નિરીક્ષણનું મહત્ત્વ | કોઇ પણ કામ વિચારીને કેમ કરવું જોઇએ?

    ૩૦-માર્ચ-૨૦૨૧   
કુલ દૃશ્યો |

pathey prasang_1 &nb
 
 
એક શેઠ હતા. એમના ઘરે અને દુકાને કામ કરવા એક રામો રાખેલો હતો. એક દિવસ શેઠાણી પિયર જઈને આવેલાં, તેમની સાથે તેમનો ભાઈ પણ આવેલો. બપોરે જમતી વખતે શેઠાણીએ શેઠને કહ્યું કે, આ રામાને આપણે વધારે પગાર આપીએ છીએ તેના કરતાં મારા ભાઈને રાખી લો તો આપેલો પગાર પણ ઘરનો ઘરમાં જ રહે અને પારકા માણસની ઓશિયાળ પણ નહીં.
 
શેઠે કહ્યું, સાંજે વિચાર કરીને નિર્ણય કરીએ.
 
શેઠાણી કહે, એમાં વિચાર શું કરવાનો? મારોભાઈ મારી સાથે જ આવ્યો છે અને એ આપણું બધું કામ કરવા રાજી છે. શેઠ કહે છતાં સાંજે વિચાર કરીને જોઈએ છીએ.
 
સાંજે જમીને શેઠ અને શેઠાણી હિંચકે બેઠાં હતાં ત્યાં શેઠે તેમના સાળાને કહ્યું, મહેમાન, આપણા ઘર પાછળના વાડામાં એક કૂતરી વિયાણી છે, જરા નજર કરતા આવોને. સાળાજી ગયા અને આવીને કહ્યું, સાચી વાત છે. કૂતરી વિયાણી છે.
 
શેઠ કહે, કેટલાં બચ્ચાં છે ? સાળાજી હમણાં જોઈ આવું કહી જોવા ગયા, આવીને કહે, છ બચ્ચાં છે.’ શેઠે ફરી પૂછ્યું, કૂતરા કેટલા અને કૂતરીઓ કેટલી છે? ફરી સાળાજી જોઈને આવ્યા અને કહ્યું, ચાર કૂતરા અને બે કૂતરીઓ છે.
 
શેઠે સાળાજીને પાસે બેસાડ્યા અને રામુને બોલાવ્યો. રામુને કહ્યું, રામુ, આપણા ઘર પાછળના વાડામાં કૂતરી વિયાણી છે, જરા નજર કરી આવતો. ‘રામુ હા શેઠ, કહી જોવા ગયો. આવીને કહ્યું, શેઠ, કૂતરી વિયાણી છે અને છ બચ્ચાં છે, જેમાંથી બે કૂતરી અને ચાર કૂતરા છે, ત્રણ કાબરચીતરાં અને બે કાળાં બચ્ચા છે. એક ધોળું બચ્ચું છે. કાલથી શીરો કરીને ખવડાવવો પડશે, કેમ કે કૂતરી બીમાર છે અને કદાચ તે મરી જશે. શેઠ કહે, સારું હવે સૂઈ જાઓ.
 
રાત્રે સૂતાં સૂતાં શેઠે શેઠાણીને પૂછ્યું, રામુને રાખવો છે કે તારા ભાઈને ? શેઠાણી કહે, રામુ જ બરાબર છે.
 
વાર્તાનો સાર એટલો જ છે કે, ધ્યાન દઈને અવલોકન-નિરીક્ષણ કરવામાં આવે અને તેનું મનન કરી વિચારીને નિર્ણય લેવામાં આવે તો નિર્ણય અને તેનાથી થતું કાર્ય બન્ને સુપેરે સિદ્ધ થાય.