેનાથી ચેન્જ રૂમમાં ગજબનું વાતારવણ બની જાય છે. ટીમના દરેક ખેલાડીનો આત્મવિશ્વાસ વધી જાય છે. પછી ખેલાડી મેદાન પર જઈ પહેલા બોલથી જ મારવાની તૈયારી કરવા લાગે છે. હું ખૂબ ખુશ છું. આશા છે કે તે આગામી ત્રણ મેચમાંથી બે મેચમાં મોટો સ્કોર બનાવે…
 

 


બુમરાહ વિશે…

બુમરાહની ઓવર હંમેશાં મહત્વપૂર્ણ રહે છે. તે એક એવો ખેલાડી છે જેના પર રમત દરમિયાન ગમે ત્યારે વિશ્વાસ મૂકી શકાય. તે એક વિશ્વ સ્તરીય બોલર છે. આ સમયે તે દુનિયાનો સૌથી બેસ્ટ બોલર છે અને એનું કારણ છે કે તે સતત સારી બોલિંગ કરી રહ્યો છે.