ચકી અને ચકો - આ વાર્તા તમે સાંભળી છે? આજે વાંચી લો...

    ૦૬-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

chako chaki_1   
 
એક હતી ચકી અને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો. ચકીએ તો એની ખીચડી રાંધી. 
 
ચકાને એ કહેતી ગઈ, "જરા ખીચડીનું ધ્યાન રાખજો, દાઝી ના જાય. ચકો કહે, "એ ઠીક ! ચકી ગઈ અને થોડી વારમાં તો ચકાભાઈને ભૂખ લાગી. એ તો વિચારવા લાગ્યા કે હવે ચકીરાણી જલદી આવે ને ખીચડી ખાઈએ. પણ ચકાભાઈથી તો વધારે રાહ ના જોવાઈ. થયું થોડી ખીચડી ખાઈ લઉં. પણ પછી તો ચકારાણાને વધારે ભૂખ લાગી અને થોડી થોડી કરતાં બધી ખીચડી ખાઈ ગયા. ચકી માટે કશુંય ના રાખ્યું. ચકાભાઈને થયું હવે તો ચકીબેન મને વઢશે ! એટલે આ વાતની ચકીબેનને ખબર ના પડે એટલે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂઈ ગયા.
 
ત્યાં તો ચકીબેન પાણી ભરીને ઠુમક ઠુમક ઠુમક કરતાં આવ્યાં. આ બાજુ ચકાભાઈ તો બારણા વાસીને સૂતા હતા. ચકીબેન કહે, "ચકારાણા ચકારાણા બારણાં ઉઘાડો. ચકો તો કહે, "મારી તો આંખો દુખે છે. એટલે હું તો આંખે પાટા બાંધીને સૂતો છું. તમે હાથ નાખીને સાંકળ ખોલી નાખો. ચકીબેન તો મૂંઝાયાં અને બોલ્યાં, "પણ આ બેડું કોણ ઉતારશે ? તો ચકો કહે, "એવું કરો તમે જાતે જ બેડું ઉતારી લો. ચકીબેન તો બિચારાંએ ધીરે રહીને બેડું માથેથી ઉતાર્યું અને બારણામા હાથ નાખીને સાંકળ ખોલી ! ને પાછું બેડું માથે મૂકીને ઠુમક ઠુમક ઠુમક ચાલતાં ચાલતાં પાણિયારે જઈને ઘડો મૂક્યો અને ચકાભાઈને કહ્યું, "ચાલો ચકારાણા, ખૂબ ભૂખ લાગી છે, જમવાનું પીરસું છું. ચકીબેન તો ચૂલા પાસે જઈને તપેલી ખોલીને જુએ તો તપેલી ખાલી. ચકીબેન બોલી ઊઠ્યાં, હાય હાય ખીચડી ક્યાં ગઈ? આપણી ખીચડી કોણ ખાઈ ગયું ? ચકો કહે, મને શી ખબર? હું તો આંખે પાટા બાંધીને સૂતો હતો. આ રાજાનો કૂતરો આવ્યો હતો ને એ ખાઈ ગયો હશે. ચકીબેન કહે, એમ શેનો ખાઈ જાય આપણી ખીચડી, હું તો રાજાજીને ફરિયાદ કરીશ ! ચકીબેન તો ચાલ્યાં રાજાજીના દરબારે ફરિયાદ કરવા.
 
રાજાના દરબારે પહોંચીને ચકીબેને તો રાજાજીને ફરિયાદ કરી, "રાજાજી રાજાજી, તમારો કાળીઓ કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો. એને સજા કરો રાજાજી. રાજા કહે, "અહીં તો કાળીઆ કૂતરાને સરસ ભોજન મળે છે, એ તારી ખીચડી કેમ ખાય ? ચકી કહે, "મને તો ચકાએ કીધું છે કે એ જ ખાઈ ગયો છે. રાજાએ તો આદેશ કર્યો, "બોલાવો એ કાળીઆ કૂતરાને. ચકીબેનની ખીચડી કેવી રીતે ખાઈ ગયો. કાળીઓ કૂતરો તરત હાજર થયો એટલે રાજાએ કાળીઆ કૂતરાને પૂછ્યું, તે હેં કાળીઆ, તેં આ ચકીબેનની ખીચડી ખાધી છે ? કાળીઓ કહે, મેં નથી ખાધી ચકીબેનની ખીચડી. આ ચકો બધી ખીચડી ખાઈ ગયો હશે અને મારું નામ દે છે. રાજાજીએ ફરી આદેશ આપ્યો, બોલાવો ચકાને. ચકાભાઈ તો બીતાં બીતાં આવ્યા. રાજાજીએ મોટા અવાજે પૂછ્યું, કેમ ચકા, તેં આ ચકીબેનની ખીચડી ખાધી છે ? ચકો બોલ્યો, ના રાજાજી, મેં ખીચડી નથી ખાધી, આ કાળીઆ કૂતરાએ જ ખાધી હશે. રાજાજી તો ખીજાયા અને બોલ્યા, "સિપાઈઓ, આ બંનેનાં પેટ ચીરી નાખો એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે. કૂતરો બોલ્યો, "હા હા, ચીરો મારું પેટ, ખાધી હશે તો નીકળશેને ! ચકો તો ખીચડી ખાઈને બેઠો હતો એટલે બીકનો માર્યો ધ્રૂજવા લાગ્યો. બોલ્યો, ભઈશાબ મને માફ કરો, મારું પેટ ના ચીરશો. એ ખીચડી મેં જ ખાધી છે.



 
રાજાજી તો ભારે ગુસ્સે થયા, એક તો ખીચડી ખાઈ ગયો અને મારા કાળીઆનું નામ દીધું ! રાજાએ હુકમ કર્યો, સિપાઈઓ લઈ જાઓ આ ચકાને અને કૂવામાં ઊંધો લટકાવો. સિપાઈઓ તો ચકાભાઈને દોરડે બાંધીને કૂવે લઈ ગયા અને કૂવામાં ઊંધા લટકાવી દીધા. ચકીબેન તો રડવા લાગ્યાં. એને ચિંતા થઈ કે મારા ચકાને આ કૂવામાંથી કોણ બહાર કાઢશે ? ચકીબેન રડતાં હતાં ત્યાં બાજુમાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો. ચકીબેને તો એને રોક્યો, ઓ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ. મારા ચકાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું. ગોવાળ કહે, ના રે, હું ના કાઢું, તારા ચકાને. રાજાએ સજા કરી છે, તો સાચી જ કરી હશે ને ! એમ કહી ગોવાળ તો ચાલ્યો ગયો. ચકીબેન તો પાછાં રડવા લાગ્યા. ત્યાં ઘેટાંનો ગોવાળ પસાર થયો. ચકીબેને તો એને રોક્યો, ઓ ઘેટાંના ગોવાળ ભાઈ ઘેટાંના ગોવાળ. મારા ચકાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું. ગોવાળ કહે, ના રે, હું ના કાઢું તારા ચકાને. રાજાએ સજા કરી છે, તો સાચી જ કરી હશે ને ! એમ કહી ગોવાળ તો ચાલ્યો ગયો. ચકીબેન તો પાછાં રડવા લાગ્યાં. ત્યાં બકરાનો ગોવાળ પસાર થયો. ચકીબેને તો એને રોક્યો, ઓ બકરાના ગોવાળ ભાઈ બકરાના ગોવાળ. મારા ચકાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું. ગોવાળ કહે, ના રે, હું ના કાઢું તારા ચકાને. રાજાએ સજા કરી છે, તો સાચી જ કરી હશે ને ! એમ કહી ગોવાળ તો ચાલ્યો ગયો. ચકીબેન તો પાછાં રડવા લાગ્યાં.
 
આ બધું ત્યાં ઝાડ પર બેઠી વાંદરી જોતી હતી, એને ચકી રડતી હતી તેનું દુ:ખ પણ થયું અને ખીર પૂરીની લાલચ પણ જાગી. એટલે એ તો છલાંગ મારીને ગઈ ચકી પાસે. જઈને બોલી, ચકીબેન હું તમારા ચકાને કાઢું પણ તમારે મને ખીર પૂરી ખવડાવવી પડશે ! ચકીબેન તો આંખો લૂછતાં લૂછતાં કહે, હા હા! ચોક્કસ ખવડાવીશને ! વાંદરીએ ચકાભાઈને દોરડું ખેંચીને બહાર કાઢ્યા. ચકીબેને વાંદરીનો ખૂબ આભાર માન્યો અને બીજા દિવસે બપોરે જમવા ઘરે આવવા આમંત્રણ આપ્યું. વાંદરી તો ખુશ થતી પોતાને ઘરે ગઈ. બીજા દિવસે વાંદરી તો ચકા ચકીને ઘરે બપોરે પહોંચી ગઈ. ચકીબેને તો સરસ ખીર પૂરી રાંધ્યાં હતાં. અને જમવાની તૈયારીઓ કરતાં હતાં. પણ ચકાભાઈને તો પાછી લાલચ જાગી. એમણે તો પાટલો લાલચોળ ગરમ કર્યો અને વાંદરીને કહ્યું, આવો વાંદરીબેન, આ સોનાના પાટલે બેસો. વાંદરીબેન તો ખુશ થતાં જેવાં બેઠાં કે કૂદ્યાં, અને જે દોટ મૂકી, ઓ માડી! ખીર ના ખાધી હું તો દાઝી ! ખીર ના ખાધી હું તો દાઝી ! ખીર ના ખાધી હું તો દાઝી ! પછી શું, ચકાભાઈ અને ચકીબેન તો સરસ ખીર પૂરી જમ્યાં. ખાધું પીધું અને મોજ કરી.
 
- ગિજુભાઈ બધેકા 
 
ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.[૧] તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે. 



 
 
અમારી સાથે જોડાવ....