શિવાજીનો સાચો સાથી - તાનાજી માલૂસરેની આખી કહાની

    ૧૦-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |


tanaji_1  H x W
 
સિંહગઢના જંગ પરથી અજય દેવગણની ફિલ્મ તાનાજી બની છે પણ એની હકીકત શું હતી? આ એ યુદ્ધની કહાણી છે, જેને બહાદુરીપૂર્વક લડીને શૂરવીર તાનાજી માલુસરેએ સિંહગઢનો કિલ્લો તો જીતી લીધો હતો, પણ એ જીત મેળવવામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે  અત્યંત દુ:ખી થઈને આંખમાં અશ્રુ સાથે શિવાજી બોલ્યા : ગઢ આલા પણ સિંહ ગેલા !
 
નામ એમનું તાનાજી માલૂસરે. છત્રપતિ શિવાજી અને તાનાજી બંને બાળપણના ગોઠિયા હતા. મોગલોને વતનમાંથી હાંકી કાઢીને વતનને મુક્ત કરાવવાનો બંનેનો એક જ ધ્યેય હતો.
 
બંને વીર, પરાક્રમી અને સાહસિક હતા. મિત્ર માટે જાન આપી દેનારા હતા. બંનેમાં એકબીજા માટે મિત્રતા ઠાંસી ઠાંસીને ભરી હતી. આથી જરૂર પડ્યે બંને મિત્રો એકબીજાને સાથ આપવાનું પોતાનું કર્તવ્ય સમજતા હતા.
 
એ દિવસોમાં મોગલોએ ચારે તરફ પોતાની ધાક જમાવી દીધી હતી.
 
એમણે સિંહગઢનો કિલ્લો કે જે આજ સુધી મરાઠાઓ પાસે હતો તેને પણ ખાલસા કરીને પોતાના કબજામાં કરી લીધો હતો.
તનતોડ મહેનત કરી તો પણ શિવાજી સિંહગઢને પાછો મેળવી ન શક્યા ત્યારે તક મળવાની પ્રતીક્ષામાં થોડા દિવસ મૌન રહ્યા.
 

tanaji_1  H x W 
 
આ વાત શિવાજીને તો ખટકતી હતી પણ એમની માતા જીજાબાઈને વધુ ખટકતી હતી. એમને કોઈ રીતે ચેન પડતું ન હતું.
એક દિવસ એમણે શિવાજીને બોલાવી કહ્યું, ‘બેટા શિવા, એક ખાસ કામ માટે મેં તને બોલાવ્યો છે, પરંતુ તારે મને વચન આપવું પડશે કે તું મારી આકાંક્ષા પૂરી કરીશ.’ શિવાજી આમેય માતૃભક્ત અને આજ્ઞાંકિત પુત્ર હતા. એમણે પળનાયે વિલંબ વિના માતાના ચરણસ્પર્શ કરીને વચન આપ્યું.
 
દીકરાની વાતથી સંતુષ્ટ થઈને જીજાબાઈએ કહ્યું, ‘મને તારી પાસે આવી જ અપેક્ષા હતી. સિંહગઢ ઘણા વરસો સુધી મરાઠાઓના કબજામાં રહ્યો છે. આજે એના પર મોગલોનો અધિકાર જોઈને મારું કાળજું ચિરાઈ જાય છે. તું જ્યાં સુધી સિંહગઢ એમના કબજામાંથી જીતીને મુક્ત નહીં કરે ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે.’ સિંહગઢ મોગલોમાં હાથમાંથી પાછો મેળવવો એ લોઢાના ચણા ચાવવા સમાન હતું.
 
મોગલોએ એને ભયંકર ઉદયભાનુના હાથમાં સોંપી દીધો હતો. એ બહાદુર યોદ્ધો હતો. એને બાર પુત્રો હતા. તે બધા એના જેવા ભયાનક હતા. ઉપરાંત એની પાસે બે એવા હાથી હતા, જેમની શક્તિ અસાધારણ હતી. એમાંનો એક ચંદ્રબલિ ખૂની હાથી હતો. બીજો સીદી હુલાસ યુદ્ધ કરવામાં કુશળ હતો.
 
શિવાજીએ માતાને વચન તો આપ્યું હતું, પણ ભારે સંકટમાં પડી ગયા.
 
વિપદ કાળમાં શિવાજીને પોતાના મિત્ર તાનાજીની યાદ આવી ગઈ. તાનાજી તલવારબાજીમાં ખૂબ જ કુશળ હતા. એમનો તલવારધારી હાથ વિદ્યુતવેગે એવો વિંઝાતો કે, એક જ પ્રહારમાં દશ દશ દુશ્મનોને જમીનદોસ્ત કરી દેતા હતા. વર્ષો પહેલાં તેઓ શિકાર ખેલવા તાનાજી સાથે ગયા હતા. તે પ્રસંગની તેમને યાદ આવી ગઈ.
 
વાત વાતમાં બંને કિશોર મિત્રો વનમાં દૂર દૂર નીકળી ગયા.
 

tanaji_1  H x W 
 
એવામાં એક ચિત્તા પર શિવાજીની દૃષ્ટિ પડી. શિવાજીએ પોતાનો ઘોડો એ તરફ દોડાવી મૂક્યો. તાનાજી થોડા પાછળ રહી ગયા.
 
આગળ નીકળી શિવાજીએ ચિત્તા પર આક્રમણ કરી દીધું. ચિત્તો ખૂંખાર હતો. તે ગાંજ્યો જાય તેમ ન હતો. એણે શિવાજી પર વળતો હુમલો કરી દીધો. ચિત્તાના હુમલાથી શિવાજી ઊથલી પડ્યા. તેઓ ચિત્તાની પકડમાં આવી ગયા. એ શિવાજીને કંઈ હરકત કરે તે પહેલાં જ તે ચિત્કાર કરી ઢળી પડ્યો. શિવાજી બચી ગયા. ચિત્તાને યમસદન પહોંચાડનાર તાનાજી હતા. શિવાજી ઊભા થયા ને તાનાજીને ભેટી પડ્યા.
 
શિવાજીને પોતાના સાચા સાથી તાનાજી પર અપાર વિશ્ર્વાસ હતો. બધી બાબતોનો વિચાર કરીને એક વિશેષ દૂતને સંદેશો લઈને મોકલ્યો. પંદર હજાર સૈનિકોને લઈને સિંહગઢ આવી જવાનો અનુરોધ કર્યો.
 
ઘરે પુત્રનાં લગ્ન હતાં. છતાં એને છોડી ભાઈ સૂર્યાજી સાથે તાલીમબદ્ધ ટુકડીને લઈ સિંહગઢ આવી પહોંચ્યા.
 
મધરાતે સિંહગઢના રક્ષકો ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હતા. ત્યારે તાનાજીની સેનાએ આક્રમણ કરી દીધું.
 
કિલ્લો ઘણો ઊંચો ને મજબૂત હતો. એની ચારે તરફ ખાઈ હતી. ઉપર ચડવાનું કામ કપરું હતું. છતાં તાનાજી મોતને મુઠ્ઠીમાં લઈને એક દોરડાને સહારે ઉપર ચડવા લાગ્યા.
 
દોરડાની સહાયથી ઉપર ચડવામાં તાનાજીને ભારે મુશ્કેલી પડી, પણ વીર મુશ્કેલીઓથી કદી પાછો પડતો નથી. તેઓ હિંમત, વિશ્ર્વાસ અને સાહસના જોરે ઉપર ચડી ગયા. ઊંઘતા પ્રહરીને તલવારના એક જ ઘાથી મોતને ઘાટ ઉતારી દીધો. તે જરાયે ગભરાયો નહીં. એણે સામનો કરવા થોડા સૈનિકો અને બંને હાથીઓને મોકલી દીધા.
 
ઉદયભાનની ધારણા આજે ખોટી પડી. એના હાથી તાનાજીની તલવાર સામે ટકી શક્યા નહીં. એમણે થોડી જ વારમાં ચંદ્રબલિની સૂંઢ અને સીદી હિલાલનું માથું વાઢી નાખ્યું. આથી ઉદાયભાનુને ભારે આશ્ર્ચર્ય થયું. એણે પોતાના બારેય પુત્રોને રણમેદાનમાં મોકલી દીધા. અત્યંત બહાદુર હોવા છતાં તેઓ તાનાજી સામે ટકી શક્યા નહીં. એક એક કરીને બારેય વીરગતિ પામ્યા.
 
શહીદ થતા પહેલાં તાનાજીએ સિંહગઢના તમામ ખૂંખાર બહાદુરોને યમસદન પહોંચાડી દીધા.
 
ઉદયભાનુ હવે છેલ્લો હતો. તે તાનાજીની સામે આવ્યો. બંને વચ્ચે ભયંકર તલવારયુદ્ધ થયું. બન્યું એવું કે આ બંને વીરો એકબીજાને હણીને વીરગતિ પામ્યા.
 
ઉદયભાનુના મોતની સાથે જ કિલ્લામાં બચેલા સૈનિકોમાં નાસભાગ મચી ગઈ. એમનું સાહસ અને શૌર્ય છૂટી ગયા.
આખરે એ બધાએ મરાઠી સેના સામે આત્મસમર્પણ કરી દીધું.
 
આ બાજુ શિવાજીને સિંહગઢના વિજયના સમાચાર મળ્યા. તેમની ખુશીનો પાર ન રહ્યો. તેઓ પોતાના મિત્રને અભિનંદન આપવા હર્ષઘેલા થઈ ઊઠ્યા, પરંતુ તેમની આ ખુશી ઝાઝો સમય ન ટકી. એમણે મિત્રની વીરગતિના સમાચાર જાણ્યા ત્યારે તેમને ભારે આઘાત લાગ્યો.
 
સામે જ તાનાજીનું લોહીલુહાણ નિર્જીવ શરીર જમીન પર પડ્યું હતું.
 
શિવાજી શોકાતુર બની ગયા.
 
તેઓ મિત્રનાં સંભારણા યાદ કરીને કહેવા લાગ્યા : ‘હે મિત્ર, તેં એક વખત મને ખૂંખાર ચિત્તાથી બચાવ્યો હતો. આજે તેં તારા પ્રાણની આહુતિ આપીને સિંહગઢ અમારા માટે જીતી આપ્યો. મારા પ્રિય મિત્ર, તારી સાચી મિત્રતા અને મિત્રને ખાતર સમર્પિત તારું બલિદાન સદાયે સ્મરણીય રહેશે.’
 
અત્યંત દુ:ખી થઈને આંખમાં અશ્રુ સાથે તેઓ બોલ્યા : ગઢ આલા પણ સિંહ ગેલા !