એક બાજીપ્રભુ દેશપાંડે જો ચાલ્યો પણ ગયો તો કંઈ ફેર નહીં પડે પરંતુ જો શિવાજી મહારાજ...

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૦   

Baji Prabhu Deshpande cha 
 
 
એક બાજીપ્રભુ દેશપાંડે જો ચાલ્યો પણ ગયો તો કંઈ ફેર નહીં પડે પરંતુ જો શિવાજી મહારાજ ચાલ્યા જશે તો મારા જેવા અનેક બાજીપ્રભુ ભેગા થઈને પણ એક શિવાજી તૈયાર નહીં કરી શકે
 
શિવાજી મહારાજને પાલખીમાં લઈને વિશાલગઢ તરફ નીકળેલા માવળાઓએ ૧૫ કોસનું અંતર કાપી નાંખ્યું હતું. એ લોહીલુહાણ થઈ ગયા હતા અને હવે માત્ર પાંચ કોસનું અંતર જ બાકી હતું. સવાર પડી ગઈ હતી. સિદ્દી જૌહરના જાસૂસોને ખબર પડી ગઈ હતી કે માવળાઓ શિવાજીને લઈને વિશાલગઢ તરફ નીકળી ગયા છે. સિદ્દીનો જમાઈ મસૂદ મોટી ફોજ લઈને પાછળ પડ્યો હતો.
 
શિવાજી મહારાજ ચિંતામાં હતા, બાજીપ્રભુ આખી રાત એમના ખભે પાલખી લઈને દોડ્યા હતા. સવાર પડી ગઈ હતી. હવે સિદ્દી જૌહરની ફોજ ઝડપથી આવી જવાની હતી. શિવાજી મહારાજે એમની સમક્ષ પરિસ્થિતિની ચિંતા વ્યક્ત કરી ત્યાં જ દૂર દૂર ઘોડાના ડાબલા સંભળાયા. બાજીપ્રભુ દેશપાંડે અને શિવાજી મહારાજે એ તરફ નજર કરી. દૂરથી વિશાળ ફોજ વાવાઝોડા જેમ એમના તરફ ધસી રહી હતી. સંકટ આવી પહોંચ્યું હતું. શિવાજી મહારાજના ચહેરા પર પોતાની જાત કરતાં માવળ વીરોની ચિંતા વધારે હતી. પણ બાજીપ્રભુના ચહેરા પર માત્ર અને માત્ર પોતાના સ્વામીની ચિંતા તરવરી રહી હતી. એમની આંખોમાં અંગારા ધખતા હતા. રોમેરોમમાં આગ વ્યાપી ગઈ હતી. ઘોડખીણની આ ઘાટી ચઢતાં ચઢતાં જ એમણે ઝટપટ નિર્ણય લઈ લીધો હતો. શિવાજી મહારાજને ચિંતાતુર જોઈને એ બહાદુરીથી બોલ્યા, `તમે જરાય ચિંતા ના કરો મહારાજ! સિદ્દી જૌહરની ગમે તેવી વિરાટ ફોજ હશે તો પણ આ ઘોડખીણની ઘાટીને પાર નહીં જ કરી શકે.'
 
`મને મારી નહીં, તમારી ચિંતા છે બાજીપ્રભુ!' શિવાજી મહારાજ ટૂંકું જ બોલ્યા અને દૂર ક્ષિતિજ તરફ નજર માંડી. ઘોડાના ડાબલા વધારે ને વધારે નજીક આવી રહ્યા હતા. બધા જ માવળ સૈનિકો સ્ફૂર્તિથી આગળ વધી રહ્યા હતા. હવે વધારે સમય નહોતો એ બધાને ખબર હતી. ઘોડખીણ ઘાટીના એક સાંકડા ભાગ્ો જઈને બાજીપ્રભુએ સાથી માવળાઓને હુકમ કર્યો, `રોકાઈ જાવ બધા !'
 
બધા એક જ અવાજે રોકાઈ ગયા. સૌની છાતી ધમણ જેમ હાંફી રહી હતી.
 
બાજીપ્રભુએ સૌને કહ્યું, `સિદ્દી જૌહરની સેના હવે થોડીક જ વારમાં આપણી પાસે આવી પહોંચશે. એની સેના ઓછામાં ઓછી ત્રણ હજારની લાગે છે અને આપણે માત્ર ૬૦૦ જ છીએ. પણ ડરવાની જરૂર નથી એ કહેવાની મારે તમને જરૂર નથી. આપણે એકે હજારા છીએ. આપણે બુદ્ધિથી લડવાનું છે અને આપણા સ્વામીનો વાળ પણ વાંકો નથી થવા દેવાનો સમજ્યા !'
`જી, સેનાપતિ! અમે જીવ આપી દઈશું પણ શિવાજી મહારાજને કંઈ નહીં થવા દઈએ. આપ હુકમ કરો, શું કરવાનું છે અને કેવી રીતે લડવાનું છે?'
 
`આપણે અહીં આ ઘોડખીણની સાંકડી ગલી પાસે જ એક કિલ્લો બનાવવાનો છે. એ કિલ્લાની દિવાલો આપણી છાતીઓ બનશે, એના બુરજ આપણા હાથ હશે અને એના દરવાજા આપણા ભાલા અને તલવારો બનશે.'
 
`અમે તૈયાર છીએ !' ઘોડખીણની ઘાટીમાં એકસાથે છસ્સો માવળા વીરોનો અવાજ ગુંજી ઊઠ્યો.
 
બીજાપુરી ફોજ હવે સાવ નજીક દેખાઈ રહી હતી. બાજીપ્રભુએ વિચાર્યું, આ ત્રણ હજારની ફોજ આ સાંકડી ઘાટીમાંથી કોઈ કાળે પસાર નહીં થઈ શકે. તેમણે શિવાજી મહારાજને કહ્યું, `મહારાજ, આપ ત્રણસો માવળાઓને લઈને આગળ વધી જાવ. હું બીજા ત્રણસો માવળો સાથે અહીં જ ઊભો છું. જોઉં છું એ યવનો કઈ રીતે તમને અડી પણ શકે છે !'
 
શિવાજી મહારાજ મૌન હતા. એ વિચારી રહ્યા હતા. માવળા વીરોને આમ મોતના મુખમાં મૂકીને પોતાની જિંદગી બચાવીને ચાલ્યા જવાનો એમનો જીવ નહોતો ચાલતો. એમણે ના પાડી પણ બાજીપ્રભુએ ગુંજતા સ્વરે કહ્યુ, `મહારાજ, આ વિચારવાનો અને લાગણીશીલ થવાનો સમય નથી. માતૃભૂમિને આપની જરૂર છે. તમે આગળ વધો. હું તલવારની સોગંદ ખાઈને અને સ્વરાજ્યની દુહાઈ દઈને કહું છું કે અમે ત્રણસો માવળાઓ ત્યાં સુધી દુશ્મનોને રોકી રાખીશું જ્યાં સુધી આપ વિશાલગઢ ના પહોંચી જાવ. આપ આગળ વધો મહારાજ. જય ભવાની... જય શિવાજી!'
 
આજે શિવાજી મહારાજનું જીવન સંકટમાં હતું અને બાજીપ્રભુની આન કસોટી પર ચઢી હતી. નેતા અને અનુયાયી જોવામાં બે અલગ અલગ બિંદુઓ હોવા છતાં પણ કાર્યસિદ્ધિના બે છેડા જ હોય છે. એકબીજાથી અભિન્ન હોવા છતાં એકના અભાવમાં બીજો નિરર્થક. સાચા અનુયાયીના આદર્શ સમાન વીર બાજીપ્રભુ દેશપાંડે આ ઘોડખીણની ઘાટીના પથ્થરો પર સૂરજનાં કિરણોની સાક્ષીએ પોતાના રક્તથી એક વીરગાથા અંકિત કરવા આતુર હતા. માત્ર એ એકલા જ નહીં એમનો એક એક માવળ સાથી પણ આતુર હતો કે પોતાનો જીવ ભલે ચાલ્યો જાય પણ શિવાજી મહારાજના જીવ કે જીવનને ઊની આંચ પણ ના આવવી જોઈએ. એ લોકો ઇચ્છતા હતા કે આવનારો ઇતિહાસ સદા યાદ રાખે કે શિવાજી મહારાજ સાથે માવળાઓ નામના સાથીઓ પણ હતા જેમણે પોતાનો જીવ સ્વામીના ચરણોમાં, એમની આન, બાન, શાન અને જાન માટે ન્યોચ્છાવર કર્યો હતો.
 
શિવાજી મહારાજ બે ક્ષણ માટે ફરી મૌન થઈ ગયા. તેઓ વિચારી રહ્યા હતા કે આ માવળા વીરો પોતાના માટે જાન આપી દેવા તત્પર થયા હતા. પણ શું સ્વરાજ્યની દેવીને આ પ્રાણોની બલી ભેટ ચઢાવવી યોગ્ય લેખાશે ? શું આ મૂલ્યવાન જીવો હવે હસતા, બોલતા, દોડતા, બીજીવાર જોવા નહીં મળે ? શિવાજી મહારાજની આંખોમાંથી પોતાના માવળા સૈનિકોનો પ્રેમ આંસુ બનીને ખરી પડ્યો. એમણે ભીના અવાજે બાજીપ્રભુને કહ્યું, `બાજી, મને તમારી વીરતા પર મારા કરતાં પણ વધારે ભરોસો છે. પણ જો તમને અને તમારા સાથીઓને કંઈ થઈ જશે તો હું સ્વરાજની દેવીને શું જવાબ આપીશ?'
 
બાજીપ્રભુ પોતાના સ્વામીની આવી લાગણી જોઈને ગળગળા થઈ ગયા. જાણે વિશાળ પહાડમાંથી અમીનાં ઝરણાં ફૂટ્યાં, એ બોલ્યા, `સ્વામી, સ્વરાજ્યની દેવીને તમારે કંઈ જવાબ નથી આપવાનો. માતૃભૂમિ તો બલિદાન માંગે જ. તમે અમારા પ્રત્યે આટલી લાગણી રાખો છો, અમારા જીવની તમને આટલી બધી ચિંતા છે એ જ અમારા માટે તો સર્વસ્વ છે.'
 
`બાજીપ્રભુ, તમને સૌને ધન્ય છે.' શિવાજી મહારાજ બોલ્યા.
 
વિદાયની ક્ષણ આવી પહોંચી હતી. વીર બાજીપ્રભુ દેશપાંડે સ્વરાજ્યના પાયાની સૌથી સુઢ ચટ્ટાન પર પોતાનો ભાલો ઠોકતાં બોલ્યા, `મહારાજ, હવે જરાય વાર ના કરો. સમય આવી પહોંચ્યો છે. શત્રુની સેના હવે સાવ નજીક આવી ગઈ છે. મહારાજ, અમારી વાત માનો. અમારી ચિંતા ના કરો. ભારત માતાએ જે દિવસ માટે પોતાના સપૂતોને જન્મ આપ્યો છે એ દિવસ અમને પ્રાપ્ત થવાની ક્ષણ આવી પહોંચી છે. અને હા, મહારાજ! એક વાત એ પણ સાચી છે કે એક બાજીપ્રભુ દેશપાંડે જો ચાલ્યો પણ ગયો તો કંઈ ફેર નહીં પડે. એ ચાલ્યો જશે તો શિવાજી મહારાજ પોતાની શક્તિથી બીજો એક બાજીપ્રભુ તૈયાર કરી લેશે. પરંતુ જો શિવાજી મહારાજ ચાલ્યા જશે તો મારા જેવા અનેક બાજીપ્રભુ ભેગા થઈને પણ એક શિવાજી તૈયાર નહીં કરી શકે.'
 
કોઈ દેશનો ઇતિહાસ જ્યારે લખાવા લાગે છે ત્યારે આવી વિલક્ષણ ક્ષણો જન્મે છે, જેમાં એક અનુયાયી જ પોતાના નેતાને આજ્ઞા કરતો જોવા મળે છે. સત્ય એ છે કે આવી વિલક્ષણ ઘડીઓ સહસા નથી આવતી. એના માટે કુશળ નેતૃત્વની લાંબી સાધના કરવી પડે છે. ડગલે ને પગલે ઇશારા અને વાત વાત પર ફતવા દેનારા હુકમરાન બાદશાહોને આવું સૌભાગ્ય કદી પ્રાપ્ત થતું નથી. આ તો એવા કેટલાક વિરલ, સૌભાગ્યશાળી વીરોને જ પ્રાપ્ત થાય છે. શિવાજી મહારાજનું નેતૃત્વ એવું જ હતું. એટલે જ તો આજે રાજા શિવાજી મહારાજને માવળા વીર બાજીપ્રભુની આજ્ઞા માનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આમ પણ બાજીપ્રભુ ઉમરમાં શિવાજી મહારાજથી ઘણા મોટા હતા. એ વખતે શિવાજી મહારાજની ઉંમર માત્ર ૩૦ વર્ષની હતી અને બાજીપ્રભુની ઉંમર ૪૫ વર્ષની.
 
આખરે શિવાજી મહારાજે બાજીપ્રભુની વાત માની અને ૩૦૦ માવળા વીરોને બાજીપ્રભુ પાસે મૂકી અને બાકીના ૩૦૦ વીરોને પોતાની સાથે લઈને ઘોડખીણની સાંકડી ગલીમાંથી વિશાલગઢ તરફ જવા રવાના થયા. જતાં જતાં તેમણે બાજીપ્રભુને કહ્યું, `બાજીપ્રભુ હું આગળ વધું છું. વિશાલગઢ પહોંચ્યા પછી હું તોપના ત્રણ ધડાકા કરીશ. તોપના ધડાકા થાય એટલે સમજી જજો કે હું પહોંચી ગયો છું અને તમે પણ વિશાલગઢ તરફ આવી જજો.'
 
`મહારાજની આજ્ઞા શિરોધાર્ય!' બાજીપ્રભુ મસ્તક ઝુકાવી બોલ્યા અને શિવાજી મહારાજે વિદાય લીધી.
 
***
 
ત્રણસો માવળા વીરો શિવાજી મહારાજની પાલખી લઈને રવાના થયા પછી તરત જ બાજીપ્રભુએ મોરચાબંદી કરવા માંડી. થોડી જ વારમાં સિદ્દી મસૂદના ઘોડેસવારો ઘોડખીણની ઘાટી ચઢવા લાગ્યા હતા. બન્ને ફોજો હવે એકબીજાને દેખાવા માંડી હતી. માવળા વીરો હવે છુપાવા નહોતા માંગતા, એ સામી છાતીએ લડવા માંગતા હતા. વીરોએ આકાશ કંપી ઊઠે એમ `હર... હર.. મહાદેવ !'નો નાદ કર્યો. કેટલાક માવળાઓ બોલ્યા, `અહીં આવો મુરીદો, શિવાજી મહારાજનો પીછો કરો છો ને ! હવે તમને અસલી માવળાઓની શક્તિનો પરચો આપીએ.'
 
સિદ્દી મસૂદે જોયુ કે પિસ્તાલીસ-પચાસની આસપાસની ઉંમરનો એક માવળા સ્ૌનિક પોતાની ટુકડીને લઈને ઘોડખીણનો રસ્તો રોકીને ઊભો હતો. બંને તરફ ઊંચા ઊંચા પર્વતો હતા. ત્યાં ઘોડા તો શું પણ માણસ પણ ચડી શકે તેવી સ્થિતિ નહોતી. હવે મસૂદ પાસે એક જ રસ્તો હતો, આ માવળાઓને ચીરીને, આગળ વધવાનો. પરંતુ એણે ધ્યાનથી માવળાઓ સામે જોયુ તો એ થથરી ઊઠ્યો. એકેએક માવળાની આંખોમાંથી અંગારા ઝરી રહ્યા હતા. એમનું રૌદ્ર રૂપ, તેમનો આવેશ, વારંવાર ચટ્ટાન પર કૂદાકૂદ કરીને તલવાર ચમકાવવાનું એમનું કૌવત વગેરે બધું જ ભયંકર હતું. બાજીપ્રભુના થોડાક જ સાથીઓ હતા અને એ છાતી કાઢીને ઊભા હતા. તેમના ભાલા અને તલવારો જાણે લોહીની તરસથી લાળ પટકાવી રહ્યા હતા. સાક્ષાત યમદેવતાનું સ્વરૂપ હતા બધા જ માવળાઓ. મસૂદની આંખો સામે મૃત્યુ નાચી રહ્યું હતું. એક ક્ષણ તો એને પાછા ફરી જવાનો પણ વિચાર આવ્યો. પણ શિવાજીને પકડ્યા વિના જાય તો સિદ્દી જૌહર કાળો કેર કરી મૂકે એ વિચારે એ અટકી ગયો. આખરે એણે આગળ વધીને ભયંકર અવાજે, ક્રૂરતાપૂર્વક પોતાની ફોજને હુકમ કર્યો, `ખબરદાર કિસીને યદી પૈર પીછે હટાયા તો. કુછ ભી હો જાયે આજ હમ શિવાજી કો લેકર હી જાયેંગે. માર ડાલો ઈન સબ કાફિરોં કો... તૂટ પડો ઈન લોગોં પર... એક ભી ફાકીર બચના નહીં ચાહીએ..' અને મસૂદની ત્રણ હજ્જાર સૈનિકોની ફોજ વાવાઝોડા જેમ ત્રણસો માવળો તરફ ધસી.
 
(ક્રમશઃ)