સમગ્ર વિશ્ર્વને ભારતને લઈ સાચી જાણકારી આપવાનો શ્રેષ્ઠ અવસર - જે. નંદકુમારજી

આપણે વિચારવું રહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામનાં ઇતિહાસને લઈ આપણી પેઢીઓને શું ભણાવ્યું અને શું ભણાવાઈ રહ્યું છે. ભારતમાં જે ઇતિહાસ ભણાવાઈ રહ્યો છે શું તે ખરેખર સાચો છે કે પછી અર્ધસત્ય કે ભ્રમ.

    08-Mar-2022   
કુલ દૃશ્યો |
 
j nandakumar Shree Guruji Vyakhyan Mala
 
 

શ્રી ગુરુજી વ્યાખ્યાન માળા | Shree Guruji Vyakhyan Mala । સ્વાધીનતાના ૭૫ વર્ષ - સ્થિતિ, સિદ્ધિ અને સંકલ્પ

 
 
તા. ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ માધવ સ્મૃતિન્યાસ-કર્ણાવતી દ્વારા કર્ણાવતીના ઇન્કમટેક્ષ સ્થિત દિનેશ હોલમાં શ્રી ગુરુજી વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાધીનતાથી સ્વાતંત્ર્ય સંગ્રામનાં ૭૫ વર્ષ સ્થિતિ, સિદ્ધિ અને સંકલ્પ વિષય પર પ્રજ્ઞાપ્રવાહના રાષ્ટ્રીય સંયોજક શ્રી જે. નંદકુમારજી ( J Nandakumar ) દ્વારા જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપવામાં આવ્યાં હતાં. પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ...
 
 
વ્યાખ્યાન માળાના પ્રથમ દિવસે વક્તા શ્રી જે. નંદકુમારજીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સ્વાધીનતાથી સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ સ્થિતિ, સિદ્ધિ અને સંકલ્પ આ પ્રકારનાં એક મહત્ત્વપૂર્ણ વિષયની ચર્ચા સમગ્ર ભારતમાં ચાલી રહી છે, પરંતુ હકીકતમાં આ વિષયની ચર્ચા પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતે ૨૦૧૯ના નાગપુરના વિજયાદશમી કાર્યક્રમમાં કરી હતી. તેઓશ્રીએ પોતાના બૌદ્ધિકમાં સામાજિક પરિવર્તન માટે એક સ્વકેન્દ્રિત વિચારની જરૂરિયાત હોવાની વાત પર ભાર મૂક્યો હતો. તેના પછીના વર્ષે એટલે કે ૨૦૨૦માં આ વિચારને આગળ વધારતાં તેઓએ આ ‘સ્વ’ એટલે શું? તેને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આ ‘સ્વ’ એ જ હિન્દુત્વ છે અને તે આપણા મહાન ભારતનો આત્મા છે. તેઓએ હિન્દુત્વને ભારતનો પ્રાણ ગણાવી તે સ્વ ને આધારે ભારતના ઇતિહાસને પ્રસ્તુત કરવા અને મૂલવવા જણાવ્યું હતું. આમ આપણી આજની આ ચર્ચાના વિષયનો દિશાનિર્દેંશ પણ તેઓેએ બે વર્ષ પહેલાંના તેમના બૌદ્ધિકમાં આપી દીધો હતો. ભારત તેની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ભારતનાં સ્વતંત્રતતા આંદોલનના ઇતિહાસને ‘સ્વ’ના આધારે મૂલવવાનો આ યોગ્ય અવસર છે.
 
 
સમગ્ર વિશ્ર્વને ભારતને લઈ સાચી જાણકારી આપવાનો શ્રેષ્ઠ અવસર
 
 
શ્રી જે નંદકુમારજીએ જણાવ્યું હતું કે, થોડાક મહિના પહેલાં ભારતની જાણીતી ઇન્સ્ટિટ્યૂશન ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર) દ્વારા સ્વાધીનતાના સ્વતંત્રતા સંગ્રામનાં ૭૫ વર્ષ નિમિત્તે એક કાર્યક્રમ અંતર્ગત વિશ્ર્વના કેટલાક પસંદ કરાયેલ યુવાઓને ભારતનાં મહાનગરો અને ગામડાંઓની યાત્રા કરાવવામાં આવી. ત્યાર બાદ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં તેમને થયેલા અનુભવને આધારે પૂછવામાં આવ્યું કે, તમારા મતે ભારતની સ્વાધીનતાના સ્વતંત્રતા સંગ્રામના ૭૫ વર્ષ નિમિત્તે શું કરવું જોઈએ અને આ નિમિત્તે તમે ભારત પાસે શી અપેક્ષા રાખો છો ? તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમાં જમૈકાથી આવેલ એક યુવતીએ કહ્યું કે, હકિકતમાં આ અવસર ભારતના સાચા ઇતિહાસ અને ભારત અંગેની સાચી જાણકારી વિશ્ર્વ સમક્ષ પહોંચાડવાનો શ્રેષ્ઠ અવસર છે. આ અવસરનો ઉપયોગ તમે (ભારત) કેવી રીતે કરો છે તે ભારત માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. એટલે કે આ યુવતીને પણ પોતાના અનુભવોને આધારે એવું લાગ્યું કે, ભારત વિશ્ર્વ સમક્ષ પોતાનો સાચો ઇતિહાસ રજૂ કરી શક્યું નથી.
 
આપણે વિચારવું રહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામનાં ઇતિહાસને લઈ આપણી પેઢીઓને શું ભણાવ્યું અને શું ભણાવાઈ રહ્યું છે. ભારતમાં જે ઇતિહાસ ભણાવાઈ રહ્યો છે શું તે ખરેખર સાચો છે કે પછી અર્ધસત્ય કે ભ્રમ. જમૈકાથી આવેલ એક વિદેશી યુવતીને પણ આપણી શિક્ષણપદ્ધતિ પર શંકા થાય તે શું સૂચવે છે ?
 
વિદેશી ઇતિહાસકારોનો નેરેટિવ (વિમર્શ)
 
આપણા સ્વતંત્રતા સંગ્રામનો જે દોષ અને ભ્રમણાયુક્ત ઇતિહાસ આપણી શાળા-મહાશાળાઓમાં ભણાવાઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છેકે આપણે વિદેશી ઇતિહાસકારો દ્વારા લખવામાં આવેલા નેરેટિવને જ આપણો ઇતિહાસ માની લીધો છે.
આપણને ભણાવવામાં આવે છે કે ભારતના સ્વાતંત્રતાના આંદોલન પાછળ રાજકીય પ્રેરણા હતી, પરંતુ શું માત્ર રાજકીય સત્તા માટે જ આ આખી ક્રાંતિ થઈ હતી ? વિદેશી ઇતિહાસકારો દ્વારા બીજો વિમર્શ એવો ઊભો કરવામાં આવ્યો છે કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ માત્ર એક કાલખંડ પૂરતો જ મર્યાદિત હતો અને ભારતમાં અંગ્રેજો આવ્યા બાદ ભારતીય જનમાનસ શિક્ષિત બન્યું. ત્યાર બાદ જ ભારતીયોમાં સ્વતંત્ર થવાનો બોધ થયો હતો. એક વિમર્શ એવો પણ ચલાવવામાં આવ્યો છે કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ માત્ર ઉત્તર ભારતમાં એટલે કે તથાકથિત આર્યાવર્ત પૂરતો જ મર્યાદિત હતો અને એમાં પણ અંગ્રેજીમાં શિક્ષણ લેનારા ભારતના ભદ્ર સુવર્ણ પુરુષોએ જ તેનું નેતૃત્વ કર્યું હતું. આમ વિદેશી ઇતિહાસકારોએ ખૂબ જ ચાલાકીભર્યા ષડયંત્રપૂર્વક ભારતના સ્વતંત્રતા સંગ્રામને આર્યો, અનાર્યો, સ્ત્રી-પુરુષ, શિક્ષિત-અશિક્ષિત, દલિત-સવર્ણો વચ્ચે વિભાજિત કરી દીધો છે.
 
ઇતિહાસના પુનઃ લેખનના પ્રયાસો અને રાજકારણ
 
શ્રી જે. નંદકુમારજીએ આગળ જણાવ્યું હતું કે એવું નથી કે આપણે ત્યાં તથ્યપૂર્વક અને સાચો ઇતિહાસ લખવાના પ્રયત્નો થયા જ નથી. જદુનાથ સરકાર, આર. સી. મજુમદાર કે. પણીકરજી જેવા રાષ્ટ્રીય વિચારથી પ્રેરિત ઇતિહાસકારોએ આ પ્રકારના પ્રયત્નો જરૂર કર્યા છે, પરંતુ આજે પણ આવા રાષ્ટ્રવાદી લોકો દ્વારા લખાયેલ સાચો ઇતિહાસ પાઠ્યક્રમોમાં ભણાવવામાં આવતો નથી.
 
ભારતને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે ભારતના ઇતિહાસને, સ્વતંત્રતાના સંગ્રામના ઇતિહાસને યોગ્ય રીતે લખવાની માંગણી થઈ. કારણ કે ૧૯૪૭માં સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસનું નેતૃત્વ કરનારા અનેક લોકો જીવિત હતા માટે તેના ઇતિહાસનું તટસ્થ પૃથક્કરણ કરવું આસાન હતું. ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર આર. સી. મજુમદારને તેનું કામ સોંપવામાં આવ્યું. તેઓએ સ્વતંત્રતા ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓ બની હતી તે સ્થાનો પર રૂબરૂ જઈ સંશોધનપૂર્વક ઇતિહાસ લખવાનું શરૂ કર્યું, પરંતુ આશ્ર્ચર્યજનક રીતે થોડાક જ સમયમાં આર. સી. મજુમદાર સમિતિને ભંગ કરી દેવામાં આવી. કહેવાય છે કે આર. સી. મજુમદારના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસનો ડ્રાફ્ટ તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ અને ભારતના સંસ્કૃતિ તેમજ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને પસંદ આવ્યો ન હતો. કારણ કે આર. સી. મજમુદારે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન થયેલા ખિલાફત આંદોલનની ટીકા કરી હતી. એટલું જ નહીં. તેઓએ ગાંધીજી સહિત કોંગ્રેસી નેતાઓ દ્વારા ખિલાફત આંદોલનને જાહેર કરાયેલ સમર્થનની ટીકા કરી કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના મૂળિયાં કાપનાર આંદોલનને સમજવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા.
 
સ્વાભાવિક રીતે જ મૌલાના અબુલ કલામને આ વાત ન જ ગમે કારણ કે તેઓ ખુદ ખિલાફત આંદોલનના નેતા રહ્યા હતા. અને મુસ્લિમ લીગ કટ્ટરતાપૂર્વક મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નથી કરી રહી હોવાનું કહી લીગમાંથી રાજીનામું આપી ખિલાફત આંદોલનમાં જોડાઈ ગયા હતા. આમ તેમના દબાણથી નેહરુએ મજુમદાર કમિટીને ભંગ કરી બીજી કમિટી રચી દીધી અને એ પણ કોના નેતૃત્વ હેઠળ તે જાણવા જેવું છે. ઈરાનના એલચી રહી ચૂકેલા તારાચંદ નામના એક કટ્ટર સામ્યવાદીની અધ્યક્ષતામાં નવી સમિતિ રચી દીધી. પરિણામે અંગ્રેજો દ્વારા લખવામાં આવેલ સ્વતંત્રતાના ઇતિહાસનું પરિવર્તન ઓછુ અને પુનરાવર્તન વધુ થયું. અફસોસ એ વાતનો છે કે એ જ ઇતિહાસ આજે પણ આપણી પેઢી ભણી રહી છે.
 
અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ મિલનો પક્ષપાતી ઇતિહાસ
 
અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ મિલ દ્વારા હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા નામે ભારતનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. મોટાભાગના સામ્યવાદીઓ આ ઇતિહાસને જ પ્રમાણભૂત માને છે અને કહે છે કે જેમ્સ મિલ જ છે, જેણે આપણને ઇતિહાસ લખવાનું શીખવ્યું છે, પરંતુ અંગ્રેજોએ ઇતિહાસ કેમ લખ્યો ? સ્વામી વિવેકાનંદજીએ ૧૨૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે અંગ્રેજો દ્વારા ભારતનો ઇતિહાસ ભારતીયોને કમજોર, પછાત સાબિત કરવા આપણા પરાજય અને પતન માત્રનો જ ઇતિહાસ લખ્યો છે.
આપણા તથાકથિત ઇતિહાસકારો કહે છે કે, જેમ્સ મિલ ન હોત તો ભારતનો સાચો ઇતિહાસ જ ન લખાત, પરંતુ જેમ્સ મિલનું ભારતવિરોધી વલણ અને વિશેષ કરીને હિન્દુ દ્વેષ જગજાહેર છે. માટે જ તેઓએ ઇતિહાસમાં માત્ર હિન્દુ ધર્મના પછાતપણા ને રૂઢિચુસ્તતાને વધારી ચડાવીને રજૂ કર્યાં છે. તેણે હિન્દુ રાજાઓના પતન અને પરાજયને જ ઉલ્લેખ કર્યો છે. જેમ્સ મિલ કહે છે કે હું ભારતનો ઇતિહાસ લખવા માટે સર્વથા યોગ્ય છું, કારણ કે હું ક્યારેય ભારત ગયો નથી અને મને ભારતની કોઈ ભાષાનું પણ જ્ઞાન નથી. કોઈ દેશને જાણ્યા સમજ્યા વિના અને તેની ભાષાના જ્ઞાન વગર તેના ઇતિહાસ કેવી રીતે લખી શકાય ? છતાં પણ આપણા તથાકથિત ઇતિહાસકારો એ તેમના જ ભ્રમ અને દ્વવેશભાવ પૂર્ણ ઇતિહાસને આખરી માની તેનું પુનરાવર્તન કરતા આવ્યા છે.ત્યારે સ્વતંત્રતાના ઇતિહાસનાં ૭૫ વર્ષની ઉજવણી ત્યારે જ સાર્થક થશે જ્યારે ભારતીય સ્વતંત્રતાના ઇતિહાસને લઈ ચાલી આવતા આ સામ્યવાદી વિમર્શમાંથી ભારતના ઇતિહાસને મુક્તિ મળશે.
 
સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ
 
ભારતીય સ્વતંત્રતાનો સંગ્રામ ક્યારે શરૂ થયો, ક્યાં ક્યાં શરૂ થયો કેટલો સમય ચાલ્યો ? તે અંગે પણ સામ્યવાદી ઇતિહાસકારોએ માત્ર ભ્રમ ફેલાવ્યો છે. હકીકતમાં જ્યારથી પશ્ર્ચિમી સભ્યતાઓ ભારતમાં આવી ત્યારથી જ આ સંગ્રામ ચાલુ થઈ ગયો હતો, કારણ કે ત્યારે પણ ભારતનાં લોકોમાં સ્વની ભાવના હતી જ અને એ જ સ્વની ભાવનાએ તત્કાલીન ભારતે પોતાની માતૃભૂમિની રક્ષામુક્તિ માટે સંઘર્ષ કરવાની પ્રેરણા આપી હતી. સામ્યવાદી ઇતિહાસકારો કહે છે કે અંગ્રેજો પહેલાં ભારત એક રાષ્ટ્ર હતું જ નહીં. તેમના આવ્યા બાદ ભારત એક દેશ બન્યો હતો. પરંતુ હકીકતમાં ભારતને એક રાષ્ટ્ર તરીકેનું સંબોધન છેક વેદકાળમાં પણ જોવા મળે છે.
 
માત્ર વેપાર જ નહીં તેનાથી પણ વિશેષ હતું પશ્ર્ચિમી સભ્યતાઓનું ભારતમાં આગમન
 
આપણે ત્યાં એ પ્રકારનો વિચાર દૃઢ થઈ ગયો છે કે, વિદેશીઓ ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યાર બાદ તેઓએ ભારત પર અધિકાર કરી લીધો, પરંતુ આ વાત પણ અર્ધસત્ય જ છે. કારણ કે પશ્ર્ચિમી સભ્યતા-તાકાતોનો ભારત આગમનનો ઉદ્દેશ્ય વેપારથી પણ વિશેષ ઈસાઈયતના પ્રસારનો હતો. ૧૪૯૮માં વાસ્કો-દ-ગામા ભારત-કેરલના કાલિકટ બંદરે લાવ લશ્કર સાથે પાદરીઓને પણ લઈને આવ્યો હતો. હવે વેપાર કરવા માટે ધર્મગુરુઓનું શું કામ ? આની પાછળ પણ એક ઘટના-આદેશ છે. ૧૪૯૪માં ૭મી જૂનના રોજ સ્પેનના ટોર્ડિકલ્સ શહેરમાં ઈસાઈ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપની અધ્યક્ષતામાં તે સમયનાં બે શક્તિશાળી ઈસાઈ સામ્રાજ્ય સ્પેન અને પોર્ટુગલ વચ્ચે સત્તાનો સંઘર્ષ ટાળવા ટોડિકલટ્રીટી નામે સમજૂતી કરાવવામાં આવી જે અંતર્ગત સ્પેન અને પોર્ટુગલને ઈસ્ટ અને વેસ્ટ એમ બે અલગ અલગ દિશાઓમાં વહેંચાઈ જઈ પોતાના સામ્રાજ્ય અને ઈસાઈયતનો વિસ્તાર કરવાનું આહ્વાહન કરવામાં આવ્યું. એડવર્ડ એન્ડ્રુસ નામના આફ્રિકન ઈસાઈ પ્રચારકના પુસ્તક ક્રિશ્ચન મિશન ફોર કોલોનિયન એમ્બેર્સ રિકં સિંડર ઈસાઈ મિશનરીઓને ઔપનિવેશક આક્રમણ માટે નિકળેલી કટ્ટરતાથી અંધ વૈચારિક આઘાત સેના ગણાવી છે. પશ્ર્ચિમી ઔપનિવેશિક તાકાતોનો ભારતમાં આવવાનો આશય પણ એ જ હતો. તેના જ ભાગરૂપે ૧૪૯૮માં વાસ્કો-દ-ગામા કેરલનાં કાલિકટ બંદરે પહોંચ્યો હતો ત્યારે શરૂઆતમાં તો ત્યાંના જમુરિન નામના રાજાએ આવકાર્યો, પરંતુ તેના ઇરાદાઓની જાણ થતાં તેને પડકાર્યો હતો. ત્યારથી જ પશ્ર્ચિમી ઔપનિવેશિક તાકાતો સામેના સંઘર્ષનો પ્રારંભ થયો હતો. પરંતુ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં પોર્ટુગિઝો સાથેના સંઘર્ષનો ઉલ્લેખ કોઈ ખાસ જોવા મળતો નથી.
 
મહર્ષિ અરબિંદોની નજરમાં ભારતનો સ્વતંત્રતા સંગ્રામ
 
ભારતના સ્વતંત્રતા સંગ્રામનું મૂલ્યાંકન કરતાં સુપ્રસિદ્ધ ફિલોસોફર સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારી મહર્ષિ અરબિંદો કહે છે કે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ માત્ર રાજકીય નથી. તેનાથી વધુ આધ્યાત્મિક અને સૈદ્ધાંતિક છે. સત્તા પરિવર્તન માટે નહીં રાષ્ટ્રનાં પુનઃ નિર્માણ માટે છે. રાજનીતિ તો માત્ર તેનો એક ભાગ છે.
 
દક્ષિણના મહાન નેતા કટ્ટુવોમે (૧૭૯૯માં) આપણે આ ધરતીના પુત્રો છીએ માટે આપણી સ્વતંત્રતા માટે લડાઈ લડવી અને માતૃભૂમિ માટે આજીવન યુદ્ધ લડતા રહીશુંની હાકલ કરી હતી, તો ૧૯મી સદીના પ્રારંભમાં વેલ્લતંબિ દબાવાએ પશ્ર્ચિમી ઔપનિવેશિક તાકાતોને લોહી ચૂસનાર ચામાચીડિયા જેવા રક્તપિપાસુ ગણાવતાં કહ્યું હતું કે તેઓ અહીં મીઠાથી માંડી કપૂરના વ્યવસાયના નામે આપણું શોષણ કરી રહ્યા છે. તેમને વેપારની પરવાનગી આપણા મઠ-મંદિરોનો નાશ નોતરશે. આપણે આપણો ધર્મ બચાવવા યુદ્ધ કરવું જ પડશે. કિત્તુરની રાણી ચેન્નમ્માના સેનાનાયકે પણ માતૃભૂમિના રક્ષણ કાજે મૃત્યુ પામીશ તો પુનઃ જન્મ લઈ જ્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી લડવાની હાકલ કરી હતી. ઉત્તરાખંડની કુલીબગાર ચળવળ દરમિયાન પણ સરયૂ નદીનું જળ હાથમાં લઈ ૧૯૨૧માં ૪૦,૦૦૦ લોકોએ અંગ્રેજી સલ્તનતથી સ્વતંત્ર ન થવાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું પ્રણ લીધું હતું. આમ સ્વતંત્રતા સંગ્રામ અંગ્રેજીના આગમન બાદ જ શરૂ થયો હતો. માત્ર ઉત્તર ભારત પૂરતો જ ચોક્કસ વર્ણના લોકો તો નેતૃત્વમાં જ સ્વતંત્રતા સંગ્રામ ચાલ્યો હતો તે પ્રકારનો ઇતિહાસ ભ્રામક છે.
અંગ્રેજો જાણતા હતા કે ભારત પર રાજ કરવું હશે તો અહીંના ધર્મ, ઉદ્યોગ, કૃષિ, કલાનો પણ નાશ કરવો જરૂરી છે. માટે જ તેઓએ હરેક ક્ષેત્ર જે ભારતના સ્વ સાથે જોડાયેલ છે તેના પર આક્રમણ કર્યું છે. ફોરેસ્ટ એક્ટ લાવી વનવાસીઓના અધિકાર પર તરાપ મારી, ભારતીય મંદિરોમાં નૃત્યોને મહિલા વિરોધી ગણાવી મંદિરમાં થતાં નૃત્યોને પ્રતિબંધિત કર્યાં. કેરલના મોહિની નાટ્યમ્, મણિપુરી નૃત્ય પર પણ આવા આરોપ લગાવી પ્રતિબંધ લગાવ્યો. આવા જ આરોપ લગાવી નાટ્યગૃહો પર પણ પ્રતિબંધ લગાવ્યો. પરિણામે કલાકારોએ પણ તેમની સામે સંઘર્ષ કર્યો માટે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ માત્ર રાજકીય સ્તરે થયો છે એવું યોગ્ય નથી અને આ તમામ ક્ષેત્રે જે ક્રાંતિ સર્જાઈ તેમાં પ્રેરણાબિન્દુ સ્વ જ હતું એવું કહેવું વધારે પડતું પણ નથી. ત્યારે ભારતના સ્વતંત્રતાના ઇતિહાસના ૭૫ વર્ષની ઉજવણી ત્યારે જ સાર્થક થશે જ્યારે સ્વતંત્રતાના ઇતિહાસને લઈ ચાલી આવતા આ સામ્યવાદી વિમર્શના બદલે સાચો ઇતિહાસ વિશ્ર્વ સમક્ષ લઈ જવામાં આવશે.
 

j nandakumar Shree Guruji Vyakhyan Mala 
 
સ્વરાજ એટલે ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિ
 
વ્યાખ્યાન માળાના બીજા દિવસે શ્રી જે. નંદકુમારજીએ પોતાના પાથેયમાં કહ્યું હતું કે, મારે શું કરવું જોઈએ, શું પહેરવું જોઈએ અને કેવી રીતે રહેવું જોઈએ એ બધું કોઈ બીજો વ્યક્તિ નક્કી કરે તો તે પરિસ્થિતિ દુખદાયક હોય છે. આ બાબતો ત્યારે જ આનંદ આપે છે જ્યારે તે બધું આત્મવશ થાય છે અને તમામ લોકો આ પ્રકારની સ્વતંત્રતા, સ્વરાજ માટે સંઘર્ષ કરતા હોય છે. આગળ તેઓએ કહ્યું હતું કે, ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે સારી રીતે આચરણમાં લવાયેલ અન્ય ધર્મના ગુણ રહિત છતાં પણ પોતાનો ધર્મ અતિ ઉત્તમ છે. ખુદના ધર્મ માટે મૃત્યુ પણ કલ્યાણકારક છે. જ્યારે અન્યનો ધર્મ ભય આપનારો છે. સ્વતંત્રતાપ્રાપ્તિ માટેનો આપણો સંઘર્ષ પણ સ્વધર્મના પાલન માટેહતો. સ્વતંત્રતા સંગ્રામમાં જાણીતો બનેલ શબ્દ સ્વરાજની વ્યાખ્યા છેક વેદો ઉપનિષદોમાં પણ મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે સ્વરાજ એટલે ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિ અને આ સ્વરાજ શબ્દનું યોગ્ય પાલન કરનાર છત્રપતિ શિવાજી મહારાજ હતા. ૧૬૪૫માં દાદાજી નારદ પ્રભુ દેશપાંડેજીને લખેલા એક પત્રમાંતેમણે સ્વરાજને ઈશ્ર્વરીય દેન ગણાવતા લખ્યું હતું કે ભગવાને આપણને વિજય અપાવ્યો છે. આપણી હિન્દવી સ્વરાજની અભિલાષા પૂર્ણ કરવા ઈશ્ર્વર ખુદ મદદ કરશે, કારણ કે સ્વરાજ્યની સ્થાપનાએ ઈશ્ર્વરની ઇચ્છા છે.
 
લોકમાન્ય તિલકજીએ પણ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. એમ કહી સ્વરાજનો મહિમા કર્યો છે. મહાત્મા ગાંધીજીએ પણ સ્વરાજનું મહત્ત્વ સમજાવવા હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખી આ વિષયને ભારતીય સમાજ સમક્ષ મૂક્યો હતો.
વર્તમાન સમયમાં જ્યારે સ્વરાજ શબ્દ પર ચર્ચા ચાલી રહી છે તેને વ્યાપક દૃષ્ટિકોણને આધારે મૂલવવાની જરૂર છે. સ્વતંત્રતા સંગ્રામનાં ૭૫ વર્ષ થવા જઈ રહ્યાં છે ત્યારે આપણે સંપૂર્ણ સ્વરાજ મેળવી શક્યા છીએ તે અંગે પણ વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે. આ સંપૂર્ણ સ્વરાજ એટલે કે આપણા વિચાર, આપણી સત્તા, નિયમપાલન, કાયદામાં સ્વઆધારિત સ્વરાજની સ્થાપના એવો પણ છે.
 
જે. નંદકુમારજીએ કહ્યું હતું કે સ્વરાજનો અન્ય એક અર્થ આત્મનિર્ભરતા પણ થાય છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુથી માંડી તેમના પુત્રી ઇન્દિરા ગાંધી અને તેમના પૌત્ર રાજીવ ગાંધી દ્વારા પણ આત્મનિર્ભરતાની વાત કરવામાં આવી હતી. પરંતુ આત્મનિર્ભર ભારતનું એ લક્ષ્ય કેટલી માત્રામાં સાકાર થયું. એ ચર્ચાનો વિષય છે. જવાહરલાલ નેહરુથી માંડી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન અસફળ થવા પાછળ તેમની વિદેશી કોમ્યુનિસ્ટ વિચારધારા જવાબદાર છે એ પણ એક હકીકત છે.
 
ભારતની આત્મનિર્ભરતા ‘સ્વ’ના આધારે અને ‘સ્વ’ના પ્રકાશે જ આવવી જોઈએ
 
આત્મનિર્ભર ભારત કેવું હોવું જોઈએ એ અંગે વાત કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ. પૂ. સરસંઘચાલકજી કહે છે કે, આત્મનિર્ભર ભારત એ આપણી સામૂહિક ચેતનાઓ, આકાંક્ષાઓને રોશન કરનાર પ્રકાશ હોવો જોઈએ અને આપણા આત્મનિર્ભર ભારતના માર્ગને રોશન કરનારું તત્ત્વ સ્વ હોવું જોઈએ. ભૌતિક સ્તરે આપણા પ્રયાસો અને તેનાં ફળ ‘સ્વ’ના સિદ્ધાંત અનુસાર હોવાં જોઈએ. જો આમ થશે ત્યારે ને ત્યારે જ ભારત આત્મનિર્ભર ભારતને યોગ્ય બનશે. એટલે કેભારતની આત્મનિર્ભરતા ‘સ્વ’ના આધારે અને ‘સ્વ’ના પ્રકાશે જ આવવી જોઈએ.
 
સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા એક સિક્કાની બે બાજુ સમાન છે. સ્વતંત્રતા માના બાદ તરત જ તેને આ રીતે જોવાની જરૂર હતી. લોકમાન્ય તિલકજીએ આ અંગે સ્પષ્ટ કરતાં લખ્યું છે કે વેદકાળથીજ ભારત એક આત્મનિર્ભર અને મહાન સંગઠિત રાષ્ટ્ર હતું. પરંતુ ભારતની એકતા ખંડિત થતાં આપણે ધીરે ધીરે પતનના રસ્તે જતા ગયા ત્યારે આપણી એ શક્તિનું પુનઃ એકત્રીકરણ એ આપણા સૌની ફરજ છે.
 
ભારતની અર્થવ્યવસ્થાને લઈ કોમરેડ ભ્રમ
 
અહીં બીજી એક અન્ય વાત કરવી રહી છે કે, આપણી અર્થવ્યવસ્થાને લઈને તથાકથિત કોમરેડો દ્વારા ભ્રમ ફેલાવાતો આવ્યો છે કે ભારતની સંસ્કૃતિ જ તેને સાદું અને દરિદ્ર જીવન જીવવાનું શીખવે છે. પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. આપણી સંસ્કૃતિ અને ધર્મમાં અર્થને દેવતા માનીને પૂજવાની વાત કરવામાં આવી છે. લાભ-નફો એ ખોટું છે પાપ છે એવું આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી. અર્થશાસ્ત્રમાં કૌટિલ્યએ લાભને માનવીના સાહસનું ફળ ગણાવ્યું છે. એટલે કે સાહસ કરી આગળ વધવાની સલાહ આપી છે.
 
પરંતુ અફસોસ ! કોમરેડ વિચારધારાથી ગ્રસિત પંડિત જવાહરલાલે આપણી સંસ્કૃતિની એ વ્યવહારિક વાતોને નજરઅંદાજ કરી કોમરેડ વિચારધારા મુજબ જ ભારતીય અર્થ વ્યવસ્થાને આગળ વધારી. તેઓએ જે. આર. ડી. તાતા સાથેની એક મુલાકાતમાં એટલે સુધી કહ્યું હતું કે નફો-લાભ એ ખૂબ જ ગંદો શબ્દ છે. આમ તેમણે આપણા અર્થતંત્રને કોમ્યુનિસ્ટ વિચારધારાના પ્રભાવ હેઠળ ચલાવ્યું, જેનાં દુષ્પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ. રહી વાત ભારતની સમૃદ્ધિની તો ભારતમાં અંગ્રેજોના આગમન પહેલા અને એની પહેલા પણ આપણી અર્થવ્યવસ્થાની હાક વિશ્ર્વસ્તરે વાગતી હતી તે જગજાહેર છે. ૧૦૦૦ AD માં વિશ્ર્વવેપારમાં આપણી ભાગીદારી ૩૩ ટકા જેટલી હતી અને આ ભાગીદારી છેક અંગ્રેજોના આગમન પહેલાં સુધી જળવાઈ રહી હતી, પરંતુ અંગ્રેજોના આગમન અને શોષણને કારણે ૧૯૫૨ આવતાં આવતાં આપણી અર્થવ્યવસ્થા ૩.૮ ટકાએ આવી ગઈ. બ્રિટિશ હકૂમતે અત્યાર સુધી જેટલાં પણ નાના મોટા યુદ્ધ કે વિશ્ર્વયુદ્ધ લડ્યાં છે તે તમામ ભારતની સંપત્તિના જોરે જ લડ્યાં છે અને છેવટે ભારતને એક ગરીબ દેશ બનાવી છોડી ગયા.
 
જોકે આમ છતાં આપણી પાસે ઘણા પ્રાકૃતિક સ્રોત હતા. તેના જોરે પુનઃ એક સંપન્ન દેશ બની શકત, પરંતુ કમભાગ્યે આપણને એવું નેતૃત્વ જ ન મું અને લાભ-ફાયદા ને ગંદા શબ્દો ગણાવનારા શાસકો જ આપણને મા. છેક ૧૯૪૭થી ૧૯૯૦ સુધી ભારતની અર્થવ્યવસ્થા સામ્યવાદ સમાજવાદની રીતથી જ ચાલી, પરિણામે આપણા ઉદ્યોગો-કૃષિને માઠી અસર થઈ.
 
વિશ્ર્વને હાલ ભારતીય વિચારધારાની જરૂર
 
જળવાયુ, પરિવર્તન, આતંકવાદ જેવી વૈશ્ર્વિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરતાં જે. નંદકુમારજીએ જણાવ્યું હતું કે વિશ્ર્વને હાલ ભારતીય વિચારધારા, ધર્મની જરૂર છે. ઇસ્લામિક કટ્ટરવાદ સમગ્ર વિશ્ર્વને પોતાના ભરડામાં લઈ રહ્યો છે તો બીજી તરફ પ્રકૃતિના આડેધડ શોષણને કારણે પરિસ્થિતિ દિન-પ્રતિદિન વણસી રહી છે. આવું કેમ થઈ રહ્યું છે ? કારણ કે વિશ્ર્વ પાસે આ અંગેની સાચી દૃષ્ટિ, સાચા દર્શનનો અભાવ છે. ભારતીય પરંપરામાં પર્યાવરણ પ્રકૃતિને ખુદનો જ એક ભાગ ગણવાની વાત કરવામાં આવી છે. વાયુને પિતા, પૃથ્વીને માતા, અગ્નિને મિત્ર, તો આકાશને ભાઈ તરીકે જોવાની વાત ભર્તૃહરીજીએ આપણને શીખવી છે. જો આ ભારતીય વિચાર વિશ્ર્વ અપનાવી લે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એકઝાટકે દૂર થઈ જઈ શકે છે, પરંતુ અહીં શરૂઆત કોણ કરશે ? શરૂઆત તો ભારતે જ કરવી પડશે, કારણ કે અત્યાર સુધીના ભારતની મોટા ભાગની સત્તાઓએ કોમ્યુનિસ્ટ વિચારધારાથી પ્રભાવિત શાસન જ ચલાવ્યું છે અને આ વિચારધારાના સ્થાપક કાર્લ માર્ક્સ આ અંગે માનતા હતા, પ્રકૃતિ સાથે સંઘર્ષ કરો. પ્રકૃતિ પર વિજય મેળવો. આપણા સત્તાધારીઓએ પણ આ જ નીતિ અપનાવી, પરિણામે આ અંગે કોઈ વિશેષ કાર્ય થઈ શક્યું નથી.
 
પરંતુ છેલ્લાં સાતેક વર્ષથી ભારત હવે આ કોમ્યુનિસ્ટ પ્રભાવિત વિચારધારાથી મુક્ત થઈ રહ્યું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અનેક સ્તરે પ્રકૃતિના સંરક્ષણના વિચારને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે સ્વતંત્રતા સંગ્રામના ૭૫મા વર્ષે આપણે પ્રકૃતિ સાથે સંઘર્ષની નહીં, સંવર્ધનની નીતિ અપનાવી. વિશ્ર્વને તેના માટે પ્રેરિત કરવાનું છે.
 
સંરક્ષણ ક્ષેત્ર અને નેહરુ વિચારધારા
 
જે. નંદકુમારજીએ ભારતના સૈન્યની મજબૂતી અને આધુનીકરણ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નેહરુ ભારતનું પોતાનું સૈન્ય બનાવવાના પક્ષમાં નહતા. તેમની આ વિચારધારાને પરિણામે દાયકાઓ સુધી ભારતીય સૈન્યનું ન તો આધુનીકરણ થયું, ન તો સૈનિકોની સંખ્યામાં વધારો થયો કે, ન તો દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવાની કોઈ વિશેષ યોજના બની. એટલું જ નહીં. તેઓએ સામ્યવાદના પ્રભાવમાં અન્ય દેશો સાથે કૂટનૈતિક સંબંધો બાંધવાથી પણ અંતર જાળવ્યું હતું, જેનાં માઠાં પરિણામો આપણે ૧૯૬૨માં ભોગવવાં પડ્યાં હતાં. ૧૯૬૨માં ચીન સામેની આપણી નિષ્ફળતા માટે રાજનૈતિક કૂટનૈતિક જ નહીં. આર્થિક નિષ્ફળતા પણ જવાબદાર છે. કોઈપણ સૈન્યની ઘણીખરી શક્તિ તેની પાછળ ખર્ચાતા ધન પર નિર્ભર હોય છે, પરંતુ તે સમયે ભારતના સૈન્યના આધુનીકરણ મુદ્દે ધ્યાન જ આપવામાં આવ્યું ન હતું. ૧૯૬૨ વખતે આપણા દેશની સમગ્ર ઇકોનોમી માંડ ૪૪ બિલિયન ડોલર જ હતી, જ્યારે આજે આપણે ૩ ટ્રિલિયન ડોલરે પહોંચી ગયા છીએ. આ જ કારણે આપણે ગલવાનથી માંડી ડોકલામ સુધી ચીનના હરેક દુઃસાહસનો જવાબ આપવા સક્ષમ બન્યા છીએ.
 
ભારતના ‘સ્વ’ને ઉજાગર કરવાની જરૂર
 
ભારતીય સ્વાતંત્રતા સંગ્રામનાં ૭૫ વર્ષ નિમિત્તે ભારતના સ્વને શિક્ષણ મારફતે જન-જન સુધી પહોંચાડવાની વાત કરતાં જે. નંદકુમારજીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે આપણે લાંબા સમય સુધી રડ્યા છીએ. હવે વધારે રડવાનું નથી. પૌરુષત્વપૂર્વક ખુદના પગ પર ઊભા થાઓ. આ પ્રકારના માનવ-નિર્માણના સિદ્ધાંતની આપણને જરૂર છે. માનવ-નિર્માણના સર્વાંગીણ શિક્ષણની આપણને જરૂર છે. ત્યારે આપણે વિચારવું રહ્યું કે આપણે આપણા એટલે કે ભારતના સ્વને શિક્ષણ મારફતે, સંસ્કૃતિના માધ્યમથી સમાજ સમક્ષ કેવી રીતે લઈ જઈ શકીએ. આપણું આત્મનિર્ભર અને સંપૂર્ણ સ્વરાજનું સ્વપ્ન એટલા માટે અધૂરું રહી ગયું છે કે આ તરફના પ્રયત્નોમાં સ્વ એટલે કે ભારતબોધને દૂર રાખવામાં આવ્યો છે.
જો કે સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના શાસનમાં આ ક્ષેત્રે પણ પ્રયાસો શરૂ થયા હતા, જેને વર્તમાન સરકાર સુપેરે આગળ વધારી રહી છે. છેલ્લાં સાત વર્ષમાં ભારતના શિક્ષણ ક્ષેત્રના સ્વદેશીકરણની પ્રક્રિયાને વેગ મો છે. સૌ પ્રથમ વખત ભારતમાં ભારત કેન્દ્રિત શિક્ષણ પ્રણાલી દાખલ થઈ છે. ભારતનાં સાચાં સાંસ્કૃતિક મૂલ્યો જેવાં કે યોગ, કલા, સંસ્કૃતિ, ફિલ્મોને સમગ્ર વિશ્ર્વમાં ફેલાવવાના પ્રયત્નો થયા છે. યોગ હાલ વિશ્ર્વ સ્વાસ્થનું પ્રતીક બની રહ્યો છે. ત્યારે એટલું જરૂરથી કહી શકાય કે આપણે સ્વ અને ભારતબોધની યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ, પરંતુ હજુ પણ આપણે ઘણું બધું કરવાનું બાકી છે.
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...