કેવડિયા : કળા, મનોરંજન અને પ્રકૃત્તિના વિવિધ રસોનો આસ્વાદ કરાવતું ‘મલ્ટિપ્લેક્સ’

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ રહેલા વિવિધ સ્થળોની જ્ઞાન- માહિતી, મનોરંજન, પ્રકૃત્તિ, પર્યાવરણ, કળા સહિતના અનેક રસોનો આસ્વાદ કરાવતું જમણ છે. જેમાં નાના ભૂલકાંથી માંડી મોટેરાંઓને પણ મજા આવે છે.

    ૧૭-જાન્યુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

Statue Of Unity in gujarati 
 
- એક તરફ શ્રી યંત્ર આકારમાં રચાયેલી દેશની સૌથી મોટી ભૂલભૂલામણી અહીં જોવા મળશે, તો બીજી તરફ એશિયા, આફ્રિકા અને અમેરિકા ખંડના વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓની ગતિવિધિઓને નજીકથી નિહાળવાનો લહાવો મળશે.
 
- નર્મદા નદીમાં રિવર રાફ્ટિંગ એડવેન્ચર સ્પોર્ટ્સએ સાહસપ્રેમીઓને થ્રીલના સાગરમાં ડૂબકીઓ મરાવી તરોતાજા બનાવશે
 
 
ફિલ્મો જોવાના શોખીનો માટે મલ્ટિપ્લેક્સ એ એક એવું માધ્યમ છે કે જ્યાં વિવિધ ઝોનરની ફિલ્મો જોવા માટે એકસાથે ઘણાં વિકલ્પ મળે. દર્શક વિવિધ વિકલ્પોમાંથી પોતાની ગમતી ફિલ્મ પર પસંદગી ઉતારે. પરંતુ વાત જ્યારે પ્રવાસન સ્થળો વિશે કરવામાં આવે અને ત્યાં બહુવિધ પસંદગીના વિકલ્પવાળી જગ્યા શોધવાની આવે તો ચોક્કસથી વિચારમાં પડી જવાય! પ્રવાસન માટે એક જ જગ્યાએ મલ્ટિપ્લેક્સની જેમ અનેક વિકલ્પો જોઇતા હોય તો ચોક્કસથી કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ રહેલા વિવિધ સ્થળોની મુલાકાત લઇ શકાય. અહીં જ્ઞાન- માહિતી, મનોરંજન, પ્રકૃત્તિ, પર્યાવરણ, કળા સહિતના એકસાથે અનેક રંગો જોવા મળશે.
 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે । Statue Of Unity ।  Narmada ।  kevadia

 
સરદાર પટેલનું જીવન વર્તમાન તેમજ ભાવિ પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે, ત્યારે તેનો ઋણ સ્વીકાર કરવાની ભાવનાથી તેમના સ્મરણભાવ સાથે કેવડિયા ખાતે વિશાળ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું અને તેમની 143મી જન્મજયંતિએ આ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય, આધ્યાત્મિક,ઐતિહાસિક અને તાત્વિક મૂલ્યોનું પ્રતીક છે.
 

Statue Of Unity in gujarati 
 

અન્ય જોવાલાયક સ્થળો | Places to Visit Near Statue of Unity

 
કેવડિયા ખાતે નર્મદા નદીના કિનારે આવેલો આ આખો વિસ્તાર હરિયાળો અને પ્રકૃત્તિથી ભરેલો છે. ત્યારે આ વિસ્તારમાં રણ પર્યાવરણનો અનુભવ કરાવવાના હેતુથી કેકટસ ગાર્ડન ઊભું કરવામાં આવ્યું. આ બોટનિકલ ગાર્ડનમાં થોર અને રસદાર- જાડાં પાંદડાવાળી વનસ્પતિની અસંખ્ય પ્રજાતિઓ, અહીં આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. 25 એકર ખુલ્લી જમીનમાં અહીં 450 પ્રજાતિના 6 લાખથી વધુ છોડ આવેલા છે.
 
શું છે ખાસ – મુખ્યત્વે ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકન ખંડના 17 દેશોના થોરની પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે. રંગીન થોર અને અનોખા ફૂલોથી આચ્છાદિત આ ઉદ્યાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને અભ્યાસની તક પણ પૂરી પાડે છે સાથે પ્રકૃતિના જ્ઞાનને આત્મસાત કરવાનો ઉત્સાહ જગાડે છે.
 
આ ઉપરાંત, અહીં આરોગ્ય વન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, યુનિટી ગ્લો ઓફ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર જેવા અનેક સ્થળો કુદરતની તદ્દન નજીક હોવાનો અહેસાસ કરાવશે.
 

જંગલ સફારી | Jungle Safari

 
જિરાફ, ઝેબ્રા જેવા પ્રાણીઓ જોવા માટે હવે વિદેશના પ્રાણી સંગ્રહાલય સુધી જવાની કોઇ જરૃર નથી. કેમકે, દેશ-વિદેશના વિવિધ પ્રાણીઓ આપણા કેવડિયાના જંગલ સફારીમાં લટાર મારતાં જોવાનો લ્હાવો મળશે. જેમાં એશિયાઇ સિંહ, સફેદ વાઘ, ચિતા, ઝેબ્રા, આફ્રિકાના જિરાફ, ઓસ્ટ્રેલિયાના વાલાબી અને એમુ જેવા વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો મકાઉ, કૉકટૂ, કાળા હંસ, ભૂખરા રંગના પોપટ, જેવા વિદેશી પક્ષીઓ પણ જાણે તમે વિદેશની ભૂમિ પર હોય તે અનુભવથી રૃબરૃ કરાવશે. તમારી ઉંમર ભલે ગમે તેટલી કેમ ના હોય પણ એ પ્રાણીઓને જોતાં જ થોડી જ ક્ષણો માટે તમારી અંદરનો બાળક જીવંત થઇ જશે તે નિશ્ચિત છે.
 
 

Statue Of Unity in gujarati 
 

મુખ્ય આકર્ષણ

 
સહેલાણીઓ અને પક્ષી પ્રેમી માટે એવિયરી મુલાકાત રોમાંચક બની રહેશે. મુલાકાતી અહીં પક્ષીઓની વચ્ચે ચાલીને, નજીકથી તેમની ગતિવિધિઓને નિહાળી શકે છે.
 
જંગલ સફારીની મુલાકાત લેવા માટેનો સમય છે : સવારે 8 વાગેથી સાંજે 5 વાગ્યા સુધી
 

રિવર રાફ્ટિંગ | River Rafting

 
એક તરફ એકતા નગર એ પ્રકૃત્તિ પ્રેમીઓ માટે અનેક દુર્લભ નજારા જોવાની તક પૂરી પાડે છે, તો બીજી તરફ ખલવાણીમાં વિકસાવવામાં આવેલી એડવેન્ચર સ્પોર્ટ્સ સાહસપ્રેમીઓ માટે રોમાંચનો અનુભવ કરાવે છે. 5 કિલોમીટરના વ્યાપમાં પથરાયેલી રિવર રાફ્ટિંગની સફરમાં વ્હર્લપૂલ સહિત 6 રેપિડ્સ તેમજ અન્ય વળાંકો સાહસપ્રેમીઓને થ્રીલના સાગરમાં ડૂબકીઓ મરાવી તરોતાજા બનાવશે
 
 

Statue Of Unity in gujarati 

ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક  | Children Nutrition Park

 
ફાસ્ટફૂડના યુગમાં બાળક સાચા ખોરાક અને પોષણ વિશે માહિતી મેળવી ખોરાક પ્રત્યે સજાગ થાય તે હેતુથી બાળકો માટે આ વિશિષ્ટ પાર્ક ઊભો કરવામાં આવ્યો છે. આ પાર્કમાં કિડ્સ ટ્રેન 600 મીટર ટ્રેકમાં ચાલે છે અને વિવિધ સ્ટોપેજમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મતના કન્સેપ્ટથી ખોરાક વિશે અર્થસભર માહિતી પૂરી પાડે છે.
 
ફળશાક ગૃહમ સ્ટોપેજમાં રોજિંદા જીવનમાં ફળ અને શાકનું મહત્વ સમજાવવામાં આવે છે. પાયોનગરી સ્ટોપેજમાં દૂધ અને તેની પેદાશો સ્વાસ્થ્ય માટે કેટલી લાભપ્રદ છે તેનો મહિમા સમજાવવમાં આવે છે તો અન્નપૂર્ણા સ્ટોપેજમાં ઘરનું જમવાનું કેટલું સ્વાસ્થ્યપ્રદ હોય છે તે અંગે બાળકોને સમજ આપવામાં આવે છે.
 
એનિમેશનની મદદથી ઊભા કરવામાં આવેલ વિવિધ પાત્રો વર્ચ્યુઅલ આસિસટન્ટની મદદથી બાળકોને સાચા પોષણ વિશે માહિતી પૂરી પાડી સ્વસ્થ જીવનશૈલી વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરે છે.
 

શ્રીયંત્રના આકારમાં રચાયેલી ભૂલભૂલામણી 

 
કેવડિયા ખાતે વેલી ઓફ ફ્લાવરની નજીક આવેલો મેઝ ગાર્ડન (ભૂલભૂલામણી)3 એકર જમીનમાં પથરાયેલો છે તેમજ 2100 મીટરનો પાથ- વે ધરાવે છે. આ ગાર્ડન દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન છે.
 

Statue Of Unity in gujarati 
 
 
કેવી રીતે બનાવાઇ છે ભૂલભૂલામણી – આ ભૂલભૂલામણી બનાવવા માટે કુલ 1,80,000 છોડ લગાડવામાં આવ્યા છે. જેમાં ઓરેન્જ જેમિન, મધુ કામિની, ગ્લોરી બોવર અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. સકારાત્મક ઊર્જા આપનાર શ્રીયંત્રના આકાર મુજબ આ ભૂલભૂલામણીને ડિઝાઇન કરવામાં આવી છે. જાણીને નવાઇ લાગશે કે, આ સ્થળ મૂળરૃપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી પરંતુ હવે આખો વિસ્તાર હરિયાળો બની ગયો છે અને હવે અહીં પક્ષીઓ, પતંગિયાનો વસવાટ કરતી વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ પણ બની છે.
 

એકતા ક્રૂઝ | Ekta Cruise

 
નર્મદા નદીમાં વૈભવી ફેરી સર્વિસનો આનંદ પૂરી પાડનાર આ વૈભવી ક્રૂઝ એક તરફ પાણી પર સફર, તો બીજી તરફ હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત પર્વત તો આ તરફ સરદારજીની વિશાળ પ્રતિમાને જોવાનો અનોખો અનુભવ પૂરો પાડે છે. આ ક્રૂઝ સેવા એકસાથે 200 લોકોને આ સફરની મજા કરાવે છે.
 

મોનો હલ બોટ 

 
હાઇ સ્પીડ ધરાવતી આ બોટની પેસેન્જર ક્ષમતા 25 પેસેન્જરોની છે.
 
 

નર્મદા મહાઆરતી

 
 
પૌરાણિક માન્યતા અનુસાર, ગંગા નદીમાં સ્નાન કરવાથી, યમુના નદીના જળ આચમનથી જ્યારે નર્મદા નદીના દર્શન માત્રથી મનુષ્ય પવિત્ર થાય છે. શૂલપાણેશ્વર મંદિરના સાનિધ્યમાં નિર્મિત નર્મદા ઘાટ પર નર્મદા નદીની ભવ્ય આરતી જોવાનો લહાવો પણ અનેરો છે. માં નર્મદાની મહાઆરતીમાં સાધના, આરાધના તેમજ ભક્તિનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. સવારે 7.30 થી 8 વાગ્યા સુધી મહાઆરતીનો અનુભવ લઇ શકાશે. મહાઆરતીમાં મા નર્મદાજીની આરતી અને નર્મદાઅષ્ટકમના ગાનની સાથે, ધૂપ- આરતીથી મા નર્મદાને અર્ધ્ય આપવામાં આવે છે.
 
 

Statue Of Unity in gujarati 

કેવી રીતે જવાશે?  How To Reach

 
 
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને અગવડ ન પડે તે હેતુથી અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ઇકો ફ્રેન્ડલી બસ, ગ્રીન ઓટો સહિત વાહનવ્યવહારની અનેક સેવાઓ ઉપલબ્ધ છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે વડોદરાએ નજીકનું સૌથી મોટું શહેર છે.
 
એર સેવા દ્વારા
 
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા એરપોર્ટ અંદાજે 90 કિલોમીટર દૂર છે. તો વડોદરા એરપોર્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ટેક્સી કે બસ સેવાનો લાભ લઇ શકાશે.
 
ટ્રેન દ્વારા
 
હવે ટ્રેન દ્વારા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 8 ટ્રેનો શરૃ કરવામાં આવી છે. જેમાં દિલ્હી, અમદાવાદ, મધ્યપ્રદેશ, વારાણસી અને મુંબઇ જેવા પ્રમુખ શહેરોને સાંકળતી ટ્રેનો અહીં પહોંચાડે છે.
 
રોડ દ્વારા
 
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અંતર અંદાજે 90 કિલોમીટર છે અને વાયા ડભોઇ રોડથી અહીં સુધી પહોંચી શકાય છે. આ અંતર કાપવામાં બે કલાક જેટલો સમય લાગે છે.
 
સાહસ પ્રેમીઓ માટે રિવર રાફ્ટિંગ, પ્રકૃતિ પ્રેમીઓ માટે વેલી ઓફ ફ્લાવર, એકતા નર્સરી, ધર્મ – અધ્યાત્મમાં રસ ધરાવતા લોકો માટે મા નર્મદાની મહાઆરતીનો અનુભવ, બાળકો માટે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, ડાઇનો ટ્રેઇલ, યુવાનો માટે જંગલ સફારી તો સમગ્ર પરિવાર માટે ક્રૂઝ સેવા - આ તમામ વિકલ્પો એક જ જગ્યાએ મળી રહેશે.
 
 
 - જ્યોતિ દવે