પ્રકરણ - ૭ । કોઈ ચિંતા નથી, વાઘનો રસ્તો વાઘ ખુદ જ નક્કી કરતો હોય છે

    ૦૪-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

baji prabhu prakaran 7_1&
 
 
સિદ્દી જૌહર, શાહિસ્તાન અને તેમની લાખોની સેનાના ઘેરાથી પન્હાલગઢમાં ઘેરાઈ ચૂકેલા છત્રપતિના દિમાગમાં અચાનક એક સાહસિક યોજનાએ આકાર લીધો હતો. જોખમ ખૂબ હતું પણ ખેડ્યા વિના ચાલે તેમ નહોતું. પન્હાલગઢથી વિશાલગઢની દૂરી વીસ કોસની હતી. શિવાજી મહારાજને વિચાર આવ્યો કે ગમે તેમ કરીને પણ એક રાતમાં આ અંતર પાર કરીને વિશાલગઢ પહોંચી જવું.
 
વિચાર આવતાં જ શિવાજી મહારાજે તાત્કાલિક પોતાના મુખ્ય સાથીઓને એકત્રિત કર્યા. તેઓ બધાના ચહેરા પર ઊતરી આવેલાં ઉદાસીનાં વાદળો સ્પષ્ટ જોઈ શકતા હતા. તેમણે કહ્યું, `સાથીઓ, આ હતાશ કે ઉદાસ થવાનો સમય નથી. બધી સ્થિતિનો સામનો કરવા આપણે તૈયાર રહેવું જોઈએ.'
 
`જી, મહારાજ, અમે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ કરવા માટે તૈયાર છીએ.' બધાએ જવાબ આપ્યો.
 
શિવાજી મહારાજ બોલ્યા, `સાથીઓ, મને લાગ્ો છે કે હવે મારે પન્હાલગઢથી નીકળી જવું જોઈએ. અહીં શક્તિ લગાડવી અને સિદ્દી જૌહર સાથે લડતા રહેવું વ્યર્થ છે. અને વળી આપણું અનાજ પણ ઘટી રહ્યું છે. હું અહીંથી નીકળીશ તો જ દુશ્મનોની સેના અહીંથી હટશે.'
 
સાથીઓના ચહેરા પર આશ્ચર્ય અને આશાની બેવડી ચમક દોડી ગઈ. આશ્ચર્ય એટલા માટે કે સિદ્દી જૌહરનો મજબ્ૂાત ઘેરો તોડીને મહારાજ કેવી રીતે નીકળશે? અને આશા એટલા માટે કે એમને વિશ્વાસ હતો કે મહારાજનું કોઈ પણ પગલું, કોઈ પણ નિશ્ચય ક્યારેય નિરર્થક નથી હોતાં.
 
`આપ આજ્ઞા કરો તે કરવા તૈયાર છીએ મહારાજ !' સાથીઓએ કહ્યું.
 
`તો એક એવો રસ્તો શોધી કાઢો જ્યાં સિદ્દી જૌહરના સૈનિકોનો પહેરો ના હોય. એવો રસ્તો જે સાવ અજાણ હોય અને ત્યાંથી પન્હાલગઢની બહાર નીકળી શકાય.'
 
શિવાજી મહારાજની આજ્ઞા થતાં જ દૂતોને રસ્તો શોધવા માટે મોકલવામાં આવ્યા. સિદ્દી જૌહરનો પહેરો તો ચારે તરફ હતો પણ પન્હાલગઢની આસપાસ એવી ઘનઘોર ઝાડીઓ પણ હતી જ્યાં કોઈ મનુષ્ય જવાની હિંમત નહોતો કરતો. પોતાના મહારાજને બચાવવા માટે દૂતોએ એ ઝાડીઓ વચ્ચે રસ્તો શોધવાનું શરૂ કર્યું અને બે-ચાર દિવસમાં જ સમાચાર લઈને પાછા આવ્યા.
 
દરબારમાં શિવાજી મહારાજ અને તેમના અંગત સાથીઓ બેઠા હતા. સામે દૂતો ઊભા હતા.
 
`શું થયું, રસ્તો મળ્યો?' શિવાજી મહારાજે પૂછું.
 
દૂતોએ થોડી હતાશાના સૂર સાથે કહ્યું, `મહારાજ, રસ્તો તો મળ્યો છે પણ.... ' આટલું બોલીને એ અટકી ગયા.
`પણ... શું ? તમે અટકી કેમ ગયા? રસ્તો છે તો વાંધો શું છે?'
 
આખરે મુખ્ય દૂતે કહ્યુ, `મહારાજ, પન્હાલગઢની બહાર જવાનો એક માત્ર રસ્તો છે અને એ રસ્તો ઘનઘોર જંગલની ઝાડીઓ વચ્ચેથી પસાર થાય છે. ગીચ ઝાડીઓ વચ્ચે ઢાળ અને ખાડાટેકરાવાળી જમીનમાંથી એ રસ્તો નીકળે છે. વચ્ચે વચ્ચે ઘૂંટણો સુધીનું દલદલ અને કીચડ પણ છે. ઉફણતા જલપ્રપાતનો ઘોર અવાજ, વરસાદી વેલો અને ઝેરી જંતુઓ, કાંટાળી ગીચ ઝાડીથી ઢંકાયેલી ચટ્ટાન, ગહેરી ખાઈઓમાં બેઠેલા વાઘ અને ચિત્તાઓની હૈયું બેસાડી દે તેવી ગર્જના અને ઉપરથી આ ધોધમાર વરસાદ. વરસાદને કારણે ભયાનકતા વધી જાય છે. કીચડ એટલો બધો છે કે માંડ માંડ ચાલી શકાય. અમે ખુદ એ રસ્તાની ઇંચ ઇંચ જમીન માપીને આવ્યા છીએ. એ રસ્તેથી વીસ કોસ દૂર વિશાલગઢ સુધી પહોંચી શકાય છે. આ એવો રસ્તો છે જ્યાં સિદ્દી જૌહરનો એક પણ સિપાહી નથી. હા, દૂર દૂર કેટલીક ચોકીઓ છે. પણ એ ચોકીઓના સિપાહીમાંથી એક પણ સિપાહી દિવસે આ ઝાડીઓ પાસે આવવાની હિંમત નથી કરતો. ખાસ તો આ ઝાડીઓ વરસાદમાં વાઘના રહેવાનું સ્થાન છે. મહારાજ, આવા ભયંકર રસ્તે જીવનું જોખમ છે. રસ્તો છે પણ એ રસ્તે આપનાથી જવાય તેમ નથી.'
 
શિવાજી મહારાજ બોલ્યા, `રસ્તો ગમે તેટલો ભયાનક હોય, ત્યાં વાઘ ભલે રહેતા હોય એની કોઈ ચિંતા નથી. વાઘનો રસ્તો વાઘ ખુદ જ નક્કી કરતા હોય છે.'
 
શિવાજી મહારાજના જુસ્સાસભર સંવાદ સાથે જ ઉપસ્થિત સૌમાં જોમ આવી ગયું. સૌએ એકસાથે લલકાર કર્યો, `જય ભવાની !'
 
***
 
દૂતોએ તો રસ્તો શોધી કાઢ્યો હતો. હવે એ રસ્તા પર ચાલી શકે, કંઈ જોખમ આવે તો સામનો કરી શકે તેવા વીર લડવૈયા સાથીઓની જરૂર હતી. એવા સાથીઓ જે જંગલના વાઘથી પણ ના ડરે, ગળા સુધીના પાણીથી પણ ના ડરે કે કદાચ લાખ્ખોની સેના આવી ચડે તો એનાથી પણ ના ડરે. આ કામ માટે શિવાજી મહારાજના મનમાં બસ એક જ નામ હતું અને એ હતું કુશળ સેનાપતિ વીર બાજીપ્રભુ દેશપાંડેનું. તેમણે બાજીપ્રભુને બોલાવીને આખી વાત કરી. બાજીપ્રભુએ જવાબ આપ્યો, `સ્વામી, હું તૈયાર છું. આપ જરાય ચિંતા ના કરશો. આ દેહમાં લોહીનું આખરી બુંદ હશે ત્યાં સુધી તમને કંઈ નહીં થાય.'
શિવાજી મહારાજની છાતી ગજ ગજ ફૂલી ગઈ. પછી આખીયે યોજના બનાવવામાં આવી. સેનાપતિ વીર બાજીપ્રભુ સાથે અન્ય સાથીઓ કિલ્લેદાર ત્ર્યમ્બક ભાસ્કર અને ગંગાધર પંતને પણ આ યોજનામાં જોડવામાં આવ્યા. નક્કી થયું કે ગંગાધર પંત જલદીથી શિવાજી મહારાજનો પત્ર લઈને સિદ્દી જૌહર પાસે જશે. ગંગાધર પંત એક કુશળ દૂત હતા. દૂતકર્મમાં તેમની નિપુણતા હતી. તેમણે શિવાજી મહારાજનો પત્ર એક થેલામાં મૂક્યો અને ગઢના દરવાજે પહોંચી ગયા.
 
અષાઢ મહિનાની પૂર્ણિમાનો પાવન દિવસ હતો. તારીખ ૧૨મી જુલાઈ, ૧૬૬૦. પ્રાત:કાળનો સમય હતો. આકાશમાં વાદળો છવાયેલાં હતાં. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. સિદ્દી જૌહરના સિપાહીઓએ આશ્ચર્યથી જોયું કે પન્હાલગઢ કિલ્લાનો દરવાજો ખૂલી રહ્યો છે. ચારે તરફ સનસની ફેલાઈ ગઈ. સેના સતર્ક થઈ ગઈ. સિપાહીઓ વિચારવા લાગ્યા કે હવે શિવાજી મહારાજની સેના બહાર નીકળશે કે પછી શિવાજી મહારાજ ખુદ શરણાગતિ માટે સામે આવશે. પણ સૌના આશ્ચર્ય વચ્ચે એક એકલો આદમી બહાર નીકળ્યો. એના હાથમાં થેલી હતી. એ થેલીને આકાશમાં હલાવીને કંઈક કહી રહ્યો હતો. એ ધીરે ધીરે ગઢથી નીચે ઊતરી રહ્યો હતો. સિપાહીઓએ વિચાર્યું જરૂર શિવાજીની અકલ ઠેકાણે આવી ગઈ હશે એટલે રાશન-પાણીની ભીખ માટે કોઈને મોકલ્યો હશે.
 
સિપાહીઓએ ગંગાધર પંતને ઘેરી લીધા, એના હાથમાં કંઈ સાધન નહોતું એટલે સિદ્દીના સિપાહીઓએ એના પર કોઈ હુમલો ના કર્યો. એને માત્ર પૂું, `ઓયે ખવીસ ! કૌન હૈ તૂ ? કીધર કો જાનેકા હોવે?'
 
ગંગાધર પંતે નમસ્કાર કરતાં કહ્યું, `જનાબ, હમ છત્રપતિ શિવાજી મહારાજ કે દૂત હૈ. હમેં સલાબત ખાન સિદ્દી જૌહર કે પાસ જાના હૈ. કિધર હૈ ઉનકી છાવની ?'
 
દૂત પર હુમલો ન કરવાની સૌ સિપાહીઓને સૂચના જ હોય છે. સિપાહીઓ ગંગાધર પંતને સહીસલામત સિદ્દી જૌહર પાસે લઈ ગયા. સિદ્દી જૌહર દૂતને જોઈને ખડખડાટ હસ્યો, `તો આ ગઈ તુમ્હારે મહારાજ કી અકલ ઠિકાને ? બોલો, ક્યું ભેજા હૈ?'
ગંગાધર પંતે યોજના મુજબ ખૂબ હતાશાથી વાત કરી. કિલ્લામાં ખૂટી પડેલાં રાશન-પાણીની અને છવાઈ ગયેલી માયૂસીની વાત કરીને સિદ્દીના હાથમાં શિવાજી મહારાજનો પત્ર થમાવી દીધો. સિદ્દી જૌહર મનોમન ખીલી ઊઠ્યો. એ જે દિવસની રાહ જોઈ રહ્યો હતો એ આવી ગયો હતો. શિવાજી પરેશાન થઈને શરણમાં આવવા માટે તૈયાર થઈ ગયો હતો. એણે ઉતાવળે પત્ર વાંચવા માંડ્યો.
 
શિવાજી મહારાજ લખતા હતા, `આપ પન્હાલગઢ કી ઔર આ રહે હૈં યહ વાર્તા મૈંને જબ સે સુની હૈ તબ સે મેરે મન મેં યહ ઇચ્છા નિર્માણ હુઈ હૈ કિ મૈં આપકે સામને હાજીર હો જાઉં. કિન્તુ દુર્ભાગ્ય ઓર ભય દોનોંને મુઝે જકડ રખ્ખા થા. આપ યદિ મુજે પરવાનગી દેં તો મેં કલ રાત્રિ કે સમય અપને કુછ સાથિયેં કે સાથ આપકી સેવા મેં હાજિર હોને કી ઇચ્છા વ્યક્ત કરતા હૂં. મેરે અપરાધ ક્ષમા કરેં. કિસી ભી સંકટ મેં આપ મેરે પિતા કે સમાન હૈ. મેરા બચાવ કરેં. મૈં સ્વત: આપ સે મુલાકાત કરને કો તૈયાર ં ઔર અપની સારી દૌલત હજરત બાદશાહ આદિલશાહ કે સામને પેશ કરને કો તૈયાર હૂં.'
 
પત્ર વાંચીને પહેલાં તો સિદ્દી ખૂબ જ ખુશ થયો. પછી તરત જ એના દિમાગમાં અફઝલખાન અને શિવાજીની મુલાકાત ઝળકી ઊઠી. અફઝલખાન સાથે શિવાજી મહારાજે આવી જ મુલાકાત ગોઠવીને પછી એને વાઘનખથી ચીરી નાંખ્યો હતો. એને થયું ક્યાંક શિવાજી એની સાથે પણ અફઝલ જેવો જ દગો તો નહીં કરે ને ? પછી એણે પોતાની ચારે તરફ ફેલાયેલી ફૌજ તરફ જોયું. એને ફરી બીજો વિચાર આવ્યો કે શિવાજી આટલો બધો મૂર્ખ નથી અને હું પોતે પણ એટલો અસાવધ નથી. જો શિવાજીએ આવીને કોઈ ગરબડ કરી તો એનું કચુંબર જ કાઢી નાંખવામાં આવશે. જો શિવાજીએ ભાગવાની કોશિશ કરી તો એને તાત્કાલિક ગિરફતાર કરી લેવામાં આવશે.
 
પોતાની વિશાળ ફોજ જોઈને સિદ્દીમાં જુસ્સો આવી ગયો. એનું રૂંવાડે રૂંવાડું ઉત્સાહથી થનગની ઊઠ્યું. બસ હવે એક જ રાતનો સવાલ છે. આવતીકાલે રાત્રે તો શિવાજી એની ગિરાફ્તમાં હશે. એ શિવાજીને માત આપવાનાં સપનાં જોવા લાગ્યો. એણે રૂઆબથી ગંગાધર પંતને કહ્યું, `જાઓ, તુમ્હેં પરવાનગી દી જાતી હૈ. શિવાજી કો કહ દો કિ વો હમેં મિલને આ સકતા હૈ ! ઔર ઉસકી જાન કો કિસી પ્રકાર કા ખતરા નહીં હૈ, ઉસકા ભી હમ વાદા કરતે હૈં.'
 
ગંગાધર પંતે બાદશાહનો આભાર માન્યો અને પન્હાલગઢ તરફ પરત રવાના થયા.
 
(ક્રમશ:)