૧૬ સંસ્કાર એટલે શું? હિન્દુ ધર્મમાં શું છે તેનું મહત્વ? સંપૂર્ણ લેખ

    03-Jan-2022   
કુલ દૃશ્યો |
16 sanskar
 
 

મનુષ્ય જીવનની સાર્થકયાત્રા - સોળ સંસ્કાર । 16 Sanskar

 
 
‘સંસ્કાર’ શબ્દથી આપણે સારી રીતે પરિચિત છીએ જ. સામાન્ય રીતે ‘સંસ્કાર’, ‘કુસંસ્કાર’ જેવા શબ્દો આપણને સાંભળવા મળે છે. આપણે પણ આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. સંસ્કાર શબ્દ આવે છે. સમ + કૃ પરથી. ‘સમ’ અર્થાત્ યોગ્ય કે સારું અને કૃ અર્થાત્ કરવું. સમગ્ર શબ્દનો અર્થ થાય છે – ‘યોગ્ય બનાવવું’, ‘સારું કરવું’. ‘સંસ્કાર’ શબ્દનો અર્થ ઘણો જ ગહન અને વિસ્તૃત છે. આ શબ્દ દ્વારા આપણા મનમાં જે અર્થ અભિપ્રેત થાય છે, તે મુખ્યત્વે ‘રીતભાત’, ‘વર્તણૂક’ કે ‘ટેવ’ એવો થાય છે. ‘સંસ્કાર’, ‘કુસંસ્કાર’ આ શબ્દોથી તો આપણે પરિચિત પણ છીએ. આપણે સોળ સંસ્કારનો પણ ઉલ્લેખ ઘણીવાર સાંભળ્યો છે. આવો આજે આ સોળ સંસ્કારને જાણીએ…
 
સોળ સંસ્કારો માટે વ્યાસ સ્મૃતિમાં એક શ્લોક છે –
 
गर्भाधानं पुसवनं सीमन्तो जातकर्म च नामक्रिया
निष्क्रमणो अन्नप्राशनं वपनाक्रिया ।
कर्णवधो व्रतोदेशो वेदारंभक्रियाविधिः केशान्तः स्नानमुद्धोहो
विवाहग्नि परिग्रहः प्रेताग्निसंग्रहश्ये ति संस्कारोः षोडशः स्मृताः ॥
 
 
(૧) ગર્ભાધાન (૨) પુંસવન (૩) સીમંતોન્નયન (૪) જાતકર્મ (૫) નામકરણ (૬) નિષ્ક્રમણ (૭) અન્નપ્રાશન (૮) ચૌલકર્મ (૯) કર્ણવેધ (૧૦) ઉપનયન (૧૧) વેદારંભ (૧૨) સમાવર્તન (૧૩) લગ્ન (૧૪) વાનપ્રસ્થ (૧૫) સંન્યસ્ત (૧૬) અંત્યેષ્ટિ.
 
 


16 sanskar
 
 
(૧) ગર્ભાધાન । માતાપિતા બનનારાં દંપતીના શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને તૈયાર કરનારા સંસ્કાર એટલે જ ગર્ભાધાન સંસ્કાર.
 
 
દાંપત્યજીવનનો એક ઉદ્દેશ્ય શ્રેષ્ઠ સંતતિ ઉત્પન્ન કરવાનો છે. સામાન્યતઃ સંતાન માતાપિતા જેવા જ બને એવી ધારણા છે, પરંતુ આપણી સંસ્કૃતિમાં આપણું સંતાન અને આપણાથી પણ શ્રેષ્ઠ બને એવો પ્રયત્ન કરવાનો છે. સંતાનમાં માતાપિતાના દુર્ગુણો અને દોષોનો નાશ થઈ જાય અને સદ્ગુણોમાં વધારો થાય એ દૃષ્ટિથી દંપતી માતાપિતા બને તે પહેલાં એમના શરીર અને મનને તૈયાર કરવાનાં છે. માતાપિતા બનનારાં દંપતીના શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને તૈયાર કરનારા સંસ્કાર એટલે જ ગર્ભાધાન સંસ્કાર.
 
 
(૨) પુંસવન । સંતાનમાં પુરુષત્વ પ્રાપ્તિ માટે કરવામાં આવતું કાર્ય
 
 
ગર્ભધારણ નિશ્ચિત થયા પછી આ સંસ્કાર કરવામાં આવે છે. સર્વાંગી સ્વસ્થ માતાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન અર્થાત્ ગર્ભાધાન થયા પછી ગર્ભ ઉપર પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. જે રીતે ગર્ભાધાન સંસ્કાર કરવાથી સ્ત્રીના દોષ દૂર થઈને તે ગર્ભાધાન માટે યોગ્ય બને છે એ રીતે પુંસવન સંસ્કાર માતાના માધ્યમથી ગર્ભસ્થ બાળક ઉપર કરવાથી તે ગર્ભ પણ દોષરહિત બને છે અને અનિષ્ટોથી બચે છે. શાસ્ત્રોમાં ‘પુંસવન’ સંસ્કારના શાબ્દિક અર્થની વ્યાખ્યા કરતાં વિદ્વાનોએ સંતાનમાં પુરુષત્વ પ્રાપ્તિ માટે કરવામાં આવતું કાર્ય માન્યું છે.
 
 
(૩) સીમંતોન્નયન સંસ્કાર । બે ભાગોને જોડતી સીમાનું બંધારણ
 
 
શ્રીમંત નહીં, પરંતુ સીમંત સંસ્કાર છે. છઠ્ઠા મહિના સુધીમાં શિશુના બધા અંગો – પ્રભંગોનો વિકાસ થઈ જાય છે. માત્ર માથાના - બે ભાગનું જ બંધારણ બાકી રહે છે. આ બે ભાગોને જોડતી સીમાનું બંધારણ આ સમયે થાય છે. તેથી પણ આ સંસ્કારને સીમંતોન્નયન કહે છે.
 
 
(૪) જાતકર્મ સંસ્કાર । આ સંસ્કારમાં પ્રથમ વખત શિશુના મુખમાં શુદ્ધ ગાયનું ઘી અને મધ મૂકવામાં આવે છે
 
 
આ સંસ્કાર શિશુના જન્મ સમયે, નાળછેદન પહેલાં થાય છે. આ પહેલાં ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન સંસ્કાર થાય છે. આ સમયે શિશુ ગર્ભમાં હોય છે. આથી સંસ્કાર વિધિ માતા દ્વારા જ થાય છે. જાતકર્મ સંસ્કાર નવજાત શિશુ પર કરવામાં આવે છે. આ સંસ્કારમાં પ્રથમ વખત શિશુના મુખમાં શુદ્ધ ગાયનું ઘી અને મધ મૂકવામાં આવે છે. આ શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. આપણે તેને ગળથૂથી પણ કહીએ છીએ. આ સંસ્કારને મેધાજનન સંસ્કાર પણ કહે છે.
 
 
(૫) નામકરણ સંસ્કાર । બાળકના નામની પ્રતિષ્ઠા પણ એક સંસ્કાર
 
 
નામકરણ સંસ્કાર એટલે નવજાત શિશુનું નામ નિશ્ચિત કરવું. મનુષ્ય જન્મે છે ત્યારે તે પિંડ સ્વરૂપ જન્મે છે. તેનું કોઈ નામ હોતું નથી. નામનું મહત્ત્વ સ્વીકારીને પૂર્વજોએ એને સંસ્કારની શ્રેણીમાં રાખ્યું. વ્યક્તિનું નામ એની સાથે જીવનપર્યંત રહે છે. ખરેખર તો તે મૃત્યુ પછી પણ વર્ષો સુધી અને ક્યારેક સદીઓ સુધી રહે છે. જેમ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા એક હિન્દુ ધાર્મિક સંસ્કાર છે, તે જ રીતે બાળકના નામની પ્રતિષ્ઠા પણ એક સંસ્કાર છે. સામાજિક વ્યવહારમાં એકબીજાની ઓળખ માટે નામની આવશ્યકતા છે. નિશ્ચિત સંબોધન કરી શકાય એ માટે નામકરણ આવશ્યક છે. બાળકની છઠ્ઠી કરવી એટલે આ સંસ્કારની વિધિ કરવી…
 
 
(૬) નિષ્ક્રમણ સંસ્કાર । બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જઈને પ્રકૃતિની નિર્દોષતાનો અનુભવ કરાવવાનો સમય
 
 
નિષ્ક્રમણ એટલે બાળકને પ્રથમવાર કુમારાગારની બહાર લઈ જવું. જન્મ પછી બાળક કુમારાગારમાં જ રહે છે. આ સમયે નવજાત બાળક ઊંઘવાની અને દૂધ પીવાની આવશ્યક પ્રક્રિયા કરે છે. બાકીની દુનિયાની કોઈ સમજ નથી. એને હાથપગ હલાવતાં કે રમતાં આવડતું નથી. નવજાત બાળક ૨૨ કલાક ઊંઘે છે. આ સમયે બાળકનો તીવ્ર ગતિથી વિકાસ થાય છે. આથી એક મહિના સુધી બાળકને કુમારાગારમાં રાખવામાં આવે છે. આયુર્વેદમાં ‘સુતીકાગાર’ (મેટરનિટી વોર્ડ) અને ‘કુમારાગાર’ (પેડિયાટિક વોર્ડ)નાં વર્ણનો છે. આથી કહેવાય છે કે સગાં-સંબંધીઓએ પણ બાળકને જોવા એક મહિના પછી આવવું જોઈએ. આથી નિષ્ક્રમણ સંસ્કાર સમયે જ બધા સગાં સંબંધીઓએ એકત્ર થવું જોઈએ. નવજાત બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જઈને પ્રકૃતિની નિર્દોષતાનો અનુભવ કરાવવાની દૃષ્ટિએ આ સંસ્કાર કરવામાં આવે છે.
 
 
(૭) અન્નપ્રાશન સંસ્કાર । નવજાત બાળકને પ્રથમ વાર અન્નગ્રહણ કરાવવામાં આવે, એ પ્રક્રિયાને અન્નપ્રાશન સંસ્કાર કહે છે.
 
 
અન્ન મનુષ્યશરી૨ના નિર્વાહનું અનિવાર્ય તત્ત્વ છે. નવજાત બાળકને પ્રથમ વાર અન્નગ્રહણ કરાવવામાં આવે, એ પ્રક્રિયાને અન્નપ્રાશન સંસ્કાર કહે છે. જન્મ પછી છઠ્ઠા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રમાં અન્નને બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે. ‘अन्न एवं ब्रह्म’, ‘જૈસા અન્ન, વૈસા મન,’ આવાં સૂત્રો દ્વારા અન્નનું મહત્ત્વ સમજાય છે. અન્ન ખાવાની પ્રક્રિયાને આપણે ભોજન કહીએ છીએ. ભોજન આપણે માટે સંસ્કાર છે. અન્ન માત્ર શરીરનિર્વાહ માટે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ વિચારોનું સર્જન પણ કરે છે. જેવું ભોજન તેવા વિચાર, જેવા વિચાર તેવું કાર્ય. આથી આપણે ત્યાં અન્ન ગ્રહણ કરવાની પ્રક્રિયાને પણ સંસ્કાર કહે છે.
 
 
(૮) કર્ણવેધ સંસ્કાર । જન્મ પછી એક વર્ષ બાદ કાન વીંધવાની પ્રક્રિયા
 
 
આપણે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામ અને અન્ય રાજાઓના ચિત્રો જોઈએ છીએ ત્યારે એમના કાનમાં કુંડળ અવશ્ય જોવા મળે છે. આ રીતે સ્ત્રીઓના કાનમાં પણ સુંદર આભુષણ જોવા મળે છે. વર્તમાનમાં પણ મહારાષ્ટ્ર, રાજસ્તાન જેવા રાજ્યોમાં પુરુષો પણ કાન વીંધાવે છે. જન્મ પછી એક વર્ષ બાદ કાન વીંધવાની પ્રક્રિયાને કર્ણવેધ સંસ્કાર કહે છે.
 
 
(૯) ચૌલકર્મ સંસ્કાર । બાળકની પહેલીવાર મુંડન કરવાની પ્રક્રિયા
 
 
ચૌલ સંસ્કારને ચૂડાકરમ સંસ્કાર પણ કહે છે. ચૂડા એટલે માથાના વાળનો સમૂહ. બાળકના જન્મ પછી માથાના બધા વાળ પ્રથમ વખત દૂર કરવામાં આવે છે. આ રીતે મુંડન કરવાની પ્રક્રિયાને ચૌલ સંસ્કાર કહે છે. આયુર્વેદ મતાનુસાર આ સંસ્કાર ત્રીજા વર્ષે કરવામાં આવે છે. વર્તમાનમાં પણ આ સંસ્કાર પ્રચલિત છે. એ માટે મુંડન કરાવવું કે વાળ ઉતારવા જેવા શબ્દો પ્રચલિત છે.
 
 
(૧૦) ઉપનયન સંસ્કાર । હવે બાળક ગુરૂ પાસે જાય છે…
 
 
ભારતીય જીવનપદ્ધતિમાં જ્ઞાનની પ્રધાનતાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉપનો અર્થ છે પાસે અને નયનનો અર્થ છે લઈ જવું. આમ ઉપનયનનો શાબ્દિક અર્થ થાય છે પાસે કે નજીક લઈ જવું. ઉપનયન એટલે વિદ્યાર્થીને ગુરુ પાસે લઈ જવો. અત્યાર સુધી બાળકનો વિકાસ માતા-પિતા અને પરિવારમાં થયો. હવે બાકીનું ઘડતર ગુરુ દ્વારા આધ્યાત્મિક સ્તર પર થાય છે. બાળકની સુષુપ્ત આધ્યાત્મિક શક્તિઓને સુનિશ્ચિત દિશામાં લઈ જવાનું કાર્ય ગુરુ કરે છે. આ સંસ્કાર સાત વર્ષની વયે કરવામાં આવે છે.
 
 
(૧૧) વેદારંભ સંસ્કાર । શિષ્યના વિકાસની દિશા નિશ્ચિત થાય છે
 
 
ઉપનયન સંસ્કાર પછી ગુરુ શિષ્યને આશ્રમમાં લઈ જઈ ત્રણ દિવસ પોતાની પાસે રાખતા હતા. શિષ્ય ગુરુનો અંતેવાસી કહેવાતો હતો. ગુરુની નજીક રહેવાથી ગુરુ, શિષ્યના વ્યક્તિત્ત્વને સારી રીતે ઓળખે છે. શિષ્યના વિકાસની દિશા નિશ્ચિત કરવામાં આવે છે. ખરેખર, શિષ્યના સત્ત્વગુણનું ઉત્થાન, રજોગુણનું નિયંત્રણ અને તમોગુણનું વિસર્જન કરવાનું કાર્ય ગુરુ કરતા હતા.
 
 
(૧૨) સમાવર્તન સંસ્કાર । ગુરુના આશ્રમમાંથી સ્વગૃહે જતી વખતે ‘સમાવર્તન સંસ્કાર’ થતા હતા
 
 
શિષ્ય ગુરુકુળમાં ચાર વેદોનું અધ્યયન કરતો હતો. ચાર વેદોમાંથી એક વેદમાં નિષ્ણાત બનવાનું, બાકીના ત્રણ વેદોનું થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું હતું. પ્રથમ બાર વર્ષમાં એક વેદનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું. બાકીના વર્ષોમાં અન્ય ત્રણ વેદ તથા વિવિધ ધર્મશાસ્ત્રોનું અધ્યયન થતું હતું. આ રીતે ૨૫ વર્ષ પૂરાં કરીને શિષ્ય ગુરુના આશ્રમમાંથી સ્વગૃહે આવતો હતો. પછી તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતો હતો. ગુરુના આશ્રમમાંથી સ્વગૃહે જતી વખતે ‘સમાવર્તન સંસ્કાર’ થતા હતા. એને દીક્ષાંત સંસ્કાર પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં પણ કૉલેજ અભ્યાસ પૂર્ણ કર્યા પછી પ્રમાણપત્ર વિતરણ માટે પદવીદાન સમારંભ થાય છે, પરંતુ પદવીદાન સમારંભ અને સમાવર્તન સંસ્કારમાં ઘણો ફેર છે. સમાવર્તન સંસ્કાર એટલે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે ગુરુ દ્વારા આપવામાં આવતી દીક્ષા છે. સ્નાતક એટલે શિષ્ય પોતાના દુર્ગુણ સ્વરૂપ બધી મિલનતા ધોઈને શુદ્ધ કરવી.
 
 
(૧૩) લગ્ન સંસ્કાર । વિવાહ સામાજિક ઉત્તરદાયિત્વ છે
 
 
વિવાહનો અર્થ થાય છે વિશેષ રુપે વહન કરવું. સ્ત્રીપુરુષ સ્વેચ્છાએ પરસ્પર જોડાય છે. પુરુષ પ્રેમપૂર્વક સ્ત્રીને પોતાને ત્યાં લઈ જઈને એની જવાબદારી સંભાળે છે. આ પ્રક્રિયાને ‘વિવાહ સંસ્કાર’ કહે છે. વિવાહ સામાજિક ઉત્તરદાયિત્વ છે. વિવાહ દ્વારા સંતાનોત્પત્તિ કરવી અને સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખવાની નૈસર્ગિક પ્રક્રિયા એટલે વિવાહ સંસ્કાર.
 
 
(૧૪) વાનપ્રસ્થ સંસ્કાર । ૫૦ વર્ષ પૂર્ણ થતાં વાનપ્રસ્થ આશ્રમનો પ્રારંભ થાય છે
 
 
૨૫ વર્ષનો ગૃહસ્થાશ્રમ પછી ૫૦ વર્ષ પૂર્ણ થતાં વાનપ્રસ્થ આશ્રમનો પ્રારંભ થાય છે. આ સમય દરમિયાન મધુરતા, કામેચ્છાપૂર્તિ, આનંદ-પ્રમોદ, બાળકોનું નિર્માણ કર્યા પછી પચાસમાં વર્ષે વાનપ્રસ્થ સંસ્કારના માધ્યમથી જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવે છે.
 
 
(૧૫) સંન્યસ્ત સંસ્કાર । સેવાકાર્ય કરવાનો સમય
 
 
વાનપ્રસ્થ જીવનમાં સેવાકાર્ય કરવાથી જીવન નિરોગી બને છે અને શરીર પાતળું દેખાય છે. શ્રી પાંડુરંગ દાદાએ કહ્યું છે કે, “જીવનના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા પછી માત્ર ઉંમરમાં વૃદ્ધિ થઈ હોય, જ્ઞાનમાં નહીં, જે મનુષ્યનું આ પ્રકારનું જીવન છે તે પશુ સમાન છે. વાસના છોડીને વસુદેવમાં નહીં જોડાય, એનું જીવન વ્યર્થ છે.’
 
 
(૧૬) અંત્યેષ્ટિ સંસ્કાર । જીવનનો અંતિમ અધ્યાય
 
 
મૃત્યુ શબ્દ સંસારના મનુષ્યોને ડરાવતો શબ્દ છે, પરંતુ મૃત્યુ અમંગળ નથી. શ્રીમદ્ ભગવદ્ગીતામાં બતાવ્યું છે કે સર્વના સંહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારા જન્મની ઉત્પત્તિનું કારણ હું (સ્વયં ભગવાન) છું. હિંદુઓના જીવનનો અંતિમ સંસ્કાર અંત્યેષ્ટી છે, જેની સાથે એના આ ઐહિક જીવનનો અંતિમ અધ્યાય પૂરો થાય છે.
 
 
 
સંદર્ભ - મનુષ્યજીવનની સાર્થકયાત્રા - સોળસંસ્કાર