વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના સાર્થક : વિશ્ર્વભરમાં પહોંચી ભારતીય વેક્સિન India Covid vaccine

    ૦૧-માર્ચ-૨૦૨૧   
કુલ દૃશ્યો |

covid19 vaccine_1 &n
 
 
વિશ્ર્વના વિકસિત દેશો તમામ સંસાધનો હોવા છતાં પણ કોરોના (Corona) મહામારી સામે લડવામાં અસહાય સાબિત થઈ રહ્યા છે, ત્યારે ભારતના તબીબો અને વૈજ્ઞાનિકોએ બે-બે સ્વદેશી વેક્સિન (India Covid vaccine) ‘કોવિશિલ્ડ’ (Covishield) અને ‘કોવેક્સિન’ (Covaxin) બનાવી વિશ્ર્વને વધુ એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. આજે સમગ્ર વિશ્ર્વ ભારતની આ સફળતાને બિરદાવી રહ્યું છે, એટલું જ નહીં ભારત વિશ્ર્વભરના દેશોને કોરોના વેક્સિન પૂરી પાડી વસુધૈવ કુટુંબકમ્ની પોતાની સનાતન પરંપરાનો પરિચય આપી રહ્યું છે. આવો, જોઈએ કે ભારતે કેટલા દેશોને વેક્સિન (India Covid vaccine) પૂરી પાડીને સ્વાસ્થ્ય સુરક્ષા આપી છે અને હજુ કેટલા દેશો ભારત તરફ મીટ માંડીને બેઠા છે.
 
 
ગયા વર્ષે ફેલાયેલી કોરોના (Corona) મહામારી હજુ આજે પણ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. પરંતુ એક સધિયારો એવો છે કે ભારતે આ રોગની વેક્સિન શોધી લીધી છે અને લોકોને અપાઈ પણ રહી છે. ભારતે ૧૬ જાન્યુઆરીથી વિશ્ર્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. દેશમાં માત્ર ૨૧ દિવસમાં ૫૦ લાખથી વધારે કોરોના વોરિયર્સને વેક્સિન આપી દેવાઈ છે. આમ કોરોના વેક્સિન (vaccine) આપવાની ૫૦ લાખમાં ભારત, અમેરિકા, યુ.કે. અને ઇઝરાયલની ક્લબમાં સામેલ થઈ ગયું છે. હકીકત તો એ છે કે આ ત્રણ દેશો કરતાં ૫૦ લાખ વ્યક્તિઓને રસી આપવામાં ભારતનો નંબર પ્રથમ છે. આ સિદ્ધિઓએ કોવિડ-૧૯ મુક્ત ભારત માટેનો માર્ગ મોકળો કર્યો છે. આ ઉપરાંત માત્ર ૧૦ જ મહિનામાં સ્વદેશી રસી તૈયાર કરવી એ આત્મનિર્ભર બનવા માટેની ભારતની કટિબદ્ધતા સૂચવે છે. મહત્ત્વની વાત એ છે કે આ વેક્સિન ખૂબ જ સસ્તી અને અસરકારક છે. વિશ્ર્વના લોકો તેનાથી પ્રભાવિત થયા છે અને ભારતે વિશ્ર્વ સ્વાસ્થ્યની ચિંતા કરતાં તેને વિશ્ર્વના જુદા જુદા દેશોમાં મોકલવાની પહેલ પણ કરી છે. વિશ્ર્વ માટેના આ કપરા સમયમાં ભારત દેશવાસીઓની સાથે સાથે પડોશી, મિત્ર અને તેના વિરોધી દેશોને પણ કોવિડ-૧૯ (Covid19) ની રસી (vaccine) ઓ પૂરી પાડી રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધી ભારત (India) દ્વારા મિત્ર દેશોને ૫૬ લાખ જેટલા કોરોના વેક્સિન (vaccine) ના ડોઝ મદદરૂપે પૂરા પાડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલય મુજબ ૧૫થી વધુ દેશોને ભારતે વેક્સિન પૂરી પાડી છે તથા ૯૨થી વધુ દેશો હજુ વેક્સિન માટે રાહ જોઈ રહ્યા છે. ભારત ખૂબ જ જલદી વિશ્ર્વના એ દેશોને પણ વેક્સિન પૂરી પાડી વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના સાર્થક કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતે ભૂતાન, માલદિવ્સ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાંમાર, મોરેશિયસ, સેશેલ્સ, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત, બ્રાઝિલ, મોરક્કો, બહેરીન, ઓમાન, કુવૈત, મિશ્ર, અફઘાન, અલ્જીરિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોને આ વેક્સિન (vaccine) સહાયતારૂપે પૂરી પાડી છે.
 

ભારત બન્યું વિશ્ર્વની આશા | India can supply potential Covid-19 vaccines to the world

 
ભારતમાં બનાવવામાં આવેલી બન્ને કોરોના વેક્સિન વિશ્ર્વમાં સૌથી સસ્તી છે. એટલું જ નહીં તેને ખૂબ સરળતાથી સ્ટોર પણ કરી શકાય છે. માટે વિશ્ર્વમાં ભારતમાં નિર્મિત કોરોના વેક્સિન (India Covid vaccine) ની ઘણી વધારે માંગ છે. ઉલ્લેખનીય છે કે રસીની બાબતમાં ભારતનો અનુભવ ખૂબ જૂનો છે. વિશ્ર્વની ૬૦ ટકા રસી ભારતમાં જ બને છે. ભારત પાસે દર વર્ષે બાળકો અને ગર્ભવતી મહિલાઓને ૬૫ કરોડ રસી આપવાનો અનુભવ છે અને એટલે જ અનુભવી ભારત પર વિશ્ર્વની આશા છે. રસી શોધનારા દેશોમાં ભારત અગ્રણી છે. વિશ્ર્વના ૨૮ દેશોમાં એડલમેન ટ્રસ્ટ બેરોમીટરનો સર્વેક્ષણ રિપોર્ટ જોઈએ તો ૮૦ ટકાથી વધુ ભારતીયોને સ્વદેશી રસી પર ભરોસો છે. બ્રિટનમાં ૬૬ ટકા, જર્મનીમાં ૬૨ ટકા, અમેરિકામાં ૫૯ ટકા અને રશિયામાં ૪૦ ટકા લોકોને જ પોતાના દેશની રસી પર ભરોસો છે. સ્વદેશી રસી પ્રત્યે ભારતીયોના આ ભરોસાનું કારણ વૈજ્ઞાનિકોનું સામર્થ્ય છે.
 

વિજ્ઞાન અને ટેક્નિક બન્યાં આધાર | Technology, Science and Indian Covid vaccine

 
વિજ્ઞાન અને શોધ-સંશોધન વગર વિશ્ર્વ થંભી જાય છે. દેશની ટોચની નેતાગીરીનો આ જ વિચાર કોરોના સામેની લડાઈનો મુખ્ય આધાર બની. કોરોના સામે લડવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શૂન્યમાંથી ઊભું કરવાનું હોય કે લોકડાઉનમાં સામાન્ય લોકોની સમસ્યા દૂર કરવા માટે ગરીબ કલ્યાણ પેકેજ અને અન્ય આર્થિક સહાયતા પહોંચાડવાની હોય કે પછી રસી શોધવાનું સામર્થ્ય, કેન્દ્ર સરકારે વિજ્ઞાન અને ટેક્નિકને જ સૌથી મોટો આધાર બનાવ્યો.
 

covid19 vaccine_1 &n 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) એપ્રિલ મહિનામાં દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવન અને નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી. કે. પોલના વડપણ હેઠળ ટાસ્ક ફોર્સ રચ્યુ હતું. તેનું કામ વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરીને સલાહ આપવાનું હતું, જેથી રસીની શોધને પ્રોત્સાહન મળે. ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાને વધુ એક પહેલ કરીને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડ્મિનિસ્ટ્રેશન ફોર કોવિડ-૧૯ (NEGVAC) ની રચના કરી. રસીને મંજૂરી મળી તે પહેલાં જ આ જૂથે તેનો સંગ્રહ, કોલ્ડ ચેઈન, ખરીદ પ્રક્રિયા માટેનું માળખું તૈયાર કરી લીધું હતું, જેનાથી રસીની અસરકારકતા સુનિશ્ર્ચિત કરી શકાય અને લોકો સુધી રસી કઈ રીતે પહોંચાડી શકાય તેનો નિર્ણય લઈ શકાય. જુલાઈના અંતમાં વડાપ્રધાને પ્રાથમિકતાના આધારે રસી પૂરી પાડવાનું સૂચન કર્યું હતું. પીએમ કેર્સ ફન્ડ અને આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પણ મદદ પૂરી પાડવામાં આવી હતી.
 
આજે દેશના વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને પ્રજાસેવક નેતૃત્વને કારણે ખૂબ જ ઝડપથી કોરોના વેક્સિન તૈયાર થઈ ગઈ છે. એ ગૌરવની વાત છે. આવો જોઈએ કયા કયા દેશને વેક્સિન પહોંચી અને તેમનો પ્રતિભાવ શું રહ્યો.
 

ભૂતાન : પ્રધાનમંત્રી લોતે જાતે જ વેક્સિન સ્વીકારવા આવ્યા | Bhutan and Covid vaccine

 
ભૂતાન (Bhutan) માં ભારતમાંથી મોકલવામાં આવેલી વેક્સિનના ૧.૫ લાખ ડોઝ સ્વીકારવા પ્રધાનમંત્રી લોતે શેરિંગ પોતે આવ્યા હતા. તેઓએ સોશિયલ મીડિયા પર આ અંગેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત અગાઉ પણ ભૂતાનને મહામારીના આ સમયમાં લગભગ ૨ કરોડ ૮૯ લાખ રૂપિયાની કોરોનાથી સુરક્ષા પૂરી પાડતી સાધનસામગ્રી પૂરી પાડી ચૂક્યું છે. આ ઉપરાંત ભારત વંદે ભારત મિશન હેઠળ વિવિધ દેશોમાં ફસાયેલા બે લાખ જેટલા ભૂતાની નાગરિકોને તેમના દેશમાં સુરક્ષિત પહોંચાડી ચૂક્યું છે.
 

માલદિવ્સ - એક લાખ ડોઝ મેળવી થયું ગદ્ગદ | Maldives Covid Vaccine

 
ભારતે માલદિવ્સ (Maldives) ને પણ કોરોના વેક્સિનના એક લાખ ડોઝ મોકલ્યા છે. ભારતની આ મદદથી માલદિવ્સના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ગદ્ગદ થઈ ગયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો, એટલું જ નહીં માલદિવ્સના રાષ્ટપતિ ઇબ્રાહિમ મોહંમદ સોલિહે ભારતમાં તૈયાર થયેલી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ભારતમાં નિર્મિત રસી પર સંપૂર્ણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુનામી હોય કે ૧૯૮૮નો સૈન્યવિદ્રોહ કે જળસંકટ દરેક વખતે ભારત માલદિવ્સની પડખે રહ્યું હતું.
 

શ્રીલંકા - ૫ લાખ વેક્સિનની મદદ | Sri lanka Indian Vaccine

 
ભારતે તેના વચન પ્રમાણે શ્રીલંકા ( Sri lanka ) ને પણ ભેટસ્વરૂપે કોરોના વેક્સિનના પાંચ લાખ ડોઝ મોકલ્યા હતા. ભારત તરફથી કટોકટીના સમયે આ પ્રકારની સહાય મા બાદ શ્રીલંકાના રાષ્ટપતિ રાજપક્ષેએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેઓ પણ વેક્સિનનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર જાતે આવ્યા હતા. વેક્સિન મા બાદ શ્રીલંકા દ્વારા દેશમાં મોટાપાયે વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરી છે અને વિવિધ હોસ્પિટલોમાં કર્મચારીઓને વેક્સિન લગાવવામાં આવી રહી છે.
 

covid19 vaccine_1 &n 
 

નેપાળ - દસ લાખ વેક્સિનની મદદ | Nepal and Indian Vaccine

 
કોરોના વાઈરસની મહામારીમાં ભારત તેના પડોશી મિત્ર નેપાળની પડખે રહ્યું છે અને ખુલ્લા હૃદયથી મદદ કરી રહ્યું છે. ભારતે નેપાળને ૧૦ લાખ વેક્સિનના ડોઝની મદદ કરી છે. અહીં મહત્ત્વની વાત એ છે કે નેપાળે તાજેતરમાં જ ચીનની વેક્સિનના પ્રભાવ પર શંકા કરી હતી. જ્યારે ભારતમાં બનેલી વેક્સિનને ખુલ્લા દિલે સ્વીકારી છે, એટલું જ નહીં, ભારતની આ દરિયાદિલી માટે નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્માએ પણ ભારતની પ્રશંસા કરી હતી.
 

બાંગ્લાદેશ : ૨૦ લાખ વેક્સિનની મદદ | Bangladesh and Indian Vaccine

 
ભારતના રણનૈતિક રીતે મહત્ત્વના સાથી એવા પાડોશી દેશ બાંગ્લાદેશને ભારતે ભેટસ્વરૂપે ૨૦ લાખ વેક્સિન ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત ભારતે બાંગ્લાદેશને ત્રણ કરોડથી વધારે વેક્સિન પૂરી પાડવાનું વચન પણ આપ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ પુણેમાં તૈયાર થયેલ કોવિશિલ્ડ વેક્સિન બાંગ્લાદેશને મોકલવામાં આવી હતી. આ અગાઉ ચીને બાંગ્લાદેશને વેક્સિનની વાત કરી હતી, પરંતુ પરીક્ષણ પાછળ જે ખર્ચ થયો હતો તે બાંગ્લાદેશ પાસે માંગતાં બાંગ્લાદેશે ભારતીય વેક્સિનની પસંદગી કરી હતી.
 

મ્યાંમાર : ૧૫ લાખ વેક્સિનની મદદ | Myanmar Indian Vaccine

 
ભારતે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થયેલ કોવિશિલ્ડ વેક્સિનના ૧૫ લાખ ડોઝ મ્યાંમારને મોકલ્યા હતા. મ્યાંમાર ભારતનું પરંપરાગત મિત્ર છે. હાલમાં અહીં ચાલતી રાજકીય ઊથલપાથલમાં પણ ભારતે મ્યાંમારને કોવિડ માટેની શક્ય તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે. ઉપરાંત કોરોના દરમિયાન પણ ભારતે મ્યાંમારને અનેક પ્રકારની મદદ કરી હતી.
બ્રાઝિલના રાષ્ટપતિએ હનુમાનજીની તસવીર ટ્વિટ કરી આભાર વ્યક્ત કર્યો
 
ભારતે કોવિશિલ્ડની ૨૦ લાખ રસી બ્રાઝિલને મોકલી છે. ભારતની આ મદદ અને દરિયાદિલી પર બ્રાઝિલ આફરીન પોકારી ગયું હતું. ભારત દ્વારા થયેલી મદદથી ભાવવિભોર થતાં બ્રાઝિલના રાષ્ટપતિ જેયર બોલસોનારોએ ભગવાન શ્રી હનુમાનજીની સંજીવની પર્વતવાળી તસવીર ટ્વિટ કરી ભારતનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, વૈશ્ર્વિક અવરોધોને દૂર કરવાના પ્રયાસોમાં ભારત જેવા મહાન ભાગીદાર મેળવીને બ્રાઝિલ ખુદને ભાગ્યશાળી અનુભવી રહ્યું છે.
 

ડોમિનિકાના પ્રધાનમંત્રી ખુદ રસી ઉતારી થયા ભાવુક

 
ભારત પાસેથી કોરોના વેક્સિન મેળવ્યા બાદ ડોમિનિકન ગણરાજ્યના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિસ્ટે ભારતના ભરપૂર પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે આ દ્વીપીય દેશને કોરોના વેક્સિનના ૩૫,૦૦૦ ડોઝ મોકલ્યા છે. આ કારણે ત્યાંની ૭૨,૦૦૦ વસ્તી પૈકીના અડધા લોકોના જીવનની રક્ષા થઈ શકશે. વડાપ્રધાન રૂઝવેલ્ટ એટલા તો ભાવુક થઈ ગયા હતા કે, તેઓ જાતે જ વેક્સિન ઉતારવામાં મદદ કરવા પહોંચી ગયા હતા.
 

કેનેડાએ માંગી મદદ - ભારતે આપ્યું શક્ય એટલી તમામ મદદનું વચન

 
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કેનેડા કનેક્શનના અહેવાલો છતાં પણ ભારતે મોટું મન રાખી કોરોના મહામારીમાં હર સંભવ મદદ કરવા અને કોરોના વેક્સિન પૂરી પાડવાના વચનથી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો પણ પ્રભાવિત થઈ ગયા હતા. તેઓએ ભારત પાસે ૨૦ મિલિયન જેટલી કોરોના વેક્સિનની મદદ માંગી હતી, જેના જવાબમાં ભારતે પણ કેનેડાને શક્ય એટલી તમામ મદદ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત ભારત ભૌગોલિક તથા આર્થિક રીતે નાના દેશોની પણ કોરોના મહામારીમાં ભરપૂર મદદ કરી રહ્યું છે. ભારત ભવિષ્યમાં ઓમાનને ૧ લાખ CARICONM (કેરેબિયન દેશો) દેશોને પાંચ લાખથી વધુ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી છે.
 

WHOથી માંડી મહાસત્તા અમેરિકા ભારત પર ઓળઘોળ

 
વિશ્ર્વને કોરોના વાઈરસ સામેની લડતમાં મજબૂત બનાવવા માટે અને કોરોનાથી મુક્તિ અપાવવા ભારત દ્વારા થયેલા પ્રયાસોથી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનથી માંડી મહાસત્તા અમેરિકા પણ ખાસ્સું પ્રભાવિત છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેંશક Tedros Adhanomએ ટ્વિટ કરી. વિશ્ર્વની કોવિડ મહામારી સામેની લડાઈમાં સતત મદદ કરવા માટે ભારતની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, જો આપણે આ રીતે એકબીજાની મદદ કરતા રહીશું તો આ વાઈરસને હરાવી દઈશું અને લાખો લોકોના જીવ બચાવી શકીશું.
 

covid19 vaccine_1 &n 
 
ઉપરાંત વૈશ્ર્વિક મહામારીના આ સમયમાં ભારત દ્વારા વિશ્ર્વના દેશોમાં કોરોના વેક્સિન અને અન્ય મદદ પહોંચાડી રહ્યું છે. તેની નોંધ અમેરિકાએ પણ લીધી છે. જો બાઈડન પ્રશાસને દક્ષિણ એશિયાના અનેક દેશોને વેક્સિન પૂરી પાડવાને લઈ ભારતની ભરપૂર પ્રશંસા કરી છે અને ભારતને પોતાનું એક સાચું મિત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે, ભારત વૈશ્ર્વિક સમુદાયની મદદ માટે પોતાના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી વિશ્ર્વની મદદ કરી રહ્યું છે તે પ્રશંસાને પાત્ર છે. અમેરિકા વૈશ્ર્વિક સ્વાસ્થ્યમાં ભારતની આ ભૂમિકાની સરાહના કરે છે.
 

ચીનમાં બનેલી વેક્સિન સામે વિશ્ર્વભરમાં પ્રશ્ર્નાર્થો

 
કોરોના વાઈરસ સામેના જંગ માટે ચીન દ્વારા પણ બે વેક્સિન બનાવી હોવાનો દાવો થઈ રહ્યો છે. સિનોવેક અને સિનોફાર્મ નામની કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ રસી ચીન સિવાય તુર્કી સહિતના અનેક દેશોમાં વેચાઈ રહી છે. શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની વેક્સિન કોરોના સામે ૭૮ ટકા કારગર છે, પરંતુ બાદમાં બ્રાઝિલમાં થયેલ પરીક્ષણમાં આ દાવાની પોલ ખૂલી ગઈ અને આ રસી માત્ર ૫૦.૩૮ ટકા જ કારગર હોવાનું સાબિત થતાં ચીનથી રસી મંગાવનારા દેશોએ ચીનની રસી અંગે સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે. આટલું ઓછું હોય તેમ ચીનમાં લોકોએ કોરોનાની નકલી વેક્સિન બનાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ અહીંના જિયાંગસૂ, બીજીંગ અને શાનડોગમાં ૮૦થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે ૩૦૦૦થી વધુ નકલી કોરોના વેક્સિન બનાવી ચૂક્યા છે. લોકોના ડરનો ફાયદો ઉઠાવી આ લોકો વેક્સિનના નામે ઇન્જેક્શનમાં મીઠાનું પાણી ભરીને વેચતા હતા.
 

કોરોના વેક્સિન સામે ફતવો

 
એક તરફ કોરોના વેક્સિન મેળવવા માટે વિશ્ર્વભરમાં પડાપડી મચી છે ત્યાં વિશ્ર્વભરનાં અને વિશેષ કરીને ભારતના કેટલાક કટ્ટરવાદીઓ વેક્સિન લગાવવાને લઈને મુસ્લિમ સમાજમાં ભય ફેલાવી રહ્યા છે. મુંબઈ રઝા એકેડમી સહિત ભારતના અનેક મુસ્લિમ સંગઠનોએ કોરોના વેક્સિનમાં સૂઅરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું કહી જ્યાં સુધી વેક્સિનને મુસ્લિમ વિદ્વાનો દ્વારા હલાલનું સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી મુસ્લિમોએ રસી લેવી નહિ તેવો ફતવો બહાર પાડ્યો હતો. જો કે આ કટ્ટરવાદીઓના દાવાની હવા ત્યારે નીકળી ગઈ જ્યારે સંયુક્ત આરબ અમીરાતની સર્વોચ્ચ ઇસ્લામિક સંસ્થા સંયુક્ત આરબ અમીરાત ફતવા પરિષદે જાહેર કર્યું છે કે કોરોના વેક્સિન લેવામાં કાંઈ જ વાંધો નથી. જો તેમાં સૂઅરની ચરબી હોય તો પણ વેક્સિન ઇન્જેક્શન દ્વારા સીધી જ શરીરમાં જશે. સૂઅરની ચરબી મોં દ્વારા અંદર જવાની નથી માટે વેક્સિન લેવામાં કાંઈ જ ખોટું નથી.
 

ઉપસંહાર

 
ભારતે કોરોના મહામારી દરમિયાન તો અનેક નાના મોટા દેશોને સહાય કરી હતી, પરંતુ વેક્સિન આવ્યા બાદ પણ ભારત સૌના સ્વાસ્થ્યની ચિંતા કરી વેક્સિન પહોંચાડી રહ્યું છે. ભારતની આ ભાવનાની હાલમાં વિશ્ર્વસ્તરે પ્રશંસા થઈ રહી છે. ભારતની દૃઢ ઇચ્છાશક્તિ અને ૧૦૨ વર્ષ પહેલાં ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ઝીણવટભર્યા પરીક્ષણથી તૈયાર કરેલા વ્યૂહે એવી સ્થિતિ સર્જી કે સમગ્ર વિશ્ર્વ અચંબિત છે. પહેલાં લોકોના જીવનના રક્ષણનો સંકલ્પ અને પછી આર્થિક ગતિને વેગ આપવાની રણનીતિ બાદ હવે રસીની અપેક્ષા ફળીભૂત કર્યા બાદ કોરોના સામેની ભારતની લડાઈ તેના નિર્ણાયક પડાવ પર પહોંચી ગઈ છે. ભારત વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાથી ચાલતો દેશ છે. અર્થાત્ સમગ્ર વિશ્ર્વ એક પરિવાર છે અને સમગ્ર વિશ્ર્વના લોકો પોતાના જ બંધુઓ છે. જ્યારે જ્યારે વિશ્ર્વના કોઈ પણ દેશના લોકો મુશ્કેલીમાં હોય ત્યારે ભારત તેની સહાયમાં ચોક્કસ આવ્યું છે. વેક્સિન સંદર્ભે વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના સાર્થક કરી સૌને મદદ કરી છે ત્યારે સાધના ભારતના સબળ અને સક્ષમ નેતૃત્વને, કોરોના વોરિયર્સ, વેક્સિનના સંશોધનકર્તાઓ અને નિષ્ણાતો સહિત સૌને અભિનંદન પાઠવે છે અને સમગ્ર વિશ્ર્વને સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપે છે.