પ્રકરણ-૧૦ । બાજીપ્રભુ લોહીલુહાણ હાલતમાં આખી રાત શિવાજીની પાલખી ખભે ઊંચકીને દોડ્યા

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૨૦   

Baji Prabhu Deshpande cha
 
સિદ્દી જૌહરના જાસૂસોએ ખબર આપ્યા કે શિવાજી વિશાલગઢ તરફ નીકળી ગયા છે એટલે એણે પોતાના જમાઈ મસૂદને સેના સાથે મોકલ્યો. શિવાજી મહારાજ અને બાજીપ્રભુ દેશપાંડેએ ચાલાકીપૂર્વક બે પાલખીઓ રાખી હતી. એકમાં શિવાજી હતા જેને બાજીપ્રભુ ખુદ પોતાના ખભા પર ઊંચકીને ચાલી રહ્યા હતા અને બીજામાં માવળ સૈનિક હતો જેને લઈને દસબાર માવળાઓ ચાલી રહ્યા હતા. મસૂદ એ પાલખી પકડીને સિદ્દી જૌહર પાસે ગયો અને ભોંઠો પડ્યો. એમાં શિવાજી મહારાજને બદલે સામાન્ય માવળ સૈનિક હતો. સિદ્દી જૌહરના ગુસ્સાનો પાર ના રહ્યો. એણે ફરી મસૂદને શિવાજીને પકડી લાવવા મોકલ્યો. મસૂદ ફરીવાર ત્રણ હજારની ફોજ લઈને અરધી રાત્રે ઘનઘોર જંગલમાં ઊતરી ગયો.
 
આ તરફ પેલા દસ-બાર માવળાઓ સિદ્દી જૌહરની કેદમાં હતા. સિદ્દી ગુસ્સાથી તમતમી ગયો હતો. એ માવળાઓની હાલત પછી શું થઈ હશે એ કલ્પના બહારની વાત છે. ઇતિહાસ મૌન છે. પણ પોતાના પ્રાણપ્રિય નેતા માટે માવળાઓ કેટલો ત્યાગ, કેટલું સાહસ અને કેટલી વિલક્ષણ સૂઝબુઝ દાખવતા હતા અને શિવાજી મહારાજ માટે પોતાનો જીવ સુધ્ધાં હોડમાં મૂકી શકતા હતા એ વાતનું આ ઘટના વિરાટ પ્રમાણ છે. આ બધા સાવ સામાન્ય, પહાડી અને જંગલી માણસો હતા. મોટા ભાગના અભણ અને જે કોઈ એકાદ બે લોકો ભણેલા એ ય ઝાઝું નહીં. બોલી અને વ્યવહારથી જંગલી લાગે પણ હૃદય એકદમ સાફ. સાચે જ એ લોકો પહાડના પથ્થર જેવા જ હતા. પણ પાણીદાર, ઈમાનદાર અને પોતાના નેતા માટે શૂરવીરતાથી લડનારા હતા. એમને માત્ર એટલી જ ખબર હતી કે આ પહાડો, કોતરો, ખેતરો, જંગલ, નદીઓ, ઝરણાંઓ બધું તેમનું પોતાનુંં જ છે. પ્રકૃતિની તેઓ પૂજા કરતાં હતા. અને એ લોકો એય જાણતા હતા કે શિવાજી મહારાજ એમના નદી, પર્વતો, મઠ, મંદિરોની રક્ષા કરી રહ્યા છે. માટે શિવાજીનો સાથ આપવો એટલે ધર્મનો સાથ આપવો. શિવાજી મહારાજની સેવા એટલે દેશની સેવા. એટલે જ આ લોકો શિવાજી મહારાજ માટે જાનની બાજી લગાવી રહ્યા હતા. ઇતિહાસ મૌન છે પણ નક્કી એ દસબાર માવળાઓ એ દિવસે શિવાજી મહારાજને બચાવવા ટુકડે ટુકડા થઈ ગયા હશે. સિદ્દી જૌહરે એમનાં ગળાં વેતરીને કોતરોમાં ફેંકી દીધાં હશે.
 
***
 
આવા જ ઢનિશ્ચયી માવળાઓ શિવાજી મહારાજને પાલખીમાં ઉઠાવીને વિશાલગઢ તરફ વધી રહ્યા હતા. પગમાં કાંટા વાગે કે પથ્થરો ખૂંપી જાય, ચટ્ટાનો સાથે ટકારાઈને લોહીલુહાણ થઈ જાય છતાં એ લોકો ઉંહકારો પણ નહોતા કરતા. એમને માત્ર એક જ ધૂન હતી કે સિદ્દી જૌહરની સેના પાછળ આવી રહી હશે અને તેમણે શિવાજી મહારાજને જલદીમાં જલદી વિશાલગઢ પહોંચાડવાના છે.
 
પન્હાલગઢથી વિશાલગઢની વીસ કોસની દૂરી એ લોકો સતત - અવિરત દોડીને પાર કરી રહ્યા હતા. એમના એક એક પગલે સ્વામીભક્તિનાં કમળ ખીલી રહ્યાં હતા. પાલખીમાં બેઠેલા શિવાજી ઇચ્છતા હતા કે એ પણ એમની સાથે દોડવા લાગે પણ બાજીપ્રભુ દેશપાંડે તેમને પાલખીમાંથી પગ પણ નીચે નહોતા મૂકવા દેતા. બાજીપ્રભુના પગ લોહીઝાણ થઈ ગયા હતા, થાકથી શરીર તૂટી ચૂક્યું હતું પણ એમનો હોંસલો બુલંદ હતો. પીડાને અવગણીને તેઓ કર્તવ્ય નિભાવી રહ્યા હતા. રાત્રે દસ વાગે નીકળ્યા હતા. ભળભાંખળું થયું હતું. સવાર પડવામાં હવે થોડી જ વાર હતી. પણ હજુ અરધું જ અંતર કપાયું હતું. દસ કોસની દૂરી હજુ બાકી હતી. શિવાજી મહારાજ જોઈ રહ્યા હતા કે સ્વયં બાજીપ્રભુ રાતના દસ વાગ્યાથી પાલખી ઊંચકીને દોડી રહ્યા છે. એમની સાથે બીજા સાથીઓ પણ હતા. એ બધા જ લોહીલુહાણ હતા.
 
શિવાજી મહારાજ બોલ્યા, `બાજીપ્રભુ, હવે પાલખી બીજા કોઈ માવળને આપો. આપ થાકી ગયા હશો.'
 
`ચિંતા ના કરો મહારાજ ! હવે માત્ર ૧૦ કોસ અંતર જ બાકી છે.'
 
શિવાજી મહારાજે ઘણું સમજાવ્યા પણ બાજીપ્રભુ ના માન્યા.
 
વરસાદ રોકાઈ ચૂક્યો હતો. રસ્તો પહેલાં કરતાં થોડો સારો હતો. નદી, નાળાં, તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયાં હતાં. રાતભર વરસાદમાં સ્નાન કર્યા બાદ ચારેય તરફની હરિયાળીએ નવોઢા જેવું રૂપ ધારણ કર્યું હતું.
 
થોડા જ સમય બાદ કાળાં કાળાં વાદળોની કોર પર સોનેરી કિરણોનો કળશ ઢોળાવા લાગ્યો. પૂર્વ ક્ષિતિજ પર સિંદૂરનો છંટકાવ થઈ ગયો હતો. બાજીપ્રભુ દેશપાંડે દોડતા દોડતા વિચારી રહ્યા હતા, `જ્યારે જ્યારે સૂરજ ઊગે છે ત્યારે ત્યારે આવી જ લાલી આખાયે આકાશમાં પથરાઈ જાય છે. સૂરજનું ઊગવું એ અંધારા પર અજવાળાના વિજયનું પ્રતીક છે. ખરેખર દરેક વિજય માટે લાલ રંગ છાંટવો જરૂરી હોય છે. શિવાજી મહારાજના વિજય માટે મારેય મારા શરીરમાંથી રક્તનો લાલ રંગ છાંટવાનો છે.'
 
વિચારતાં વિચારતાં તેમણે પોતાના સાથીઓ તરફ જોયું. બધા જ માવળાઓ લાલ રંગ છાંટીને વિજય પ્રાપ્ત કરવા જાણે અધીરા બન્યા હોય એમ શિવાજી મહારાજને લઈને દોડી રહ્યા હતા. કોઈના ચહેરા પર જરાય થાક નહોતો. એમના ચહેરા પણ એવી જ રીતે ચમકી રહ્યા હતા, જેમ આકાશમાં વાદળોના ટુકડાઓ. આ વાદળો અને માવળાઓ એક સમાન જ હતા. બન્ને શ્યામવર્ણ, દોડતા, ભાગતા, કૂદતા અને ઊછળતા. એક પાણીથી ભરાયેલા હતા તો બીજા રક્તથી. બન્ને પોતાના સૂરજને ખભા પર ઊંચકીને દોડી રહ્યા હતા. બન્નેની દિશા વિશાળ હતી અને દૃષ્ટિ વિશાલગઢ પર.
 
આમ ને આમ પાંચ કોસનું વધારે અંતર પણ કપાઈ ગયું. હવે માત્ર બીજા પાંચ કોસ જ પાર કરવાના હતા. હવે વિશાલગઢ નજીક જ હતું. પણ મુશ્કેલી હજુ યથાવત્‌ જ હતી. પાંચ કોસમાં ગમે તે થઈ શકે તેમ હતું. વળી વિશાલગઢ પર સૂર્યરાવ સુર્વે અને યશવન્તરાવ ઘેરો નાખીને બેઠા હતા. એ ઘેરાને કાપીને જ શિવાજી મહારાજ વિશાલગઢ પહોંચી શકે તેમ હતા. સામે જ ગજાપુરની ઘાટી દેખાઈ રહી હતી. બસ, એ જ પાંચસો-છસ્સો ફૂટની દૂરી છે. ગજાપુરની આ ઘાટીને ઘોડખીણ પણ કહેવામાં આવતી હતી. આ ઘાટી વચ્ચેથી એટલી બધી સાંકડી હતી કે દસ ઘોડેસવારો પણ એમાંથી એકસાથે પસાર ના થઈ શકે. ઘોડખીણને જોઈને બધા જ માવળાઓમાં નવો ઉત્સાહ છવાઈ ગયો. એકવાર આ ઘાટી સુધી પહોંચી ગયા પછી કોઈ વાંધો નહીં. પછી તો વિશાલગઢ જઈને જ પાલખી રોકાશે. આ ઘાટી સાંકડી હતી એ જ એમના માટે વરદાનરૂપ હતું.
 
શિવાજી મહારાજ આ સ્વામીભક્ત માવળાઓને જોઈ રહ્યા હતા. એમના હૃદયમાં માવળાઓ પર પ્રેમ ઊભરાઈ રહ્યો હતો. આ કેવા સાથી છે ! પોતાના જાનની પણ ચિંતા નથી. ખરેખર આ લોકો પર તો વિશ્વની બધી જ સંપત્તિ ન્યોછાવર કરી દઈએ તો પણ ઓછું છે.
 
આ બધા માવળા વીરોને શિવાજીએ છાતીએ લગાવીને પાળ્યા-પોષ્યા હતા. એ બધા એમની છાતીના ટુકડા હતા. સ્વરાજ્ય, સ્વધર્મ માટે શિવાજી મહારાજે ખૂબ મહેનત અને સાવધાનીથી જે માળા તૈયાર કરી હતી એ માળાના એ અનમોલ મોતી હતાં. શિવાજી મહારાજે માવળાઓની શાન કદી નીચી નહોતી પડવા દીધી, સિંહાસન પર હોય કે રણમોરચે, તેમણે તેમને સદૈવ પોતાની બાજુમાં જ રાખ્યા હતા. રાજા શિવાજી મહારાજે સિંહાસન પર બેસીને બાદશાહી ઠાઠ ક્યારેય નહોતો અજમાવ્યો, કદી તેમના આ સાથીઓને હુકમો નહોતા છોડ્યા. અરે, આ માવળા વીરો તો એ માવળાઓ હતા જેમની આંગળી પકડીને બાળ શિવરાય અહીંની ઘાટીઓમાં, કોતરોમાં ફર્યા હતા. જંગલો ખૂંદ્યા હતા. એમની સાથે રમતો પણ રમી હતી અને એમની જ સાથે રાયરેશ્વર મહાદેવના મંદિરમાં તેમણે સ્વરાજની સંસ્થાપનાના શપથ લીધા હતા. એમાંય બાજીપ્રભુ દેશપાંડેને જોતાં એમનું હૈયુ ભરાઈ જતું હતું. તેમને વરસો પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે બાજીપ્રભુને યુદ્ધકેદી તરીકે રાજદરબારમાં લાવવામાં આવ્યા હતા. અને શિવાજી મહારાજે એમને અદભુત માનપાન આપ્યાં હતાં. પછી તો બાજીપ્રભુ એમના ભક્ત જ બની ગયા હતા. વરસો સુધી શિવાજી મહારાજને પડછાયાની જેમ સાથ આપ્યો હતો. આજે પણ આ સ્થિતિનું નેતૃત્વ એ જ કરી રહ્યા હતા. એ પડછંદ વ્યક્તિની સ્વામીભક્તિ એમના પગમાંથી રક્ત બનીને ફૂટી રહી હતી અને સહ્યાદ્રિના પથ્થરોને ભીના કરી રહી હતી. પણ એ માણસ ઉફ પણ નહોતો કરતો.
 
શિવાજી મહારાજની આંખોમાંથી બાજીપ્રભુ માટે અમી વરસ્યાં. તેઓ વિચારી રહ્યા હતા, `હવે સવાર થઈ ગઈ છે. સિદ્દી જૌહરના ઘોડેસવારોને ઝડપથી આવવામાં હવે વાર નહીં લાગે. એ આવી જશે પછી આ મતવાળા માવળાઓ મારા માટે પોતાના જાનની બાજી લગાવી દેશે. કોણ જાણે કેટલાય માવળ મિત્રો વિખૂટા પડી જશે. તેમના રક્તથી આ પૃથ્વી લાલ થઈ જશે.'
 
શિવાજી મહારાજ કુશળ રણનેતા જ નહીં પણ મા ભવાનીના પરમ ભક્ત પણ હતા. તેમની ભવાની તલવારમાં સ્વયં ભગવતીનો નિવાસ હતો. સૌ માનતા હતા કે તેમનામાં ઈશ્વરીય શક્તિ સંચિત છે. તેમની આંખો દૂર સુધી જોઈ શકતી હતી અને તેમના કાન માઈલો સુધીનું સાંભળી શકતા હતા. જે કંઈ થવાનું હોય એ ઘટનાનો અંદાજ તેમને આવી જતો હતો. શિવાજી મહારાજ સમજી ગયા હતા કે હવે ભયાનક સંકટ આવવાનું હતું. તેમણે ચિંતિત સ્વરમાં બાજીપ્રભુને બોલાવ્યા, `બાજીપ્રભુ, મને કંઈક અમંગળનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.'
 
બાજીપ્રભુએ શિવાજી મહારાજના ચહેરા પર ચિંતાની રેખાઓ ઊપસી આવેલી જોઈ. એ પણ સમજી ગયા કે મહારાજ શું વિચારી રહ્યા છે. એ બોલ્યા, `મહારાજ, ચિંતા ના કરો, અમે છીએ ત્યાં સુધી તમારી સાથે કંઈ જ અમંગળ નહીં થવા દઈએ.'
`બાજી, અમંગળ મારી સાથે થાય કે તમારામાંથી કોઈ સાથે, વાત તો સરખી જ છે. આપણે બધા સ્વરાજના લડવૈયા છીએ, આપણામાંથી કોઈને કંઈ ના થવું જોઈએ.'
 
વાતો ચાલતી હતી ત્યાં જ બન્નેના કાન સરવા થયા. દૂર દૂરથી આવી રહેલો ઘોડાના ડાબલાનો અવાજ એમના કાનમાં પડઘાયો. બંનેએ દૂર નજર કરી, એક વિશાળ સેના એમના તરફ ધસી રહી હતી. એ દૃશ્ય જોઈને બાજીપ્રભુ દેશપાંડેની નસો ફાટ ફાટ થવા લાગી. એમની આંખોમાં અંગારા ઊતર્યા. દુશ્મનો નજીક આવી રહ્યા હતા અને તેઓ વિશાલગઢથી હજુ ઘણે દૂર હતા.
 
***
 
(ક્રમશ:)