લખનૌનો આ શાકભાજીવાળા પાસે બધા સંસ્કૃતમાં શાકભાજી માંગે છે

    ૦૬-જુલાઇ-૨૦૧૯   
 

અહીં સંસ્કૃતમાં બોલીને જ લોકો ખરીદે છે શાકભાજી 

આમ તો સંસ્કૃતની વાત આવે ત્યારે આપણને લગભગ કોઈ ધોતી પહેરેલા પંડિતજી નજર સામે આવી જાય અને ન સમજાય તેવી ભાષામાં શ્ર્લોક બોલતા તેમને જોઈને આપણે અહોભાવથી અભિભૂત થઈ જઈએ કે કેવું સંસ્કૃત આવડે છે. ઘણાને ભણવામાં પણ સંસ્કૃત એક ભાષા તરીકે ઓપ્શન આવતો હશે ત્યારે એવું કહેતા સાંભળીએ છીએ કે સંસ્કૃત તો બહુ અઘરી ભાષા છે. પરંતુ અહીં તો શાકભાજીવાળાઓએ પણ પોતાની દુકાનો અને સ્ટોલ પર પણ શાકભાજીનાં નામ સાથે સંસ્કૃતમાં બોર્ડ અને હોર્ડિંગ માર્યાં છે.
 
ઘણાએ સાંભળ્યું હશે કે દક્ષિણ ભારતમાં આ પ્રકારે સંસ્કૃત બોલતાં ગામ છે, પરંતુ આજે વાત કરવી છે ઉત્તર પ્રદેશની રાજધાની અને નવાબી શહેર લખનૌની. અહીં આવેલા વિસ્તાર નિશાંતગંજની શાકમાર્કેટમાં તમે જાવ તો શાક વેચવાવાળા ફેરિયા જુદાં જુદાં શાકનાં નામ સંસ્કૃતમાં રાખીને પોસ્ટર લગાવી રાખે છે. તમારે તે નામ વાંચીને શાક માગવું. આમ કરવાથી શાક વેચતા ફેરિયાનું કહેવું છે કે અમારા ગ્રાહકોને પણ આ નવાં નામ શીખવાની ખરેખર ઘણી મજા આવે છે. અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. એક સ્થાનિક સંસ્કૃત ટીચરની મદદથી અમે આ ઇનિશિએટિવ લીધું છે. અહીં દુકાનદાર હોય કે ગ્રાહક સંસ્કૃતમાં જ શાકભાજીનું નામ લે છે અને વેપાર કરે છે. આ દુકાનદારોનું કહેવું છે કે સંસ્કૃત ભાષાને બચાવવા માટે જ આ પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે તો જે લોકોને સંસ્કૃત નથી આવડતું તેઓ પણ જ્યારે શાકભાજી ખરીદવા આવે તો તેને સંસ્કૃતમાં શું કહેવાય તે જાણીને પછી જ ખરીદી કરે છે. શાકમાર્કેટમાં શાક વેચતાં એક મહિલા વેપારીએ કહ્યું કે, જ્યારે મારા જેવા ઓછું ભણેલાગણેલા પણ થોડા દિવસની મહેનતથી આ ભાષા સમજી શકવા લાગ્યાં છે, ત્યારે ભણેલાગણેલા લોકો માટે તો ખરેખર ખૂબ જ સહેલું છે. અહીં આવતા દરેક ગ્રાહક સંસ્કૃતમાં જ શાકભાજી માગે છે, જેમ કે મિમરિચિક (મરચાં), રક્ત્વૃન્ત્કમ (ટામેટાં), ભિન્દિક (ભિંડો), આદ્રકમ (આદું), પટોલ (પરવળ), કર્કટી (ખીરા કાકડી), પલાંડૂ (ડુંગળી) અને નિમ્બુકમ (લીંબુ) વગેરે.
 

 
 
આ અંગે ઉત્તર પ્રદેશ સંસ્કૃત સંસ્થાનના અધિકારીએ જણાવ્યું કે આ એક સંસ્કૃત બચાવવા માટેનો પ્રયાસ છે. જો કે કેટલાક દુકાનદારના મતે આ એક દેખાડો છે. તેમનું કહેવું છે કે સંસ્કૃતના થોડા શબ્દો આવડી જવાથી સંસ્કૃત નથી આવડી જતું અને તેમણે કહ્યું કે અમે સંસ્કૃતના નામે શ‚ થયેલી આ મજાક બંધ કરાવીશું. જોકે અહીં આવતા કેટલાક ગ્રાહકે કહ્યું કે, અમને સંસ્કૃત નથી આવડતું પણ અહીં આવીને કાર્ડ પર લખેલાં નામ વાંચીને અમને હવે ઘણા સંસ્કૃત શબ્દો આવડી ગયા છે. ભલે સંસ્કૃત બોલી ન શકીએ પણ એટલી ખબર પડવા લાગી છે કે હરિતકણી કહે તો તેનો અર્થ છે લીલાં પાનવાળાં શાકભાજી, જ્યારે કોઈ કંદમૂલાની કહે તો તેનો મતલબ છે કે જમીનની અંદર ઊગતાં શાકભાજી અને શાકવટ એટલે શાકભાજીની વાડી. તો હવે તમે ક્યારે ટ્રાય કરશો સંસ્કૃત જેવી રસાળ અને વિશાળ ભાષાને શીખવાની ?