ઑપરેશન મેઘદૂત - સિયાચીન પર કબજાની બહાદુરીની કથા

    ૦૮-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

opration meghdoot_1 
 

ઑપરેશન મેઘદૂત - Operation Meghdoot

 
સિયાચીન ગ્લેશિયર વિશ્ર્વમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલી લશ્કરી રણભૂમિ છે અને એક ભારતીય તરીકે આપણા માટે ગર્વની વાત એ છે કે આ રણભૂમિ પર ભારતનો કબજો છે. હિમાલયની પર્વતમાળામાં 6400 મીટર એટલે કે 21,000 ફૂટની ઊંચાઈએ આવેલી આ જગા પર એટલી કાતિલ ઠંડી પડે છે કે આપણી તો કુલ્ફી જ થઈ જાય. માઈનસ પચાસ ડિગ્રી તાપમાનમાં સામાન્ય માણસ તો ટકી પણ ના શકે ત્યારે આપણા જવાંમર્દ સૈનિકો જાનના જોખમે ત્યાં રહીને આપણી માત્ાૃભૂમિની રક્ષા કરે છે. આ વાત સાંભળીને જ આપણી છાતી ગર્વથી ફૂલી જાય પણ આ રણમેદાન પર કબજો કરવા આપણા સૈનિકોએ જે બહાદુરી બતાવી તેની વાત તેના કરતાં પણ વધારે ગર્વ થાય તેવી છે.
 
સિયાચીન ગ્લેશિયર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની જગા છે. હિમાલયની ચોટી પર આવેલી આ જગા પરથી એક તરફ ચીને પચાવી પાડેલા અકસાઈ ચીન પર નજર રાખી શકાય છે તો બીજી તરફ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર પણ નજર રાખી શકાય છે. જો કે આ જગા કોની છે તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી તેથી પાકિસ્તાનની દાનત બગડી અને તેણે સિયાચીન ગ્લેશિયર પચાવી પાડવાના કારસા શરૂ કર્યા. આ કારસાના ભાગરૂપે પાકિસ્તાને પોતે પચાવી પાડેલા કાશ્મીરમાંથી હિમાલય પર આરોહણ કરવાનાં સાહસોને મંજૂરી આપવા માંડી. આ પર્વતારોહકો સાથે પાકિસ્તાનના લાયેઝન આફિસરને પણ તેમણે મોકલવા માંડ્યા. એ રીતે પાકિસ્તાન ધીરે ધીરે આ વિસ્તારમાં પોતાના સૈનિકોને ગોઠવવા માંડ્યું. પાકિસ્તાન સરકાર આ સાહસોને મંજૂરી આપે તેનો અર્થ એ થાય કે આ વિસ્તાર તેના કબજામાં છે. ભારતને પાકિસ્તાનના આ કારસાની ગંધ આવી ગઈ એટલે તેણે પણ ભારતની સીમામાંથી હિમાલય પર આરોહણનાં સાહસોને મંજૂરી આપવા માંડી. આ કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ.
 

opration meghdoot_1  
 
પાકિસ્તાને 1983માં સિયાચીન ગ્લેશિયરમાં પોતાના સૈનિકો ખડકી આ વિસ્તાર પર કબજો કરવાની યોજના બનાવી. પાકિસ્તાનની યોજના એવી હતી કે તે અહીં પોતાના સૈનિકોને ગોઠવી પોતાની ચોકીઓ બનાવે અને પછી આ વિસ્તાર પર પોતાનો દાવો કરે. આ માટેની તૈયારીના ભાગરૂપે તેમણે કાતિલ ઠંડીમાં ચાલે તેવાં કપડાં અને આર્કટિક-વેધર ગીયરનો ઓર્ડર લંડનની એક કંપ્નીને આપ્યો. તેમના કમનસીબે આ જ કંપ્ની પાસેથી ભારત માલ ખરીદતી હતી. ભારતને આ કંપ્નીમાંથી પાકિસ્તાનના આર્ડરની બાતમી મળી એ સાથે જ ભારત સતર્ક થઈ ગયું. ભારતના જાસૂસો કામે લાગ્યા અને તેમણે શોધી કાઢ્યું કે પાકિસ્તાન સિયાચીન ગ્લેશિયર પર કબજો કરવા આ તૈયારીઓ કરે છે.
 
ભારતે પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદામાં સફળ થાય તે પહેલાં સિયાચીન ગ્લેશિયર પર કબજો કરવા માટેનું મિલિટરી ઑપરેશન પાર પાડવાની યોજના બનાવી અને આ ઑપરેશનને નામ અપાયું ઑપરેશન મેઘદૂત.
 
ભારતને માહિતી મળી કે પાકિસ્તાન 17 એપ્રિલ, 1984 પહેલાં સિયાચીન ગ્લેશિયર પર કબજો કરી લેવા માગે છે. ભારતે તેના ચાર દિવસ પહેલાં એટલે કે 13 એપ્રિલ પહેલાં જ સિયાચીન ગ્લેશિયર પર કબજો કરી લેવાની તૈયારી શરૂ કરી. ભારતે સૌથી પહેલાં તો સિયાચીન ગ્લેશિયરની કાતિલ ઠંડી સામે ઝીંક ઝીલી શકે તેવી ટ્રેઈનિંગ સૈનિકોને આપવા માંડી. આ માટે સૈનિકોને એન્ટાર્કટિકા મોકલવામાં આવ્યા. એન્ટાર્કટિકા અને સિયાચીનનું વાતાવરણ સરખું જ છે તેથી ભારતના સૈનિકોને અહીં લશ્કરી ઑપરેશન હાથ ધરવાની તાલીમ અપાઈ કે જેથી પાકિસ્તાનના સૈનિકોના મુકાબલામાં ભારતીયો પાછા ના પડે.
ભારતે માર્ચની શરૂઆતમાં આ ઑપરેશનની શરૂઆત કરી. સૌથી પહેલાં તો કુમાઉં રેજીમેન્ટની આખી બટાલિયન અને લડાખ સ્કાઉટ્સનાં યુનિટોના સૈનિકોને પગપાળા ફુલ બેટલ પેક સાથે આ બરફીલી પહાડીઓમાં મોકલવામાં આવ્યા.
 
લેફ્ટનન્ટ કર્નલ ડી. કે. ખન્નાએ પાકિસ્તાનનાં રડારો પર ભારતીય વિમાનોની હિલચાલ નોંધાય નહીં એટલા માટે આ વ્યૂહરચના અપ્નાવવામાં આવી. આ સૈનિકો દિવસો લગી જોઝી લા પાસમાં ચાલતા રહ્યા ને છેવટે સિયાચીન ગ્લેશિયરમાં ગોઠવાઈ ગયા. સિયા લા, ગ્યોંગ લા અને બિલાફોન્ડ લા એ ત્રણ આ વિસ્તારમાં સૌથી ઊંચી ટેકરીઓ છે. મેજર આર. એસ. સંધુનું યુનિટ સિયાચીન ગ્લેશિયરમાં પોઝિશન લેનારું પહેલું યુનિટ હતું. એ પછી કેપ્ટન સંજય કુલકર્ણીના યુનિટે બિલાફોન્ડ લા પર કબજો કર્યો. કેપ્ટન પી. વી. યાદવે એ પછી સિલતોરો રિજની બાકીની ટેકરીઓ પર કબજો કરી લીધો. એ પછી ભારતીય એરફોર્સનાં વિમાનો દ્વારા એન્ટાર્કટિકામાં તાલીમ મેળવનારા ભારતીય સૈનિકોને સિયાચીન ગ્લેશિયરમાં ઉતારવામાં આવ્યા. એ પછી શસ્ત્રો, દારૂગોળો અને ખાવાની સામગ્રી મોટા પ્રમાણમાં ઉતારવામાં આવી. 13 એપ્રિલ સુધીમાં ભારતના 300 સૈનિકો આ બરફીલી ચોટીઓ પર કબજો જમાવી ચૂક્યા હતા.
 

opration meghdoot_1  
 
પાકિસ્તાનના લશ્કરને આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું છતાં પાકિસ્તાને આ ટેકરીઓ પર કબજો કરવા મરણિયા બનીને હુમલો કર્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ જંગ ખેલાયો. પાકિસ્તાનના સૈનિકો ઢોળાવ પર હતા તેથી તેમને ફાયદો હતો પણ ભારતે પૂરતી તૈયારી પહેલાંથી જ કરી રાખી હતી તેથી પાકિસ્તાન ફાવ્યું નહીં. બે દિવસ સુધી ચાલેલા જંગ પછી પાકિસ્તાને હથિયાર હેઠાં મૂકી દીધાં. પાકિસ્તાનના પચાસ સૈનિકો આ જંગમાં માર્યા ગયા હતા, જ્યારે ભારતે એક પણ સૈનિક નહોતો ગુમાવ્યો.
 
ઑપરેશન મેઘદૂત ભારતના ઇતિહાસનું એક યશસ્વી પ્રકરણ છે. ચાર વરસ પછી ભારતે આ પ્રકરણને વધારે યશસ્વી બનાવ્યું. એ વખત પરવેઝ મુશર્રફ પાકિસ્તાની લશ્કરમાં બ્રિગેડિયર જનરલ હતા. તેમણે આ વિસ્તાર પર કબજો કરવા જોરદાર હુમલા કર્યા અને શરૂઆતમાં સફળતા પણ મેળવી. એ વખતે પાકિસ્તાને 22143 ફૂટની ઊંચાઈએ કબજો કરી કૈદ પોસ્ટ બનાવી હતી. ભારતના બાનાસિંહ નામના જવાંમર્દે એ વખતે 1500 ફૂટની બરફીલી ચટ્ટાન પર ચડીને આ ચોકી પર હુમલો કર્યો અને પાકિસ્તાનના સૈનિકોને ત્યાંથી મારી હટાવી ત્યાં કબજો કર્યો.
 
આ ચોકી આજેય બાના પોસ્ટ તરીકે સિયાચીન ગ્લેશિયરમાં ઊંભી છે અને ભારતીય જવાનોની બહાદુરીની દાસ્તાન કહે છે.
 
 - રામપ્રસાદ શર્મા
 
 
દુનિયાનાં લશ્કરી ઓપરેશન । વાંચો - દુનિયાના અનેકવિધ અવિસ્મરણીય મિલીટરી ઑપરેશનની રોમાંચક કહાણી - આ શ્રેણીમાં અહીં દુનિયાના અનેકવિધ અવિસ્મરણીય મિલીટરી ઑપરેશનની રોમાંચક કહાણી પ્રસ્તુત થશે...