જ્ઞાનપિપાસુ | ગુરુજીની આ વાતથી શિષ્યને તેના પ્રશ્ર્નનો જવાબ મળી ગયો

    ૨૪-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Motivational Story_1 
 
 
 
Motivational Story  | એક ગુરુના બે શિષ્યો હતા, જેમાંનો એક ભણવામાં ખૂબ જ હોશિયાર, જ્યારે બીજો કમજોર હતો. પરિણામે પહેલા શિષ્યને દરેક જગ્યાએ પ્રશંસા અને સન્માન મળતું, જ્યારે બીજા શિષ્યની દરેક જગ્યાએ ઉપેક્ષા થતી. એક દિવસ બીજો શિષ્ય અકળાઈને ગુરુજી પાસે પહોંચ્યો અને કહ્યું, ‘ગુરુજી, તમે મારી સાથે અન્યાય કરી રહ્યા છો, હું એ શિષ્યની પહેલાંથી જ તમારી પાસે શિક્ષણ મેળવી રહ્યો છું. તેમ છતાં તમે એને મારાથી વધારે શિક્ષણ આપ્યું છે.’
 
ગુરુજી થોડો સમય મૌન રહ્યા બાદ બોલ્યા, ‘ચાલ, તને એક વાર્તા સંભળાવું. એક યાત્રી ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં તેને તરસ લાગી. થોડું શોધતાં તેને એક કૂવો મો, પરંતુ કૂવા પર ઘડો તો હતો, પરંતુ દોરડું ન હતું માટે તે આગળ નીકળી ગયો. થોડા સમય બાદ એ જ કૂવા પર અન્ય એક તરસ્યો યાત્રી આવ્યો. તેણે ઘડો જોયો, પરંતુ દોરડું તો હતું નહીં, તેણે આજુબાજુ નજર દોડાવી. કૂવાની બાજુમાં જ મોટું મોટું ઘાસ ઊગ્યું હતું. તેણે તે ઘાસ ઉખેડી દોરડું વણવાનું શરૂ કરી દીધું. થોડાક જ સમયમાં દોરડું તૈયાર થઈ ગયું. જેના વડે તેણે કૂવામાંથી પાણી ખેંચી પોતાની તરસ છિપાવી. ’ હવે તું મને જવાબ આપ, તરસ કયા યાત્રીને વધારે લાગી હતી ? શિષ્યએ જવાબ આપ્યો બીજા નંબરના યાત્રીને.
 
ગુરુજીએ કહ્યું, તરસ બીજા નંબરના યાત્રીને વધારે લાગી હતી એવું આપણે એટલા માટે કહી શકીએ, કારણ કે તેણે તરસ છિપાવવા મહેનત કરી. તેવી જ રીતે તારા સહપાઠીમાં જ્ઞાન મેળવવાની તલબ છે, જેને છિપાવવા તે સતત મહેનત કરતો રહે છે. જ્યારે તું એટલી મહેનત કરતો નથી. ગુરુજીની આ વાતથી શિષ્યને તેના પ્રશ્ર્નનો જવાબ મળી ગયો હતો.